શ્રી સ્વામીનારાયણ ભગવાને પીંડારક તળાવને કિનારે સભા ભરીને જીવ, શિવ, આત્મા અને પરમાત્મા સંબંધી હરિભક્તોને જ્ઞાન ઉપદેશ આપ્યો


પ્રકરણ-3
મુગટરામે દિવ્ય દેહે તેની ભાણીને વડતાલ દર્શન કરાવ્યાં
મુગટરામને ધામમાં ગયે બે દિવસ થયા. પછી ત્રીજે દિવસે મુગટરામ દિવ્ય દેહ ધરીને માલેગામમાં પાછો આવ્યો, અને તે માલેગામના હરિભક્ત સીતારામ હતા. તેમની પુત્રી ચંપા, તેને વડતાલ જવું હતું જ્યારે મુગટરામ આ પૃથ્વી પર હતા ત્યારે પણ તે સીતારામની પુત્રી ચંપા મુગટભાઈને કહેતી કે મને તમે વડતાલના દેવનાં દર્શન કરવા લઈ જજો. તે સારુ મુગટરામ ત્યાં આવ્યા અને ચંપાને કહ્યું કે, ચાલ, તને વડતાલ દેખાડું એમ કહીને બસો ચાલીસ ગાઉ દૂર માલેગામથી વડતાલ ચંપાને લાવ્યા ને શ્રી લક્ષ્મીનારાયણ દેવનાં દર્શન કરાવ્યાં અને ચંપા રાજી થઈને આખા મંદિરમાં ફરે છે.
શ્રીજીમહારાજનાં દર્શન કર્યાં, ત્યારે મહારાજે હજારી મંદિરમાં ફૂલનો હાર આપ્યો. અને મંદિરના બ્રહ્મચારીએ પતાસાંની પ્રસાદી આપી. તે મુગટરામે ચંપાને આપ્યાં. ને છેટેથી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા નંદ સંતોનાં પણ દર્શન કરાવ્યાં. દર્શન કરી કૃતાર્થ થાય છે ત્યાં તો સાંજ પડી ગઈ. એમ કહીને ચંપાની આગળ મુગટરામે વાત કરી કે મેં ત્રણ દિવસથી દેહ મેલ્યો છે અને હું ભગવાનનો પાર્ષદ થયો છું. તે તું સત્ય જાણજે. એમ કહી ચંપાને ખભે બેસાડી પછી તેને ઘેર મેડા પર મૂકીને અદશ્ય થઇ ગયા. પછી તો ચંપાને તેની માએ મેડા પર બેઠેલી દીઠી ત્યારે તેણે પૂછ્યું કે, તું તો મામા ભેળી વડતાલ ગઈ હતી તે આંહી ક્યાથી? (અમુક પ્રસંગોમાં તે ચંપાની માતા મુગટરામની બહેન હતી તેવું જાણવા મળે છે) ત્યારે તે ચંપા બોલી, હા હું મામા ભેગી વડતાલ જઈ આવી, જુઓ આ રહ્યો હાર ને આ પ્રસાદીનાં પતાસાં.
પછી ચંપાએ પોતાના પિતાને વાત કરી કે, આ પ્રમાણે મુગટરામે મને વડતાલ દેખાડ્યું અને તે તો ત્રણ દિવસથી દેહ મૂકીને ભગવાનના ધામમાં રહ્યા છે. આવું સાંભળી ચંપાના પિતાએ અંતે વાત માની નહિ અને પછી તે વાત સાચી છે કે ખોટી તેની તપાસ કરવા માટે ગાંડાપુરમાં ગયા. અને ત્યાં તપાસ કરી તો વાત સાચી હતી. આ પ્રમાણેનો પરચો જોઈ અનેકજનો શ્રીહરિનો અપાર મહિમા સમજવા લાગ્યા.
વીસનગરના કંસારા નારાયણભાઈને શ્રહરિ તેડવા આવ્યા ને રાખી ગયા…
ગામ વીસનગરમાં કંસારા નારાયણભાઈને શ્રીજીમહારાજ તેડવા આવ્યા ત્યારે તેમણે મહારાજને કહ્યુંઃ હે મહારાજ! હું હમણાં જ પરત ફર્યો છું. માટે હમણાં મેલી જાઓ તો સારું ત્યારે મહારાજ કહેઃ પણ તારી આવરદા નથી’ તે વખતે મહારાજ સાથે બ્રહ્માનંદ સ્વામી આવેલા હતા તે બોલ્યા, હે મહારાજ! એની સ્ત્રીની અરધી આવરદા એનેે આપીને મેલી જાઈએ પછી એવી રીતે કરીને તેને મેલી ગયા.
જીવની અવળાઈ તો જુઓ, હાથે કરીને દુઃખ માગે છે
એક સમયે ગામ વીસનગરના શોભારામ શાસ્ત્રી જે શ્રીહરિના પૂરેપૂરા દ્વેષી તેણે કેશવરાય દેસાઈને પોતાના પક્ષમાં લઈને પોતાના ભત્રીજા મોતીરામ વગેરે સત્સંગીને સાત વર્ષ સુધી નાત બહાર મૂક્યા. અને એક વખતે વાંકમાં લાવીને તેમને કેશવરાય દેસાઈ પાસે કેદમાં બેસાડ્યા ત્યારે દેસાઈનાં ફોઈ ઉદયકુંવર પણ સત્સંગી સાથે જઈને બેઠાં. કેશવરાયે પૂછ્યું ફોઈ, તમે કેમ અહીં બેઠાં છો? ઉદયકુંવરે કહ્યુ, તમે સત્સંગીને કેદમાં બેસાડ્યા છે ત્યારે હું સત્સંગી નથી કે ન બેસું? દેસાઈ કહે, તમે ઘેર જાઓ. ઉદયકુંવરે કહ્યું કે, આ સર્વે સત્સંગી ઘેર જશે ત્યારે હું જઈશ, ત્યાં સુધી બેઠી છું. આ સાંભળી દેસાઈએ બધાને કેદમાંથી કાઢ્યા એટલે ઉદયકુંવર ઘેર ગયાં.
પછી એક વખતે ગઢડે જઈને મોતી-રામે મહારાજને પૂછ્યું કે, મહારાજ, અમારી નાતમાં તડાં પડવાનાં છે, ત્યારે અમને તેડવા આવે તો અમે કોના તડમાં જઈએ? મહારાજ બોલ્યા કે જે પ્રથમ તેડવા આવે તેના તડમાં જજો. પછી પ્રથમ ભાડિયાના તડવાળા તેડવા આવ્યા. તેના તડમાં જઈને રહ્યા. ત્યારે શોભારામ બોલ્યા કે, મોતીરામ, અમને મૂકીને એના તડમાં ક્યાં ગયો? ત્યારે મોતીરામે કહ્યુંઃ મેર ચાંડાળ, પ્રથમ અમને નાત બહાર મૂકીને હવે તેડવા આવ્યા છે? પછી જ્યારે મહારાજ પંચોતેરની સાલમાં દંઢાવ્યા દેશમાં પધાર્યા ત્યારે દેસાઈના તડવાળાને ચાર દિવસ પકવાન જમાડીને દક્ષિણા આપી. એમ મહારાજે પાંચ હજાર રૂપિયા સત્સંગીને માટે વાપર્યા.
એક દિવસ જ્યાં સત્સંગીઓ બેઠા હતા ત્યાં જઈને બોલ્યા, જુઓ, હું આટલા દિવસથી સ્વામીનારાયણનો દ્રોહ કરું છું તો પણ સાજો સુખિયો ફરું છું ને સ્વામીનીરાયાણ તો ખોટા છે, નીકર મને કંઈક કહે નહિ ને તેણે આટલા આટલા યજ્ઞ કર્યા, પણ ત્યાં કોઈ મારા જેવા નહિ નીકર યજ્ઞમાં પડીને પણ સ્વામીનારાયણને બ્રહ્મહત્યા કરીએ ત્યારે સત્સંગીઓ કહે અરે ભાઈ! શું કરવાને એવું કરવું પડે? સ્વામીનારાયણ તો આપણે સો સીધાં માગીએ તો આપણને પાંચસો સીધાં આપે ને ગોળ માગીએ તો ખાંડ આપે ને ખાંડ માગીએ તો સાકર આપે ને પાણી માગીએ તો ઘી આપે ને એ તો સાક્ષાત્ ભગવાન છે.
એ સાંભળીને શોભારામ બળી ગયો ને બોલ્યો જે જો સ્વામીનારાયણ ભગવાન હોય તો ભલેને મને આખા દિવસમાં આંધળો કરી મૂકે.’ ત્યારે હરિજનો કહે, અરે ભાઈ, શીદને હાથે કરીને એવું માગે છે? એ તો ચિંતામણિ તુલ્ય છે. તે જેવું ચિંતવીશ તેવું મળશે.’ ત્યારે તે કહે, ભગવાન હોય તો ભલે, સુખેથી મેં માગ્યું તે મને મળે. પછી વાયદો તો વેગળો રહ્યો ને ચાર દિવસમાં તે આંધળો થયો તે જોઈને ઘણા માણસોએ પરચો માન્યો. એમ મૂરખ માણસને સારું માગતાં પણ આવડે નહિ તે હાથે કરીને દુઃખમાં પડે.
આવી જીવની અવળાઈ છે તો પણ ભગવાન દયાળુ છે. તે જીવનાં કૃત્યો સામું જોતાં નથી. પછી જ્યારે મહારાજ વીસનગરમાં પધાર્યા ત્યારે માર્ગમાં શોભારામનું ઘર આવ્યું એટલે હજારો માણસો વચ્ચે રોઝે ઘોડેથી ઊતરીને શ્રીજી મહારાજ તેનું ભલું કરવા માટે તેનાં દર્શન દેવા માટે આવ્યા છીએ. આ સાંભળી શોભારામ ઊઠીને ઓરડામાં સંતાઈ ગયો અને બીજા પાસે કહેવરાવ્યું કે, સ્વામીનારાયણને કહો કે, શોભારામ વ્યાસ તો જમવા બેઠા છે. એમ કહેવાથી મહારાજ પાછા વળ્યા. આવી રીતે સામા પગલે પ્રભુ જીવની અવળાઈ જોયા વિના તેની દષ્ટિ પાછી આપવા પધાર્યા, પણ તેની અવળાઈ છેક સુધી તેને નડી.
વીસનગરના વસંતરામને શ્રીહરિ તેડવા આવ્યા.
વીસનગરમાં વસંતરામ વ્યાસ શ્રીહરિના એકાંતિક ભક્ત હતા. તેમને એક વખત રાત્રિએ સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીએ દર્શન દઈને કહ્યું કે વસંતરામ આજથી ચોથે દિવસે તમને તેડવા આવીશું. તે સાંભળીને વસંતરામ બહુ આનંદ પામ્યા. ને લોકો ગમે તેમ બોલે પણ મારે સાજા-તાજા અક્ષરધામમાં જાવું છે. હવે મારે કંઈ કરવું રહ્યું નથી. એવો અચળ દઢ વિશ્વાસ રાખીને તે મંદિરમાં આવીને સૌને કહ્યું કે, આજથી ચોથે દિવસે મારે દેહ તજવો છે. તે સાંભળીને સગાં, ભાઈ-બહેન વગેરે કહે શા માટે આવું બોલો છો તે તમારી લાજ કરો. ત્યારે વસંતરામ કહે મારી લાજ જાય તેવું નથી. મને તો ગોપાળાનંદ સ્વામીએ દર્શન આપીને કહ્યું છે.
એમ કરતાં ચાર દિવસ થયા ને સર્વે કુટુંબી, પુત્ર, પત્ની વગેરેમાંથી પ્રીતિ તોડીને એક પ્રભુમાં જોડી દીધી ને ચોકમાં સૂતો હતો. શરીરે સાજો હતો ને તે વખતે શ્રીજીમહારાજે દર્શન આપ્યાં ને ધામમાં તેડી ગયા. જેમ કોઈ યોગી દેહ મૂકે તેમ સ્વતંત્રપણે દેહ ત્યાગ કર્યો.
શ્રીહરિએ વીસનગરમાં મૂળજી બ્રહ્મચારી પાસે સમાધિ કરાવી
એક વાર શ્રીજીમહારાજ વીસનગર પધાર્યા ને મૂળજી બ્રહ્મચારી ભેગા હતા. તે ગામનો એક નાગર દીવાન દ્રોહી હતો. તે ગામમાં એ દ્રોહી દીવાનની બહેન (ઉદયકુવર) રહેતી હતી, ને તે બહેનને એક દીકરો (બળદેવ) હતો. તે મા-દીકરો મહાભગવદી સત્સંગી હતાં. પછી એ વીસનગરને પાદર જઈ મહારાજે મૂળજી બ્રહ્મચારીને કહ્યું જે આપણે એ દીવાનની બહેનને ઘરે ઊતરીશું ત્યારે બ્રહ્મચારી કહે, ના મહારાજ, એ દ્રોહી દીવાન છે તે એની બહેનને કનડગત કરશે. માટે આપણે એ બાઈને ઘરે જાવું નહિ. ત્યારે મહારાજ કહે, આ એક સૂ​કું ઝરડું પડ્યું તે હાથમાં ઝાલી લ્યો ને પછી ચાલો, એ બાઈને ઘરે ઊતરીશું.
પછી એ ઝરડું બ્રહ્મચારી પાસે લેવરાવીને મહારાજ ને બ્રહ્મચારી એ બાઈને ઘેર ઊતર્યા. પછી એ બાઈએ રસોઈ કરી તે મહારાજ જમ્યા. પછી એ બાઈનો દીકરો હતો, તેણે પોતાનો મામો જે દીવાન હતો, તેમના ઘરે જઈને કહ્યું જે, મારે ઘરે શ્રીજીમહારાજ આવ્યા છે, તે તમે મારા ઘર સુધી આવો. મારી માતાએ તમને તેડવા સારું મને મોકલ્યો છે. એવું સાંભળીને તે દીવાને પોતાના બે જમાદાર હતા, તેમને કહ્યું કે તમે ત્યાં જઈને એ સ્વામીનારાયણને આંહી ઝાલી લાવો.
પછી એ બેય જમાદારે મહારાજ પાસે આવીને કહ્યું, તમને દીવાન બોલાવે છે, તે ત્યાં ચાલો. ત્યારે મહારાજે એ મૂળજી બ્રહ્મચારીને કહ્યું, આ ઝરડાનું એક ઠેબું જમાદારને અડાડો. પછી બ્રહ્મચારીએ ઠેબું અડાડ્યું તે જમાદાર તો દડી પડ્યો. ને બીજો જમાદાર તો ભાગ્યો, તે દીવાન પાસે જઈને વાત કરી કે હું તો ભાગ્યો તેથી રહ્યો ને બીજો તો દડી પડ્યો.
પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે એ ઝરડાનું બીજું ઠેબું એ જમાદારને આડાડો પછી બીજું ઠેબું બ્રહ્મચારીએ અડાડ્યું તે ઊઠતોકને એ જમાદાર ભાગ્યો. તેણે દીવાનને કહ્યું જે તમારું કુશળ ઇચ્છતા હો તો એ સ્વામીનારાયણનું નામ લેશો નહિ.
પછી તે દીવાને બીજો માણસ મહારાજ પાસે મોકલાવીને કહેવડાવ્યું કે તમે હવે અંહી આવશો નહિ. અમારે તમારું કામ નથી. ત્યારે મહારાજ કહે, અમારા હરિભક્તોને નાતબહાર મૂક્યા છે, તે સારુ અમારે દીવાન પાસે આવવું છે. પછી મહારાજ તો તે દીવાન પાસે ગયા ને દીવાનને કહ્યું કે અમારા હરિભક્તોને તમે નાતબહાર મુકાવ્યા છે તે તેમને પાછા નાતમાં લેવરાવો, નહિ તો તમારે જમપુરીમાં જમના માર ખાવા પડશે. ત્યારે તે દીવાન બોલ્યા જે જમપુરી જ નથી ને જમ પણ નથી, એ તો ખોટેખોટી વાત છે. પછી મહારાજે એ દીવાનને સમાધિ કરાવીને જમપુરીમાં મોકલ્યો. તે તેને જમે મારવા માંડ્યો ને આંહી શરીર ધ્રૂજતું જાય ને ઘણી પીડા પામતો જાય. પછી મહારાજે સમાધિ ઉતારી, તે ઊઠીને મહારાજના પગમાં પડ્યો. ને બોલ્યો જે હે મહારાજ! મને તો જમે મારી નાખ્યો ને બહુ દુઃખ દીધું. તે હવે તમે કહો તેમ કરું ત્યારે મહારાજ કહે, અમારા હરિભક્તોને નાતબહાર મૂક્યા છે, તેને પાછા નાતમાં લેવરાવો પછી એ સર્વે જે નાતબહાર હતા, તેમને નાતમાં લેવરાવીને મહારાજ ચાલી નીસર્યા. ને દીવાને પછી દ્રોહ પડ્યો મૂક્યો. અને વાત પૂરી થઈ.
દુષ્ટ માણસોને ભગવાન દેખાયા નહિ.
વીસનગરમાં પીંડારક નામનું પુરાતન એક તળાવ છે. આ તળાવ પ્રાચીન સમયનું છે. જ્યાં પિંડ આપેલી, પિંડદાન દઈને પિતૃઓનો ઉદ્ધાર કરેલો. એટલે આ તળાવને પિંડતળાવ કહે છે. શ્રીસ્વામીનારાયણ ભગવાન સંત હરિભક્તો સાથે આ પીંડારક તળાવને કિનારે સભા ભરીને બેઠા છે. અને જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન પીરસી રહ્યા છે. આવી સભા ભગવાનની વાણી સાંભળવામાં તલ્લીન છે. એટલામાં દસ માણસોનું ટોળું લાકડીઓ ઉગામતું આ તરફ આવી રહ્યું છે. સ્વામીનારાયણને મારો, હવે તો ખરેખરો લાગ આવ્યો છે. એમને છોડવાના નથી. બધાએ અવાજ સાંભળ્યો.
ગજબ થઈ જશે, ઘણાનાં માથાં રંગાશે. સ્વામીનારાયણ ભગવાનના પાળાઓ સાવધ થઈ ગયા. તલવાર, ભાલા, બરછી સંભાળો. આપણે કશું જ કરવાનું નથી, તેમને આવવા દો, મહારાજે કહ્યું, મહારાજે એવો ચમત્કાર કર્યો કે, આવનાર ટોળાને દૂરના આંબાના થડ નીચે મહારાજ દેખાણા. તેઓ ત્યાં લાકડીઓ મારવા માંડ્યા, સભા હસવા માંડી. અરે મૂર્ખાઓ, ત્યાં ક્યાં સ્વામીનારાયણ છે. કોઈક બોલ્યું ત્યાં બીજા ઝાડ નીચે સ્વામીનારાયણ દેખાણા એટલે ત્યાં દોડ્યા. લાકડીઓ મારવા માંડ્યા. કોપ નહિ. તે તો જોરદાર પ્રલયકાળ દેખાડી દેશે. પ્રભુ રુદ્રને શાંતિ થાય, તેવો ઉપાય તો આપ જાણો છો. આપ તો ગો-બ્રાહ્મણ અને સંતોના નાથ છો, રક્ષક છો. ત્યારે શ્રીહરિએ તે વિપ્રોને કહ્યું, ધાર્યું તો બધું પરમેશ્વરનું જ થાય છે.
(સૌજન્યઃ ડો. અશોકભાઈ સોમચંદ મહેતા, ઉત્તર ગુજરાતની લીલા પુસ્તકમાંથી સાભાર, સ્વામીનારાયણ મંદિર જેતલપુર) (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here