શિક્ષણને કોરોનાનું ગ્રહણ : રાજ્યના આઠ મહાનગરોમાં શાળા-કોલેજ ૧૦ એપ્રિલ સુધી બંધ, પરીક્ષાઓ પણ મોકૂફ

 

અમદાવાદઃ રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. રાત્રિ કર્ફ્યુ અને સુરત અમદાવાદમાં બસો બંધ કર્યા બાદ રાજ્ય સરકારે ગુરુવારે શિક્ષણને લઇને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. કોરોનાના વધતા ફેલાવા વચ્ચે આજથી પરીક્ષાઓ શરૂ થઇ હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં હતા.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે શુક્રવારથી રાજ્યના આઠ મહાનગરોમાં શાળા કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવશે. હવે આ આઠેય મહાનગરોની શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે. આઠ મહાનગરો સિવાયના રાજ્યના અન્ય જિલ્લાઓ અને વિસ્તારોની અંદર ઓનલાઇન અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ રહેશે.

શિક્ષમમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢની અંદર શાળા અને કોલેજોનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. આ સાથે જ યુનિવર્સિટીઓ અને કોલેજોની જે ઓફલાઇન પરીક્ષા લેવાની હતી તે પણ ૧૦ એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.

આ પરીક્ષાઓ માટે હવે નવું ટાઇમટેબલ જાહેર કરવામાં આવશે. આ નિર્ણય સરકારી અને ખાનગી સંસ્થાઓને લાગુ પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બરાબર એક વર્ષ પહેલા આવા જ સમયે રાજ્યમાં શૌક્ષણિક કાર્ય બંધ કરાવામાં આવ્યું હતું. ત્યારે એક વર્ષ બાદ ફરીથી શિક્ષણને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here