મૌન એક વ્રત છે, જેને પાળતાં આવડે તે જિંદગીને સારી રીતે જીવી જાય

0
2293

ચાતુર્માસ એક રીતે વ્રતોત્સવ છે. અષાઢ મહિનાની દેવપોઢી એકાદશીથી માંડીને કાર્તિક મહિનાની દેવઊઠી એકાદશીના સમયગાળાને આપણી પરંપરામાં ચાતુર્માસ તરીકે ઓળખાવાયો છે. બાર મહિનાના ઘણા ખરા તહેવારો અને આપણે જેને વ્રત-વરતોલા કહીએ છીએ એવા દિવસો આ ગાળામાં જ આવે છે. હવામાન અને શરીરશાસ્ત્ર આ બન્નેને સંયોજિત કરીને આ વ્રતો વિશે ચોક્કસ નિયમાવલિ પણ આપવામાં આવી છે. વ્રત એ કંઈ તાત્પૂરતી કામચલાઉ માર્ગરેખા નથી. એની એક ચોક્કસ સમજણ અને લાંબા ગાળાની અસર હોય છે. સહેજ બારીકાઈથી જોઈએ તો આ ગાળાનાં મોટા ભાગનાં વ્રતો જાણે સ્ત્રીઓ માટે હોય એવું લાગે. જ્વારા વાવીને મોળાકત કરતી અણસમજુ બાળાઓથી માંડીને એવરત જીવરત કે વટસાવિત્રીનાં વ્રત કરતી મહિલાઓ માટે આ બધું આજ સુધી બહુ સહજ હતું. મોળાકત કે એવરત-જીવરત, સોળ સોમવારનું વ્રત હોય કે પછી બોળચોથ, નાગપાંચમ, રાંધણછઠ કે શીતળાસાતમ હોય. આ બધાં માત્ર વ્રતો નહોતાં, તહેવારો પણ નહોતા, વાસ્તવમાં આ બધા ઉત્સવો હતા. જીવનઘડતરની પાઠશાળાઓ હતી. એ દરેકની પાછળ ચોક્કસ ઉદ્દેશો હતા. આ બધા ઉદ્દેશો અને વ્રતોની અહીં વાત નથી કરવી, પણ મૂંગી વરત નામનું એક ખાસ વ્રત અને એના મહિમા વિશે અહીં થોડીક ચર્ચા કરવી છે.
મૂંગી વરત એ લોકબોલીનો શબ્દ છે. એનું મૂળ સ્વરૂપ મૌન વ્રત છે. આ મૂંગી વરત પ્રૌઢ અને વૃદ્ધ સ્ત્રીઓ કન્યાઓને લેવડાવતી. આ વ્રત અનુસાર કન્યાઓ કેટલોક ચોક્કસ સમય, એક કલાક પણ હોઈ શકે અને એક દિવસ પણ હોઈ શકે – મૌન વ્રત પાળતી.
મૌન વ્રત શારીરિક ઉપરાંત માનસિક તપ છે. બીજાં બધાં વ્રતોમાં તપની વિભાવના તો છે જ, પણ આવા તપમાં મુખ્યત્વે દેહદમન લક્ષમાં રખાય છે. મૂંગી વરતમાં માત્ર દેહ જ નહિ, પણ દેહમાં રહેલા આત્માને પણ બલિષ્ઠ બનાવવાની વિભાવના છે. આમ હોવાથી આ વ્રત સૌથી વધુ કઠિન છે અને આ કઠિન વ્રત અન્યોને નહિ, પણ ઊગીને ઊભી થતી કન્યાઓને વિશેષ કરીને શીખવવામાં આવતું.
મૌનનો અર્થ માત્ર શબ્દોચ્ચારો ન કરવા એટલો જ નથી થતો. વિચારયાત્રા તો ચાલુ જ હોય છે. એને રોકી શકાતી નથી અથવા તો એને રોકવી એ અત્યંત ભગીરથ કામ છે. વિચારો પણ શબ્દોનો આશરો લે છે. જોકે આ શબ્દો પ્રગટ ઉચ્ચારોનો આશરો લેતા નથી એ ખરું, પણ અપ્રગટ સ્વરૂપે સુધ્ધાં મૌનની પાયાની વિભાવનાને ખંડિત તો કરે જ છે. આમ હોવાથી મૌનને તપસ્યાનું સૌથી ઊંચું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મૌન એટલે અશબ્દ રહેવું, આ વહેવારિક અર્થ મૂંગી વરત પૂરતું બરાબર છે, પણ મૌન એટલે કોણે, કયાં, કેટલું અને કેવું બોલવું અથવા ન બોલવું એની સમજણ એ પણ એક પ્રકારનું મૌન જ છે. હસ્તિનાપુરની દ્યુત સભામાં જ્યારે જેટલું બોલવાની જરૂર હતી ત્યારે પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, પિતા ધૃતરાષ્ટ્ર – આ બધાએ જે બોલવું જોઈએ એ બોલ્યા નહિ. આ નિષેધાત્મક મૌન હતું. આ નિષેધાત્મક મૌન એ વ્રત નથી. એનાથી મહાસંહારને નોતરું મળ્યું. બરાબર આ જ વખતે સભાગૃહમાં બેઠેલી કુરુકુળની વરિષ્ઠ મહિલાઓ ગાંધારી અને કુંતી સુધ્ધાં કશું બોલતાં નથી. રાજપરંપરા પ્રમાણે આ મહિલાઓનું આ મૌન એ સંસ્કાર છે, પણ સંસ્કાર સુધ્ધાં વિધાયક હોવા જોઈએ એ વાત ભુલાઈ ગઈ.
ઇન્દ્રપ્રસ્થના અશ્વમેધ યજ્ઞ વખતે મયદાનવે રચેલા રાજમહેલમાં જળ અને સ્થળ બન્ને વચ્ચે દશ્યની માયાજાળ રચાતી હતી ત્યારે દુર્યોધન પડી ગયો અને એનું પતન જોઈને આંધળાનો પુત્ર તો આંધળો જ હોય ને! એવું કવેણ દ્રૌપદીએ ઉચ્ચાર્યું. જ્યાં મૌન રહેવું જોઈતું હતું ત્યાં એનું પાલન ન થયું. પરિણામે અહીં પણ મહાયુદ્ધનાં જ મંડાણ થયાં હતાં એવું કહી શકાય.
અરણ્યવાસ દરમિયાન એક વાર શ્રીકૃષ્ણ અને સત્યભામા પાંડવોને મળવા માટે આવે છે. આ મુલાકાતમાં દ્રૌપદી અને સત્યભામા વચ્ચે સંવાદ થાય છે. આ સંવાદમાં એક જગ્યાએ દ્રૌપદી સત્યભામાને એવું કહે છે કે હું કોની સાથે કેટલું બોલવું એની મર્યાદા જાળવું છું. એટલું જ નહિ, સેવકો હોય કે અતિથિઓ હોય, આ સૌ સાથે જરૂર પૂરતું જ સંભાષણ કરું છું.
જરૂર પૂરતું જ બોલવું એ પણ મૌનનો જ એક પ્રકાર છે. આ વાત સમજવી સહેલી નથી. જરૂર એટલે કોની અને કેટલી એનો નિર્ણય વ્યકિતગત વિવેક ઉપર આધારિત છે. એટલું જ નહિ, સાંભળનારની ક્ષમતા પણ લક્ષમાં લેવી પડે છે. ઘણી વાર એવું બને છે કે જેનો જવાબ એક શબ્દથી જ આપી શકાય એવી વાતને આખા વાકય સુધી લંબાવીએ છીએ અને જે વાત એક વાકયમાં પૂરી થઈ શકે એમ હોય એને આપણે આખો પરિચ્છેદ કે આખું પૃષ્ઠ ભરીને લંબાવી દઈએ છીએ. આપણા પ્રાચીન વૈયાકરણીઓએ એવું કહ્યું છે કે જો કોઈ લેખિત રચનામાં કયાંય એક હ્રસ્વ, દીર્ઘ કે કાનો માત્ર પણ મૂળ ભાવને અકબંધ રાખીને ઘટાડી શકાય તો એને પુત્ર જન્મોત્સવ જેવો આનંદ ગણવો જોઈએ. લેખિત રચનામાં આ કાનામાત્રનું જે મહત્ત્વ વૈયાકરણીઓએ આલેખ્યું છે એ જ મહત્ત્વ વાચિક સંવાદમાં પણ એવું ને એવું જ લાગુ પાડી શકાય એમ છે. વાણી દ્વારા વેડફાતા વધારાના શબ્દોને આપણે મૌખિક અતિસાર કહી શકીએ. એ જ રીતે, નર્યો ઘોંઘાટ પેદા કરતા આવા શબ્દોને ધાતુપાત્રમાં ખખડતાં કાંકરા સાથે સરખાવી શકાય. શબ્દનું બ્રહ્મ સ્વરૂપ આવા વધારાના વ્યકિતકરણથી ભારે કદરૂપું થઈ જાય છે.
અહીં એક બીજી વાતની પણ નોંધ લેવી જોઈએ કે મૌનને મીંઢાઈની બીજી બાજુ બનવા દેવી જોઈએ નહિ. મીંઢાઈ પણ અશબ્દ છે, પણ અહીં આ અશબ્દતા સતીનું શીલ નથી બનતી, અસતીના ચારિત્ર્યની જાળ બની જાય છે. દુર્ભાગ્યે સાંપ્રત કાળમાં બન્યું છે એવું કે એલિઝાબેથ ટેલર સીતાને શીલ અને ચારિત્ર્યના પાઠ શીખવતી નજરે પડે છે. આવું નજરે પડે ત્યાં સુધી તો એ સહ્ય છે પણ એ વ્યાપક બનીને પ્રધાન સ્થાને સ્થાપિત થઈ જાય ત્યારે ભારે અનર્થ સર્જાય છે. મૌનને આવા અનર્થનું મૂળ બનવા ન દેવાય.
મૌનની સાધના એક કઠિન તપશ્ચર્યા છે એ ખરું, પણ સ્ત્રીઓ માટે આ તપ જેટલું કઠિન છે એ કરતાં પુરુષો માટે એ વધુ કઠિન છે. સ્ત્રી પ્રકૃતિએ અંતર્મુખી હોવાને કારણે મૌનની આરાધના એના માટે સરળ છે. પુરુષ પ્રકૃતિએ બહિર્મુખી હોવાને કારણે એના માટે પેલું મૂંગી વરત વધારે અઘરું છે. અઘરું છે એટલે અસાધ્ય નથી. માત્ર કષ્ટસાધ્ય છે. સ્ત્રી માટે એ પ્રમાણમાં સુસાધ્ય છે. અહીં આપણે જ્યારે સ્ત્રી અને પુરુષ એવું વિભાગીકરણ કરીને વાત કરીએ છીએ ત્યારે એ પણ યાદ રાખવા જેવું છે કે અહીં આપણને દૈહિક રચના અભિપ્રેત નથી, માનુષી લક્ષણ અભિપ્રેત છે. કેટલીક સ્ત્રીઓ અંતર્મુખી નથી પણ હોતી – બહિર્મુખી હોય છે અને આવા સંજોગોમાં મૌન વ્રત માટેનું એનું લક્ષણ પણ પૌરુષી હોય છે. પુરુષ માટે પણ આમ જ કહી શકાય.
મૌન શબ્દ સાંભળતાં જ બધા સાવ ચૂપચાપ નજરે ચડેને…. પણ એવું નથી. મૌન એક વ્રત છે, જેને પાળતાં આવડે તે જીદગીને સારી રીતે જીવી જાય.
કદાચ મૌન પાળર્તાં તો બધાને આવડે, પણ સાચું કહું તો મૌન રાખતાં આવડવું જોઈએ, કેમ કે મૌન પાળવામાં સમય નક્કી હોય, જેમ કે કોઈ જીવની શાંતિ માટે રખાતું મૌન એટલે સમય બે મિનિટનો હોય, એમાં પણ ઘણા લોકો સ્થિર રહી શકતા નથી તો મૌન રાખવામાં કોઈ સમયમર્યાદા ન હોય તે લાંબો સમય પણ ચલાવવું પડે, પણ જે કાર્ય મૌન થઈ શકે તે બોલીને થતું નથી. મૌન માટે જરૂરી છે માત્ર તમારી જીભને વશમાં રાખો અને એથી પણ પહેલાં તમારા મનને કાબૂમાં રાખો. મન કાબૂમાં હશે તો આપોઆપ મૌન રહી જવાશે.
પહેલાંના સમયમાં ઋષિમુનિઓ મૌન વ્રત રાખતા, જેના કારણે તેઓ લાંબું આયુષ્ય ભોગવતા, કેમ કે બોલવામાં આપણી બેવડી શકિત વેડફાય છે તો શરીરમાં શકિતનો સંચય કરવા પણ મૌન રહેવું જરૂરી છે.
મૌન અઘરું છે એના સ્વીકાર સાથે એ પણ સરખાવવા જેવું છે કે કહેવા જેવી મુદ્દાની વાતને ટૂંકાવીને કહેવી એ વધારે અઘરું કામ છે. બ્રિટિશ વડા પ્રધાન ડિઝરાઇલીના નામે એક પ્રસંગ બહુ જાણીતો છે. ડિઝરાઇલી કોઈક સત્તાવાર કામે કશેક જવાના હતા. કાર્યક્રમ ભરચક હતો અને કાર્યક્રમના સ્થાનથી થોડે દૂર ડિઝરાઇલીનું ખુદનું મતદાર ક્ષેત્ર હતું. આ મતદાર ક્ષેત્રના આગેવાનોએ ડિઝરાઇલીને આ ક્ષેત્રમાં આવીને કશાક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવાનું કહ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે જે વિષય ઉપર બોલવાનું હતું એ વિષયને લક્ષમાં રાખીને ડિઝરાઇલીએ એમને કહ્યું – મિત્રો, આ વિષય ઉપર બોલવા માટે તમારે મને અગાઉથી કહેવું જોઈએ. મારે તૈયારી કરવી પડે.
પેલા લોકોએ કહ્યુંઃ સાહેબ, તમે આ વિષય ઉપર માત્ર દસ જ મિનિટ બોલજો. તમારો વધારે સમય નહિ લઈએ.
દસ મિનિટ? ડિઝરાઇલીએ આંખ પહોળી કરીને કહ્યું, જો આ વિષય ઉપર મારે દસ મિનિટ જ બોલવાનું હોય તો તમારે મને ઓછામાં ઓછું એક મહિના પહેલાં કહેવું જોઈએ.
શું વાત કરો છો સાહેબ? આપની જેવા માણસ માટે દસ મિનિટના વકતવ્ય માટે જો એક મહિનાનો સમય જોઈતો હોય તો, આ જ વિષય ઉપર જો બે કલાક વ્યાખ્યાન આપવાનું હોત તો…
તો હું અબઘડી તૈયાર છું. ડિઝરાઇલીએ કહ્યું.
લાંબું બોલવું સહેલું છે, ટૂંકું બોલવું અઘરું છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.

લેખક મુંબઈસ્થિત સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here