સ્માર્ટ ઈન્ડિયાઃ દેશમાં પહેલીવાર ૨૦ કિલોમિટર લાંબી ઉડાન ભરશે ડ્રોન

Reuters

 

નવી દિલ્હીઃ મંત્રાલયે તેના માટે દેશમાં ડ્રોન સંચાલિત કરતી ૨૦ કંપનીઓને કામ સોંપ્યું છે જે ૧૦૦-૧૦૦ કલાક ડ્રોન ઉડાડી તેનાં પરિણામ સરકારને સોંપશે. હાલ ડ્રોનનો ઉપયોગ વીડિયોગ્રાફી કે પછી સરવે માટે કરાય છે પણ ભવિષ્યમાં તેનો ઉપયોગ દવાઓ, બ્લડ સેમ્પલ જેવી જરૂરી વસ્તુઓની ડિલિવરી કરવા અને રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ કરાશે. તેના માટે ડ્રોન બીવીએલઓએસ (બિયોન્ડ વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈડ) એટલે કે આંખોથી દૂર ઉડાડવાની તૈયારી છે. હાલ વીએલઓએસ(વિઝ્યુઅલ લાઈન ઓફ સાઈડ) એટલે કે જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી ઉડાવાય છે.

ચાલુ મહિનાથી અનેક રાજ્યોમાં ડ્રોનની બીવીએલઓએસ ટ્રાયલ શરૂ થશે. તેમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, એનસીઆર, કર્ણાટક, છત્તીસગઢ, ઉત્તરાખંડ મુખ્ય છે. ડ્રોન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર સ્મિત શાહ કહે છે કે ડ્રોન ૧૦થી ૨૦ કિમીના અંતર સુધી ઉડાડાશે. ફોકસ એરિયા ગ્રામીણ અને પર્વતીય ક્ષેત્ર રહેશે. જરૂરી વસ્તુઓને પહોંચાડવા માટે બે પ્રકારની ટ્રાયલ કરાશે. પ્રથમ રીત એરડ્રોપ કરાશે અને બીજી રીત ડ્રોન લેન્ડિગ કરાવીને થશે. ટ્રાયલ બાદ ડેટા એકત્રિત કરી કંપનીઓ મંત્રાલયને સોંપશે. તેના આધારે સરકાર પોલિસી ઘડશે. મંત્રાલયના સંયુક્ત સચિવ અને ડ્રોન પ્રોજેક્ટના વડા અંબર દુબે કહે છે કે ટ્રાયલનાં પરિણામ સફળ થતાં ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ડ્રોનના માધ્યમથી મદદ મોકલી શકાશે.

ઉડ્ડયન મંત્રાલય ૨૦૧૮ના આદેશ અનુસાર ૨૫૦ ગ્રામથી વધુ વજન ધરાવતા ડ્રોનનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેના આધારે તમામ ડ્રોનને યુનિક કોડ મળે છે. રજિસ્ટ્રેશન એ જ ડ્રોનનું થશે જે ડીજીસીએથી એપ્રૂવ થશે. રજિસ્ટ્રેશન વિના ડ્રોન ઉડાડતાં કેસ નોંધાઈ શકે છે. વર્તમાન સમયમાં દેશમાં બે લાખથી વધુ ડ્રોન છે. તેમાંથી ૨૧ હજારથી વધુ ડ્રોનનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here