‘વાગ્માધુરી’માં કુમારસંભવમ, રઘુવંશમ, કિરાતાર્જુનીયમ, બુદ્ધચરિત અને નૈષધીયચરિતની રજૂઆત

 

અમદાવાદઃ ઓમ કોમ્યુનિકેશન દ્વારા ૨૨, ૨૩, ૨૪ ઑક્ટોબર સળંગ ત્રણ દિવસ સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૨૨ ઑક્ટોબર ૨૦૨૧, શુક્રવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે, રા વિ. પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના પ્રથમ દિવસે સંસ્કૃત સાહિત્યસર્જક કાલિદાસ રચિત ‘રઘુવંશમ’ મહાકાવ્ય વિશે કવિ ભાગ્યેશ જહાએ અને સંસ્કૃત સાહિત્યસર્જક કાલિદાસ રચિત ‘કુમારસંભવમ’ વિશે સંસ્કૃત સાહિત્યકાર વસંત પરીખે વક્તવ્ય આપ્યું. બેઉ વક્તવ્યનો પ્રારંભ આરાધના શોધનના શ્લોક ગાનથી કરવામાં આવ્યો હતો.

ભાગ્યેશ જહાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, કાલિદાસ કૃત રઘુવંશમ વિશે વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે સાંપ્રત પરિસ્થિતીમાં તે કેટલું રિલેવન્ટ લાગે છે. આ કાવ્ય રાજાઓ માટેનું છે એટલે કે વાણી અને અર્થ બંને અત્યારે છુટા પડી ગયાં છે. કાલિદાસની કાવ્યકલામાં તમે નદીની જેમ વહો ત્યારે બંને કાંઠે એક ભવ્ય વિશ્વનું ચિત્ર રજુ કરે છે. રઘુવંશના રાજાઓની પેઢીનું વર્ણન તેમાં જોવા મળે છે. રઘુકુળમાં જ્ઞાન સાથે મૌન કે દાન સાથે અપ્રગટ રહેવાના ગુણ જોવા મળે છે. કાલિદાસનું વર્ણન એવું હોય કે તે તમને આબેહુબ ચિત્ર ખડું કરે છે. રઘુવંશમાં રાજા રઘુ સિવાય બધા રાજાઓમાં સાધારણીકરણ જોવા મળે છે. રઘુ યુધ્ધકલા અને રાજા તરીકે શ્રેષ્ઠ છે.

વસંત પરીખે વક્તવ્યમાં કહ્યું કે, કાલિદાસ કૃત કુમારસંભવમમાં છઠ્ઠા સર્ગમાં મહાદેવનું માંગુ લઈને સપ્તર્ષિ જાય છે તેનું વર્ણન જોઈએ તો કાલિદાસની કન્સીસ્ટન્સી જોવા મળે છે. ઉમા એ તપસ્યા કરીને શિવને પામે છે, તે વિશેની આખી આ કથા છે. કુમારસંભવમમાં કોઈ મોરલ શોધવાનો પ્રયાસ ન કરાય. ભારતીય દાંપત્યજીવન વિશેનું આ મહાકાવ્ય છે. કાલિદાસ મહાકવિ નહી પણ ભારતમાં જન્મેલા વિશ્વકવિ છે. શિવ અને પાર્વતી એટલે પુરુષ અને પ્રકૃતિ એમ અરવિંદે જણાવ્યું છે જે આધ્યાતિમકતાને પ્રમાણે છે.

જયારે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના બીજા દિવસે સંસ્કૃત સાહિત્યસર્જક ભારવિ રચિત ‘કિરાતાર્જુનીયમ’ મહાકાવ્ય વિશે શુચિતા મહેતાએ અને સંસ્કૃત સાહિત્યસર્જક માઘ રચિત ‘શિશુપાલવધમ’ મહાકાવ્ય વિશે હર્ષદેવ માધવે વક્તવ્ય આપ્યું. બેઉ વક્તવ્યનો પ્રારંભ આરાધના શોધનના શ્લોકગાનથી કરવામાં આવ્યો.

શુચિતા મહેતાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે,  સંસ્કૃત સાહિત્યની પરંપરા અનુસાર પંચમહાકાવ્યો પૈકી ભારવિ કૃત કિરાતાર્જુનીયમ પ્રસિદ્ધ મહાકાવ્ય છે. મહાભારતના ‘વનપર્વ’ના ૨૭ થી ૪૧ પર્વોમાંથી તેનું કથાવસ્તુ લેવાયું છે. જેને આધારે ભારવિએ પોતાની પરિષ્કૃત શૈલીની મહાકાવ્ય સર્જ્યું છે. જેમાં અર્જુન પાશુપાત અસ્ત્ર મેળવવા તપ આદરે છે. તેના કઠોર તપથી પ્રસન્ન થઇ શિવ કિરાત રૂપ ધારણ કરી તેની પરીક્ષા કરે છે. અંતે પ્રસન્ન થઇ તેને પાશુપાત અસ્ત્ર આપે છે. ભારવિ તેમના અર્થગાંભીર્ય માટે પ્રસિદ્ધ છે. આ મહાકાવ્યની વિશેષતા તેમાં પ્રસ્તુત કાવ્યાત્મકતા, વ્યાવહારિક્તા અને આધ્યાત્મિક્તા અંગેની છે.

– શ્રેય પંથનો પ્રવાસી જીવ સત્વગુણને આધારે ઇનિ્દ્રયોના આકર્ષણોમાંથી સ્વને રક્ષી દ્રઢ મનોબળની શિવત્વની પ્રાપ્તિ કરી શકે છે.

હર્ષદેવ માધવે પોતાના વક્તવ્યમાં કહ્યું કે,  શિશુપાલવધમના કર્તા મહાકવિ માઘ પ્રાચીન ભારતના ગુજરાતના એક પ્રદેશ શ્રીમાલ ભિન્નમાલ અને બાંસવાળાના નિવાસી હતા.  ઈસ.૮૩૫ની આસપાસ થયેલા માઘનું મહાકાવ્ય સંસ્કૃતની શ્રેષ્ઠ પાંચ કૃતિઓમાં સ્થાન પામ્યું છે. દ્વારકા, ગિરનાર, ગીરના લોકોનું લોકજીવન અને ગુજરાતની ભવ્યતાનું વર્ણન કરનાર પ્રથમ સંસ્કૃત કવિ છે. કૃષ્ણના લોકનાયક, આદર્શ નેતા તરીકેના દિવ્ય ચરિત્રને ઉપસાવનાર આ કવિ ચારેય પુરુષાર્થના નિરૂપણ સાથે અનુપમ પાંડિત્ય, કવિત્વ, પ્રયોગશીલ સર્જનથી પોતેજ ગરવા ગિરનાર જેવું સ્થાન પામ્યા છે. ગુજરાત અને ગુજરાત સરકાર માઘને ગુજરાતના ગણવાનો દાવો કરી શકે એમ છે.

સળંગ ત્રણ દિવસ સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ ૨૦૨૧ના આયોજન અંતર્ગત ૨૪ ઑક્ટોબર ૨૦૨૧, રવિવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે, રા. વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’ના ત્રીજા અને અંતિમ દિવસે સંસ્કૃત સાહિત્યસર્જક અશ્વઘોષ રચિત ‘બુદ્ધચરિતમ’ મહાકાવ્ય વિશે રવીન્દ્ર ખાંડવાલાએ અને સંસ્કૃત સાહિત્યસર્જક હર્ષ રચિત ‘નૈષધીયચરિતમ’ મહાકાવ્ય વિશે વિજય પંડ્યાએ વક્તવ્ય આપ્યું. બેઉ વક્તવ્યનો પ્રારંભ શ્રી આરાધના શોધનના શ્લોકગાનથી કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત સાહિત્યકારો અને સંસ્કૃત ભાષાના સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

રવીન્દ્ર ખાંડવાલાએઓ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, અશ્વઘોષે બુદ્ધચરિતમાં ભગવાન બુદ્ધના ભવ્ય અને કરુણાસભર જીવનને આલેખ્યું છે. સુખ-સંપત્તિ અને ઐશ્વર્યનો વારસદાર કુમાર દુઃખોના દર્શનથી મહાન ક્ષોભ પામીને કાષાય વસ્ત્ર ધારણ કરીને ચાલી નીકળે છે, અને સંસારમાં સનાતન પ્રકાશ શોધવા નીકળે છે એ ઉદાત્ત કથા મહાકવિ અશ્વઘોષની અભિવ્યક્તિનો વિષય બની છે. એક માત્ર સુખના અનુભવી કુમારની માનસિક સ્થિતિ, એનું મંથન,એના અનુભવો, ગૌતમની મૂંઝવણ, વૈરાગ્ય વૃત્તિથી ઉત્પન્ન થયેલી હતાશા, નિરાશા અને વિષાદ ભરી માનસિક હાલત અને જીવન વિશેનો અંતિમ નિર્ણય લેવા માટેની તટસ્થતા અને સ્વસ્થતા – આ બધું અશ્વઘોષ ખૂબ સુંદર રીતે આ મહાકાવ્યમાં આલેખે છે.

વિજય પંડ્યાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, નૈષધીયચરિતના કર્તા શ્રીહર્ષ પોતાના યુગનું સંતાન હતા. નૈષધીયચરિત મહાભારતના નલોપાખ્યાન પર આધારિત એક બૃહદ  મહાકાવ્ય છે. નૈષધં વિદ્વવદૌષધમ્ વિદ્વાનોનું મહાકાવ્ય મનાયું છે. શ્રીહર્ષે સંસ્કૃતસાહિત્યક્ષેત્રમાં પોતાનો નવો જ માર્ગ કંડાર્યો છે. આધુનિક વિવેચકોએ શ્રીહર્ષને અન્યાય કર્યો છે તેવું વિજય પંડ્યાનું માનવું છે.  પ્રત્યેક સાહિત્યકાર પોતાના યુગનું પણ સંતાન હોય છે એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ. નૈષધીયચરિતમ મહાકાવ્યથી સંસ્કૃત સાહિત્ય વધુ સમૃદ્ધ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here