સદી જૂનું વિશિષ્ટ સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી

0
1896

બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી
ગુજરાતમાં સંગ્રહાલયોની સ્થાપના પ્રમાણે ઈ. સ. 1894માં ચોથા મ્યુઝિયમ તરીકે ‘બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલરી’ની સ્થાપના થઈ. ગુજરાતનું આ સદી જૂનું વિશિષ્ટ સંગ્રહાલય વિવિધ વિષયોનો વિશાળ સંગ્રહ ધરાવતું સૌથી મોટું રાજ્ય સંગ્રહાલય છે. આ મ્યુઝિયમની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (શ્રીમંત ગોપાલરાવ ગાયકવાડ)ના શાસનકાળ દરમિયાન થઈ હતી. જેમના દિલમાં પોતાની પ્રજા સર્વોચ્ચ સ્થાને બિરાજતી તેવા પ્રજાવત્સલ રાજવીએ લોકોમાં વિજ્ઞાન અને કલાની દષ્ટિ વિકસે એ માટે આ મ્યુઝિયમની સ્થાપના કરી હતી. વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના નમૂનાઓને તેમના વિદેશના પ્રવાસ દરમિયાન તેઓ ખરીદતા. તદુઉપરાંત આ માટે કલાપારખુ અને વિદ્વાનોને જુદા જુદા દેશોમાં નીમવામાં આવતા. આ રીતે એકત્રિત કરેલા વિશાળ સંગ્રહ સંગ્રહાલયના નવા બંધાયેલા વિશાળ મકાનમાં વર્ષ 1894માં પ્રજા માટે ખુલ્લો મુકાયો. સંગ્રહના વિકાસની સાથે સાથે મુખ્ય મકાનને જોડતી પિક્ચર ગેલરીનું મકાન વર્ષ 1921માં પ્રજા માટે ખુલ્લું મુકાયું. ઇમારતના સ્થાપત્યમાં પણ મરાઠા શૈલી, યુરોપિયન શૈલી, પાર્થેનોનની નકશીકામ શૈલી, મુસ્લિમ સ્થાપત્ય શૈલી જેવી વિવિધ દેશોની કલાશૈલીઓનું મિશ્રણ જોવા મળે છે.
સંગ્રહઃ કુલ 70,000 નમૂનાઓનો સંગ્રહ ધરાવતા આ મ્યુઝિયમમાં ધાતુ, કપડા, કાપડ, શિલ્પો, સિક્કાઓ, ચિત્રો અને કાષ્ઠ નમૂનાઓનો અલભ્ય ખજાનો છે.
વિભાગોઃ સંગ્રહાલયની આધુનિક ગોઠવણી અનુસાર વિભાગો આ પ્રમાણે છેઃ (1) યુરોપિયન આર્ટ ગેલેરી, જેમાં બરોક અને રકોકે તેમ જ રેનેસાં સમયનાં શિલ્પો, ચિત્રો અને હુન્નરકલાના નમૂનાઓ છે. સોળમી-સત્તરમી સદીના જાણીતા યુરોપિયન ચિત્રકારોનાં ચિત્રોનો અહીં શ્રેષ્ઠ સંગ્રહ છે. તેમાં ફ્રેન્ચ તેમ જ બ્રિટિશ શૈલીની કૃતિઓ પણ છે. (2) ભારતીય સંસ્કૃતિ અને કળા વિભાગમાં પ્રાગૈતિહાસિક અને ઐતિહાસિક કાળના પુરાવારૂપ નમૂના પ્રદર્શિત કરેલા છે તથા સિંધુ સંસ્કૃતિના સમયના અવશેષો પણ છે. (3) પુરાતત્ત્વ વિભાગમાં મૌર્યકાળથી પંદરમી સદીના માટી, ધાતુ તેમ જ પથ્થરનાં શિલ્પો, ગાંધાર શૈલીનાં કળાનાં શિલ્પો, ગુજરાતના વલ્લભીકાળના ચાલુકય શૈલીના નમૂનાઓ. (4) ભારતીય ચિત્ર અને ઔદ્યોગિક હુન્નરકલાના વિભાગમાં ઈ. સ. ચૌદમી સદીથી વીસમી સદી સુધીના કલાત્મક નમૂનાઓ છે. (5) એશિયાઈ કલાવિભાગમાં શિલોંગ, મ્યાનમાર, મલાયા, ઇન્ડોનેશિયા, ચીની સંસ્કૃતિ, જાપાની કલા નેપાળી અને તિબેટી કલાના નમૂનાઓ પણ અહીં મૂકવામાં આવ્યા છે. (6) પ્રાકૃતિક-ઇતિહાસ વિભાગમાં પ્રાણી, પક્ષી સરિસૃપ, સસ્તન પ્રાણી, દરિયાઈ જીવ, વનસ્પતિ તથા કીટક વિભાગો છે. બ્લ્યુ વ્હેલનું 72 ફૂટ લાંબું અસ્થિરપિંજર ધ્યાનાકર્ષક છે.
અહીં કલાના નમૂનાની સાચવણી જાળવણી માટે અતિ આધુનિક સાધનોથી સજજ પ્રયોગશાળા છે.
ભારતનું આ સૌથી પહેલું સંગ્રહાલય છે, જ્યાં 1952માં સંગ્રહાલયવિદ્યાનો અભ્યાસક્રમ શરૂ થયો હતો. હવે 1956થી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. સંગ્રહાલયમાં 15,000 પુસ્તકો ધરાવતું સંદર્ભ પુસ્તકાલય છે. તેમાં કલા, ઇતિહાસ, પુરાતત્ત્વ અને ભારતીય સંસ્કૃતિને લગતાં દુર્લભ પુસ્તકો છે. સંગ્રહાલય દ્વારા અનેક પ્રકાશનો પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
વાર્ષિક આશરે સાત લાખ મુલાકાતીઓ આ સંગ્રહાલયની મુલાકાત લે છે. આ સંગ્રહાલય શૈક્ષણિક સંસ્થા કે યુનિવર્સિટીની ગરજ સારે છે.
સરનામુંઃ નિયામક, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલરી, સયાજીબાગ, વડોદરા-390018
ફોનઃ 0265-2793801, 2791959, 2793589. નિયામકઃ આર.ડી. પરમાર પુરાતન વસ્તુઓનો ખજાનોઃ બાર્ટન સંગ્રહાલય
ભાવનગરની મધ્યમાં આવેલા ગાંધીસ્મૃતિ ભવનમાં બહુવિષયક બાર્ટન સંગ્રહાલય આવેલું છે. 1882માં સ્થપાયેલું અને 1895માં બાર્ટન પુસ્તકાલયના મકાનમાં સુવ્યવસ્થિત ગોઠવણી સાથે ખુલ્લું મુકાયેલું આ સંગ્રહાલય આઝાદી પછી સરકાર હસ્તક આવતાં ‘બાર્ટન મ્યુઝિયમ’ તરીકે જાહેર થયું. 1955થી 1982 સુધી ગાંધીસ્મૃતિ ટ્રસ્ટના વહીવટ તળે રહ્યું. આ પછી ગુજરાત રાજ્ય સંગ્રહાલય વિભાગ અલગ થતાં તેના સીધા વહીવટ હેઠળ આવ્યું.
સંગ્રહઃ મોટા ભાગનો સંગ્રહ વજેશંકર ગૌરીશંકર દ્વારા સંગ્રહિત પુરાતન વસ્તુઓનો છે. સંગ્રહાલયમાં પથ્થરયુગનાં ઓજારો, અશ્મિભૂત અવશેષો અને પ્રાગકાલીન પ્રાણીના અવશેષોનો રસપ્રદ સંગ્રહ છે. શિલાલેખો, તામ્રપત્રો (જેમાંનું એક તામ્રપત્ર ઈ. સ. પાંચમી સદીના સમયનું છે), સિક્કાઓ, હસ્તપ્રતો પ્રદર્શિત છે. વિવિધ સમય અને રાજાઓના શાસનકાળના સિક્કાઓ જેમાં પંચમાર્ક, ગુપ્તકાલીન, રાજપૂતકાલીન, મરાઠા, મુઘલ સલ્તનત, દિલ્હી સલ્તનત ઉપરાંત વિદેશી સિક્કાઓમાં ગ્રીક, બ્રિટિશ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને ડચ સિક્કાઓ અહીં પ્રદર્શિત છે. ભાવનગર જિલ્લામાંથી મળેલાં જૈન શિલ્પો, વલભીપુરની પ્રાચીન ઈંટો, માટીકામ, ધાતુની મૂર્તિઓ દર્શનીય છે. કાંગડા શૈલીનાં લઘુચિત્રો, શિહોરનાં ભીંતચિત્રોની પ્રતિકૃતિઓ, તૈલચિત્રો, રાગ-રાગિણીનાં લઘુચિત્રો ઉલ્લેખનીય છે. તાલવાદ્યો અને તંતુવાદ્યોનો સંગ્રહ વિરલ છે. ભાવનગર જિલ્લાના હુન્નર કલાના કલાત્મક નમૂના પણ અહીં પ્રદર્શિત છે. કીડિયા મોતીની ગૂંથણીના નમૂનાઓ વિશિષ્ટ છે, જેમાં તોરણ, ટોડલિયાં, ચોપાટ, સોગઠાં, ચંદરવા, ચાકળા, ઘોડિયું, સાખ, સાધનસામગ્રી, બળદ અને ગાડીનો શણગાર વગેરે મોતીઓ મઢેલાં છે. કાષ્ઠકલા, ધાતુકામ, ભરતકલા, માટીકામ, આભૂષણોની બનાવટો વગેરે કલા-કૌશલ્યથી સંગ્રહાલય ભરપૂર છે. ધાતુકામ વિભાગમાં તાળાં અને સૂડીઓ, ખેતીનાં સાધનો, કાંસાકામ, માટીનાં વાસણો, મહુવાના લાકડાનાં રમકડાંઓ, જડાઉકામની આભૂષણની પેટીઓ વગેરે પ્રદર્શિત છે. ધાતુનાં શિલ્પોમાં મિશ્ર ધાતુની જૈન અને હિન્દુ મૂર્તિઓ છે, જેના કાળ અને શૈલીનો કોઈ ઉલ્લેખ નથી. જૈન સ્થાપત્યના કેટલાક ભાગો પાષાણ શિલ્પી શૈલીની દષ્ટિએ ઉત્કૃષ્ટ છે. હથિયાર વિભાગમાં ભાવનગર રાજ્ય સમયના હથિયારમાં તમંચા, બંદૂક, તલવાર, બરછી, તીરકામઠાં, ભાલા, છરી વગેરેનો સંગ્રહ છે.
બીજો વિભાગ બાળકો માટે છે, જેમાં ટપાલ-ટિકિટોનો સંગ્રહ દર્શનીય છે. દરેક વિષય પ્રમાણે ટિકિટોને ગોઠવી છે. પક્ષીઓ, પશુઓ અને સરિસૃપોને મસાલા ભરી સાચવેલાં છે. ભારતનાં વિવિધ રાજ્યોનાં વિશિષ્ટ રમકડાંઓ તેમ જ ભારતની સ્વતંત્રતાની ચળવળથી અત્યાર સુધીના ધ્વજોમાં કાળક્રમે ફેરફાર થયા તે પ્રદર્શિત કરેલ છે. આ સંગ્રહાલય હુન્નર-કલા અને કૌશલ્યથી ભરપૂર છે.
સરનામુંઃ બાર્ટન સંગ્રહાલયઃ ગાંધીસ્મૃતિ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર-364001.
સમયઃ 8-30 થી 12-30 અને 3-30થી 7-30 રવિવાર, બીજો ચોથો શનિવાર તેમ જ જાહેર રજાઓના દિવસે બંધ. ફોનઃ (0278) 423314
પ્રવેશ ફીઃ રૂ 2, કેમેરા ફીઃ પ્રતિ તસવીર રૂ 2, વિદ્યાર્થી માટે રૂ 1.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here