સ્વામી વિવેકાનંદને યુવાશક્તિ પર અડગ વિશ્વાસ હતો

0
2743

 

તાજેતરમાં જ પ્રતિષ્ઠિત બ્રિટિશ ડિક્શનેરી ઓક્સફોર્ડ Youth Quake શબ્દને વર્ષ 2017નો વર્ડ ઓફ યર જાહેર કર્યો. આ શબ્દ ભલે રાજકારણમાં યુવાનોની સક્રિયતા અને સફળતા પૂરતો જ હોય, પરંતુ સર્વગ્રાહી રીતે જોવા જઈએ તો વિશ્વભરમાં તમામ ક્ષેત્રોમાં Youth quake થયો છે. દરેક ક્ષેત્રમાં યુવાનોની સક્રિયતા વધી છે. યુવાનો પરિવર્તનના વાહક બન્યા છે. ચાહે રાજકારણ હોય, બિઝનેસ હોય કે ફિલ્મ, દરેક ક્ષેત્રમાં યુવાનોએ પ્રવેશ કર્યો અને ક્રાંતિ કરી છે.

સ્વામી વિવેકાનંદે 100 કરતાં પણ વધારે વર્ષો પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ કરેલા એક ભાષણમાં કહ્યું હતું કે, મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમનાં પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.

સ્વામી વિવેકાનંદે એમ પણ કહ્યું હતું, મને 100 ચારિત્ર્યવાન, દઢ મનોબળવાળા યુવાનો આપો, હું સમગ્ર રાષ્ટ્રની કાયાપલટ કરી બતાવીશ.

આજે સ્વામીજીનો એ વિશ્વાસ સાચો ઠરી રહ્યો છે. યુવાનોએ ખરેખર પોતાનાં પરાક્રમોથી વિશ્વને બદલી નાખ્યું છે.

સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફક્ત 39 વર્ષ, 5 માસ અને 22 દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમ જ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.

12મી જાન્યુઆરી, 1863માં જન્મેલા સ્વામી વિવેકાનંદનો જન્મદિન એટલે જ યુવાદિન નિમિત્તે ઊજવાય છે. સ્વામીજીની જન્મજયંતી નિમિત્તે વિશ્વભરના પ્રતિભાશાળી, પરિવર્તનકારી યુવાનોની કથા પ્રસ્તુત છે.

સૌથી પહેલાં જાણીએ Youth Quake શું છે ?

યુવાનો રાજકારણ પ્રત્યે ઉદાસીન હોય છે. યુવાનોને રાજકારણમાં તક ઓછી મળે છે એટલે તેજતર્રાર યુવાનો અન્ય ક્ષેત્રો તરફ નજર દોડાવે છે. રાજકારણમાં સફળ થતાં વર્ષો વીતી જાય છે. ત્યાં જૂની પેઢી પગદંડો જમાવીને બેઠી હોય ત્યારે તેજસ્વી યુવાનોને આવા વૃદ્ધોની પગચંપી કરવાનું ફાવતું નથી. જે યુવાનો રાજકારણમાં આવે છે એમનેય સફળ થવા માટે વાળ ધોળા થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે !

અલબત્ત, 21મી સદીમાં આ સ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે. 44 વર્ષની વયે 2009માં બરાક ઓબામા જગત જમાદાર અમેરિકાના પ્રમુખ બની ગયા હતા તો બરાબર 44 વર્ષે જ ડેવિડ કેમેરોન 2010માં બ્રિટનના વડા પ્રધાનપદે તખ્તનશીન થઈ શક્યા હતા. ઇમાન્યુઅલ મેક્રોન 39 વર્ષે આ વર્ષે જ ફ્રાન્સના પ્રમુખ બન્યા હતા.

ભારતમાં વડા પ્રધાન બનવા માટે હજી વૃદ્ધ થવું ફરજિયાત છે! રાજીવ ગાંધી 40 વર્ષની વયે દેશના વડા પ્રધાન બન્યા હતા એ અપવાદને બાદ કરતાં વડા પ્રધાન તરીકે ભાગ્યે જ કોઈ યુવાનેતાને ભારતમાં તક મળી છે. પણ હા, યુવા નેતાઓ ચૂંટાઈને વિધાનસભા-લોકસભામાં બિલકુલ પહોંચે છે એવાં અસંખ્ય ઉદાહરણો મળી રહે છે. એ યુવાનેતાઓ પાછળ ઘણાખરા અંશે વારસાગત રાજકારણ જવાબદાર હોય છે. આપબળે નાની વયે રાજકારણમાં સફળ થનારાં ઉદાહરણો બહુ ઓછાં મળે છે. છતાં રાજકારણમાં હવે યુવાનોની હિસ્સેદારી વધી છે એ વાત તો નક્કી છે.

વૈશ્વિક ફલક પર હોય છે કે પછી ભારતમાં હોય, યુવાનો રાજકારણમાં સફળ થઈ રહ્યા છે તે હકીકત નકારી શકાય તેમ નથી. એક જમાનામાં પીઢ હોવું એ રાજકારણમાં સફળતાની ચાવી લેખાતી હતી. પીઢ નેતાને જ દેશનું કે પક્ષનું સુકાન સોંપાતું હતું, પણ હવે યુવાનેતાઓ જનસમર્થન મેળવતા થયા છે.

યુવાનેતાઓને જે સ્વીકૃતિ મળી રહી છે એ પાછળ વળી યુવા મતદારો જવાબદાર છે. યુવા મતદારો વધી રહ્યા છે. ભારતમાં તો યુવા મતદારો પરિણામો બદલી નાખે એટલા મોટા પ્રમાણમાં છે. ભારતમાં 2014ની લોકસભાની ચૂંટણી એનું સૌથી સારું ઉદાહરણ છે. એવાં ઉદાહરણો અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-જર્મનીમાં પણ એ પછી જોવા મળ્યાં છે.

આ વર્ષે જ યુવા મતદારોએ વિશ્વભરના રાજકારણમાં ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી તેને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત બ્રિટિશ ડિક્શનેરી ઓક્સફર્ડે Youth Quake શબ્દને 2017નો વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે. Youth Quake શબ્દનો અર્થ થાય છેઃ યુવાઓની રાજકીય ક્ષેત્રે જાગૃતિ. Youth Quake શબ્દ1960ની યુથના સંદર્ભમાં વપરાતો આવે છે, પણ આ વર્ષે વિશ્વભરની ચૂંટણીઓમાં યુવાનોની વધતી જાગૃતિ પછી ફરી આ શબ્દ સપાટી ઉપર આવ્યો હતો.ઓક્સફર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે વિશ્વમાં યુવા મતદારોનો વધતો પ્રભાવ જોઈને 2017ના વર્ષના સૌથી પ્રભાવશાળી શબ્દ તરીકે Youth Quake પરપસંદગી ઉતારી હતી.

ઓક્સફર્ડ ડિક્શનેરી વિભાગના પ્રેસિડન્ટ કેસ્પર ગ્રોથવેલે એક નિવેદનમાં કહ્યું હતું કે Youth Quake ખૂબ આશાસ્પદ શબ્દ છે. યુવાનોમાં રાજકીય ક્ષેત્ર પ્રત્યેની જાગૃતિ આગામી સમયના જગત માટે ખૂબ જરૂરી છે. આ શબ્દ બ્રિટનની ચૂંટણી વખતે ચર્ચામાં આવ્યો હતો ને પછી વર્ષભર ક્યાંક ને ક્યાંક તેની ચર્ચા થતી રહી હતી એટલે આખરે તેના પર વર્ડ ઓફ ધ યરની પસંદગી ઉતારાઈ હતી.

ગત વર્ષે યુરોપિયન યુનિયનથી અલગ થવા માટે બ્રિટનમાં થયેલા બ્રેક્ઝિટમાં યુવા મતદારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ એમાંય યુવાનોની સક્રિયતા ઊડીને આંખે વળગે તેવી હતી.

સામાન્ય રીતે યુવા મતદારો ચૂંટણીપ્રક્રિયાથી અળગા રહે છે. યુવાનોની રાજકીય ક્ષેત્ર તરફની ઉદાસીનતા ગંભીર બાબત ગણાતી હતી. છેક 1990 સુધી ભારતમાં જ નહિ, પણ વિશ્વમાં એ સ્થિતિ પ્રવર્તતી હતી. સમયાંતરે શિક્ષણનો વ્યાપ વધ્યો, મતદાન પ્રત્યે જાગૃતિ વધી અને હવે આજે 21મી સદીના પ્રથમ દોઢ દશકામાં સ્થિતિ બહુ જ આશાસ્પદ થઈ ગઈ છે. યુવાનો ન કેવળ મતદાન કરતા થયા છે, પણ પોતાને માફક આવતી વિચારધારાને ખુલ્લું સમર્થન પણ આપતા થયા છે.

કોઈ પાર્ટીનું સમર્થન કરવા માટે યુવાનો રસ્તા ઉપર ઊતરી આવે છે. ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકામાં અસંખ્ય યુવાનો રેલીઓ કાઢતા હતા. માત્ર મતદાન કરીને મુક્ત થવું અને મતદાન કરવા ઉપરાંત સક્રિયતા બતાવવી તેમાં ઘણો ફરક છે. એ ફરક યુવાપેઢી સમજતી થઈ છે. મતદાન કરવાની સાથે સાથે ચૂંટણીના મુદ્દા સમજીને યોગ્ય પક્ષને કે યોગ્ય વ્યક્તિને પસંદ કરવા માટે યુવાનો પરસેવો પાડવા લાગ્યા છે.

યુવાની દુનિયાને બદલી શકે છે એ વાક્ય ઘણાં બધાં ક્ષેત્રોમાં બરાબર લાગુ પડે છે. સિનેમા હોય કે સાયન્સ, સાહિત્ય હોય કે કલા. લેખન હોય કે લડત. ધર્મ હોય કે ઉદ્યોગ. યુવાનો દુનિયા બદલી શકે છે, બદલે છે. હવે એમાં રાજકારણનો પણ ઉમેરો થયો છે. રાજકારણ યાને સત્તા. સત્તા જ પરિવર્તનશીલ નીતિઓ બનાવી શકે છે. જો સત્તામાં યુવાનોનું પ્રતિનિધિત્વ ન હોય તો યૂથને માફક આવે એવી પરિવર્તનશીલ નીતિ બનતાં વાર લાગે છે. યુવાનો રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હોય તે બીજાં ક્ષેત્રોમાં થઈ રહેલું પરિવર્તન પારખીને રાજકારણ મારફતે તેને સમર્થન આપી શકે છે. વિશ્વના પરિવર્તન માટે યુવાનો રાજકારણમાં સક્રિયતા બતાવે તે જરૂરી છે. Youth Quake વર્ડ ઓફ ધ યર જાહેર થાય તે એટલા માટેય મહત્ત્વનું છે કે પરિવર્તનશીલ સક્રિયતાનું પ્રતિબિંબ Youth Quakeમાં બરાબર ઝિલાય છે.

વિશ્વ રાજનીતિમાં યુવાશક્તિ

જૈસિંડા અર્ડર્ન

માત્ર 37 વર્ષની ઉંમરમાં ન્યુ ઝીલેન્ડનાં વડા પ્રધાન બન્યા છે. 150 વર્ષના ન્યુ ઝીલેન્ડના રાજનૈતિક ઇતિહાસમાં સૌથી યુવા વડા પ્રધાન બન્યા છે. તેઓએ ગ્લોબલ વોર્મિંગ અને ગરીબી ઉન્મૂલનનો અવાજ ઉઠાવ્યો અને દેશના યુવાઓને તે સ્પર્શી ગયો.

સેબેસ્ટિયન કુર્જ

ઓસ્ટ્રિયાના 31 વર્ષના નેતા સેબેસ્ટિયન કુર્જ વિશ્વના સૌથી યુવા રાષ્ટ્રાધ્યક્ષ છે. ઓસ્ટ્રિયામાં કન્ઝર્વેટિવ પીપલ્સ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રાધ્યક્ષ તરીકે સેબેસ્ટિયન કુર્જને જાહેર કરતાં દેશના યુવાનોનો જુવાળ તેમના તરફ ઢળ્યો હતો. સેબેસ્ટિયન અગાઉ માત્ર 27 વર્ષની ઉંમરમાં જ સૌથી યુવા વિદેશમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તેમના વિદેશમંત્રીકાળ દરમિયાનના દેખાવને કારણે યુવાઓમાં ખાસ્સા લોકપ્રિય બન્યા હતા.

કિમ-જોંગ-ઉન

નાની ઉંમરમાં સત્તા સંભાળનાર યુવાનેતાઓની યાદીમાં ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ-જોંગ-ઉનનો પણ સમાવેશ થાય છે. તાનાશાહ તરીકે વિશ્વભરમાં બદનામ આ યુવાનેતાને ઉત્તર કોરિયાના યુવાનોનું જબ્બર સમર્થન છે. પોતાના દેશની યુવાશક્તિને જોરે જ તે અમેરિકા સહિત વિશ્વસત્તાઓને લલકારી રહ્યા છે.

જિગ્મેખેસર નામગ્યાલ વાંગચુક

ભૂટાનના પાંચમા રાજા અને વાંગચુક વંશના મુખિયા ભારતના પડોશી દેશ ભૂટાનના રાષ્ટ્રપ્રમુખ છે. માત્ર 37 વર્ષના આ યુવા રાષ્ટ્રપ્રમુખની અહીંના યુવાનોમાં ખાસી લોકપ્રિયતા છે. ભૂટાનના મજબૂત શાસકોમાં તેમની ગણના થાય છે.

લિયો વરાડકર

ભારતીય મૂળના યુવા ડોક્ટરે યુરોપિયન દેશ આયરલેન્ડના વડા પ્રધાન બની ઇતિહાસ રચ્યો છે. માત્ર 38 વર્ષની ઉંમરે તેઓ વડા પ્રધાન બની વિશ્વના સૌથી યુવાનેતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ઇમૈનુઅલ મેક્રો

એક વર્ષ પહેલાં ફ્રાન્સના ઇતિહાસમાં જે સરકાર-વિરોધી દેખાવો યોજાયા હતા તે જ સરકારમાં મંત્રી તરીકે રહેલા ઇમેનુઅલ મેક્રોએ 39 વર્ષની ઉંમરમાં જ ફ્રાન્સની મુખ્ય ધારાના વામપંથી અને ઉદારવાદી પક્ષોને પછાડી ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જીતી ઇતિહાસ સર્જ્યો છે. 2016માં જ તેમણે જનશક્તિ આધારિત અને માર્શો આંદોલનની સ્થાપના કરી અને ફ્રાન્સ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમની જીતમાં અહીંના યુવાઓનું વિશેષ યોગદાન રહ્યું હતું.

મહંમદ બિન સલમાન

સાઉદી અરબના 32 વર્ષના શાહજાદા મહમ્મદ બિન સલમાને પોતાના કટ્ટર ઇસ્લામને કારણે વિશ્વભરમાં વગોવાયેલ સાઉદીમાં આધુનિક અને ઉદારવાદના પ્રાણ ફૂંકી નવી ક્રાંતિ કરી છે. પરંપરાગત શરિયા આધારિત કાયદાઓની સમીક્ષા, મહિલાઓને ડ્રેસકોર્ડમાંથી મુક્તિ, વાહનો ચલાવવાની છુટ્ટી સહિતના અધિકારો આપી સાઉદી અરબના યુવાઓમાં આદર્શ બની ગયા છે.

આ સિવાય પણ યમનના 38 વર્ષના રાજનેતા સાલેહ અલી અલ-સમદ, એસ્ટોનિયાના 39 વર્ષના પ્રમુખ જૂરી રેટસ, યુકેનના 39 વર્ષના વોલોડિમિર ગ્રોજમેન એવા યુવા નેતા છે, જેમણે જે તે દેશની રાજનીતિમાં પ્રવેશી યુવાશક્તિ માટે આ ક્ષેત્રનાં દ્વાર ખોલી નાખ્યાં છે.

આ છે યુવા ભારતના ઉદ્યોગપતિઓ

વીએસએસ માની (જસ્ટ ડાયલ)

માની 1987માં જ્યારે યુનાઇટેડે ડેટાબેઝ ઇન્ડિયામાં કામ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે, માહિતીને લોકો સુધી પહોંચાડવાનો વ્યવસાય થઈ શકે છે. ત્યાર બાદ તેઓએ 1996માં જસ્ટ ડાયલની શરૂઆત કરી. 50 હજારની મૂડી અને છ કર્મચારીઓ સાથે શરૂ થયલી આ કંપનીમાં હાલ 7457 કર્મચારીઓ છે.

રોહિત બંસલ – કૃણાલ બહલ (સ્નેપડીલ)

ફેબ્રુઆરી, 2010માં આઇઆઇટી દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી રોહિત બંસલ અને કૃણાલ બહલે સ્નેપડીલની શરૂઆત કરી હતી. આજે તે દેશની સૌથી મોટી

ઇ કોમર્સ કંપની છે. હાલ તેની પાસે 5 લાખથી વધુ પ્રોડક્ટસ, 8 લાખથી વધુ પુસ્તકો અને 400 અલગ-અલગ શ્રેણીઓની ઓફર પ્રોડક્ટસ છે.

સચિન બંસલ અને બિન્ની બંસલ (ફ્્લિપકાર્ટ)

2007માં આ બન્ને ભાઈઓએ ફ્્લિપકાર્ટની શરૂઆત કરી હતી. પહેલાં તેઓ એમેઝોન ડોટકોમ માટે કામ કરતા કરતા હતા. સાવ નાના પાયે શરૂ થયેલી આ કંપનીમાં આજે લગભગ 4500 લોકો કામ કરી રહ્યા છે. ફ્્લિપકાર્ટ આજે દરેક પ્રકારની સુવિધા આપે છે.

અરુણ ચંદ્રમોહન, પ્રવીણસિંહ અને લક્ષ્મી પોતલુરી (જબોંગ)

જાન્યુઆરી, 2012માં જબાંગની શરૂઆત થઈ હતી. હાલ તે ફેશન અને લાઇફસ્ટાઇલ ક્ષેત્રમાં ખૂબ જ ઝડપથી વિસ્તરતું નામ બની ગઈ છે. પાંચ જ વર્ષમાં આ વેબસાઇટે જબરજસ્ત ગ્રોથ કર્યો છે.

યુએસ મહેન્દર (હટ્ટી કાપી)

2009માં હટ્ટી કાપીની સ્થાપના થઈ હતી. આ કંપનીએ ફિલ્ટર કોફી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું છે. મહેન્દરે દક્ષિણ ભારતમાં સસ્તી કિંમતમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળી, વિશ્વસનીય અને શુદ્ધ ફિલ્ટર કોપી ઉપલબ્ધ કરાવી. ગ્રાહકોના સંતોષને કારણે માત્ર બેંગલુરુમાં જ હાલ તેની 16 શાખાઓ ખૂલી ચૂકી છે, જેમાં એક બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ છે.

નીતિન કામથ (જેરોઘા)

માત્ર 17 વર્ષની ઉંમરમાં વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાં આ યુવાનને મોટું નુકસાન પણ ભોગવવું પડ્યું. છતાં તેણે ઇરાદો ન બદલ્યો. 2010માં રિટેલ કારોબારને સસ્તા દરે મહત્ત્વપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવાના ઇરાદે જેરોઘાની સ્થાપના કરી. કંપની માત્ર 100થી ઓછા યુવાઓની ટીમ મારફત ચાર હજાર કરોડથી વધુનો વ્યવસાય સંભાળે છે.

સૌમિલ મજુમદાર (એડુસ્પોર્ટ્સ)

સૌમિલના એક મિત્રનો દીકરો બહાર રમવા જવાને બદલે ટીવી જોવાનું વધુ પસંદ કરતો હતો. પરિણામે સૌમિલે 2009માં એડુસ્પોર્ટ્સની સ્થાપના કરી. બેંગલુરુથી બહાર સ્થાપિત એડુસ્પોર્ટ્સ દેશભરમાં શાળાઓ સાથે મળી બેસ્ટ-ઈ-ક્લાસ ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ કાર્યક્રમ ચલાવે છે. હાલ એડુસ્પોટ દેશભરમાં 80થી વધુ શહેરોની 400 શાળાના બે લાખથી વધુ બાળકો સુધી પોતાની પહોંચ બનાવી ચૂકી છે.

દીપિંદર ગોયલ, પંકજ ચઢ્ઢા (જોમાર્ટા)

આ એક ઓનલાઇન રેસ્ટોરન્ટ શોધવાની સાઇટ છે, જે ભારત, બ્રાઝિલ, તુર્કી, ન્યુ ઝીલેન્ડ, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, કતાર, ચિલી, પોર્ટુગીઝ, યુએઈ, ઇન્ડોનેશિયા, યુકે, કેનેડા વગેરે દેશોમાં હોમ ડિલિવરી વગેરેની માહિતી આપે છે.

સી. કે. કુમારવેલ (નેચરલ્સ બ્યુટી હેર સલૂન)

સી. કે. કુમારવેલ ચેન્નઈના સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમના સુપરસ્ટાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓએ પોતાના બ્રાન્ડ નેચરલ બ્યુટી એન્ડ હેયર સલૂનને માત્ર આવડતની તાકાત પર શરૂ કર્યું અને તેને ભારતનું સૌથી જાણીતું હેયર એન્ડ બ્યુટી ચેન બનાવી દીધું. હાલ ભારતીય ઉપમહાદ્વીપમાં તેમનાં 300થી વધુ સલૂનછે. ખાસ વાત એ છે કે તેમના તમામ સ્ટોર્સનાં માલિક મહિલાઓ છે.

શંકરાચાર્યથી ડો. હેડગેવાર

પરિવર્તનકારી કાર્યો કરી યુવા ઉંમરમાં જ વિદાય લેનારા પ્રતિભાવાન યુવાન

યુવાનોએ ક્રાંતિ કરી હોય, પરિવર્તન કર્યાં હોય એ વાત ભારત માટે નવી નથી. ઈ. સ. પૂર્વ 509માં જન્મેલા અને ઈ. સ. પૂર્વે 476માં આ ફાની દુનિયાને અલવિદા કરી ગયેલા અદ્વૈત વેદાંતના પ્રણેતા આદિ શંકરાચાર્ય માત્ર 33 વર્ષ જ જીવ્યા, પણ એ યુવા ઉંમરના પગથારે પહોંચતાં તો એમણે સમગ્ર દેશમાં અદ્ભત આધ્યાત્મિક પરિવર્તન કરી નાખ્યું હતું. બીજું બધું જ ભૂલી જઈએ તો પણ એ નાની ઉંમરના જીવનમાં એમણે ભારતવર્ષના ગૌરવસમાન ચાર મઠોની સ્થાપના કરી હતી.

સ્વામી વિવેકાનંદ માત્ર સાર્થક બને છે. શિકાગોની ધર્મ પરિષદમાં તેમણે કરેલું ભાષણ આજેય શિખરે છે. 22મી ઓક્ટોબર, 1873ના રોજ પંજાબના ગુજરાંવાલાર જલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલો તીર્થરામ પણ 33 વર્ષની ઉંમરે 17 ઓક્ટોબર, 1906 દુનિયા છોડી દે છે, પણ એ યુવાન એટલી નાની ઉંમરમાં સ્વામી રામતીર્થ બની ચૂક્યા હોય છે. દેશના યુવાનોને જગાડવાનુ અને ઈશ્વરીય કાર્ય માટે હિમાલયમાં જીવન ગાળી દે છે.

ભારતના મહાન યોદ્ધા શિવાજી મહારાજનું જીવન પણ એટલું જ ટૂંકું હતું. 19મી ફેબ્રુઆરી, 1630માં જન્મ અને 3 એપ્રિલ, 1680ના રોજ મૃત્યુ. માત્ર 50 વર્ષનું અલ્પાયુ. એમાંય ભરયુવાનીમાં એમણે ઓરંગઝેબ અને મુગલ સેના સામે જંગ છેડ્યો. અફઝલ ખાનનો વધ કર્યો, દિલ્હી સલ્તનતને હચમચાવી દીધી અને 34 વર્ષની અલ્પાયુમાં હિન્દુપદ બાદશાહીની સ્થાપના કરી રાજગાદી સંભાળી.

આ યાદીમાં ડો. કેશવરામ બલીરામ હેડગેવારને પણ અગ્ર હરોળમાં મૂકવા પડે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પાયો નાખનારા ડો. કેશવરામ હેડગેવાર 4 એપ્રિલ,1889ના રોજ જન્મ્યા અને 21મી જૂન, 1940ના રોજ અવસાન પામ્યા. તેમનામાં બાળપણથી જ અભૂતપૂર્વ નીડરતા અને રાષ્ટ્રભક્તિ હતી. શાળાકાળથી જ તેઓ દેશભક્તિ માટે અગ્રેસર રહેતા. માત્ર 35 વર્ષની ઉંમરે 1925માં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પાયો નાખ્યો અને હિન્દુસ્તાનમાં નવા વિચારો અને નવી હિંમતનો સંચાર દેશના યુવાનોમાં કર્યો હતો.

ભારતવર્ષ આવી અનેક યુવા પ્રતિભાઓનું સાક્ષી છે, તેથી જ એની હવામાં ઊછરીને મોટા થયેલા આજના યુવાનો પણ એમાંથી પ્રેરણા મેળવે છે.

લેખન-પત્રકારત્વ

પત્રકારત્વ ક્ષેત્ર હવે નવી કલમો, નવા વિચારો લઈને આવ્યું છે. ગુજરાતના જાણીતા અખબારમાં જ અંડર-30 નામે એક કટાર ચાલુ છે, જેમાં 30 વર્ષથી નીચેની ઉંમરના યુવાનોના વિચારો પ્રસ્તુત થાય છે.

ફિલ્મ અને લેખનક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ભારતની યશસ્વી હાજરી નોંધનારા યુવા સર્જકોની પણ કંઈ કમી નથી. યુવા લેખક ચેતન ભગત, અમીષ ત્રિપાઠી, અશ્વિન સાંધીએ કર્યું અને સમગ્ર ભારતના અને વિશ્વના યુવાનોને ડોલાવ્યા.

ગુજરાતના ગૌરવવંતા યુવાઓ

ગુજરાતમાં પણ યુવા પ્રતિભાઓની કમી નથી. દરેકેદરેક ક્ષેત્રે વિશ્વમાં નામના કરનારા અનેક યુવાનો છે. ફિલ્મની જ વાત કરીએ તો ‘કેવી રીતે જઈશ’ નામની અર્બન ફિલ્મ બનાવનાર યુવા સર્જક અભિષેક જૈને વરસોથી મંદ પડેલી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જીવતી કરી વિશ્વભરમાં પોતાનું નામ ગાજતું કર્યું. એ પછી અનેક કલાકારો-દિગ્દર્શકો-સંગીતકારો પણ આવ્યા. મલ્હાર ઠાકર, પ્રતીક ગાંધી જેવા અભિનેતાઓ, સચિન-જિગર, અમિત ત્રિવેદી જેવા સંગીતકારોએ ગૌરવ બક્ષ્યું.

ક્રિકેટરોમાં હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારાનાં નામ અગ્રેસર છે. ગ્રામવિકાસના શિલ્પી અને સમાજસેવી નીલમ પટેલ, લેખનક્ષેત્રે જિજ્ઞેશ દોંગા,નાટ્યક્ષેત્રે વિરલ રાચ્છ જેવાં નામ આગળ આવ્યાં છે. સંગીતક્ષેત્રે ઐશ્વર્યા મજમુદારથી લઈ ભૂમિ ત્રિવેદી સુધીની ગાયિકાઓ, બોલીવુડના ગુજ્જુ પાપારાઝી ફિલ્મ ફેશન-ફોટોગ્રાફર યોગેન શાહ.

સ્નૂકર પ્લેયર આદિત્ય મહેતા, શેરબજારના શેર આશિષ ચૌહાણ, એડ ગુરુ મનીષ ભટ્ટ, ટેક્નોક્રેટ પ્રણવ મિસ્ત્રી, ઉદ્યોગકાર પ્રયાસ્વીન પટેલ, બિલિયર્ડ્સ ક્ષેત્રે રૂપેશ શાહ જેવા ઢગલાબંધ પ્રતિભાશાળી યુવાનો છે, જેમણે વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

… અને અંતે સ્વામીજીનો એ જ સંદેશ જે આજેય સપનાં સાકાર કરી શકે છે

સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. યુવા ઉંમરે આકાશ આંબવાનાં સપનાં સાકાર કરવા માટે આ સંદેશ પથદર્શક બનશે.

લક્ષ-નિર્ધાર

સ્વામી વિવેકાનંદના મતે વ્યક્તિનો ખરેખર જન્મ લક્ષની સાથે જ થાય છે. તેઓ કહેતા હતા કે, જેના જીવનમાં લક્ષ નથી એ તો રમતી ગાતી, હસતી બોલતી લાશ જ છે. જ્યારે વ્યક્તિ પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતી નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ જ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ.

આત્મવિશ્વાસ

જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યક્ત કરવાનું જણાવે છે. શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કેજીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાની-મોટી, સકારાત્મક-નકારાત્મક બધી જ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શક્તિને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.

સમર્પણ

કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ, પરંતુથોડા સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભશૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પરલી ધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.

સંગઠન

વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈ પણ ક્ષેત્રમાં, પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યક્તિગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફ્ટવેરનું, એને જ મહત્ત્વ મળે છે, જે ટીમ સ્પિરિટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવસંસાધન તજ્જ્ઞો આજે એ જ ગુણને મહત્ત્વ આપે છે.

જો વર્તમાન સમયમાં ભારતનાં યુવાનો, સ્વામીજીના બતાવેલા આ યુવાયંત્રો, લક્ષ-નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહિ. સ્વામી વિવેકાનંદની જયંતી આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને સમગ્ર વિશ્વને યુવાશક્તિથી સમૃદ્ધ કરીએ.

 

‘સાધના’ સાપ્તાહિકમાંથી સાભાર.

પ્રતિભાવઃ [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here