વિશ્વમાં કોરોનાવાઇરસની સ્થિતિ અંગે WHOની  ગંભીર ચેતવણી

 

નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોનાવાઇરસનો રોગચાળો શરૂ થયો તેને છ મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. આ અડધા વર્ષ કરતા વધુ સમયે આ દુનિયાએ આ નવા વાઇરસથી થતાં રોગ કોવિડ-૧૯થી પાંચ લાખ કરતા વધુ લોકોને મોતને ભેટતા જોયા છે અને આ વાઇરસના ચેપના સાડા બાર કરોડ કરતા વધુ કેસો અત્યાર સુધીમાં થઇ ગયા છે અને આ કેસો હજી તો વધતા જ જાય છે. 

રોગચાળાની શરૂઆતમાં કોઇએ ધાર્યુ નહીં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ઇરાન, ઇટાલી, સ્પેન અને બ્રિટન જેવા દેશોમાં હાહાકાર મચાવીને આ રોગ ત્યાં તો કંઇ અંકુશમાં આવી ગયો છે પણ અમેરિકામાં સ્થિતિ હજી પણ ગંભીર છે અને બ્રાઝિલ, ભારત અને રશિયા નવા વૈશ્વિક હોટસ્પોટ બન્યા છે.

 આ દેશોમાં નવા હજારો કેસ ઉમેરાઇ રહ્યા છે અને હાલત બગડતી જ જાય છે. ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને તો આવી ગયું છે અને દરરોજના પચ્ચીસ હજાર કરતા વધુ કેસો અહીં ઉમેરાઇ રહ્યા છે તેવા સમયે વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ડો. ટેડ્રોસ અધાનોમે ચેતવણી આપી છે કે કોરોનાવાયરસના આ રોગચાળાના સંદર્ભમાં સ્થિતિ વધુને વધુને વધુ બગડતી જઇ શકે છે.

તેમની આ ચેતવણી પુરતી ગંભીરતાથી લેવાવાી જોઇએ અને તેમની ચેતવણી સૂચવે છે કે આગામી દિવસો દુનિયા માટે ધાર્યા કરતા વધુ કઠણ હોઇ શકે છે. કોરોનાવાયરસની રસી શોધાવા અંગે ઉલટા સૂલટી નિવેદનો થઇ રહ્યા છે અને લોકો આશા અને નિરાશાઓ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.

ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં આ નવા કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુના પ્રથમ કેસો મધ્ય હુબેઇ પ્રાંતમાં, ખાસ કરીને તેના વુહાન શહેરમાં સૌપ્રથમ વાર દેખાયા અને ત્યારબાદ વિશ્વમાં અન્યત્ર ધીમે ધીમે ફેલાવા માંડ્યા ત્યારે શરૂઆતમાં તો કોઇએ ધાર્યું પણ નહીં હશે કે થોડા જ સમયમાં આ વાયરસ આખી દુનિયાને ભરડો લઇ લેશે, તેને કારણે મૂકાનારા નિયંત્રણોને કારણે આખી દુનિયાના વિવિધ દેશોના અર્થતંત્રો તહસ નહસ થઇ જશે અને આખી દુનિયામાં એક ગંભીર, કરૂણ વાતાવરણ ઉભું થઇ જશે. કોરોનાવાયરસને લગતા લોકડાઉનો પછી પણ સ્થિતિ કાબૂમાં આવી નથી.

લોકડાઉનને કારણે કેટલાક દેશોને ફાયદો થયેલો જણાયો છે તો ભારત જેવા કેટલાક દેશોમાં લોકડાઉન પછી પણ હાલત સુધરવાને બદલે ઓર બગડી છે. જો કે ભારતમાં કોરોનાવાયરસને લગતા લોકડાઉનને કારણે એટલો લાભ થયેલો જણાય છે કે આવનારી ગંભીર કટોકટી માટે આરોગ્ય સવલતોને સજજ કરવાનો સમય મળી ગયો અને શરૂઆતમાં જ કેસોના અને મૃતદેહોના ઢગલા થવા માંડ્યા નહીં.

જો કે એક સમય સુધી લોકડાઉન રાખ્યા બાદ તે ઉઠાવી લીધા વિના સરકારનો છૂટકો ન હતો અને આ લોકડાઉન સરકારે તબક્કાવાર ઉઠાવવું પડ્યું પરંતુ દેશમાં સ્થિતિ ફરીથી બગડવા માંડી છે અને જે વિસ્તારોમાં કેસો વધી રહયા છે તે વિસ્તારોમાં ફરીથી મીની લોકડાઉનો જેવા નિયંત્રણો મૂકવામા઼ આવી રહ્યા છે.

અમેરિકા અને બ્રાઝિલ જેવા સ્થળોએ પણ સ્થિતિ ગુંચવાડાભરી જણાય છે. લોકડાઉન ક્યાં સુધી રાખી શકાય? લોકડાઉન ઉઠાવવું પડે છે અને કેસોનો બોજ પણ સહન કરવો પડે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ના વડાએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વિશ્વમાં કોરોનાવાયરસ અંગેની સ્થિતિ વધુને વધુને વધુ બગડતી જઇ શકે છે અને આ ચેતવણી ઘણી ચિંતાઓ જન્માવનારી છે. અત્યારે વિશ્વના ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો ચાલી રહ્યો છે.

ઉત્તર ગોળાર્ધના અનેક દેશો ગત શિયાળામાં કોરોનાવાયરસના રોગચાળાનો સખત માર વેઠી ચુક્યા છે અને ભારત તથા રશિયા અને અમેરિકા જેવા દેશો તો અત્યારે પણ વેઠી રહ્યા છે. જો કે દક્ષિણ ગોળાર્ધના દેશોમાં શિયાળામાં સ્થિતિ ઘણી બગડશે તેવી જે ચેતવણી હતી તે સદભાગ્યે બહુ સાચી પડી નથી.

બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાને બાદ કરતા દક્ષિણ ગોળાર્ધના મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસના કેસોની સ્થિતિ બહુ બગડી નથી તે એક મોટી રાહતની વાત છે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળો બેસતા ત્યાંના દેશોમાં ફરીથી કોરોનાવાયરસના કેસોનું બીજું મોજું શરૂ થશે એવો જે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે તે પણ ખોટો પડે તેવી આશા રાખીએ, બાકી અત્યારે તો હુની ચેતવણી ગંભીર ચિંતાઓ જન્માવી રહી છે.

અને સૌથી મોટી વાત એ કે આ રોગની રસી કે દવા શોધાઇ જાય તો આખી દુનિયા પરથી એક મોટો ભાર ઉતરી જાય. ઝડપથી કોઇ ઉપચાર શોધાઇ જાય તેવી પ્રાર્થના કરીએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here