સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો

 

સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને શિક્ષણમંત્રીની હાજરીમાં યોજાયો હતો. કોરોનાની ગાઈડલાઈન સાથે ૧૫૦ લોકોની ઉપસ્થિતિમાં જ યોજાયેલા દીક્ષાંત સમારોહમાં જુદી જુદી વિદ્યાશાખાના ૧૦૮ વિદ્યાર્થીઓને ૧૨૭ સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા. 

શિક્ષણમંત્રીના હસ્તે જ પદવી અને મેડલ આપવાને બદલે મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો મેડલ અને ડિગ્રી એનાયત કરવા લાગ્યા હતા. તમામ ડીનને પોતપોતાની ફેકલ્ટીના વિદ્યાર્થીઓને બોલાવવા અને ઉદ્દબોધન કરવાને બદલે એક જ ડીને તમામ પ્રક્રિયા કરી દીધી હતી. કાર્યક્રમના અંતમાં પ્રોટોકોલ મુજબ રાજ્યપાલની આભારવિધિ અને રાષ્ટ્રગાન બાદ જ તેમને કાર્યક્રમમાંથી વિદાય આપવાને બદલે સીધી જ વિદાય આપી દેવામાં આવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત શ્ર્લોકનો અર્થ સમજાવતા કહ્યું કે, જે દુનિયામાં આપણે આવ્યા છીએ તે પરિવર્તનશીલ છે, આપણે જન્મ લીધો છે ત્યારે મૃત્યુ પણ નિશ્ર્ચિત છે. પરંતુ ધન્ય થાય છે એ લોકો જે જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયનો સદુપયોગ માનવતાની ભલાઈ માટે કરે છે, દીનદુ:ખીઓની સેવા માટે કરે છે, પરોપકાર માટે કરે છે, બીજાના કલ્યાણ માટે કરે છે. એવા કર્મ કરીને જે પોતાના કુળનું ગૌરવ વધારે છે, પોતાનું જીવન સાર્થક કરે છે, સાચા અર્થમાં તેમનું જીવન જ ધન્ય થાય છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, યુવાનો પોતાના કાર્યક્ષેત્રને સીમિત ન રાખે, પરંતુ નવા વિચારો, સકારાત્મક અભિગમ સાથે સમાજ કલ્યાણ માટે સતત વિસ્તરતા રહેવા અને ગ્લોબલ ર્વોમિંગ, નશાખોરી, સ્ત્રીભ્રૂણ હત્યા જેવા દૂષણને નાથવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. 

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું, ભારતમાં અમલી બનાવાયેલી નવી શિક્ષણનીતિનો લાભ લઇ બદલાતા સમય પ્રમાણે યુવાનોને તેમની કારકિર્દીનું ઘડતર કરવા અનુરોધ કર્યો હતો. સરકારની સ્ટાર્ટઅપ પોલિસીનો લાભ લઈ રાજ્યના વિકાસમાં સહભાગી થવા તેમણે યુવાનોને ખાસ અનુરોધ કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ કમનસીબી એ છે કે, આ બે વર્ષ દરમિયાન ખુદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ‘એ’ ગ્રેડમાંથી ગગડીને હવે ‘બી’ ગ્રેડ થઇ છે. વર્ષ ૨૦૨૦માં અંદાજિત ૬૫ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતા, જ્યારે હાલ યોજાયેલા પદવીદાન સમારોહમાં ૧૦૮ વિદ્યાર્થીઓને ૧૨૭ ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. 

અગાઉના યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓના માર્કશીટ અને ડિગ્રીમાં ‘એ’ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લખાયું હતું, જ્યારે હવેના તમામ વિદ્યાર્થીને અપાયેલી માર્કશીટ અને ડિગ્રીમાં ‘બી’ ગ્રેડ પણ લખવામાંં આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here