સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી : જામનગરમાં ૧૦.૫ અને રાજકોટમાં ૧૧ ડિગ્રી

 

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છના વાતાવરણમાં છેલ્લા બે દિવસમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં કોલ્વડવેવની આગાહી કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ઠારનો કહેર છવાતા નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. સૌરાષ્ટ્રમાં જામનગરમાં ૧૦.૫ અને રાજકોટમાં ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટમાં ફૂંકાયેલા બર્ફીલા પવનને કારણે લઘુતમ પારો બે ડિગ્રી ગગડી ગયો હતો. જ્યારે નલિયા સતત ત્રીજા દિવસે સિંગલ ડીઝીટમાં નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડા પવનો ફૂંકાતા લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. ઠારના કારણે રાજકોટ શહેરનું તાપમાન બે ડિગ્રી સુધી ગગડીને ૧૧ ડિગ્રી નોંધાયું છે.

રાજકોટ ઉપરાંત કડકડતી ઠંડીનો અહેસાસ જામનગરમાં થયો હતો અને મૌસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. આજે તાપમાનનો પારો ૧૦.૫ ડિગ્રી રહ્યો હતો જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના ૨૦થી ૨૫ કિ.મી.ની રહી હતી. આ ઉપરાંત જૂનાગઢનું તાપમાન ૧૩.૪ નોંધાયું છે તો ગિરનાર ઉપર પારો સીંગલ ડિઝીટમાં પહોચ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ભાવનગરમા આજે શહેરનું લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠાર વધવાના કારણે નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. તેમજ ઠંડી ઉડાડવા માટે તાપણાનો તેમજ ગરમવસ્ત્રોનો સહારો લેવો પડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here