રંજન ગોગોઈની દેશના 46મા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક


નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ દેશના 46મા ચીફ જસ્ટિસ બન્યા છે. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા હતા. રંજન ગોગોઈનો કાર્યકાળ 13 મહિનાનો રહેશે.
રંજન ગોગોઈએ કાર્યભાર સંભાળતાં જ સુપ્રીમ કોર્ટમાં નવો રોસ્ટર જાહેર કર્યો છે, જે અનુસાર જાહેર હિતની અરજીઓ સાથે જોડાયેલા દરેક મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પોતે જ કરશે. આ સિવાય જસ્ટિસ મદન બી. લોકુર પણ જાહેર હિતની અરજી પર સુનવણી કરી શકશે. જસ્ટિસ લોકુર પાસે સુનાવણી માટે તે જાહેર હિતની અરજીઓ જશે, જે ચીફ જસ્ટિસ નક્કી કરશે.
નવું રોસ્ટર મુકદ્દમાની શ્રેણી અનુસાર બનાવવામાં આવ્યું છે. કાર્યકાળના પહેલા જ દિવસે ગોગોઈએ ચૂંટણીસુધાર માટેની અરજી ફગાવી અને વકીલોને પણ ઝટકો આપ્યો. નોંધનીય બાબત તે છે કે જસ્ટિસ દીપક મિશ્રાના સમયમાં જાહેર હિતની અરજી પર સુનાવણી માત્ર જસ્ટિસ દિપક મિશ્રાની બેચ જ કરતી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં રોસ્ટરનો મુદ્દો અગાઉ ઘણો ચર્ચામાં રહ્યો હતો.
ચીફ જસ્ટિસ ગોગોઈ આસામના રહેવાસી છે. તેમણે નેશનલ સિટિઝન રજિસ્ટર માટેની સુનાવણી કરનાર સ્પેશ્યલ બેન્ચની અધ્યક્ષતા પણ કરેલી છે. ગયા અઠવાડિયે તેમને ચીફ જસ્ટિસ બનાવવા સામેની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
જસ્ટિસ ગોગોઈએ શરૂઆતમાં વકીલાત કરતા હતા. ત્યાર પછી 2001માં ગૌહાટી હાઈ કોર્ટમાં જેમની જજ તરીકે નિમણૂક થઈ હતી. 2011માં તેઓ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 2012માં તેમની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ કરાઈ હતી.
જાહેરાતો થકી રાજકીય નેતાઓનાં ગુણગાન ગાવાની સામે ગોગોઈ ચુકાદો આપી ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના એ ચાર જજોમાં સામેલ છે, જેમણે 12 જાન્યુઆરીના દિવસે અચાનક જ પત્રકાર પરિષદ કરીને ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here