યુ.કે., ફ્રાન્સને પાછળ મૂકી ભારત વિશ્વનું સૌથી મોટું પાંચમું અર્થતંત્ર બન્યું

 

નવી દિલ્હીઃ ઘણા બધા નકારાત્મક સમાચારો વચ્ચે મોદીસરકારે માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. ૨.૯૪ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ભારતે ૨૦૧૯માં બ્રિટન અને ફ્રાંસને પાછળ રાખી દીધા છે. વડા પ્રધાન મોદીએ આગામી પાંચ વર્ષમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. 

અમેરિકન રિસર્ચ સંસ્થા વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે આત્મનિર્ભર બનવાની પોતાની પહેલાંની નીતિથી આગળ વધતાં ભારત હવે એક ખુલ્લા બજારવાળી અર્થવ્યવસ્થા તરીકે વિકસિત થઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જીડીપી બાબતે ભારતે ૨.૯૪ લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ બની ગયો છે. આ બાબતે ૨૦૧૯માં તેણે બ્રિટન અને ફ્રાંસને પાછળ રાખી દીધા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, બ્રિટનની અર્થવ્યવસ્થા ૨.૮૩ ટ્રિલિયન ડોલર અને ફ્રાંસની ૨.૭ ટ્રિલિયન ડોલર છે. ખરીદશક્તિ સમાનતા (પીપીપી)ના આધાર પર ભારતનો જીડીપી ૧૦.૫૧ ટ્રિલિયન ડોલર છે અને એ જાપાન તથા જર્મનીથી આગળ છે. જોકે ભારતમાં વધારે વસતિના કારણે વ્યક્તિદીઠ જીડીપી ફકત ૨૧૭૦ ડોલર છે, જે અમેરિકામાં ૬૨,૭૯૪ ડોલર છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં પણ નબળો, એટલે કે પાંચ ટકા જેવો રહી શકે છે. રિપોર્ટમાં કોંગ્રેસના સમયમાં શરૂ થયેલા ઉદારીકરણનાં વખાણ કરાયાં છે. એમાં કહેવાયું છે કે ભારતમાં આર્થિક ઉદારીકરણ ૧૯૯૦ના દાયકામાં શરૂ થયું હતું. ઉદ્યોગોને નિયંત્રણમુક્ત કરાયા અને વિદેશી વેપાર અને રોકાણ પરનાં નિયંત્રણો ઘટાડાયાં હતાં, સાથે જ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. આ ઉપાયથી ભારતને આર્થિક વૃદ્ધિદર તેજ કરવામાં મદદ મળી છેે. રિપોર્ટ જાહેર કરનાર વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ અમેરિકાની એક સ્વતંત્ર સંસ્થા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here