રાહુલ ગાંધીના સભ્યપદ રદનો વિપક્ષ દ્વારા વિરોધ

નવી િદલ્હીઃ રાહુલને સંસદમાંથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં કોંગ્રેસના સાંસદો કાળાં કપડા પહેરીને સંસદ પહોંચ્યા હતા. સોનિયા ગાંધી પણ કાળા કપડાં પહેરીને પહોંચ્યા હતા. લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ સ્પીકર ઓમ બિરલા સામે કાળું કપડું લહેરાવ્યું હતું. ત્યારબાદ તેઓ ઊભા થઇને ચાલ્યા ગયા હતા. સંસદ સત્રની શરૂઆત પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગેએ સંસદમાં તેમની ચેમ્બરમાં વિરોધ પક્ષોના નેતાઓની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ, ડીએમકે, સપા, જેડીયુ, બીઆરએસ, સીપીએમ, આરજેડી, એનસીપી, સીપીઆઇ, આપ અને ટીએમસી સહિત ૧૭ પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ટીએમસીનું આગમન આશ્ચર્યજનક રહ્યું હતું. આ અંગે ખડગેએ કહ્યું કે લોકશાહીની રક્ષા માટે જે પણ આગળ આવશે તેનુ અમે સ્વાગત કરીશું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરી જણાવ્યું કે લોકશાહી માટે કાળો અધ્યાય! શાસક પક્ષ પહેલીવાર સંસદને ઠપ્પ કરી રહ્યા છે. શા માટે? કારણકે મોદીના બેસ્ટ ફ્રેન્ડના કાળા કાર્યોનો પર્દાફાશ થઇ રહ્યો છે! એક જૂથ વિપક્ષ જેપીસીની માંગ પર કાયમ રહેશે. અદાણી મુદ્દે કોંગ્રેસ નેતાઓ ફરી એકવાર કેન્દ્ર સામે વિરોધ કરવા જઇ રહ્યા છે.
આ પહેલા ઓગસ્ટ ૨૦૨૨માં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી, જીએસટી અને બેરોજગારીના મુદ્દે કાળાં કપડા પહેરીને પ્રદર્શન કર્યુ હતું. તેમજ રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી હતી. સદનમાં ભાજપ લંડનમાં આપેલા નિવેદન માટે રાહુલ ગાંધી પાસેથી માફી માંગવા પર અડગ છે. જયારે, હિંડનબર્ગ-અદાણી કેસ મામલે કોંગ્રેસની સંયુકત સંસદીય સમિતિ (જેપીસી)ની માંગ પર યથાવત છે. બજેટ સત્રનો બીજો તબક્કો ૧૩ માર્ચથી શરૂ થયો હતો અને તે ૬ એપ્રિલ સુધી ચાલવાનો પ્રસ્તાવ છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના વિરોધમાં હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ, ૧૭માંથી ૧૫ કોંગ્રેસના ધારાસભ્યોને ૨૯ માર્ચ સુધીના બજેટ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કારણકે ગૃહમાં હંગામો થયો મચ્યો હતો અને સાંસદ તરીકે રાહુલ ગાંધીની ગેરલાયકાત અંગે ગૃહમાં વિરોધ કર્યો હતો.
હંગામા દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટીના કેટલાક ધારાસભ્યો આવીને ગૃહના માર્ગમાં બેસી ગયા હતા. તેમને માર્શલો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ઇમરાન ખેડાવાલા, ગનીબેન ઠાકોર અને અમૃતજી ઠાકોરનો સમાવેશ થાય છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વારંવાર અપીલ કરવા છતાં તેઓએ તેમની બેઠકો પણ પાછા ફરવાનો ઇન્કાર કર્યો હતો. અનંત પટેલ સિવાય કોંગ્રેસના બાકીના ૧૬ ધારાસભ્યો ગૃહમાં હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here