સોશિયલ મિડિયા શસ્ત્રાગારઃ ડેટાચોરી મુદ્દે ભારત અને અમેરિકામાં વિવાદ

0
1036
ભારતીય મતદારો

વોશિંગ્ટનઃ સોશિયલ મિડિયા જાણે હવે શસ્ત્રાગાર બની ગયું હોય તેમ લાગે છે. ડેટાચોરીના મુદ્દે ભારત અને અમેરિકામાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. ડેમોક્રેટિક ચૂંટણીઓમાં ખાનગી ડેટાના ઉપયોગના કારણે કેટલાક નિષ્ણાતો વધુ કડક નિયમોની માગ કરી રહ્યા છે.
હાલમાં અમેરિકાની જેમ રાજકારણીઓ, ચળવળકર્તાઓ, ટેક્નોલોજિસ્ટો, મતદારોનો ડેટા પણ લીક થઈ રહ્યો હોવાના અહેવાલો મળ્યા છે. ચૂંટણીઓમાં વિદેશની સંડોવણી ભારતમાં નવી વાત નથી.
ભારત જેવા ઊભરતા દેશોમાં કોલ્ડ વોર દરમિયાન માહિતીમાં ઘાલમેલ કરવાના કેજીબી અને સીઆઇએ વિરુદ્ધ આક્ષેપો થયેલા છે.
સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા ફેસબુકના પ્રાઇવસી ડેટાના ઉપયોગ મુદ્દે વિવાદ ઊભો થયો છે. સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લિમિટેડ કેમ્બ્રિજ એનેલિટિકાની પેરન્ટ કંપની અને તેની ઇન્ડિયા પાર્ટનર છે, જેણે ભારતમાં ચૂંટણી દરમિયાન ઘણાં વર્ષો કામગીરી કરી છે. કેન્દ્ર સરકારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને નોટિસ જારી કરી વપરાશકારોની માહિતી લીક થવાના મુદ્દે જવાબ માગ્યો હતો અને અંગત માહિતીના દુરુપયોગને રોકવા અને તેની સુરક્ષા જાળવવા કયાં પગલાં લીધાં તેની માહિતી માગી છે. આ માટે ફેસબુકને પોતાનો જવાબ સાતમી એપ્રિલ, 2018 સુધી આપવાનો રહેશે.
સિલિકોન વેલી આઇટી નિષ્ણાત-એનલિસ્ટ વિવેક વાધવાએ જણાવ્યું હતું કે આ શસ્ત્રાગાર સોશિયલ મિડિયા છે. આપણા પર સતત જાસૂસી થઈ રહી છે તે દર્શાવે છે કે ફેસબુક પાસે ડેટા છે અને કેમ્બ્રિજ એનેલિટિકા જેવી કંપનીઓ તેનો ઉપયોગ ખરાબ વર્તન માટે કરી શકે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં 66.4 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. મતદારોના આ ડેટાની ખાનગી માહિતી ફોરેન અથવા ડોમેસ્ટિક કંપનીઓ દ્વારા લીક થવાની ઘટના ગંભીર છે. ખોટા હાથમાં આ માહિતી જાય તો તેનો દુરુપયોગ થવાની શક્યતા વાધવા જેવા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

ન્યુ યોર્ક સિટીના ભૂતપૂર્વ ચીફ ડિજિટલ ઓફિસર અને સોશિયલ મિડિયા કન્સલ્ટન્ટ શ્રીનાથ શ્રીનિવાસને જણાવ્યું હતું કે જે કંઈ થઈ રહ્યું તે આશ્ચર્યજનક છે. વેબની ક્રાન્તિના આ સમયગાળામાં ફેસબુક જેવી કંપનીઓ સહિત સોશિયલ મિડિયાએ કેવી રીતે કામગીરી કરવી તે શીખવા જેવું છે. આ કેવું ખતરનાક સાબિત થઈ શકે છે!
યુકેની અગ્રણી સોફ્ટવેર કંપની સેજમાં એઆઇના વાઇસ પ્રેસિડન્ટ ક્રીતિ શર્માએ એઆઇમાં માનવ પક્ષપાતો વિશે પબ્લિક રેડિયો ઇન્ટરનેશનલ બ્રોડકાસ્ટમાં ચેતવણી આપી છે.

પાંચ કરોડ યુઝર્સનો ફેસબુક ડેટા લીક થયાની ઘટનાના પડઘા ભારતમાં પણ પડ્યા છે. કેમ્બ્રિજ એનેલિટિકા નામની એક કંપનીએ ફેસબુકમાંથી લોકોનો ડેટા ચોરીને તેનો ઉપયોગ કર્યો હોવાના સમાચારે હલચલ મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે કેમ્બ્રિજ એનેલિટિકા વિશે ચર્ચા છે કે તેણે ફેસબુક ડેટા સાથે ચેડાં કરીને અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરી હતી. ફેસબુકે આ મામલે એક ડિજિટલ ફોરેન્સીસ એજન્સીને પણ તપાસ સોંપી છે.
ભારતના કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકને ચેતવણી આપી છે કે જો આવી ફરિયાદ ભારતના સંદર્ભમાં મળશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે તો ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) માર્ક ઝુકરબર્ગને પણ ભારત બોલાવવામાં આવશે.

રવિશંકર પ્રસાદે કહ્યું કે અખબારી અહેવાલો મુજબ કેમ્બ્રિજ એનેલિટિકા ભારતમાં કોંગ્રેસ પક્ષના સંપર્કમાં હતી અને રાહુલ ગાંધી માટે વ્યૂહરચના તૈયાર કરવાની કામગીરીમાં સમાવિષ્ટ હતી. એવા પણ અહેવાલો મળ્યા છે કે કેમ્બ્રિજ એનેલિટિકાના ભૂતપૂર્વ સીઈઓ વિપક્ષના અનેક નેતાઓને મળ્યા હતા અને 2019ની લોકસભાની આગામી ચૂંટણીની ભાવિ રણનીતિ તૈયાર કરવામાં તેમને મદદ કરી રહ્યા હતા.
રવિશંકર પ્રસાદના આક્ષેપોને નકારતાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે કેમ્બ્રિજ એનેલિટિકા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. ખરેખર તો ભાજપે તેનો ઉપયોગ કર્યો છે.
કોંગ્રેસનો આરોપ છે કે 2010ની બિહાર વિધાનસભાની ચૂંટણી સહિત ચાર રાજ્યોની ચૂંટણીમાં આ કંપનીની સેવા લેવામાં આવી હતી.

ફેસબુકના ડેટાનો ગેરકાયદે ઉપયોગ કરવાના આરોપમાં ફસાયેલી કેમ્બ્રિજ એનેલિટિકા પાસે ભારતના 600 જિલ્લા અને સાત લાખ ગામડાંનો ડેટા હોવાના અહેવાલ મળ્યા છે. કંપનીએ દસ રાજ્યોની માહિતી વિવિધ રાજકીય પક્ષોને વેચી હોવાનું જાણવા મળ્યું છે. ભારતમાં તે સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લેબોરેટરી (એસસીએલ) દ્વારા સક્રિય હતી. 2003થી 2013 દરમિયાન લોકસભા સહિત આઠ ચૂંટણીમાં તેણે કામગીરી કરી હતી અને પક્ષોને ડેટા વેચ્યા હતા તેમ કંપનીના ભૂતપૂર્વ રિસર્ચ હેડ ક્રિસ્ટોફર વાયલીએ જણાવ્યું હતું તેમણે આ મામલે કોંગ્રેસ અને જનતા દળ યુનાઇટેડનાં નામ લીધાં હતાં.

સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ લેબોરેટરી (એસસીએલ) ઇન્ડિયા એ બ્રિટનની એસસીએલ યુકે તેમ જ જનતા દળ યુનાઇટેડના નેતા કે. સી. ત્યાગીના પુત્ર અમરીશની કંપની ઓવેલનો બિઝનેસ ઇન્ટેલિજન્સ પ્રા. લિ.નું સંયુક્ત સાહસ છે, જે ભારતમાં સર્વે કરી રાજકીય પક્ષોને ડેટા વેચવાની કામગીરી કરે છે. તેની રચના 2011માં થઈ હતી અને કાનપુરમાં નોંધણી થઈ હતી. અમદાવાદ, બેંગલોર, કટક, ગાઝિયાબાદ, ગુવાહાટી, હૈદરાબાદ, ઇન્દોર, કોલકાતા, પટના, પુણેમાં તેની ઓફિસો છે.
2012માં કંપનીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અગાઉ જાતિઆધારીત વસતિગણતરી કરીને ડેટા મેળવ્યો હતો અને એક રાષ્ટ્રીય રાજકીય પક્ષને આપ્યો હતો. 2011માં કંપનીએ રાજ્યમાં 20 કરોડ મતદારોનો જાતિઆધારીત સર્વે કર્યો હતો. આથી જે પક્ષે માહિતી મેળવી હતી તેને ચૂંટણીવ્યૂહ ઘડવાનો ફાયદો થયો હતો. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here