સ્વચ્છતામાં સુરતની હરણફાળ છલાંગ, ગત વર્ષે ૧૪ નંબરથી ૨ નંબર પર પહોંચ્યું 

 

સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબર પર આવ્યું છે.  ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા, જેમાં ગુજરાત ચમક્યું છે. ગુજરાતના એક-બે નહિ, પણ ચાર શહેરો ટોપ-૧૦ સ્વચ્છ શહેરોના લિસ્ટમાં સામેલ થયા છે. સ્વચ્છતાના મામલે ગુજરાત રાજ્યએ હરણફાળ છલાંગ લગાવી છે. જેમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરાને ટોપ-૧૦ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. ટોપ-૧૦ લિસ્ટમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ પાંચમાં, રાજકોટ છઠ્ઠા અને વડોદરા ૧૦ ક્રમે રહ્યું છે. ત્યારે આખા દેશમાં બીજા નંબરે આવનાર સુરત શહેરમાં ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી હતી.  

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું છે. સુરત મહાનગરપાલિકામાં કર્મચારીઓને ડે. મેયર દ્વારા મીઠાઈ ખવડાવીને તેની ઉજવણી કરવામાં આવી હતી. સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમા બીજો ક્રમ પ્રાપ્ત કરવા બદલ સુરતના મેયર જગદીશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામને આવકારું છું. ગત વર્ષે સુરત ૧૪મા ક્રમાંકે હતું, ત્યારે અમે હતાશ થયા હતા. પરંતુ આ વર્ષે બીજો ક્રમ અવ્યો છે તેનો આનંદ છે. સુરતના સ્વચ્છતા કર્મીઓ અને જનતાનો પણ આ માટે ખૂબ ખૂબ આભાર. 

એક સમય હતો, જ્યારે સુરતમાં પૂરની ઘટના બાદ આખા શહેરમાં કાદવનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. પરંતુ ખંતીલા સુરતીઓને ફરી બેઠા થતા વાર ન લાગી હતી. તેના બાદ સુરતે ક્યારેય પાછુ વળીને નથી જોયું. સુરત સ્વચ્છતાના તમામ માપદંડ પર ખરું ઉતર્યું છે. કોઈ પણ શહેરના સ્વચ્છતાના માપદંડ માપવા માટે કચરાની શુ વ્યવસ્થા છે તે મહત્ત્વની છે. કચરો કેટલો ઉત્તપન્ન થાય છે અને કઈ રીતે નિકાલ થાય છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ડોર ટુ ડોર ગાર્બેજની કામગીરીમાં ખાસ ધ્યાન રખાય છે. ગાર્બેજમાં નિકાલમાં કેટલું પ્રદુષણ થાય છે તેના પર ફોકસ કરાયું. સ્વચ્છતા સર્વેક્ષણ માટે કેન્દ્ર ટીમ ઉધના અને લિંબાયત વિસ્તારોમાં ફરી હતી. સર્વેક્ષણમાં ૧૦૦માંથી ૨૫ માર્કસના ફીડબેક સિટીઝનના છે. જેમાં સુરતીઓએ સારા ફીડબેક આપ્યા હતા.  

સુરતમાં કચરાના નિકાલ પર સૌથી વધુ ફોકસ કરવામાં આવે છે. આખા સુરત શહેરમાં મોટી કચરાપેટી હટાવીને નાની કચરાપેટી મૂકાઈ છે. જેથી પ્રાણીઓ તેને નુકસાન ન પહોંચાડે અને આજુબાજુ ગંદકી ન થાય. સુરતમાં એકઠો કરાયેલો તમામ કચરો સચીન વિસ્તારમા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોકલી દેવાય છે. કચરાથી પ્રદૂષણ વધુ થાય છે, તેથી જ્લદીમાં જલ્દી કચરો ઉઠાવીને પ્લાન્ટમાં મોકલી દેવાય છે. સાથે જ લોકોને પણ સતત અપીલ કરાય છે કે, ડોર ટુ ટોરમાં કચરો આપો. રોડ પર ન ફેંકો. કારણ કે, શહેરોમાંથી મોટી કચરાપેટી ઉઠાવી લેવામાં આવી છે. સુરત શહેર દેશમાં પહેલું એવું શહેર છે, જ્યાં કચરા પર બગીચો ઉભો કરાયો છે. ખજોટ વિસ્તારમાં કચરામાં બગીચો ઉભો કરાયો છે. અહી આખા સુરત શહેરનો કચરો ભેગો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here