રજોધર્મ – કેટલીક જાણવાલાયક વાતો

0
1432

સ્ત્રીઓમાં યૌવનના પ્રારંભની સાથે જ ઋતુસ્રાવની શરૂઆત થઈ જાય છે. સગર્ભા, પ્રસૂતા અને વૃદ્ધ મહિલાઓ સિવાયની બાકી બધી જ યુવા મહિલાઓને પ્રત્યેક માસ નિયત સમય પર ગર્ભાશયન્ની શ્લૈષ્મિક કલાથી અંશ સહિત જે રક્તસ્રાવ થાય છે તેને રજ કહેવાય છે.
રજસ્રાવને જ રજોધર્મ, માસિક સ્રાવ, માસિક ધર્મ, માહવારી  કહેવાય છે.
રજપ્રવૃત્તિ સ્ત્રીની યુવાવસ્થાની દ્યોતક છે. ક્રિયા વિજ્ઞાનની દષ્ટિએ રજોદર્શન ગર્ભાધારણની ક્ષમતા અને યોગ્યતાને દર્શાવે છે, પરંતુ શરીર રચના વિજ્ઞાનની દષ્ટિએ રજસ્રાવના પ્રારંભિક વર્ષ ગર્ભોત્પાદન માટે યોગ્ય હોતા નથી.
સ્ત્રીમાં રજોદર્શન પ્રારંભ હોવાની ઉંમર બધી સ્ત્રીઓ માટે એકસરખી હોતી નથી, ભિન્નતા હોવાનાં અનેક કારણો હોઈ શકે, જેમ કે જલવાયુ, આહાર-વિહાર વગેરે. આફ્રિકા જેવા ગરમ દેશોમાં 8-10 વર્ષની બાળકીઓને પણ રજોધર્મની શરૂઆત થઈ જાય છે. અને યુરોપના ઠંડા દેશોમાં 14-17મા વર્ષથી શરૂઆત થતી હોય છે. ભારત કે જ્યાં જળ અને વાયુ સમશીતોષ્ણ છે તેવા દેશમાં 1ર-14 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ શરૂ થઈ જાય છે.
રજોધર્મ શરૂ થવા માટેના ઘણાં કારણો હોય છે, જેમ કે પ્રકૃતિ – પિત્ત પ્રકૃતિની સ્ત્રીને રજસ્રાવ જલદી શરૂ થઈ જાય છે. પિત્ત પ્રકૃત્તિની સ્ત્રીના રજસ્રાવની માત્રા અને સમય પણ વધારે પડતાં હોય છે. આહારવિહારઃ ગરમ પ્રકૃતિવાળા આહારસેવનથી તથા વધારે પરિશ્રમી સ્ત્રીઓને પણ જલદી રજોદર્શન આવે છે. ભોજન વધારે પૌષ્ટિક તત્ત્વ હોય કે પછી વધારે મરચા-મસાલાવાળું, માંસાહાર કે પછી શરાબનું સેવન કરનાર સ્ત્રીઓને પણ રજોદર્શન આવે છે. વિલાસી જીવન વ્યતીત કરનારી કે પછી કામોત્તેજના વધારે તેવી ચીજોની તરફ આકર્ષિત થનારી સ્ત્રીઓને પણ રજોદર્શન જલદી આવે છે.
દૂબળાપણું, રોગની સ્થિતિ, અપૂર્ણ-અપુષ્ટ આહાર, મોટાપા હોય તેવી સ્ત્રીઓને રજોદર્શન મોડું આવે છે.
રજનું પ્રાકૃતિક સ્વરૂપઃ રજનું સ્વરૂપ સ્વાસ્થ્યને પણ દર્શાવે છે. સામાન્ય રીતે માસિક સ્રાવના ડાઘા ગરમ પાણીથી સાફ કરવાથી જતા રહે છે. વધારે ચીકણો પણ નહિ ને વધારે કાળો પણ નહિ તેવો સ્રાવ હોય છે. રજસ્રાવ દર મહિને નિયત સમય પર 3થી 4-પ દિવસ સુધી આવે છે, જેની માત્રા ન ઓછી હોય છે કે ન વધારે. આનાથી બિલકુલ વિપરીત લક્ષણ હોય તો તે રોગની સ્થિતિ બતાવે છે સ્વાસ્થ્યનાં લક્ષણોનો રજોસ્રાવ રંગ જોઈને જ સમજી શકાય છે. સામાન્ય રીતે રજોસ્રાવ લાલ રંગનો હોવો જોઈએ. જો તેનો રંગ કાળો હોય તો તે સ્વાસ્થ્યમાં ગરબડ છે તેવું જ દર્શાવે છે. ત્રિદોષ સંતુલન બગડવાથી તથા વાતપ્રકોપ થવાથી આવી સ્થિતિ બને છે. સ્વસ્થ માસિક સ્રાવ કપડા પર સ્થાયી ડાઘ છોડતા નથી, પણ જ્યારે રજ કપડાં ધોયા પછી ડાઘ કરી દે ત્યારે કફની માત્રા વધારે છે તેમ સમજવું જોઈએ. સામાન્ય રીતે માસિક સ્રાવ દુર્ગંધવાળો ન હોવો જોઈએ, પણ જો દુર્ગંધવાળો હોય તો સમજવું કે પિત્તપ્રકોપ વધેલો છે. આ રીતે માસિક સ્રાવ શરીરમાં ત્રિદોષ સ્થિતિ પણ દર્શાવે છે. સ્ત્રીઓએ રજની સ્થિતિ સમજવી જોઈએ. પોતાને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
માસિક સ્રાવના રસ સાથે ગર્ભાશયની શ્લૈષ્મિક કલાના કેટલાક ટુકડા અથવા શ્લેષ્મા (મ્યુકસ) પણ હોય છે. તેના સિવાય માસિક સ્રાવમાં ગર્ભાશય અને યોનિના મળનો અંશ પણ હોય છે. શ્લેષ્માનો સ્રાવ સામાન્ય રીતે સ્રાવની શરૂઆત કે પછી અંતમાં થતો હોય છે. રજસ્રાવ ક્ષારીય હોય છે. આર્તવ સ્રાવ કાલ – સામાન્ય રીતે સ્ત્રીઓને પ્રત્યેક ર8મા દિવસે ઋતુસ્રાવ શરૂ થઈ જતો હોય છે. સ્વસ્થ સ્થિતિમાં આ નિયમિત રૂપથી થતું જ હોય છે. કેટલીક સ્ત્રીઓને ર8મા દિવસને બદલે 4-પ દિવસ આગળ-પાછળ થતું હોય છે. તો પણ તે સ્વાભાવિક જ માનવું જોઈએ, પણ આ સમયાન્તર પણ નિયમિત હોવું જોઈએ. જો કોઈ સ્ત્રી એક વાર ર8 દિવસ, બીજી વાર ર1મા દિવસે અને ત્રીજી વાર ર9મા દિવસે થાય તો તેને અનિયમિત કહેવાય. રજોદર્શનના દિવસોમાં 1થી 3 દિવસમાં ઘટાડો-વધારો હોઈ શકે છે. રજોદર્શનનો ન્યુનતમ ગાળો ર1 દિવસનો હોય છે.
એક વાર રજસ્રાવ શરૂ થાય પછી 3થી પ દિવસ સુધી નિરંતર આવતો રહે છે. કેટલીક સ્રીઓને 6થી 7 દિવસ સુધી પણ રહે છે, પણ આ અવધિ ઓછી કે વધારે હોય તો તે હેલ્થની ખરાબી દર્શાવતો સંકેત કહેવાય.
માસિક સ્રાવ આવે ત્યારનાં લક્ષણોઃ (1) પેટ કે નીચેના ભાગ, પીઠ, પેઢાં તથા જાંઘોમાં ભારેપણું, તનાવ અને ક્યારેક ક્યારેક દુખાવો પણ (ર) વારે વારે મૂત્રવિસર્જનની ઇચ્છા (3) સ્તનોમાં ભારેપણું (4) આળસ, અરુચી, ચીડિયાપણું, અશક્તિ, માથાનો દુખાવો કે ડિપ્રેશન. આ બધાં જ લક્ષણો બધી જ સ્ત્રીઓને હોય જ એવું પણ જરૂરી નથી. કેટલીક સ્ત્રીઓને આવું થાય છે, કેટલીક સ્ત્રીઓને થતું નથી. આ સિવાય પણ કેટલાંક એવાં લક્ષણ છે, જેમ કે, નાડીની ગતિ તથા રક્તચાપ ઓછો થઈ જવો શારીરિક તાપમાન લગભગ એક ડિગ્રી નીચે જતું રહેે, રક્તમાં હિમોગ્લોબીનની માત્રા ઘટી જવી, માસિક ધર્મમાં આવતાં પહેલાં શરીરનું વજન કેટલુંક વધી જવુ (800 ગ્રામ સુધી) અને પછી સામાન્ય થઈ જવું. ઘણી બધી યુવતીઓને માસિક દરમિયાન પેટમાં દુખાવો થવો એ અતિ સામાન્ય લક્ષણ જોવા મળે છે. મોટા ભાગની યુવતીઓને લગ્ન પછી આ દુખાવો ઓછો થઈ જાય છે, પરંતુ ઘણી બધી સ્ત્રીઓને આ લક્ષણ યથાવત્ રહે છે, તો સૌપ્રથમ એ જાણવું જોઈએ કે તેવી સ્ત્રીઓને કબજિયાત અને ગેસને લગતી તકલીફ છે કે નહિ. જો આ બન્ને તકલીફ હોય તો આયુર્વેદિક દવા દ્વારા તેનો ઉપાય કરીને આ તકલીફમાંથી છુટકારો મેળવી શકાય તેમ છે. તેના માટે યોગ્ય ચિકિત્સકની સલાહ લઈને ચિકિત્સા કરાવવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here