લીલા ચીટણીસ યાદ આવે છે?


જગતનો આ વિરાટ મેળો પણ એક ભારે અચંબો પમાડનારી ચીજ છે. કોણ એમાં ક્યારે ભેટી જશે અને ક્યારે છૂટું પડી જશે તેનો જરા સરખો પણ વરતારો કદી કરી શકાતો નથી. એના કરતાંય ભારે અચરજભરી વાત તો એ કે પળ-અર્ધી પળ માટે માત્ર આકસ્મિક રીતે અલપઝલપ મળી જનારી કોઈ મૂર્તિ ભેટી જાય એ ક્ષણે આપણે તો એને પિછાણી શકતા નથી, પણ એની વીજળિક વિદાયની ક્ષણ પછી તરત આપણા મનમાં એકાએક ઝબકાર થાય છે કે અરે, એ તો એ જ હસ્તી હતી, જેને એક વાર જોવા-મળવા-વાત કરવા માટે આપણે વર્ષોથી ઉત્સુક હતા! જેને આપણે રૂપેરી પડદે સાવ નાનપણથી જોતા આવ્યા છીએ અને એક પ્રકારની પરોક્ષ પણ પ્રબળ અને એકપક્ષી આત્મીયતા એની સાથે બાંધી ચૂક્યા છીએ. અરેરે, આપણે એને ઓળખી કેમ શક્યા નહિ? એ વસવસો શમે તે પછી આપણે એનો પીછો કરીને એને એક વાર ઝડપી પાડીને મળી લેવાની અદમ્ય મંશા પૂરી કરવા માટે બહાર ડગ દઈએ છીએ ત્યારે ખબર પડે છે કે એ વ્યક્તિ તો હવે અફાટ ભીડમાં ઓગળી ગઈ છે. હવે એને મળવાનું ક્યારેય શક્ય નથી બનવાનું. બસ. એ ચચરાટ પછી જીવનભર રહ્યા કરે છે. એવા જ એક ચચરાટની વાત

‘કોણ? જરા જરા પટિયાં પાળેલા વાળ હતા એ?’
‘ત્યારે? તમે ઓળખી ન શક્યા?’
જવાબ દેવાનો મને સમય નહોતો. મેં કહ્યુંઃ ‘હું હમણાં જ પાછળ પાછળ જાઉં, હજી તો આટલામાં જ ક્યાંક હશે?’
‘આ ન્યુ યોર્કની ભીડમાં તમને હવે ન મળે. રહેવા દો. શાંતિ રાખો. તમને હું વાત કરું.’
ખરી વાત. સૂર્યપ્રકાશના તેજ થાંભલામાં કોટિ કોટિ રજકણો હોય. એમાંથી એકાદ આપણા કાંડા પર આવીને વિરમી જાય અને ઊડી જાય. છતાંય આપણને એની ખબર ના પડે. લીલા ચીટણીસનું પણ એવું જ. 1994માં અશ્વત્થામાની જ જેમ અમરત્વનો અભિશાપ લઈને એ ન્યુ યોર્ક અને ન્યુ જર્સીની વચ્ચે આથડતાં હતાં. ક્યાંક ઝબકતાં હતાં. પછી વિલાઈ જતાં હતાં. બધા જ કહેતા, અરે, હમણાં જ તો એમને જોયાં હતાં! પણ અત્યારે ક્યાં? ખબર નથી. એમનો ખરો ફોન નંબર પણ કોઈને કહેતાં નથી. આપણી ડાયરીઓ ભરચક છે. નકશામાં ધોરીમાર્ગ જડે, પણ જે ધોરીમાર્ગ નાની કેડી બની ગયો હોય એની લીટી ન મળે. એમ લીલા ચીટણીસનો નંબર પણ.
1935 પછીના આખા એક દસકા સુધી, અશોક કુમારની સાથે એમની જોડી હતી. એક ફિલ્મી યુગાંતરે રાજ-નરગિસ, દેવ-સુરૈયા, દિલીપ-મધુબાલાની જેમ એમનું નામ અશોક કુમાર-લીલા ચીટણીસ એમ બોલાતું હતું. આપણે ત્યારે અંતરિક્ષમાં હતા. જનમ ધરીને શરૂઆતની જે ફિલ્મો જોઈ તેનાં નામ લેવા બેસીએ તો પાર ન આવે એટલી ફિલ્મોમાં એ હતાં. ન ભૂલતો હોઉં તો ‘આવારા’માં પણ હતાં. દીકરા (રાજ કપૂર)ની બ્રીફકેસમાં રિવોલ્વર જોઈને એ જે હબક ખાઈ જાય છે એ યાદ કરીને અનેક વાર હું માતાને સામાન્ય વાતમાં પણ છેતરતાં અટકી ગયો છું. રાજ કપૂર (પુત્ર) એમને ઇધર કા માલ ઉધર અને ઉધર કા માલ ઇધરનો મારો કારોબાર છે એમ સમજાવે છે ત્યારે એ ગળે ઘૂંટડો ઉતારે છે. એનાં નિશાન એમના કંઠ પર લીલા રંગનાં નથી પડતાં, પણ દેખાય છે તોય દેખાય છે. લીલા ચીટણીસ, લીલા મિશ્રા, પ્રતિમા દેવી, અચલા સચદેવ, લલિતા પવાર, દુર્ગા ખોટે, સુલોચના (રૂબી માયર્સ) આ બધી પડદાની માતાઓ છે. એમાં સૌથી વધુ દયામણી, પ્રેમાળ, સમાધાનકારી છતાં ગરવી માતા લીલા ચીટણીસ. ચાલીસ પછી જન્મેલા એને હિરોઇન તરીકે કલ્પી જ ન શકે. જૂની ફિલ્મોના વિડિયો જોવા બેસે ત્યારેય મગજમાં તો બેસે જ નહિ. આજે ફિલ્મી તારિકાઓ લક્સ સાબુની જાહેરાત મેરે સૌંદર્ય કા રાઝ કહીને કરે છે, પણ એ જાણીને નવાઈ લાગશે કે આ પ્રથા શરૂ કરનારાં પણ લીલા ચીટણીસ જ હતાં. લક્સનાં એ પહેલવહેલાં ફિલ્મી મોડેલ હતાં.
લક્સનાં પહેલવહેલાં ફિલ્મી મોડેલ
આખા અમેરિકામાં આઠમી મે, 1994એ મધર્સ ડે ઉજવાયો એ પછીના થોડા જ દિવસોમાં મને એ વિનોદ અમીન, કપિલાબહેન અમીનના ઘેર આવતાં રસ્તામાં અથડાયાં. મેં નજર કરી. મનમાં છબિ પડી અને એ ઊઘડીને મનમાં પડે ત્યાં તો અદશ્ય!
‘હમણાં ગયાં એ લીલા ચીટણીસ’ એમ કપિલાબહેને કહ્યું ત્યારે મોટી થપ્પડ પડી.
‘હવે?’ મેં પૂછ્યું, ‘ફરી આવશે?’
‘ના,’ કપિલાબહેને કહ્યુંઃ ‘ભટકવું જ એમનું જીવન છે.’
‘એમ?’ મેં પૂછ્યું, ‘ઘરબાર નથી?’
શિકારી મન તરત જ મારણ માગે એવી રીતે એમના જીવનની કારુણી તો લેખકને મન એક જાતનું મારણ જ. ધીરે ધીરે તંતુએ તંતુ જુદા કરીને ચાખવાથી એનો સ્વાદ આવે.
‘1986માં અમે 42/55, મેઇન સ્ટ્રીટમાં રહેતાં હતાં.’ કપિલાબહેન કહ્યું, ‘આને ન્યુ યોર્કનું ફલશિંગ નામનું પરું કહેવાય. અમે એક અશોકભાઈ ગાંધીનાં ઘરમાં રહેતાં હતાં. ત્યારે એમણે ભલા થઈને કોઈ પેંઇગ ગેસ્ટ રાખવું હોય તો રાખવાની રજા આપી. આવકનો ટેકો રહે. એ વખતે અમને કોઈની મારફત પહેલાં પેઇંગ ગેસ્ટ મળ્યાં તે આ લીલા ચીટણીસ!’
‘પણ એમને પેઇંગ ગેસ્ટ તરીકે શા માટે રહેવું પડે?’
જવાબમાં ધીરે ધીરે જવાબનું આખું કપડું તો નહિ, પણ થોડી ચીંદી મળીઃ
કર્ણાટકના ધારવાડમાં સ્કૂલમાં પ્રિન્સિપાલ એવા પિતાને ત્યાં એ 30-9-2014 (કે 1912)માં જન્મ્યાં અને 1934માં ગ્રેજ્યુએટ થયાં. યુવાનીમાં પ્રેમલગ્ન કર્યાં. સાસરિયાંઓની મરજી વિરુદ્ધ ફિલ્મોમાં કામ કર્યું ને છોકરાંને મોટાં કર્યા – પતિથી અલગ થયાં અને ફિલ્મોમાં વિશેષ ધ્યાન આપ્યું, કમાયાં તે છ સંતાનો પાછળ ખર્ચ્યું. અમેરિકા વસાવ્યાં. એમાં એક તો અમેરિકન લેડીને પરણ્યો. બાલબચ્ચાં થયાં. અમેરિકન કાયદા મુજબ સૌને અલગ અલગ બેડરૂમ્સ જોઈએ. એમાં વિધવા માતાનો બેડરૂમ બાતલ થયો. અહીં આ દેશમાં રસોડામાં માજી પડ્યાં રહે એમ નહિ થતું હોય એટલે છોકરાનાં છોકરાંઓ વેકેશનમાં ઘેર પાછાં ફરે ત્યારે ડોશી ક્યાંક પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા જાય.’
‘સ્થિતિ?’ મેં પૂછ્યુંઃ ‘બેહાલ?’
‘ના, એવું નહિ.’ વિનોદ અમીને કહ્યુંઃ ‘ઊલટાનાં થોડાં વધારે, એટલે કે અઠવાડિયાના સાઠને બદલે એંસી ડોલર આપે.’
‘ત્યારે તો લાડેય કરતાં હશે ને?’
‘ના, જરાય નહિ. સ્વભાવ જ ભલો, અને મળતાવડો. આપણાં દાળ-ભાત શાક સ્વાદથી ખાય. સવારે જાતે બ્રેડ-કુકીઝ, બટર, ફ્રૂટ લાવ્યાં હોય તે ખાય. હા, ટાપટીપમાં એ ઉંમરેય પૂરાં, પફ-પાઉડર-કર્લી હેર. વાળને વાંકડિયા બનાવવા રાતે માથામાં પિન ખોસીને સૂએ, ને ડ્રાયર ફેરવે. એમના સરસામાનમાં માત્ર એક પતરાની ટ્રંકડી. એમાં અર્ધો સામાન તો આ ટાપટીપનો હોય.’
‘ત્યારે તો વાતોય રંગીન રોનકભરી કરતાં હશે.’
‘ફિલ્મી દુનિયાની વાતો કરે, વાતરસિયાં બહુ એટલે સરસ વાતો કરે. એમાં વચ્ચે વાતવાતમાં અશોક કુમાર આવે ને આવે જ. આંખોમાં ચમકારો આવી જાય. અસલી ઓતારમાં આવી જાય. ડાયલોગ બાયલોગ બોલવા માંડે, પણ એ કંઈક બોલતાં બોલતાં વાતને મનમાં જ ઉતારી ગયાં.’
‘એમ તો નવરાં પડે ત્યારે ‘ચંદેરી દુનિયા’ શીર્ષકથી આત્મકથા જેવું કંઈક લખતાં હતાં. કોઈને બતાવતાં નહોતાં, એમાં પરોવાઈ જતાં. ત્યારે ગંભીર થઇ જતાં, એ સિવાય હસાવતાં બહુ.’
‘તમે પેલી વાત ચોરી ગયાં.’ મેં કહ્યું, ‘કહોને! ડાયલોગ બાયલોગ બોલતાં બોલતાં લીલા ચીટણીસ શું કરે?’
કપિલાબહેને સંકોચ ખંખેરી નાખ્યો. મોં ધોઈને આવ્યાં હોય એમ સ્વસ્થ થઈ ગયાં. બોલ્યાં, એ તો ક્યારેક ડાયલોગ બોલતાં બોલતાં પોતાના અસલી ડાયલોગ બોલવા માંડે, અસલી જીવનના ડાયલોગ. જેમ કે કભી બોમ્બે આઇ તો દેખ લુંગી. તુમ કૈસે મેરી જીવનભરકી કમાઈ નિગલ સકતે હો! ક્યા મેરી પ્રોપર્ટીમેં સે તુમ મુઝે એક પાઈ ભી નહિ દોંગે?’
મુંબઈમાં કોણ હતું એમનું? સાસરિયાંનાં સગાંઓ-દેરિયા-જેઠિયા. ઓહ, સમજાયું! ઇધર કા માલ ઉધર. આવારા સંવાદોનો અહિં એમણે અમલ જોયો હશે?
થોડી વાર રહીને મેં એમને પૂછ્યુંઃ ‘મારે એમને મળવું છે.’ મેં કહ્યુંઃ ‘પત્તો મેળવી આપશો?’
એમણે જવાબ આપ્યો નહિ. મૌનમાં પડેલો નકાર કોઈ જીવતા માણસને ગળી ગયેલા દરિયાના અતાગ પાતાળમાંથી જન્મેલો હોય છે.

સુરતના ફિલ્મ સંશોધક હરીશ રઘુવંશી માહિતી આપે છે કે 15-7-2003ના રોજ અમેરિકાના એક નર્સિંગ હોમમાં દરિદ્ર અવસ્થામાં અવસાન પામનારાં લીલા ચીટણીસને એ અવસ્થામાં ચરિત્ર અભિનેત્રી શશિકલાએ શોધી કાઢ્યાં ત્યારે એ લીલાજી એમને ઓળખી પણ શક્યાં નહોતાં, એટલાં બધાં સ્મૃતિહ્રાસથી પીડાઈ રહ્યાં હતાં. અનેક ગીતોનાં ગાનારાં એ અભિનેત્રીએ 1935ની ફિલ્મ ‘ધુઆંધાર’થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી, હિરોઇન તરીકે તેમણે ‘બંધન’ (1940) ‘ઝૂલા’ અને ‘કંગન’ (1941) સહિત અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. એ પછી ચરિત્ર અભિનેત્રી તરીકે પણ તેમની કારકિર્દી અતિ યશસ્વી રહી હતી. તેમની રજૂ થયેલી છેલ્લી ફિલ્મ ‘રામુ તો દીવાના હૈ’ (2001) હતી, બનવાજોગ છે કે તેનું શૂટિંગ અગાઉ થઈ ચૂક્યું હોય યા તેઓ અમેરિકાથી થોડા સમય માટે આવ્યાં હોય.

આ અનોખી અભિનેત્રી પર ફિલ્માંકિત થયેલું અને તેમણે જ અશોક કુમાર સાથે ગાયેલું ‘બંધન’ (1940) ફિલ્મનું આ અતિ વિખ્યાત અને લોકપ્રિય ગીત જોઈને તેમની સ્મૃતિને તાજી કરીએ.
(ગીતકારઃ પ્રદીપ, સંગીતકારઃ આર.સી. પાલ)

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here