સુગંધ નહિ પણ દુર્ગંધ આવે છે એવાં ફૂલો

0
1598

ફૂલ શબ્દ કાને પડતાં તરત જ આપણા મનમાં બીજો એક શબ્દ ઊગી આવે છે, તે છે સુગંધ. કેમ કે સુગંધ અને ફૂલ એ બે એકબીજાની સાથે સંકળાયેલાં છે. તેમને જુદાં પાડવા અશક્ય છે, પરંતુ બધાં જ ફૂલો કંઈ સુગંધીદાર નથી હોતાં. કેટલાંક ફૂલો એવાં પણ છે જેમાંથી સુગંધ નહિ, પણ દુર્ગંધ આવે છે.

ટાઇટન એરમઃ (મડદાનું ફૂલ) બદબોદાર ફૂલોની યાદીમાં સૌથી મોખરે છે ટાઇટન એરમ. સૌથી મોટા ફૂલ તરીકે પણ તેની ગણના થાય છે. આ ફૂલ એક નહિ, પણ એકસાથે ફૂલોના ગુચ્છા હોય છે. ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર આ ફૂલ જોવા મળે છે. વિશાળકાય આ ફૂલ દસ ફૂટ ઊંચાં થાય છે. આ ફૂલને મડદાના ફૂલ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે કોહવાઈ ગયેલી લાશમાંથી જેવી દુર્ગંધ આવે એવી જ દુર્ગંધ એમાંથી આવે છે, તેથી તેને ગંધાતા ફૂલ તરીકે નવાજવામાં આવ્યું છે.
સ્ટાપેલિયા માઇજેન્ટિયાઃ સુંદર તારા જેવા દેખાતા ફૂલની પાસે જવાની ઇચ્છા થાય, પણ તેની પાસે જાવ કે તરત જ નાક આગળ હાથ મૂકવો પડે. દક્ષિણ આફ્રિકામાં થતા આ ફૂલ પર સફેદ ઝીણી રુવાંટી હોય છે. કેકટસની જેમ આ ફૂલની દાંડી ચાર બાજુ ધરાવે છે. આ ફૂલ ગંધાતા માંસ જેવી બદબૂ છોડનારું છે. રળિયામણા રૂપથી પ્રેરાઈને ખેડૂતો તેને ખુલ્લા વિસ્તારમાં જ ઉછેરે છે, જેથી તેની ગંધ ઓછી થાય.


ડ્રેગન ક્યુલસ વલ્ગટિસઃ ડ્રેગન એરમ અને વુડુ લીલી તરીકે ઓળખાતું આ ફૂલ દેખાવે ખૂબ સુંદર છે. ગાઢ ગુલાબી રંગની પાંદડી વચ્ચે જાંબલી ને કાળા રંગનો પુષ્પદંડ હોય છે. સુંદરતા કરતાં દુર્ગંધવાળા તરીકે આ ફૂલ વધુ કુખ્યાત છે. આ ફૂલ ગ્રીસ અને અમેરિકામાં ઊગતાં હોય છે. દરિયાકિનારાના પ્રદેશો વોશિંગ્ટન, કેલિફોર્નિયા અને ઓરેગોનમાં આ ફૂલ જોવા મળે છે.
બ્રાઝિલિયન ડચમેન્સ પાઇપઃ મોટા નામવાળા આ ફૂલનાં પણ દર્શન ખોટાં છે. રૂપાળાં દેખાતાં આ ફૂલની નજીક જતાં ઉંદરની લીંડી કે પ્રાણીની હગાર જેવી દુર્ગંધ આવે. બ્રાઝિલમાં જોવા મળતું આ ફૂલ વિકસ્યા પછી 8થી 10 ફૂટ ઊંચું અને પાંચ ફૂટ પહોળું થઈ શકે છે. સુંદર રંગ અને ચમકદાર પાંખડીઓને કારણે મધમાખી, પતંગિયાં અને પક્ષીઓ તેના તરફ આકર્ષાય છે.


કેરબ ટ્રી ફ્લાવરઃ કેરબ એટલે એક પ્રકારની સીંગ. વિશ્વના ઘણા પ્રદેશોમાં કેરબ ટ્રી જોવા મળે છે. આ ફૂલ લાલ અને પીળા રંગના ગુચ્છામાં જોવા મળે છે. આ ફૂલમાંથી માણસના મૂત્ર અને વીર્ય જેવી ગંધ મારે છે. જોકે ફૂલની સીંગના ભાવ ખૂબ જ ઊંચા બોલાય છે. આ ફૂલની સીંગમાંથી ઇરસેટ્સ નામની ચોકલેટ બનાવાય છે. મોટા ભાગે તેની માગ હોવાથી ખેતી થાય છે.
એરમ ડિયોસ્કોરિડિસઃ મૂળ સાયપ્રસ, ગ્રીસ ને મધ્યપૂર્વના દેશોમાં ઊગતા આ ફૂલની પાંખડીઓ તેના પુષ્પદંડની આસપાસ ટોપીની જેમ વળી જાય છે. ઘેરો લીલો કે જાંબુડિયો રંગ અને ટપકાંવાળી પાંદડીઓ ધરાવતું આ ફૂલ દેખાવમાં સુંદર લાગે છે, પણ તેમાંથી છાણ અને સડેલા માંસની ભેળસેળવાળી ગંધ આવે છે. આ ફૂલ ઉનાળામાં સુષુપ્ત અને શિયાળામાં ખીલે છે. 70 સે.મી. ઊંચું અને 60 સે.મી. પહોળું થઈ શકે છે.


ડેડ હોર્સ એરમ લીલીઃ આ ફૂલમાંથી મરેલા ઘોડા જેવી ગૂંગળાવી દેતી વાસ આવે છે. માખીઓને આકર્ષવા માટે થર્મો જેનેસિસ નામની પ્રક્રિયા દ્વારા પોતાનું તાપમાન વધારી દે છે. આ ફૂલ સૂર્યમુખીની જેમ સૂર્યપ્રકાશમાં જ પાંખડીઓ ખોલે છે. પોલિનેટર જીવડાઓ ગંધથી આકર્ષાઈને નરપુષ્પમાં પ્રવેશે છે. ત્યાર પછી ફૂલ પાંખડીઓ બીડી દે છે. જીવડું આખો દિવસ તેમાં પુરાયેલું રહે છે. બીજે દિવસે નરપુષ્પ પુષ્પદંડમાંથી પરાગરજ છોડે છે જે જીવડાના શરીર પર ચોંટી જાય છે અને જીવડું બહાર નીકળી તેનો ફેલાવો કરે છે.


વેસ્ટર્ન અને ઈસ્ટર્ન સ્કન્ક કેબેજઃ સ્કન્ક એ એક પ્રકારનું સસ્તન પ્રાણી છે, જે ખૂબ જ તીવ્ર ગંધ ધરાવતું પ્રવાહી છોડે છે, જેથી આ ફૂલોને સ્કન્ક કહેવામાં આવે છે. આ બન્ને ફૂલમાંથી કોહવાયેલા માંસ જેવી જ દુર્ગંધ આવે છે. અમેરિકાના જંગલમાં આ ફૂલ જોવા મળે છે. આ ફૂલની ખાસિયત એ છે કે, આસપાસના વિસ્તારને ગંધાતો કરી દે છે.
રાફલેસિયા આર્નોલ્ડીઃ હોલીવુડના એક્શન હીરો આર્નોલ્ડ શ્વાર્ત્ઝેનેગર સાથે તેને કોઈ સંબંધ નથી છતાં દુનિયાના સૌથી મોટા મસલ્સ ધરાવતો પુરુષ હતો તેમ રાફલેસિયા વિશ્વનું સૌથી મોટું ફૂલ છે. સિંગલ લાર્જેસ્ટ ફ્્લાવર છે, જેનું વજન 11 કિલો થવા જાય છે. ઇન્ડોનેશિયામાં ઊગતા આ ફૂલને પાંદડા કે દાંડી નથી હોતાં, પણ ઘણી બધી પાંખડીઓ હોય છે. જીવડાને આકર્ષવા મડદા જેવી ગંધ મારે છે તેથી તેને મડદાનું જ ફૂલ તરીકે ઓળખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here