સંબંધોમાં સર્જાયેલા શૂન્યાવકાશને પૂરતી ચિન્મય પુરોહિતની ગુજરાતી ફિલ્મ ‘ઓક્સિજન

0
1308

તાજેતરમાં અમદાવાદમાં અનોખી ગુજરાતી ફિલ્મ ઓક્સિજન – સંબંધોનો સુપરહીરોનું ટ્રેલર-મ્યુઝિક રિલીઝ થયું. આ ફિલ્મનું ટ્રેલર-મ્યુઝિક અમદાવાદના ટાઇમ મલ્ટિપ્લેક્સમાં અમદાવાદના નામાંકિત મહાનુભાવો અને આ ફિલ્મનાં નિર્માતા રાગિણી પુરોહિત અને હરેશ મકવાણા સહિત ફિલ્મના દિગ્ગજ કલાકારોની હાજરીમાં રિલીઝ કરવામાં આવ્યું. સંબંધોના ઓક્સિજનથી આપણે બધા જીવીએ છીએ એ વાત આ ફિલ્મમાં દર્શાવાઈ છે.

જાણીતા લેખક-દિગ્દર્શક ચિન્મય પુરોહિત દિગ્દર્શિત ગૌરવશાળી ગુજરાતી ફિલ્મ ઓક્સિજન – સંબંધોની નવી દુનિયા 11મી મેના રોજ સમગ્ર ગુજરાત સહિત મુંબઈ અને પુણેનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક ચિન્મય પુરોહિતે જણાવ્યું કે, આજે અમને એક અલગ જ વિષય આધારિત ગુજરાતી ફિલ્મ ઓક્સિજનનું ટ્રેલર-મ્યુઝિક રિલીઝ કરતાં ખૂબ આનંદ થાય છે. ઓક્સિજન ફિલ્મનું સુમધુર સંગીત પાર્થ ભરત ઠક્કરે આપ્યુ છે, ફિલ્મમાં કુલ બે જૂનાં ગુજરાતી કર્ણપ્રિય ગીતોને નવી પેઢીને ગમે તેવી શૈલીમાં રજૂ કરવામાં આવ્યાં છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે. ફિલ્મના સંગીતકાર પાર્થે આ અગાઉ 15 ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

ચિન્મય પુરોહિતે જણાવ્યું કે, ઓક્સિજન ફિલ્મ સંબંધોના સુપરહીરોની કથા આધારિત એક પારિવારિક-મનોરંજક ફિલ્મ છે. વર્તમાન સમયમાં દુનિયા ઘણી આગળ વધી રહી છે, પરંતુ સંબંધોની દુનિયાને આપણે ઘણી પાછળ છોડી દીધી છે, અને એટલે જ સંબંધોમાં શૂન્યાવકાશ સર્જાયો છે, પરાણે સાથ નિભાવીએ છીએ, સમાધાન કરીને પોતે જ પોતાના ગાલે થપ્પડ મારીને ગાલ લાલ રાખીએ છીએ, ભીડમાં પણ જાણે કે એકલા છીએ અને આના જ કારણે મનને મળતો ઓક્સિજન ઓછો થઈ ગયો છે, સંબંધોમાં પણ લાગે છે કે આ ઓક્સિજન ખલાસ ગઈ ગયો છે. આ ફિલ્મ બનાવવા વિશે સન 2005થી મનમાં વિચાર ચાલતો હતો, પરંતુ વચ્ચેના સમયગાળામાં વાતાવરણ નહોતું કે ગુજરાતી ફિલ્મ બનાવી શકાય. હાલમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સોનેરી યુગ છે. આથી આ ફિલ્મનું સર્જન થયું છે. ઓક્સિજન ફિલ્મ ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.

ઓક્સિજન, – સંબંધોની નવી દુનિયામાં 55થી વધારે રંગભૂમિ, ટેલિવિઝન અને ફિલ્મના કલાકારો તેમ જ મુંબઈના જાણીતા અનુભવી કસબીઓએ આ ફિલ્મમાં અભિનયનાં ઓજસ પાથર્યાં છે. અત્યાર સુધી દુનિયાની કોઈ પણ ભાષામાં ન બનેલી હોય તેવી અદ્ભુત અને મજાની વાત આપણી ગુજરાતી ભાષામાં નિર્મિત થયેલી ફિલ્મ ઓક્સિજનમાં દર્શાવવામાં આવી છે. ઓક્સિજન – સંબંધોની નવી દુનિયાનું ટીઝર સુરતમાં નવમી એપ્રિલે રજૂ કરવામાં આવ્યું, જેને અદભૂત આવકાર મળ્યો છે.
અભિનેતા અંશુલ ત્રિવેદી, અભિનેત્રી વ્યોમા નાંદી, અરવિંદ વૈદ્ય, દર્શન જરીવાલા, અન્નપૂર્ણા શુક્લ, પંકજ પાઠકજી, ધ્વનિ ત્રિવેદી, શૌનક વ્યાસ, કમલ જોશી, દેવાંગી જોશી, સુભાષ બ્રહ્મભટ્ટ જેવા ઘણા જાણીતા કલાકારોની સાથે રોહિણી હટંગડી અને પ્રતીક્ષા લોણકર જેવા હિન્દી-મરાઠી પડદાના દિગ્ગજ કલાકારો પણ ઓક્સિજન ફિલ્મ દ્વારા ગુજરાતી પડદે પદાર્પણ કરી રહ્યા છે. ઓક્સિજન ફિલ્મનો નોખો, અનોખો અને છતાં મજાનો કન્સેપ્ટ જ આ બધા દિગ્ગજ કલાકારોને અને કસબીઓને એકસાથે ભેગા કરી શક્યો છે. મરાઠી અભિનેત્રી પ્રતીક્ષા લોણકરની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મની અભિનેત્રી વ્યોમા નાંદી કેનેડાથી ભારત આવી છે. વ્યોમા કહે છે, ‘આ મારી ચોથી ફિલ્મ છે. ફિલ્મમાં હું નતાશા મહેતાનો રોલ અદા કરું છું. અભિનય પ્રત્યેના પેશનના કારણે હું કેનેડાથી ઇન્ડિયા આવી છું.’

ચિન્મય પુરોહિત કહે છે, ‘આ ફિલ્મનો પ્રિવ્યુ શો અનોખી રીતે કરવો છે, જેમાં ગુજરાતમાં આવેલા વૃદ્ધાશ્રમોમાંથી વડીલો પણ આવશે અને તેમની સાથે તેમનાં સંતાનોને પણ આ ફિલ્મ જોવા બોલાવાશે. આ માટે મારી ઇવેન્ટ ટીમ રિસર્ચ કરી રહી છે. આ રીતે સંબંધોને અલગ દિશામાં લઈ જવાનો અમારો પ્રયાસ છે. ’

જાણીતા ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે જણાવ્યું કે, ‘નવા જમાનાની, નવા સંબંધોની, નવી રીતે કહેવામાં આવેલી આ વાત છે. આ રીતે કહેલી વાત જો દર્શકો નહિ સ્વીકારે તો પછી ક્યારેય નહિ સ્વીકારે. કોઈ વ્યક્તિ પરિવાર માટે ઓક્સિજન બની જાય છે તે વાત ફિલ્મમાં કહેવાયેલી છે.

લેખક ‘ગુજરાત ટાઇમ્સ’ના ન્યુઝ એડિટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here