સતત હેટ્રિક લગાવતાં કેજરીવાલનું રાજકીય કદ વધ્યુંઃ વિપક્ષનો ચહેરો બની શકે છે

 

નવી દિલ્હીઃ પોતાના ગવર્નન્સના જોરે ભાજપાના અત્યારસુધીના સૌથી મોટા હાઇપ્રોફાઇલ પ્રચારનો સામનો કરીને મોટી જીત મેળવવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સફળ રહ્યા છે. ગવર્નન્સનું આ કેજરીવાલ મોડલ બીજાં રાજ્યોમાં બિનભાજપા મુખ્ય પ્રધાનો માટે આદર્શ બની શકે છે. આ મોડલના જોરે તેઓ પણ મોદી-ભાજપાનો મુકાબલો કરીને આગળ વધી શકે છે. 

વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો સ્થાનિક મુદ્દાઓ ઇચ્છતા હોય છે. તેમની પરીક્ષા એ જ હોય છે કે તેમની બુનિયાદી જરૂરિયાતો પૂરી કરવા માટે કયો પક્ષ વધારે ગંભીર છે. રાષ્ટ્રીય મુદ્દાઓ તેમને લોકસભા ચૂંટણીમાં આકર્ષિત કરે છે, એટલે રાજકીય પક્ષો લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં એક જ રણનીતિ દ્વારા જીત નથી મેળવી શકતા. ભાજપા માટે દરેક ચૂંટણીમાં એકસરખા મુદ્દાઓ વાપરવા તેના માટે જોખમી બની ચૂક્યા છે. પક્ષ માટે પોતાના નેતાઓ માટે શબ્દોની મર્યાદા નક્કી કરવાની પણ જરૂરિયાત દેખાવા લાગી છે, કેમ કે ઘણીવાર તેમના મોટા બોલ ધુ્રવીકરણનો લાભ લેવાના પ્રયત્નોને નુકસાનીમાં ફેરવી નાખે છે. 

પક્ષનો વિકાસનો એજન્ડા અને ‘સબ કા સાથ – સબ કા વિકાસ’નો નારો હવે જૂનો થઈ ગયો છે. કોંગ્રેસનો માર્ગ હવે વધુ મુશ્કેલ બનશે. મુખ્ય વિપક્ષી દળ બન્યા પછી હવે તેની જગ્યા વધારે ઘટશે. સ્થાનિક પક્ષોમાં ઐનો સ્વીકાર વધુ ઘટશે. પક્ષમાં પણ નેતૃત્વ ક્ષમતા પર સવાલો ઊભા થશે. પક્ષે વિચારવું પડશે કે સ્થાનિક પક્ષોની સરખામણીમાં તે મતદારોનો વિશ્વાસ કેમ નથી જીતી શકતો? કેજરીવાલની સતત ત્રીજી જીતથી દિલ્હી જ નહિ, રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેમનું રાજકીય કદ વધ્યું છે. આ જીતની અસર એ થશે કે સ્થાનિક પક્ષોની તાકાત વધશે. રાષ્ટ્રીય રાજકારણમાં વિકલ્પ બનવા માટે સ્થાનિક પક્ષો એકજૂટ થવા તરફ આગળ વધશે. એના માટેનો નવો ચહેરો અરવિંદ કેજરીવાલ બની શકે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સતત ત્રીજી વખત બહુમતી મળી. સત્તાવાર રીતે આ પરિણામ એક રાજ્યને લાગુ પડે છે, પરંતુ તેના સૂચિતાર્થ અને સંદેશ દેશવ્યાપી છે. 

કેજરીવાલે ભાજપના કોઈ નેતાને વ્યક્તિગત રીતે  નિશાને લીધા વગર પોતાની સરકારની કામગીરીના આધારે મત માગેલા હતા. લોકોએ તેમની વાત સ્વીકારી ૭૦માંથી ૬૨ બેઠકો આપને આપી, જ્યારે આઠ બેઠકો ભાજપને આપી છે. ભાજપે ભાવનાત્મક મુદ્દાઓ ચગાવેલા, એની સામે આમ આદમી પાર્ટીનાં વિકાસ કામોની વાત ચાલી છે. આવનારા દિવસોમાં ભાજપને ભાવનાત્મક મુદ્દાઓ તારી નહિ શકે, તેથી ફરી કામગીરીને આધારે મત માગવા પડશે, એવું રાજકીય સમીક્ષકોનું તારણ છે. 

લોકસભાની છેલ્લી ચૂંટણી પછી ભાજપે કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો છે. નાગરિકતા સંશોધન કાયદો પણ હમણાં જ અમલમાં આવ્યો છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ નિર્માણની જાહેરાત દિલ્હીની ચૂંટણીના મતદાનના ત્રણ દિવસ પહેલાં કરવામાં આવેલી. આ બધા લોકલાગણીને ચોક્કસ દિશામાં વાળી શકે એવા મુદ્દા છે છતાં દિલ્હીના મતદારોએ એ સ્વીકાર્યા નથી. લોકોને આવા મુદ્દા કરતાં સીધા ફાયદા કે નુકસાનની વાત જલદી સ્પર્શે છે, એ આ ચૂંટણીથી નક્કી થયું છે. દિલ્હી પહેલાં નજીકના ભૂતકાળમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પણ ભાજપે સત્તા ગુમાવી છે. સીએએ, રામ મંદિર, કલમ ૩૭૦ વગેરે મુદ્દા ભાજપને જિતાડવા સક્ષમ ન રહ્યાનું સ્પષ્ટ થઈ ગયુ છે. ભાજપે એક સમયે વિકાસની રાજનીતિનો નારો લગાવેલો. એને જે-તે વખતે મતદારોએ આવકાર્યો હતો. છેલ્લી બે ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં વિકાસના મુદ્દાના બદલે ભાવનાત્મક મુદ્દાઓ ભાજપે ઉછાળેલા, પરંતુ મતદારોએ એમાં રસ દાખવ્યો નથી. ભાજપે દિલ્હીમાં વિકાસનો મુદ્દો છોડી દીધો, એને કેજરીવાલે પકડીને સફળતા મેળવી છે. વર્ષો પહેલાંની અને અત્યારની રાજકીય પરિસ્થિતિમાં જમીન-આસમાનનો ફેર છે. અત્યારે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપરાંત સોશિયલ મીડિયા શક્તિશાળી માધ્યમ થઈ ગયાં છે. દિલ્હી દેશની રાજધાની હોવાથી રાજ્યનું ગૃહખાતું રાજ્ય સરકાર હસ્તક નહિ, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તક છે. પોલીસની સત્તા વગરની કેજરીવાલ સરકારે વિશાળ સત્તા ધરાવતી કેન્દ્ર સરકારને પરાસ્ત કરી છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે તમામ તાકાત કામે લગાડી હોવા છતાં ભાજપનો ધબડકો થયો છે એ બાબત અત્યારના રાજકારણની ઝલક બતાવે છે. દિલ્હીમાં ભાજપે મુખ્યમંત્રીપદનો કે ચૂંટણી સંગ્રામનો કોઈ ચહેરો જાહેર કર્યો ન હોવાથી જે પરિસ્થિતિ થઈ એનો અપજશ કેન્દ્રીય નેતાઓના ભાગે ગયો છે. દેશના રાજકીય હવામાનમાં નોંધપાત્ર અસર પાડવામાં દિલ્હીનું પરિણામ નિમિત બન્યું  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here