સ્ત્રીના મૃત્યુ પછી સ્ત્રીધનની વારસ તેની પુત્રીઓ હોય છે

0
1643

અચલ સંપત્તિ ઉપરાંત જે મિલકતનો સ્ત્રીધનમાં સમાવેશ કરાયો નહોતો તે આ પ્રમાણે છેઃ પિતા, ભાઈ અને પતિ કોઈ વિશેષ અવસરે પહેરવા માટે જે અલંકાર વગેરે આપે તેનો સ્ત્રીધનમાં સમાવેશ કરાયો નહોતો. ઉપરાંત સ્ત્રીને વિવિધ પ્રસંગે સગાંસંબંધીઓ પાસેથી જે ભેટસોગાદો મળે તે સ્ત્રીધન નથી. આ ઉપહારોની માલિકી પતિની રહે છે. એ સિવાય સ્ત્રી શ્રમ કરીને જે કંઈ ધનનું ઉપાર્જન કરે છે તે પણ સ્ત્રીધન નથી. તે ધન પતિની માલિકીનું ગણાય છે. એનો અર્થ એ થયો કે પરાશર સ્મૃતિમાં રજકી કે ધોબણ, ચામડાનું કામ કરનારી ચર્મકારી, પક્ષીઓ મારનારી લુબ્ધકી અને વાંસની ટોકરી બનાવનારી વેણુજીવિની જે કંઈ કમાણી કરતી તે સ્ત્રીધન ગણાતું નહોતું. આ કમાણી પર તેમના પતિનો અધિકાર હતો!

સ્ત્રીની કમાણી ભલે તેના પતિની ગણાતી હોય, પણ સ્ત્રીધન પર તો સ્ત્રીનો જ અધિકાર હતો. તે પોતાની મરજીથી સ્વતંત્રપણે સ્ત્રીધનનો ઉપયોગ, ઉપભોગ અને વહીવટ કરી શકતી. એ અંગે મનુ કહે છે કે સ્ત્રીધન પર માત્ર ને માત્ર સ્ત્રીનો જ અધિકાર છે. જો કોઈ પિતા કે પતિ મોહવશ સ્ત્રીધનનો ઉપભોગ કરે અને સ્ત્રીઓનાં અશ્વ વગરે વાહનો અથવા વસ્ત્રોનો ઉપયોગ કરે તો તે પાપી અધોગતિ પામે છે. અર્થાત્ સ્ત્રીધન પર સ્ત્રીનો જ હક હતો. તેના પિતા કે પતિનો નહિ! જોકે નારદ, કાત્યાયન, યાજ્ઞવલ્ક્યના ટીકાકાર અને મિતાક્ષરાના રચયિતા વિજ્ઞાનેશ્વર તથા દાયભાગના રચયિતા જીમૂતવાદનનો મત થોડો જુદો છે. તેમણે સ્ત્રીધનને બે ભાગમાં વિભાજિત કર્યું. સૌદાયિક અને અસૌદાયિક. એ સંપત્તિ જેના પર સ્ત્રીનું પ્રભુત્વ તેના પતિ દ્વારા નિયંત્રિત હોય તે અસૌદાયિક સ્ત્રીધન કહેવાય છે અને એ મિલકત જેના પર સ્ત્રીનો સ્વતંત્ર અધિકાર તથા પૂરેપૂરી માલિકી હોય એ સૌદાયિક સ્ત્રીધન કહેવાય છે!

આ સૌદાયિક સ્ત્રીધન વિશે કાત્યાયને કહ્યું છે કે, સ્ત્રીઓ જરૂર પડ્યે પોતાનો નિર્વાહ કરી શકે અને તેમની દુર્દશા ન થાય એ માટે આ પ્રકારનું સ્ત્રીધન તેમને સગાંસંબંધીઓ પાસેથી પ્રાપ્ત થાય છે. એવી જ આ ધન પર સ્ત્રીઓની સંપૂર્ણ માલિકી હોય છે. અને તેઓ પોતાની મરજીથી તે ધનનો ઉપયોગ કરી શકે છે. આ સંપત્તિનું વેચાણ કરવાનો કે તેને દાન કરવાનો પણ સ્ત્રીઓને સંપૂર્ણ અધિકાર હોય છે. ત્યાં સુધી કે સૌદાયિક અચલ સંપત્તિ પર પણ સ્ત્રીઓને આ જ પ્રકારનો અધિકાર પ્રાપ્ત થાય છે. સ્ત્રી વિધવા થઈ જાય તો પતિ દ્વારા દેવાયેલી ચલ ભેટસોગાદોનો મન માન્યો ઉપયોગ કરી શકે છે, પણ તે જીવિત હોય ત્યાં સુધી આ સોગાદોનું રક્ષણ કરવું જોઈએ અથવા કુળની રક્ષા માટે તેનો વ્યય કરવો જોઈએ, પરંતુ પતિ, પુત્ર, પિતા કે ભાઈમાંથી કોઈને પણ આ સ્ત્રીધનનો ખર્ચ કરવાની કે તેને વિભાજિત કરવાનો અધિકાર નથી.

કાત્યાયનના આ કથનથી સ્પષ્ટ થાય છે કે હિન્દુ સ્ત્રી સમસ્ત પ્રકારના સ્ત્રીધનનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરી શકે છે. વિધવા હોય તો પતિએ આપેલી અચલ સંપત્તિ સિવાયની તમામ મિલકતની લેવડ-દેવડ કરી શકે છે. સધવા હોય તો માત્ર સૌદાયિક સ્ત્રીધનને સ્વેચ્છાએ ખર્ચી શકે છે. જોકે એકાએક કોઈ આફત આવી પડે તો પતિ સ્ત્રીધન ગ્રહણ કરી શકે છે. પછી પતિએ એ ધન પરત કરવું પડે છે. એ સિવાય કોઈ પણ સંજોગોમાં પતિને સ્ત્રીધનનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. કાત્યાયન કહે છે કે, પતિ, પુત્ર, પિતા કે ભાઈને સ્ત્રીધન ખર્ચ કરવાનો કોઈ અધિકાર નથી. આમાંનું કોઈ પણ બે બળજબરીથી સ્ત્રીધન ગ્રહણ કરે તો તેને દંડિત કરવો જોઈએ. તેણે વ્યાજ સહિત ધન પરત કરવું જોઈએ. જો સ્ત્રીની અનુમતિથી સ્ત્રીધનનો વ્યય કરવામાં આવ્યો હોય તો પણ એ ધન સ્ત્રીને અવશ્ય પરત કરવું જોઈએ.

કાત્યાયન સ્ત્રીધન પરત કરવાના હિમાયતી છે, પણ યાજ્ઞવલ્ક્યનો મત જુદો છે. એ કહે છે કે, દુકાળના સમયમાં કુટુંબનું ભરણપોષણ કરવા માટે, આવશ્યક ધર્મકાર્ય કરવા માટે, કોઈ ગંભીર બીમારી થઈ હોય ત્યારે અને કેદ થવાની સ્થિતિ ઊભી થાય ત્યારે બીજું કોઈ ધન ન હોય એવા સંજોગોમાં પતિ સ્ત્રીધન લઈ લે તો તેને પાછું આપવાની જરૂર નથી, પરંતુ આ સિવાયની અન્ય પરિસ્થિતિઓમાં સ્ત્રીધન લે તો તેને જરૂર પરત કરવું જોઈએ. એ જ રીતે મિતાક્ષરા અનુસાર સામાન્ય સંજોગોમાં સ્ત્રીધનનો ઉપયોગ બાંધવોએ ન કરવો. પરંતુ જો કોઈ કારણસર પતિ સ્ત્રીધન ખર્ચી નાખે તો તે ધન તેણે પાછું આપવું જોઈએ. દેવલ પણ કહે છે કે સ્ત્રીધનનો ઉપયોગ સ્ત્રી સ્વયં કરે. પતિ આપત્તિકાળમાં તેનો ઉપયોગ કરી શકે છે, પણ જો પતિ અકારણ તેનો ઉપયોગ કરે તો તે ધન તેણે વ્યાજ સહિત પરત કરવું જોઈએ. ઉપરાંત પતિએ સ્ત્રીને સંપત્તિના રૂપમાં કંઈ આપવાનું વચન આપ્યું હોય અને એ વચન પૂરું કર્યા વિના જ પતિનું મૃત્યુ થાય તો શું કરવું તેનું માર્ગદર્શન પણ સ્મૃતિકારોએ કર્યું છે. કાત્યાયન કહે છે કે એ સ્ત્રી પરિવાર સાથે જીવન જીવતી હોય તો તેના પુત્રોએ પિતાએ નક્કી કર્યા પ્રમાણેની ધનરાશિ આપવી જોઈએ, પરંતુ જો એ સ્ત્રી દુરાચારી હોય અને અભદ્ર તથા અનુચિત કાર્યોમાં સંપત્તિ વેડફતી હોય તો તેને સ્ત્રીધન પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. આ પરિસ્થિતિમાં તેનું સ્ત્રીધન છીનવી લેવું જોઈએ. પણ આ સિવાયના સંજોગોમાં સૌદાયિક સ્ત્રીધન પર સ્ત્રીનો જ અધિકાર છે!

સૌદાયિક સ્ત્રીધનનો એક પ્રકાર છે, જ્યારે અસૌદાકીય બીજો પ્રકાર છે. સૌદાયિક પર સ્ત્રીઓ સંપૂર્ણ અધિકાર છે, જ્યારે અસૌદાયિક પતિ દ્વારા નિયંત્રિત સ્ત્રીધન છે. કાત્યાયનના મતે આ સ્ત્રીધન બે પ્રકારનું હોય છે. પહેલું એ જે સ્ત્રી સીવણ, કાંતણ, ભરતગૂંથણ કે અન્ય પ્રકારના શ્રમ અર્જિત કરે છે. બીજું એ જે માતા, પિતા, પતિ અને અન્ય સંબંધીઓ પાસેથી ભેટસ્વરૂપે પ્રાપ્ત થયું હોય. આ બન્ને પ્રકારના સ્ત્રીધન પર સ્ત્રીની માલિકી હોવા છતાં તે પતિ દ્વારા નિયંત્રિત છે. એ અંગે જીમૂતવાદને નોંધ્યું છે કે, ‘સંકટનો સમય ન હોય તો પણ પતિ આ ધનનો ઉપયોગ પોતાની મરજી પ્રમાણે કરી શકે છે. તેથી એ ધન સ્ત્રીની સંપત્તિ હોવા છતાં તે સ્ત્રીધન નથી. કારણ કે સ્ત્રીને તેનો વહીવટ કરવાની સ્વતંત્રતા નથી. આ ધન પર પતિ સિવાય કોઈનો અધિકાર હોતો નથી. પણ પતિના મૃત્યુ પછી સ્ત્રી આ પ્રકારના અસૌદાયિક ધનનો મનમાન્યો ઉપયોગ કરી શકે છે.
અસૌદાયિક ધનની આ પ્રકારની વ્યવસ્થા સાથે કેટલાંક કારણો જોડાયેલાં હતાં. એ વિશે ડો. મીનાએ નોંધ્યું છે કે, ‘ આ જોગવાઈનો એવો અર્થ થાય કે કુંવારી કન્યાને અથવા તો વિધવાને અન્ય લોકો પાસેથી જે ઉપહારો પ્રાપ્ત થાય તે તેનું સ્ત્રીધન કહેવાય છે. અને તે તેનો સ્વેચ્છાએ વહીવટ કરી શકે છે, પરંતુ કોઈ સ્ત્રી સધવા હોય ત્યારે તેને સંબંધીઓ દ્વારા અપાયેલી ભેટસોગાદો તેનું સ્ત્રીધન કહેવાતી નથી અને એ સ્ત્રી પોતાના કૌશલ્યથી જે કંઈ કમાણી કરે તે પણ સ્ત્રીધન મનાયું નથી. તેનું કારણ એ હતું કે હિન્દુ પત્નીનું સર્વસ્વ તેનો પતિ મનાયો છે. પતિ પત્નીના પૂરા સમયનો સ્વામી મનાયો છે. એટલે પત્ની થોડોક સમય કાઢીને પરિશ્રમ કરીને કે પોતાના હુન્નરથી ધન ઉપાર્જન કરે તો તે પતિનું જ ગણાય. હિન્દુ સ્ત્રીના વિવાહ પછી તે પતિનું અભિન્ન અંગ બની જાય છે. તેથી અન્ય સંબંધીઓ સાથે તેનું સ્વતંત્ર અથવા તો પતિથી અલગ કહેવાય તેવું સગપણ રહેતું નથી. આ જ કારણોસર તેમના તરફથી મળતા કોઈ પણ પ્રકારના ધન કે ઉપહારો પર સ્ત્રીની સ્વતંત્ર માલિકી હોતી નથી અને આ ધન પતિનું ગણાય છે.

અસૌદાયિક ભલે પતિનું ગણાતું હોય, પણ સ્ત્રીના મૃત્યુ પછી તે તેના સ્ત્રીધનનો ઉત્તરાધિકારી નથી. સ્ત્રીના મૃત્યુ પછી સ્ત્રીધનની વારસ તેની પુત્રીઓ હોય છે. ગૌતમના મતે સ્ત્રીનું ધન તેની અવિવાહિત દીકરીઓને મળવું જોઈએ. જો અવિવાહિત કન્યા ન હોય તો ગરીબ વિવાહિત કન્યાને અને તે પણ ન હોય તો શ્રીમંત વિવાહિત કન્યા સ્ત્રીધન લઈ શકે છે. એ જ રીતે બૌધાયન અનુસાર માતાને પરંપરાગત રીતે મળેલા અલંકાર અને અન્ય વસ્તુઓ પુત્રીઓ જ પ્રાપ્ત કરી શકે છે. વસિષ્ઠના મતે વિવાહમાં માતાને મળેલા ઉપહારોનું વિભાજન તેની પુત્રીઓમાં જ કરવું જોઈએ. આ વ્યવસ્થા સાથે એક કારણ જોડાયેલું હતું. તે એ કે સ્ત્રીધન અંતર્ગત મુખ્યત્વે આભૂષણ વગેરે સ્ત્રીઓને ઉપયોગી હોય એવી સામગ્રીનો જ સમાવેશ થતો હતો તેથી તે કન્યાઓને મળે તે ઉચિત હતું. બીજું, પિતાની સંપત્તિ ઉત્તરાધિકારમાં પુત્રોને પ્રાપ્ત થતી.

પુત્રીઓ તેનાથી વંચિત હતી. આ સંજોગોમાં પુત્રીઓને તેમની માતાનાં અલંકારો આપવાં એ તેમના પ્રત્યેના પ્રેમની અભિવ્યક્તિ હતી. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here