સુપ્રીમ કોર્ટે દેશનું નામ ઈન્ડિયાને બદલે ભારત કરવાની પિટિશન પર વિચારણા કરવાની સાફ ના પાડી દીધી..

 

     સુપ્રીમ કોર્ટે દિલ્હીના શખ્સે કરેલી જનહિતની યાચિકા પર વિચારણા કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. દિલ્હીમાં વસતા ખેડૂત નમહને સુપ્રીમ કોર્ટમાં જનહિત હેતુ દાખલ કરેલી પિટિશનમાં માગણી કરી હતીકે, નામદાર અદાલત દેશનું નામ ઈન્ડિયા બદલીને ભારત રાખવાની કેન્દ્ર સરકારને આદેશ આપે. અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા 200થી વધુ વરસો સુધી દેશ પર અંગ્રેજોનું શાસન રહ્યું હતું. ઈન્ડિયા નામ અંગ્રેજોએ આપેલું છે. એ ગુલામીનું પ્રતીક છે. આપણે આપણો પ્રાચીન ઈતિહાસ ભૂલવો ના જોઈએ. 

 નામદાર અદાલતે જણાવ્યું હતું કે, આપણા સંવિધાનમાં પહેલેથી જ દેશને ભારત કહેવામાં આવ્યો છે. અરજદારે પોતાની અરજી કેન્દ્ર સરકારને – સંબંધિત મંત્રાલયને મોકલવી જોઈએ. સરકાર નક્કી કરશે કે એણે શું કરવું જોઈએ. 

  1948માં ભારતીય સંવિધાનના આર્ટિકલ-1 પરના પ્રસ્તાવ પરની ચર્ચા કરતાં એમ. અનંતશયનમ આયંગરે અને શેઠ ગોવિંદદાસે દેશનું નામ ઈન્ડિયા રાખવાનો જોરદાર વિરોધ કર્યો હતો. તેમણે દેશનું નામ ભારત, ભારતવર્ષ કે હિંદુસ્તાન રાખવાની ભલામણ કરી હતી. તે સમયે એમના વિરોધ અને ભલામણ પર કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહોતું. હવે આ ભૂલને સુધારવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપવો જોઈએ એવી માગ ઉપરોકત અરજદારની અરજીમાં કરવામાં આવી હતી.. 

         દેશનું નામ ઈન્ડિયા બદલીને ભારત રાખવાની માગણી અનેકવાર અનેક લોકોએ કરી છે . જૈન સંત આચાર્ય વિધાસાગર ઈન્ડિયા નામ અંગે સવાલ ઊઠાવી રહ્યા છે તેમના જાહેર પ્રવચનોમાં પણ વારંવાર દેશનું નામ ભારત રાખવાની હિમાયત કરે છે. 2017થી તેઓ દેશવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે ભારત બને ભારત નામની યુ- ટયુબ ચેનલ પર શરૂ કરી છે. 

    તેઓ કહે છે કે, ગુડગાવનું નામ ગુરુગ્રામ, સિલોનનું નામ શ્રીલંકા , અને મદ્રાસનું નામ ચેન્નાઈ કરવામાં આવે છે, તો ઈન્ડિયાનું નામ ભારત કરવામાં શું સમસ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here