સગીરા બળાત્કારકેસમાં આસારામને આજીવન કેદઃ અન્ય દોષિતોને 20 વર્ષની સજા

રાજસ્થાનની જોધપુર જેલમાં બળાત્કાર કેસના આરોપી આસારામ (ફાઈલ ફોટો).

જોધપુરઃ રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં બનેલી સ્પેશિયલ કોર્ટના જજ મધુસૂદન શર્માએ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. સગીરા પર બળાત્કારના કેસમાં 77 વર્ષના આસારામ ઉર્ફે આસુમલને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે અન્ય બે દોષિતો શિલ્પી અને શરતચંદ્રને 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આસારામને રૂ. એક લાખનો અને અન્ય દોષિતોને રૂ.50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. સજાની જાહેરાત થતાં જ આસારામ કોર્ટરૂમમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. જોધપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં હજારો સુરક્ષાકર્મીઓને ખડે પગે રાખવામાં આવ્યા છે.
બુધવારે આસારામ સહિત બેને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા હતા, જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે, જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ફેંસલા અને સજા વિરુદ્ધ આસારામ રાજસ્થાન હાઈ કોર્ટમાં અપીલ કરી શકે છે.
ઇન્દિરા ગાંધીના હત્યારા, આતંકી અજમલ આમિર કસાબ અને ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ પછી દેશનો આ ચોથો એવો મોટો કેસ છે, જેમાં જેલમાં કોર્ટ લગાવવામાં આવી હતી અને ફેંસલો સંભળાવાયો હતો. પોક્સો એક્ટ અંતર્ગત પણ આ પહેલો મોટો મામલો છે.
આસારામને દોષિત જાહેર કરતાં પીડિતાના પિતાએ ન્યાય મળ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી, તો આસારામની પ્રવક્તાએ આ અંગે લીગલ ટીમ સાથે ચર્ચા કરી આગળ શું કરવું તે નક્કી કરવાની વાત ઉચ્ચારી હતી.
આસારામને દોષી જાહેર કરાતાં આસારામના અનુયાયીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આસારામને દોષી જાહેર કરાતાં પૂર્વ આઇપીએસ અધિકારી ડી. જી. વણજારા અમદાવાદના મોટેરા આશ્રમ દોડી ગયા હતા. તેમણે મિડિયા સાથેની વાતચીત દરમિયાન આસારામે રેપ કર્યો ન હોવાનો અને એફઆઇઆરમાં ક્યાંય રેપ લખ્યું ન હોવાનું જણાવીને આ હિન્દુઓનું અપમાન હોવાનું જણાવ્યું હતું.
વણજારાએ જણાવ્યું હતું કે જોધપુર કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. રેપ કેસમાં બાપજીને દોષી જાહેર કરાયા છે. આ બાબતે હું કહેવા માગું છું કે જોધપુરમાં જે એફઆઇઆર થયો છે તે મારી પાસે છે. તેમાં ક્યાંય નથી કહેવાયું કે રેપ થયો છે.
આસારામ પર ઝીરો નંબરથી એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી આસારામને જોધપુર કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. 31મી ઓગસ્ટ, 2013માં મધ્ય પ્રદેશના ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી હતી. આસારામની ધરપકડ કરાઈ હતી ત્યારથી તેઓ જેલમાં છે. બહાર નીકળવા માટે આસારામે 12 વખત જામીન અરજી કરી હતી. તેમાંથી છ ટ્રાયલ કોર્ટમાં અને ત્રણ-ત્રણ રાજસ્થાન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નકારવામાં આવી છે. આસારામ પર ગુજરાતમાં પણ એક દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો છે.
પીડિતાએ 12 પાનાંનું નિવેદન રજૂ કર્યું હતું. ચોથી ઓક્ટોબર, 2016ના રોજ આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં રહેતી પીડિતાએ આઇપીસી કલમ 164 અંતર્ગત તેનું નિવેદન આપ્યું હતું. પોલીસ ચાર્જશીટમાં નોંધાવેલુ પીડિતાનું નિવેદન દર્દનાક છે અને તેના કારણે જ આસારામ છેલ્લાં સાડા ચાર વર્ષથી જેલમાં છે.
આસારામ પર આરોપ હતો કે 2013માં તેમણે 16 વર્ષની સગીરા પર બળાત્કાર કર્યો હતો. સગીરાનાં માતાપિતા આસારામનાં ભક્ત હતાં. એક દિવસ દીકરી સ્કૂલમાં પડી ગઈ તો માતા-પિતા તેની સારવાર માટે આસારામના આશ્રમમાં લઈ ગયાં હતાં, જ્યાં આસારામે તેના પર બળાત્કાર કર્યો હતો.
સાતમી એપ્રિલે સ્પેશિયલ જજ મધુસૂદન શર્માની કોર્ટે મામલાની સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો 25મી એપ્રિલે અનામત રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here