વિસ્તારવાદી નીતિ ધરાવતા ખંધા ચીને અરૂણાચલ પ્રદેશમાં ગામ વસાવી લીધું

 

નવી દિલ્હીઃ ભારત વિરોધી વલણ માટે કુખ્યાત એવાં ચીનની વધુ એક ખંધાઇ સામે આવી છે. વિસ્તારવાદી નીતિ હેઠળ ભૂતાન બાદ હવે ભારતનાં અરૂણાચલ પ્રદેશની સીમાની અંદર ડ્રેગને રીતસરનું એક ગામ વસાવી નાખ્યું છે. ભારતનાં વિદેશ મંત્રાલયે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ચીનની નિર્માણ ગતિ-વિધિના અહેવાલો સોમવારે સ્વીકાર્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા સામે ખતરારૂપ બની શકે, તેવા તમામ ઘટનાક્રમો પર સરકારની સતત નજર છે. ભારતની સ્વાધીનતા પર સરકારની સતત નજર છે. 

ભારતની સ્વાધીનતા અને ક્ષેત્રિય અખંડતાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં જરૂર પડયે લેવાની તૈયારી છે. આવી પ્રવૃત્તિઓ રોકવાની તૈયારી છે. અરૂણાચલ પ્રદેશના સુબનસીરી જિલ્લામાં ગામ વાસ્તવિક ભારતીય સીમા નજીક ૪.૫ કિ.મી. અંદર સ્થિત છે. ત્યારી ચૂ ગામની અંદર વસાવાયેલાં આ ગામમાં ૧૦૧ જેટલા ઘર પણ ચીને બાંધ્યાં છે. પહેલી નવેમ્બર, ૨૦૨૦ની ઉપગ્રહ તસવીરમાં આ ગામ નજરે ચડયું છે. એક વરસ પહેલાંની તસવીરમાં આ ગામ નથી દેખાતું. એવું મનાય છે કે, ચીને આ ગામ એક વર્ષ દરમ્યાન જ વસાવ્યું છે. 

આ ગામ જ્યાં વસાવાયું છે, તે સુબનસીરી જિલ્લાનું ઉપરનું ક્ષેત્ર ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યું છે. ઉપગ્રહ તસવીરો તજજ્ઞોને બતાવાઇ હતી. જેમણે અરૂણાચલ પાસે ચીની ગામ બન્યું છે, તે સત્યને સમર્થન આપ્યું હતું. ગલવાન ખીણમાં સંઘર્ષ બાદ ભારત-ચીન વચ્ચે લદાખ ક્ષેત્રમાં તાણ સતત તીવ્ર બની છે, તેવા સમયે ખંધાં ચીને અરૂણાચલ પ્રદેશની સીમાએ ગામનું નિર્માણ કર્યું છે. અગાઉ, ઓકટોબરમાં ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભારતીય પક્ષ સીમા પર આધારભૂત ઢાંચાના વિકાસ સાથે સેનાની તૈનાતી કરે છે, જે વિવાદનો મુખ્ય વિષય છે. જો કે, ઉપગ્રહ તસવીરો પરથી સ્પષ્ટ દેખાય છે કે, ચીની ગામ પાસે ભારતના કોઇ રસ્તા કે આધારભૂત ઢાંચા નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના અરૂણાચલ પ્રદેશના સાંસદ તાપિર ગાવોએ લોકસભાને ચેતવણી આપી હતી કે, ચીની ઘૂસણખોરી તેમનાં રાજ્યમાં વધી રહી છે. દરમ્યાન, ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, આ સંદર્ભમાં હું સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથે વાત કરીશ. વિદેશ મંત્રાલય માત્ર એટલું કહેશે કે, અમે તાણ ઘટાડવા માટે ચર્ચા કરી રહ્યા છીએ. પરંતુ તેનો શું મતલબ, તેવું સ્વામીએ ઉમેર્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીનની નિર્માણ ગતિવિધિઓના વળતા જવાબરૂપે ભારતની સરકારે પણ રસ્તા, પુલ સહિતની માળખાગત સુવિધાઓ સીમા પર વધારી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here