વર્ધમાન દીર્ઘાયુષ્ય

ભારતીય પરંપરામાં દીર્ઘ આયુષ્યને સદ્ભાગ્ય ગણવામાં આવે છે. એટલે તો વડીલો પોતાનાં સંતાનોને દીકરા સો વરસનો થજે અથવા ‘આયુષ્માન થજે’ એવા આશીર્વાદ આપે છે, પરંતુ અસ્વસ્થ દીર્ઘાયુષ્ય જીવનાર માટે કંટાળારૂપ અને નજીકનાં સગાં માટે ભારરૂપ બને છે. ઇન્દ્રિય બધિર અને પંગુ વૃદ્ધ હરીફરી ન શકે અને પથારીવશ બને ત્યારે એની વૃદ્ધાવસ્થા અભિશાપ બને છે.
આ વાર્ધક્યનો પ્રશ્ન દિવસે દિવસે આળો બનતો જાય છે. આધુનિક જમાનામાં સંશોધિત દવાદારૂ અને સુખસગવડોને કારણે સરેરાશ આયુષ્યમાં સતત વધારો થયો છે. સને 1948માં માનવીનું સરેરાશ આયખું 42 વર્ષનું હતું જે 50 વર્ષમાં વધીને 62 વર્ષે પહોંચ્યું છે. બીજી બાજુ, સમગ્ર વિશ્વમાં વ્યક્તિકેન્દ્રી સુખવાદી વલણો વધતાં જાય છે. અમેરિકા જેવા આધુનિક દેશમાં તો વૃદ્ધોની સ્થિતિ બદતર થઈ છે. ભારતમાં વડીલો પ્રત્યેનો આદર ગળથૂથીમાં મળતો હોવા છતાં કામગરા દીકરાને ઘરડાં મા-બાપની સેવાચાકરી પળોજણરૂપ લાગે છે. આવી ઓસરાતી વડીલ-ભાવનાને કારણે આપણે ત્યાં પણ વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે.
મનુષ્ય શારીરિક દષ્ટિએ નીરોગી હોય, પોતાની રોજિંદી ક્રિયાઓ અને કાર્યો જાતે કરી લેવા શક્તિમાન હોય અને તેનું જીવન સ્વનિર્ભર હોવા ઉપરાંત સમાજોપયોગી કાર્ય કરવા સક્ષમ હોય તો તેને સો વર્ષ સુધી જીવવાનો અધિકાર છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં બીજા જ શ્લોકમાં સો વર્ષ જીવવાની વાત છે. ‘જિજીવિશેષ સતં સમા’ (સો વર્ષ જીવવાની ઇચ્છા કરો). સાથે એના પૂર્વ પદમાં ‘કુર્વન એવ ઇહકર્માણિ’ – કર્મ કરતાં સો વર્ષ જીવવાની શરત મૂકેલી છે. એટલે કે કર્મઠ વ્યક્તિ તરીકે સતત પુરુષાર્થ કરતાં કરતાં સો વર્ષ જીવો, જાતે પડખું ફેરવવાનું શહૂર ન હોય એવા પથારીમાં પડ્યા પડ્યા, મૃત્યુની રાહ જોતા, નિષ્પ્રાણ અને નિશ્ચેતન માનવી માટે તો જીવન અને મૃત્યુમાં કશો ભેદ જ રહેતો નથી. આવા વૃદ્ધોનો જેટલો વહેલો છુટકારો થાય તેટલું સારું.
વેદોમાં દીર્ઘાયુષ્ય માટે બીજાં બે સૂત્રો મળે છેઃ ‘અદીના સ્વામ્ શરદઃ શતમ્ઃ.’ અહીં અદીના એટલે દીન બન્યા વગર જીવો એવું તાત્પર્ય છે. દીન એટલે બાપડા-ગરીબડા. બાપડા કે ગરીબડા બની, કોઈના આશરે પનારે પડી જીવવાનો કોઈ અર્થ નથી. જીવો તો મસ્તીથી જીવો. પોતાની સમગ્ર તાકાતથી જીવનરસને ચૂસો. ચુનીલાલ મડિયા એમના એક સોનેટમાં કથે છે તેમ અસંખ્ય જીવો ડગમગંત પંગુ સમા, માત્ર શ્વાસ ચાલતો હોય અને મરવાના વાંકે જીવતા હોય છે. એમની દીનતા દયાજનક અને પરોપજીવન ક્ષોભકારક હોય છે.
વૈદિક ઋષિ શતાયુ જીવવાનો આશીર્વાદ આપે છે. ‘શતમ્ જીવ શરદં વર્ધમાન.’. તમને સો વર્ષનું આયુષ્ય મળે અને તે દરમિયાન જીવનમાં ક્ષણે ક્ષણે તમે વર્ધમાન બનો. જૈનો મહાવીર ભગવાનને વર્ધમાન કહે છે. અહીં વર્ધમાનનો અર્થ છે સતત વિકાસશીલ સદ્કાર્યોમાં પળોટાતી તમારી શક્તિ વિકસતી રહે. ચિત્તવૃત્તિઓ અને ગુણોનો પણ વિકાસ થાય અને ચિંતન પ્રજ્ઞાપૂર્ણ બને. આપણે જીવનને નદીની ઉપમા આપી છે. આ નદીનો પ્રવાહ સતત હોય છે. એ જેમ આગળ વધે છે તેમ એનો પટ પહોળો થતો જાય છે અને પ્રવાહ ઉચ્છ્રંખલતા છોડી ધીર ગંભીર બને છે. આમ નદી વર્ધમાન છે. સુદનો ચંદ્ર વર્ધમાન છે. ધરતીમાં રોપાયેલો છોડ કે વૃક્ષ પણ વર્ધમાન છે, આપણું જીવન પણ એવું હોવું જોઈએ. જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્તવ્યશીલ હોય, એનો પ્રત્યેક વળાંક પડકારરૂપ હોય અને એની પ્રત્યેક ક્રિયા જીવનની ઉપાસના હોય તો જ જીવ્યું ધન્ય બને, સાર્થક બને.
સ્વસ્થ અને લાંબું જીવવું હોય તો સતત કામ કરો, વર્ધમાન બનો, વિશ્વમાં સૌથી લાંબું જીવવાનો રેકર્ડ ધરાવનાર ટોમસ પારનું 88 વર્ષની ઉંમરે પહેલું લગ્ન થયેલું! બીજી વાર પરણ્યો ત્યારે એની ઉંમર 120 વર્ષની હતી. અને 145 વર્ષની ઉંમરે એ દોડવાની હરીફાઈમાં ભાગ લેતો. 152 વર્ષની જૈફ વયે તેનું અવસાન થયું. અને સ્વાસ્થ્યનું રહસ્ય દોડધામ વિનાનું ગ્રામ-જીવન, સાદો ખોરાક અને સતત પરિશ્રમ હતાં. 140 વર્ષનું આયુષ્ય ભોગવનાર માલેનનું કહેવું છે કે દૂબળો પાતળો હતો, પણ સમતોલ આહાર અને શાંત સ્વભાવને કારણે તે આટલું લાંબું ચેનથી જીવી શક્યો.
આજે સુધરેલા જીવનધોરણને પ્રતાપે ઉત્તરોત્તર આયુષ્યમાં વધારો થતો જાય છે, પરંતુ દરેક વૃદ્ધને ચિંતા રહે છે કે એનું પાછળનું જીવન નિરામય અને સ્વસ્થ હોય, જેથી પોતે હરતોફરતો રહે, પોતાનાં કામો જાતે કરે અને જીવન આપ્તજનો માટે બોજરૂપ કે અળખામણું ન બને, પણ જેમ કોઈ પણ ઇમારતની બુલંદીનો આધાર એના મજબૂત પાયા પર હોય છે તેમ ઉંમરે પહોંચ્યા પછી સ્વસ્થ અને સશક્ત રહેવા માટે નાનપણથી તમે જે ટેવો પાડી, જે રીતે ખાનપાનની મર્યાદા સાથે સાદું, સંયમી, નિયમિત અને નિર્વ્યસની જીવન જીવ્યા એના પર આધારિત હોય છે. પચાસ વર્ષે ખખડી ગયેલા મનુષ્યનો અને એંસી વર્ષે પણ કાયાગઢની કાંકરીયે ખરી ન હોય તેવા સાબૂત માનવીનો પાછલો ઇતિહાસ તપાસશો તો બન્નેની જીવન જીવવાની શૈલીમાં કેવો તફાવત છે તે સમજાઈ જશે, એટલે દરેક મનુષ્ય માટે વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે. ત્યારે જાગ્યા ત્યારથી સવાર સમજી સાહજિક અને કુદરતી જીવન જીવવાની નેમ રાખવી જોઈએ. પ્રકૃતિએ તો આપણને સ્વસ્થ અને લાંબું જીવીએ તેવા આશીર્વાદ આપ્યા છે. આપણે જ તેના નિયમોથી ઊફરા ચાલીને આપણા પગ ઉપર કુહાડી મારીએ છીએ. ઘડપણ આવે તેની સાથે કેટલાક શારીરિક ફેરફારો જોડાયેલા છે. જીવતરનું જોમ ઓછું થાય, અશક્તિ અને થાક વર્તાય. મોં પર કરચલી પડે. વાળ ધોળા થાય, આંખે ઝાંખપ વળે, કાને ઓછું સંભળાય વગેરે, વળી ઘડપણને લીધે કેટલાક રોગો વણનોતર્યા આવે છે. દાંત પડી જવાને કારણે અપચો, આંખે મોતિયો અને ઝામર, ઢીંચણમાં વાની તકલીફ. વળી લોહીનું ઊંચું દબાણ, અસ્થમા અને કેન્સર જેવા ગંભીર રોગોની શક્યતા પણ વૃદ્ધાવસ્થામાં વધારે હોય છે. પ્રોસ્ટેટનું કેન્સર અને પાર્કિન્સન (ધ્રુજારો) જેવા રોગો પણ ઘડપણમાં જોવા મળે છે. આ બધાથી બચીને નિરામય જીવવું દોહ્યલું છે, પણ દુષ્કર નથી. વૃદ્ધાવસ્થા આવતાં આપણે સાંસારિક જવાબદારીઓમાંથી મુક્ત થઈએ છીએ. (જોકે કેટલાક લોકો નિવૃત્તિના નિરાંતના કાળમાં પણ ખમતીધર દીકરાઓના કારોબારમાં વણજોઈતી ટાંગ અડાવી દુઃખી થતા અને દુઃખી કરતા હોય છે.) એની સાથે અનિયમિતતા, દોડધામ અને ટેન્શન પણ બંધ થતાં શાન્ત અને નિરાંતનો નિવૃત્તિકાળ પસાર કરવા મનથી સંકલ્પ કરવો જોઈએ. બહારની બધી કપરી પ્રવૃત્તિઓ છોડી દઈ અંતર્મુખ બની પોતાની જાતના કલ્યાણ માટે જ બાકીનો સમય વ્યતીત કરવો જોઈએ. અને એમાંય દેહને દેવળ સમજી એનું રક્ષણ અને વર્ધન કરવું જોઈએ.
પહેલી વાત એ સંયમ અને નિયમિતતા. સાંસારિક ફરજો બજાવતાં કે નોકરી કરતાં સવારમાં વહેલા ઊઠી નાસવું પડતું. ટેન્શન રહેતું. હવે નોકરી નથી, નિવૃત્તિ છે તો જાગવું-સૂવું, ખાવું-પીવું, ઊઠવું-બેસવું એમાં નિયમિતતા લાવો. દરેક કાર્ય સાહજિકપણે અને નિયમિત કરો. હવે ઘડિયાળના બંધનથી નહિ, પણ મર્યાદા સમજી કરો. પહેલાં રાત્રે મોડા આવી જમીને અગિયાર-બાર વાગ્યા સુધી ગપાટા મારતા, હવે પણ એમ ચાલવા દેવું? વૃદ્ધોની હોજરી નબળી હોય છે ત્યારે સાયંકાળે વહેલા ભોજન લેવું જ હિતાવહ. આવી નિયમિત દિનચર્યામાં સવાર-સાંજે ઈશ્વર-ભક્તિ, ભજન, કીર્તન કે ઈશ્વરના જાપ-ધ્યાનમાં મન પરોવવું, માનસિક સ્વસ્થતા માટે ખૂબ જરૂરી છે.
સવાર-સાંજે મંદિરે દર્શન કરવાનો નીમ રાખીએ તો, બધાં અંગોને ચુસ્ત રાખનારી, ચાલવાની ઉત્તમ કસરત મળે અને પ્રકૃતિનું શાંત અને રમણીય સાન્નિધ્ય વધારામાં મળે. વૃદ્ધાવસ્થામાં વ્યસનો છોડી દેવાં ઘટે. ધારો કે તમારી નોકરીને કારણે દિવસમાં દસ વખત ચા પીતા હતા, પણ હવે વધારે ચા અનિદ્રા અને ડાયાબિટીસ નોતરશે. એટલે વ્યસનો હોય તો ઘટાડો, બંધ કરો અને આદતોને સુધારો. સિગારેટના ધૂમ્રપાનથી ચાલીસ પ્રકારનાં ઝેરી રસાયણો ફેફસાંમાં ભળે છે. દરરોજ છ સિગારેટ પીનારને 30% કેન્સર વધારે થવાની દહેશત રહે છે. અત્યાર સુધી તીખુંતમતમતું ખૂબ ખાધું. જીભડીને ખટરસના સ્વાદ કરાવ્યા. ગૃહિણીની રસોઈથી વાજ આવી લોજ અને હોટેલોમાં જઈ સોડમવાળી પંજાબી, ચાઇનીઝ વાનગીઓ પધરાવી, ભાજી-પાઉં ને પાણીપૂરી પણ પેટમાં નાખ્યાં. જઠરા (અન્નાશય) તેજ હતી તો બધું ચાલી ગયું. હવે નહિ ચાલે. સ્વાદ છોડી, સાદા અને સમતોલ આહાર ઉપર આવો. ગાંધીજીએ અગિયાર વ્રતોમાં સ્વાદ ત્યાગને પણ એક વ્રત ગણ્યું છે તે હવે તો સમજો. હવે હોજરી ચાલતી નથી, પચતું નથી તો અકરાંતિયાની જેમ પેટ ભરીને ખાશો નહિ. પેટમાં થોડો ખાડો રાખો. થોડા ભૂખ્યા રહો. એકાદ દિવસ એકટાણું ખાઓ, અત્યાર સુધી મઘમઘતી વાનગીઓના સબડકાના સ્વાદ લીધા તો હવે ભૂખનું પણ સુખ અનુભવો. પૌષ્ટિક અને સાદા ઘરેલું ભોજનમાં પણ એક પ્રકારનો અદ્હત સ્વાદ હોય છે તેની મજા માણો.
અંગ્રેજીમાં કહ્યું છે, હાર્ટએટેકથી બચવું હોય તો તમતમતી વાનગીઓની જેમ દોડધામ ટેન્શનથી પણ બચો. પદ, પૈસો અને પ્રતિષ્ઠા માટે થાય તેટલા ઉધામા કર્યા. હવે અંતિમ અવસ્થાએ મારતાં મારતાં ભીંત આવી તો શાને વ્યર્થ ધમપછાડા કરી ટેન્શન વધારવું અને દુઃખી થવું? આપણું જીવતર ચિંતાના અગ્નિમાં શેકાતું રહ્યું છે. હવે બધું ઈશ્વરને સોંપી દો. ચિંતા છોડો એ અનિવાર્યતા. ખલીલ જિબ્રાને કંઈક એવું કહ્યું છે કે જે માણસ ચિંતા કરે છે એ કરુણામયી ઈશ્વરી સત્તાને નકારે છે. જો ઈશ્વર દયાનો સાગર હોય તમારાં બધાં અપકૃત્યોને માફ કરી તમારું અહિત થવા નહિ દે એવી દઢ શ્રદ્ધા રાખો. એની ઇચ્છા વિના પાંદડું ફરકતું નથી. એવા પ્રપત્તિભાવથી ઈશ્વરની શરણાગત સ્વીકારવાથી જ પરમ શાંતિનો અનુભવ થઈ શકે.
નિવૃત્તિપરાયણ સંન્યાસનો સૈકાઓ સુધી આપણા દેશમાં ભારે મહિમા થયો. જે લોકો કપરા જીવન સંઘર્ષમાં થાક્યા-હાર્યા એ સંન્યાસી થયા. સંન્યાસી સાચી સમજણ વગરના આ સાધુબાવાઓએ અનાચારને નોતર્યો અને સમાજને માથે પડ્યા. સંન્યાસની એટલે કામનાનો ત્યાગ, કામનો અસ્વીકાર નહિ. મનુષ્યે યત્કિંચિત કર્તવ્ય તો જીવનના છેલ્લા શ્વાસ સુધી બજાવવું જોઈએ. અનિવાર્યપણે કરવાની ફરજો ભલે પૂરી થઈ, વૃદ્ધાવસ્થામાં મનગમતી પ્રવૃત્તિઓમાં મન પરોવો. જીવનની દષ્ટિએ સમ્યગ બને તેવું વાંચન, ઘરઆંગણાનું બાગાયત, લોકોપયોગી સમાજસેવા જેવી પ્રવૃત્તિઓ આપણને અને સમાજને પણ ઉપયોગી બને. કંઈ નહિ તો પ્રૌઢ તરીકે કુટુંબ કે પડોશનાં બાળકો સાથે સમરસ થઈ ગીત-વાર્તાની લહાણી કરી શકાય. ટૂંકમાં શરીર અને મનને સતેજ રાખવાનો ખોરાક મળી રહે તેવી પ્રવૃત્તિમાં રમમાણ રહી ઉત્સાહ સાથે આનંદમાં સમય પસાર થાય. સૌથી અગત્યનું તો દીનદુર્બળ બની અવસ્થાને કોસવાને બદલે આપણા પ્રાણવાન વ્યક્તિત્વનો પળે પળે પરચો બતાવવો ને એ રીતે શરીર-મન-આત્માના સતત વિકાસ માટે મથતા રહેવામાં જ જીવનનો સાચો આનંદ અને વાર્ધક્યની સાર્થકતા રહેલી છે.

પોપકોર્નના ફાયદા
પોપકોર્ન ખાવું દરેક કોઈ પસંદ કરે છે. સિનેમા ઘરમાં લોકો મૂવી જોવાની સાથે-સાથે પોપકોર્ન તો જરૂર ખરીદે છે. આ ફાઈબર એંટીઓક્સીડેંટસ વિટામિન બી, મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર હોય છે. આવો અમે તમને જણાવીએ છે પોપકોર્ર્ર્ન ખાવાના શું ફાયદા છે.
પોપકોર્ર્નમાં રહેલ ફાઈબર પાચન ક્રિયાને સારું રાખે છે અને કબ્જની સમસ્યા પણ નહી હોય છે.
કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત રાખવામાં મદદગાર છે. પોપકોર્નનો સેવનથી જામેલું કોલેસ્ટ્રોલને ઓછું કરી દિલને સ્વસ્થ રાખે છે.


પોપર્કોન લોહીમાં શુગરની માત્રાને પણ યોગ્ય રાખે છે.
પોપકોર્ન ઉંમર ઢળવાના લક્ષણોથી પણ દૂર રાખી શકાય છે. તેમાં રહેલ એંટીઓક્સીડેંટસ ચેહરા પરની કરચલીઓ, ડાઘ, માંસપેશીઓનો નબળું થવું વગેરે પરેશની નહી બનવા દે છે.
વજન ઓછું કરવામાં પણ મદદગાર છે પાપકાર્ન ખાવું. તેમાં કેલોરી અને ફેટ બહુ ઓછું હોય છે.
નોંધઃ નમકીન કે પ્લેન પાપકાર્ન જ ખાવું. માખણ કે ચીજનો ઉપયોગ ન કરવો.


કિડની સાફ કરવામાં કોથમીર મદદરૂપ
કિડની આપણા લોહીમાંથી મીઠુ અને શરીરમાં ઘુસેલા બેક્ટેરિયાને ફિલ્ટર કરે છે. પણ જ્યારે કિડનીમાં મીઠુ ભેગુ થાય છે તો એ માટે ઈલાજની જરૂર પડે છે. તમે ચાહો તો એ માટે સહેલો ઉપાય પણ કરી શકો છો. કોથમીરના પાનનો એક ગુચ્છો લઈને સારી રીતે તેની સફાઈ કરો અને પછી નાના-નાના ટુકડામાં કાપીને તેને પોટમાં મુકો. પછી તેમા ચોખ્ખુ પાણી નાખીને 10 મિનિટ સુધી ઉકાળો. થોડીવાર તેને રહેવા દો જેનાથી તે ઠંડુ થઈ જાય. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લો. તમે તેને ઠંડુ કરવા ફ્રીજમાં પણ મુકી શકો છો. પછી રોજ એક ગ્લાસ પીવો. તમે જોશો કે પેશાબ દ્વારા મીઠુ અને અશુદ્ધ વસ્તુઓ બહાર નીકળવા માંડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here