લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ વિરુદ્ધ મોરચાની તૈયારી

0
1057
13મી માર્ચે સોનિયા ગાંધી દ્વારા આયોજિત ડિનરમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય પક્ષોના નેતાઓ. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાનટાઇમ્સડોટકોમ)


શિવસેનાની ધમકીઓ અને તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના બે મંત્રીઓનાં રાજીનામાં પછી એનડીએ સરકાર સામે નવા ‘મોરચા’ ઊભા કરવાની હિલચાલ થઈ રહી છે. બિહારમાં ‘મહાગઠબંધન’નો સફળ પ્રયોગ કરીને અલ્પ સમય માટે સત્તા અપાવનાર લાલુ પ્રસાદ યાદવ અત્યારે જેલવાસ ભોગવી રહ્યા છે. ગુજરાતમાં પટેલ અને દલિત વર્ગનો ટેકો મેળવ્યા પછી કોંગ્રેસને પણ સત્તાવાપસીની ખાતરી થવા લાગી છે. હવે રાજસ્થાન – મધ્ય પ્રદેશની ચૂંટણી ઉપર આધાર છે. ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મિલાવ્યા, પણ ‘મન-મેળ’ નથી અને માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે આ સમજૂતી મર્યાદિત છે. મમતા બેનરજી નવો મોરચો – ભાજપની વિજયયાત્રા રોકવા માટે વિચારી રહ્યાં છે – કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે તડ-જોડ કરવા પણ તૈયાર થયાં ત્યાં તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ વચમાં કૂદી પડ્યા અને ભાજપ તથા કોંગ્રેસ બન્ને વિરુદ્ધ ત્રીજો મોરચો રચવા માટે એકદમ સક્રિય બની ગયા છે.
વાતાવરણ એવું સર્જવાના પ્રયાસ છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા મળે નહિ – 2019 હજી દૂર છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં ‘હુકમનાં પાનાં’ છે. આગામી મહિનાઓમાં બેન્કોના ‘ધાડપાડુઓ’ અને એમની પાછળનાં માથાં – હાથ છતાં થઈ જશે, પ્રકાશમાં આવી શકશે. બીજું, પાકિસ્તાનના આતંકવાદને ડામવા – ડામી દેવા માટે સખત પગલાં લઈ શકાય અને તે પછી મોરચા – માંચડા ભેગા થાય, ઊભા થાય તે પહેલાં જ ચૂંટણી કરાવી શકાય. ઉત્તર ભારતનાં રાજ્યો ઉપરાંત તામિલનાડુ – આંધ્ર પ્રદેશ- કેરળ અને ઓડિશા પણ ઝપટમાં હશે. કર્ણાટકની ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી પ્રક્રિયા ઝડપી બનવાની ધારણા છે.
અત્યારે જે પ્રયાસ થઈ રહ્યા છે તેમાં મમતા બેનરજીએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન ઉપર બે વખત વાત કરી છે – ઉદ્ધવ શા માટે કોલકાતા જાય? મમતા બેનરજી મુંબઈ આવી શકે છે, પણ મમતાનો પ્લાન કોંગ્રેસ અને ડાબેરીઓને સાથે રાખવાનો છે – લક્ષ્ય ભાજપનું છે, કારણ કે બંગાળમાં ભાજપના વોટની ટકાવારી સતત વધી રહી છે. સન 2011માં ડાબેરીઓને વિધાનસભાની ચૂંટણીમાં 40 ટકા મત મળ્યા હતા, તે ઘટીને સન 2014માં લોકસભાની ચૂંટણીમાં 29 ટકા થઈ ગયા છે. હવે માર્ક્સવાદીઓએ ઈશાન ભારતમાં ત્રિપુરા ગુમાવ્યા પછી પક્ષની પ્રતિભા ઊભી કરવા સિનિયર નેતાઓને સલાહકાર સમિતિમાં બેસાડી દીધા છે – યુવાવર્ગને આગળ કરાય છે – પણ વય – ઉંમરનો સવાલ નથી. ડાબેરી વિચારધારાની સમસ્યા છે. વળી, માર્ક્સવાદીઓ કોંગ્રેસના હાથમાં દાતરડું મૂકવા તૈયાર થાય છે કે નહિ એ જોવાનું બાકી છે. કર્ણાટક અને ઉત્તર ભારતમાં કોંગ્રેસ – ભાજપના ભોગે સારો દેખાવ કરે તો ડાબેરીઓ અને પ્રાદેશિક પક્ષો કોંગ્રેસથી પણ ભડકશે અને દૂર રાખશે.
શિવસેના, તેલુગુ દેસમ, તેલંગણા પ્રજા સમિતિ અને ઓડિશાના બિજુ જનતા દળ તથા તામિલનાડુના પ્રાદેશિક પક્ષોની વાત – વ્યૂહ અલગ છે – એમને હવે રાષ્ટ્રીય પક્ષ ભાજપનો ભય છે. સન 2014માં ભાજપે પ્રાદેશિક પક્ષોનો સાથ લીધો અને ભાજપની પોતાની બહુમતી હોવા છતાં એનડીએની સરકાર બનાવી અને ભાગીદારીમાં ભાગ આપ્યો. છેલ્લાં ત્રણ-સાડા ત્રણ વર્ષમાં ભાજપે 29માંથી એકવીસ રાજ્યોમાં સત્તા – એકલા હાથે અથવા ભાગીદારીમાં મેળવી છે. તાજેતરમાં ઈશાન ભારતમાં પણ પ્રાદેશિક પક્ષોને સાથે રાખ્યા અને સત્તામાં ભાગીદારી કરી.
કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા પછી શિવસેના સિવાય કોઈ ઘટક – ભાગીદાર પક્ષે ફૂંફાડા માર્યા નથી. હવે ચૂંટણી નજીક છે અને પ્રાદેશિક સમસ્યાઓ છે. તેથી ભાજપથી અલગ – ભાજપની સામે થવાની તૈયારી થઈ રહી છે. ભાજપના પ્રમુખનો વ્યૂહ અને લક્ષ્ય લોકસભામાં ભાજપની પોતાની બેતૃતીયાંશ બહુમતી મેળવવાનો છે અને તેમાં પ્રાદેશિક પક્ષો માટે ઓછી બેઠકો હોય તે દેખીતું છે. આથી જ તેઓ ભડક્યા છે. શિવસેના માટે ભાજપ આગળ વધે અને વધુ બેઠકો મેળવે તે અસહ્ય છે. તેથી અલગ લડીને વધુ બેઠકો લેવા માગે છે. શિવસેના, કોંગ્રેસ અથવા રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે જઈ શકે નહિ આવી જ રીતે તામિલનાડુમાં ડીએમકે કોંગ્રેસનો હાથ છોડી શકે એમ નથી.
આવા સંજોગોમાં તેલંગણાના કે. ચંદ્રશેખર રાવ કૂદી પડ્યા છે. ભૂતકાળમાં એનટી રામારાવ – 1989માં રાષ્ટ્રીય મોરચો – નેશનલ ફ્રન્ટ બનાવ્યા ત્યારે ફારુક અબદુલ્લા પણ જોડાયા હતા. ચંદ્રશેખર રાવનો મનસૂબો રાષ્ટ્રીય તખતા ઉપર આવવાનો છે. તેથી એમણે ભાજપ – કોંગ્રેસની સામે ત્રીજા મોરચાની હિલચાલ શરૂ કરી છે. આના કારણે મમતાદીદી જરા ઠંડાં પડી ગયાં – આ નવા ચંદ્રનો ઉદય દક્ષિણમાં ક્યાંથી થયો? ચંદ્રશેખરે તો એમના વિરોધી ચંદ્રાબાબુ નાયડુ અને નવીન પટનાયક તથા ડીએમકેનો પણ સંપર્ક કર્યો છે – આ પછી ગાડી આગળ વધી નથી, પણ એમને ખાતરી છે કે રાષ્ટ્રીય તખતા ઉપર શૂન્યાવકાશ – ખાલી જગ્યા ભરવા માટે તેઓ એકમાત્ર નેતા છે. એમણે તો નિવૃત્ત આઇએએસ, આઇએફએસ, આઇઆરએસ, આઇપીએસ – સનદી અધિકારીઓને મળવા બોલાવીને એમના વિશાળ અનુભવોનું જ્ઞાન મેળવી રાષ્ટ્રને લાભ આપવાની યોજના પણ તૈયાર કરી છે! ભારતીય સેનાના નિવૃત્ત અધિકારીઓ, કાયદા – પંડિતો, કિસાનોના પ્રતિનિધિઓ તથા સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓને પણ મળવાના છે. અર્થશાસ્ત્રીઓની નામાવલિ પણ તૈયાર કરાવી છે! મુસ્લિમ નેતા અસાદુદ્દીન ઓવૈસીએ પણ ટેકો આપ્યો છે.
પ્રશ્ન એ છે કે તેલંગણા રાજ્યની સ્થાપના પછી સતત ભાજપના સમર્થક રહ્યા પછી હવે અચાનક કેમ વિરોધી બની ગયા? અલબત્ત, એમણે નરેન્દ્ર મોદી ઉપર ટીકા – પ્રહાર કર્યા નથી, પણ એમની રાજ્ય સરકારની નિષ્ફળતાનો ટોપલો નવી દિલ્હી ઉપર ઢોળીને ચૂંટણીમાં સ્વબચાવનો વ્યૂહ ઘડ્યો છે!
રાજ્યમાં કૃષિ ક્ષેત્રમાં ભારે રોષ છે. રાજ્ય સરકારે સલાહ આપી કે કપાસને બદલે લાલ ચણા અને મરચાનું ઉત્પાદન વધારો – વધ્યું અને ભાવ તૂટ્યા. રાજ્યની અલગ સરકાર આવ્યા પછી ત્રણ હજાર કિસાનોએ આપઘાત કર્યા છે! ઘેર ઘેર પાણી પહોંચાડવાની યોજના અને ગરીબોને ઘર આપવાની યોજના પણ આગળ વધી નથી. તેથી લોકો નારાજ છે અને અલગ ચૂંટણી લડે તેમાં જ ભાજપને લાભ છે!
કોંગ્રેસના નિરીક્ષકો માને છે કે ચંદ્રશેખર રાવને મેદાનમાં ઊભા કરવાનો વ્યૂહ – ચાલ ભાજપની છે. વિપક્ષો સામસામા આવે, ભાજપવિરોધી મત વહેંચાઈ જાય. રાજકીય શતરંજમાં આવી ‘ચાલ’ શક્ય છે.

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here