વિજ્ઞાન હંમેશાં લેટેસ્ટનો આગ્રહ રાખે છે, ધર્મ હંમેશાં પ્રાચીનતાને વળગી રહે છે!

0
973

એક વખત ગૌતમ બુદ્ધ પાસે એક માણસ આવ્યો. એણે બુદ્ધને કહ્યું, ‘મને દીક્ષા આપીને આપના શરણમાં રાખો.’
બુદ્ધે એ માણસને એક સવાલ પૂછ્યો, ‘તારે દીક્ષા લઈને કરવું છે શું? દીક્ષા લેવાનો તારો આશય શો છે?’
પેલા માણસે જવાબ આપ્યો, ‘બુદ્ધં શરણં ગચ્છામિ…’ ગૌતમ બુદ્ધે એને ફરીથી પૂછ્યું કે ‘તારે શા માટે દીક્ષા લેવી છે?’ પેલા માણસે ફરીથી કહ્યું, ‘બુદ્ધં શરણં ગચ્છામિ…’ ગૌતમ બુદ્ધે એને ત્રીજી વખત પૂછ્યું, ‘ભાઈ, તું દીક્ષા લઈને શું કરવા ઇચ્છે છે?’ પેલા માણસે હજી પણ એનો એ જ જવાબ આપ્યો, ‘બુદ્ધં શરણં ગચ્છામિ…’
હવે ગૌતમ બુદ્ધે એ માણસને કહ્યું કે, ‘તું મારો શિષ્ય થવાને લાયક નથી… હું તને દીક્ષા નહિ આપી શકું’ તો માણસ વિચારમાં પડ્યો અને પૂછ્યું, ‘પ્રભુ! મારો કંઈ વાંક-ગુનો છે? આપ મને દીક્ષા આપવા તૈયાર કેમ નથી? મારી પાત્રતા આપને કઈ રીતે ઓછી લાગી?’
ત્યારે બુદ્ધે કહ્યું કે, ‘તું મારો શિષ્ય થવાને લાયક એ કારણે નથી કે તારા જવાબમાં તાજગીપણું નથી. મેં તને ત્રણ વખત દીક્ષા લેવાનું પ્રયોજન પૂછ્યું. ત્રણેય વખત તેં એકના એક જવાબનું રટણ કર્યું! તારો જવાબ વાસી છે… જેની પાસે તાજગી અને પ્રસન્નતાની પાત્રતા ન હોય એવી વ્યક્તિ દીક્ષા લેવાને લાયક ક્યારેય ન ગણાય.’
એકના એક સવાલ માટે પણ ગૌતમ બુદ્ધ અલગ અલગ અને તાજગીસભર અને પ્રસન્નતાપૂર્ણ જવાબની અપેક્ષા રાખતા હતા, કારણ કે અધ્યાત્મ તો વહેતી સરિતા છે, એ કંઈ બંધિયાર ખાબોચિયું નથી. સરિતાને વાસીપણું ક્યારેય ન પરવડે અને ખાબોચિયાને ક્યારેય તાજગીપણું ન પોસાય!
ધર્મ-અધ્યાત્મ શું છે? વિચારમાંથી પ્રગટેલો તે એક દિવ્ય આવિર્ભાવ છે. સૃષ્ટિની રહસ્યભરી રચના જોઈને વિચારશીલ માણસની ભીતર અનેક વિસ્મય પ્રગટ્યાં. એ વિસ્મયની આંગળી પકડીને માણસ પેલાં રહસ્યોનો પાર પામવા પુરુષાર્થ કરવા લાગ્યો. એમાંથી એને ધર્મ-અધ્યાત્મનો ભેટો થઈ ગયો. વિચાર અને વિસ્મયને વાસીપણાનો સ્પર્શ પણ ન થાય એની તકેદારી રાખવી જોઈએ. જે ક્ષણે વિચાર અને વિસ્મયને વાસીપણાનો સ્પર્શ થઈ જાય છે એ જ ક્ષણે તે પોતાનું અસ્તિત્વ અને પોતાની નિર્મળતા બન્ને ખોઈ નાખે છે!
ફૂલને કદી વાસીપણાનું કલંક ન લાગે એ માટે કુદરત દરરોજ સાંજે એને કરમાવી નાખે છે.
સૂરજને કદી વાસીપણાનું કલંક ન લાગે એ માટે કુદરત દરરોજ એનો અસ્ત કરી નાખે છે.
મેઘધનુષને કદી વાસીપણાનું કલંક ન લાગે એ માટે કુદરત એને અલ્પ સમયમાં વિલીન કરી નાખે છે.
પરંતુ માનવમનની એક વિચિત્રતા છે. જ્યારે ધર્મની વાત આવે ત્યારે કયો ધર્મ સૌથી પ્રાચીન અને કયો ધર્મગ્રંથ સૌથી જૂનો એની કોમ્પિટિશનનું કેલક્યુલેશન કરવા એ અધીરો બની જાય છે! કોઈ ધર્મ કે ધર્મગ્રંથ માત્ર પ્રાચીન હોવાના કારણે જ શું પવિત્ર અને મહાન બની જતો હોય છે?
વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચે એક બેઝિક ડિફરન્સ એ છે કે વિજ્ઞાન હંમેશાં લેટેસ્ટનો આગ્રહ રાખે છે અને ધર્મ હંમેશાં પ્રાચીનતાને વળગી રહે છે.
આપણે મોબાઇલ ખરીદવો હોય તો એ લેટેસ્ટ અપડેશન મોડેલનો હોવો જોઈએ. આપણે નવું ટેલિવિઝન ખરીદવું હોય તો એ લેટેસ્ટ ટેક્નોલોજી સહિતનું હોવું જોઈએ. આપણે કોમ્પ્યુટર ખરીદવું હોય ત્યારે એવો આગ્રહ રાખીએ છીએ કે તે અલ્ટ્રાલેટેસ્ટ ટેક્નોલોજીથી ભરપૂર હોય! આપણે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન ખરીદવું હોય ત્યારે પણ એટલી કાળજી રાખીએ છીએ કે તે લેટેસ્ટ ટેક્નોલોજી સહિતની સુવિધાથી સંપન્ન હોય.
પરંતુ જ્યારે આપણે ધર્મની વાત કરવા બેસીએ છીએ ત્યારે આપણું મોઢું પ્રાચીનતા તરફ – વાસીપણા તરફ ફરી જાય છે! ત્યારે આપણે લેટેસ્ટનો, નવીનતાનો કે તાજગીસભરતાનો આગ્રહ છોડી દઈએ છીએ અને બંધિયાર, વાસી તેમ જ પ્રાચીનતાનાં ગુણગાન કરવા મંડી પડીએ છીએ! આથી મોટી વિડંબના બીજી શી હોઈ શકે?
કોઈ પણ પ્રાચીન વસ્તુ હંમેશાં એટલી ઉપયોગી નથી રહેતી જેટલી તે તેના ઉદ્ભવ વખતે હોય છે. જેમ જેમ વસ્તુ પ્રાચીન થતી જાય તેમ તેમ એની ઉપયોગિતા ઘટતી જાય છે અને એનાં જોખમો વધતાં જતાં હોય છે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન વસ્તુ હેરિટેજ તરીકેનું જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, કિન્તુ ઉપયોગિતાની દષ્ટિએ તેનું મૂલ્ય કદાચ શૂન્ય થઈ જતું હોય છે.
અમદાવાદમાં સ્થાપત્યકલાની વિરાસત જેવા ઝૂલતા મિનારા છે. દિલ્હીમાં પણ કુતુબમિનારની ભવ્ય ઇમારત છે. એ માત્ર જોવા માટે હોય છે. એનો ઉપયોગ કરવામાં જોખમ હોય છે. સરકાર પણ એવી ઇમારતોને દૂરથી જોવા માટે જ પરવાનગી આપે છે. અમદાવાદના ઝૂલતા મિનારા પર હું એક વખત ભૂતકાળમાં ચડ્યો હતો. આજે વિઝિટર્સને ઝૂલતા મિનારાની ઉપર જવા દેવામાં આવતા નથી. એવું અનેક ઐતિહાસિક ઇમારતો બાબતે બન્યું છે, કારણ કે એવી ઇમારતોમાં પ્રવેશ કરવો કે એવી ઇમારતનો ઉપયોગ કરવો હવે સંપૂર્ણપણે જોખમરૂપ પુરવાર થઈ ચૂક્યું છે.
ધર્મ-અધ્યાત્મની બાબતમાં પણ આ સંદર્ભ આપણે વિચારવો જોઈએ. કેટલાક જર્જરિત ખ્યાલો, કેટલીક બંધિયાર પરંપરાઓ અને કેટલાક સડી ગયેલા સિદ્ધાંતો આજે વાસી થઈ ગયાં હોય અને નવા જમાનાને અનુરૂપ ન હોય ત્યારે એમાંથી મુક્ત થવું એ પણ આજનો યુગધર્મ જ કહેવાય!
તાજેતરમાં જ અમિતાભ બચ્ચન અને રિશી કપૂર અભિનીત ફિલ્મ ‘102 નોટ આઉટ’ જોઈ. એ ફિલ્મમાં કહેવામાં આવ્યું છે કે માણસની ઉંમર ગમે તેટલી વધે તો પણ એણે તાજગીસભર જીવનશૈલીને જતનપૂર્વક જાળવી રાખવી જોઈએ. વાસીપણું જીવનને ત્રાસરૂપ અને કંટાળાજનક અને બોજરૂપ બનાવી મૂકે છે. બોજમુક્ત થવું હોય અને મોજયુક્ત રહેવું હોય તો તાજગીનો ધર્મ અપનાવવો પડે, તાજગીને શરણે જવું પડે અને તાજગીને જ ઈશ્વર સમજીને તેનો સત્સંગ કરવો જોઈએ! તાજગી એવી દેવી છે જે આપણા જીવનને હર્યુંભર્યું રાખે છે અને કંટાળાજનક બનતું અટકાવે છે. આ ફિલ્મ જોવી એ મારે મન સત્સંગ જ છે, કારણ કે અહીં પ્રેક્ષકોને તાજગીની દીક્ષા આપવામાં આવે છે! સામાન્ય રીતે સમાજમાં એવું બનતું હોય છે કે નવી પેઢી જૂની પેઢીને પરિવર્તન માટે પ્રેરતી હોય છે, પરંતુ આ ફિલ્મમાં અવળી ગંગા વહે છે. 102 વર્ષનો બાપ એના પંચોતેર વર્ષના દીકરાને વાસી ન થવા માટે અને તાજગીપૂર્ણ જીવન જીવવા માટે સતત પ્રોત્સાહન આપતો રહે છે! સમાજમાં તો એવું બને છે કે કપાતર દીકરો એનાં ઘરડાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો હોય છે, લેકિન આ ફિલ્મમાં 102 વર્ષનો ઉત્સાહી બાપ એના પંચોતેર વર્ષના જડ-દિમાગી દીકરાને વૃદ્ધાશ્રમમાં મોકલવા માટે તૈયાર થાય છે! ઉંમરથી વૃદ્ધ થવાનું આપણા હાથમાં ભલે ન હોય, ઉત્સાહથી યુવાન રહેવાનું તો આપણા હાથમાં જ છે ને!
મારા આ લેખનો અને મારી આવી વાતનો મતલબ એવો નથી કે મને પ્રાચીનતા માટે ધગધગતો ધિક્કાર છે અને નવીનતા માટે આંધળો અનુરાગ છે. પ્રાચીન વસ્તુ કે પ્રાચીન વિચારમાંથી પણ જો કોઈ શાશ્વત સત્ય ચડતું હોય તો એનો આદરપૂર્વક સ્વીકાર કરીને ભવિષ્ય તરફ આગળ વધી જ શકાય. આપણે ખુલ્લા મનના રહીને ભવિષ્ય તરફ આગળ વધવા પુરુષાર્થ કરવો જોઈએ. ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ એટલે કે જૂનું એટલું સોનું એ ભલે કદાચ સાચું હશે, પણ નવું એ બધું જ પિત્તળ છે એવા ખોટા ખ્યાલમાંથી મુક્ત રહેવાની વાત છે. જૂનું બધું ફેંકી દેવાની વાત નથી, પરંતુ નવીનતાને આવકારવા માટે થોડી સ્પેસ આપવાની અહીં વિનમ્ર ભલામણ છે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here