મોરબીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી માટે આહ્વાન કર્યું

મોરબી: બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામમાં રામકથા ચાલી રહી છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તેમણે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, ધરતી અને ગાય બંનેને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. જો પ્રાકૃતિક ખેતી અપનાવામાં આવશે તો લોકોના આરોગ્યમાં ઘણો સુધારો થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

મોરબીના બેલા ગામ ખોખરા હનુમાન હરિધામમાં ૧૦૦૮ મહામંડલેશ્ર્વર કનકેશ્ર્વરી માતાજીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં હતા. આ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાસ વિજયવર્ગીય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, વિનોદભાઇ ચાવડા સહિત અગ્રણીઓ રામકથામાં હાજર રહ્યા હતા. તેઓએ ગુજરાતની અંદર બનાવવામાં આવેલ પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિ તેમજ ખોખરા હનુમાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. 

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેશવાનંદ બાપુના પાવન પગની રજ જ્યાં પડેલી છે તે તીર્થભૂમિમાં આવીને તેઓએ ધન્યતા અનુભવી છે અને દરેક વ્યક્તિની અંદર તેમજ કણે કણમાં રામ વસેલા છે તેને જન જન સુધી પહોંચાડવાનું કામ સંતો મહંતો કરી રહ્યા છે અને હાલમાં ગૌમહિમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં ગાયને બચાવવા માટે જ સરકારે પ્રકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે. ગાયની સાથોસાથ ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો લોકોના આરોગ્યમાં પણ તેની ખૂબ સારી અસર જોવા મળશે. 

કથાકાર કનકેશ્ર્વરી માતાજીએ કથા દરમ્ાિયાન કહ્યું હતું કે, જો ભારત દેશની અંદર ગાય ન હોત તો આ ભારતીય સંસ્કૃતિના ગ્રંથો અને પુરાણો ન હોત. આટલું જ નહિ રામ કૃષ્ણ સહિતના અવતારો જે થઈ ગયા છે તેના પ્રાગટ્યમાં પણ ગાય છે. જો ગાય દેશની અંદર પ્રસન્ન હશે તો દેશ પ્રસન્ન રહેશે અને ગાય સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ રહેશે. ગાયોની હત્યા કરનારના હાડકાં ખોખરા કરવાનું કામ ખોખરા હનુમાન કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here