રાષ્ટ્રહિત દાખવો એ સરદારને સાચી અંજલિઃ વડા પ્રધાન મોદી

 

રાજપીપળાઃ ૩૧મી ઓક્ટોબર રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પનોતા પુત્ર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ શ્રદ્ધાંજલિ અર્પીને ભારતના આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન એક ભારત શ્રેષ્ઠ ભારત માટે એકીકરણના મહાયજ્ઞમાં દેશવાસીઓને સંકલ્પબદ્ધ બનવા આહ્વાન કર્યુ હતું. 

કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા સમારોહમા સંદેશો પાઠવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ એ ભારતના ઇતિહાસમાં જ નહીં, પરંતુ દેશવાસીઓના હૃદયમાં વસેલું વ્યક્તિત્વ છે. આજે દેશભરમાં તેમના એકતાના સંદેશાને મૂર્તિમંત કરવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો થકી જ સમૃદ્ધ રાષ્ટ્ર બનાવી શકીશુ. 

સરદાર સાહેબના સશકત ભારત, સંવેદનશીલ ભારત, સતર્ક ભારત અને વિનમ્ર ભારત નિર્માણના મંત્રને સાકાર કરવા માટે ૧૩૦ કરોડ દેશવાસીઓ આજે એક-એક સંકલ્પ કરીને, પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજાવશું એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે. સરદાર સાહેબે દેશહિતને જ પ્રાધાન્ય આપ્યું હતું તો એમની ભાવનાને આપણે બળવત્તર બનાવવા  સહિયારા પ્રયાસો કરીએ. કેવડિયામાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બાઈક રેલી, જવાનોની એકતા પરેડ, બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, માર્શલ આર્ટ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, સરદાર સાહેબના અખંડ ભારતના સપનાને મૂર્તિમંત કરવા માટે આપણે આજે દેશભરમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચરનાં નિર્માણ માટે છેલ્લાં સાત વર્ષમાં અનેક નવતર આયામો હાથ ધરીને તમામ રાજ્યોના છેવાડાના ગામ સુધી જનસુખાકારીના લાભો પૂરા પાડયા છે. આત્મનિર્ભર ભારતના મંત્ર થકી વેક્સિન બનાવીને ૧૦૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપીને રસીકરણ ક્ષેત્રે પણ દેશે વિશ્વમાં નામના મેળવી છે. સદીઓમાં એક સરદાર બની શકે છે અને સદીઓ સુધી એ એક સરદાર અલખ જગાવે છે, તેવું રવિવારે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ સમારોહમાં ભાગ લેવા કેવડિયા પહોંચેલા દેશના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. સરદારની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ પર પુષ્પાંજલિ અર્પણ કરાવા સાથે શાહે સમારોહમાં ઉપસ્થિત સૌને રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here