મોદીનો માસ્ટરસ્ટ્રોકઃ મફત વેક્સિનેશન, દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે પાંચ કલાકે કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા તમામને ૨૧મી જૂનથી મફત વેક્સિન પૂરી પાડશે તેવું 

રાજ્યો પાસેથી વેક્સિનેશનનો હવાલો પાછો ખેંચી લેવાનું વડા પ્રધાન મોદીએ જાહેર કર્યું હતું અને પહેલી મેએ લાગુ કરેલી વેક્સિનેસન નીતિમાં બદલાવ કર્યો હતો.

વેક્સિન અંગે લોકોમાં જાગૃતિ આણવાની પણ તેમણે અપીલ કરી હતી. આવનારાં દિવસોમાં દેશમાં વેક્સિનનો પુરવઠો વધારવાની પણ તેમણે ખાતરી આપી હતી.

એપ્રિલ મહિનામાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને બે મહિના એટલે કે મે અને જૂન મહિનામાં મફત અનાજ પૂરું પાડવાની જાહેરાત કરી હતી. યોજના દિવાળી સુધી લંબાવવાનો સરકારે નિર્ણય લીધો હોવાની સોમવારે રાષ્ટ્રને સંબોધન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી.

ગયા વરસે કોરોનાને કારણે જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પીએમજીકેએવાય હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને આઠ મહિના મફત અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું.

કોરોનાની બીજી લહેરને કારણે આ વરસે પણ બે મહિના એટલે કે મે અને જૂન માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જોકે, હવે આ યોજના દિવાળી સુધી લંબાવવાનો સરકારે સોમવારે નિર્ણય લીધો છે. કોરોનાની મહામારી દરમિયાન સરકાર ગરીબોની પડખે છે. આ વર્ષના નવેમ્બર મહિના સુધી દેશના ૮૦ કરોડ કરતા પણ વધુ લોકોને ચોક્કસ પ્રમાણમાં અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પીએમજીકેએવાય હેઠળ સરકાર પ્રત્યેક વ્યક્તિને પ્રતિમાસ પાંચ કિલો અનાજ મફત પૂરું પાડે છે.

નેશનલ ફૂડ સિક્યોરિટી અૅક્ટ (એનએફએસએ) હેઠળ આવરી લેવામાં આવેલા અંદાજે ૭૯.૩૯ કરોડ લાભાર્થીઓને પ્રતિમાસ પાંચ કિલો અનાજ મફત પૂરું પાડવામાં આવશે. એનએફએસએ હેઠળ આવરી લેવામાં આવેલા લોકોને ફાળવવામાં આવતા નિયમિત અનાજ ઉપરાંત વધારાનું પાચ કિલો અનાજ તેમને ફાળવવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

નવેમ્બર સુધી દેશના ૮૦ કરોડ લોકોને દર મહિને મફત અનાજ મળતું રહેશે, એમ બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

કોરોનાની બીજી લહેર દરમિયાન મે-જૂન મહિના માટે આ યોજના ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે એ યોજના દિવાળી સુધી અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત જોવા મળી રહેલા ઘટાડાને પગલે અનેક રાજ્યોએ નિયંત્રણો હળવાં કરવાનાં પગલાં લેવાનો આરંભ કરી દીધો હોવા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અસાવધ ન રહેવાની અને કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની વિનંતી કરી હતી. કોરોના સામે સફળ રીતે લડવાનું આ જ અમોઘ શસ્ત્ર છે, એમ તેમણે કહ્યું હતું.

નિયંત્રણો હળવાં કરવામાં આવ્યા એનો મતલબ એ નથી કે કોરોના જતો રહ્યો છે. આપણે હજુ પણ સાવધ રહેવાનું છે અને કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરતા રહેવાનું છે, એમ તેમણે કહ્યું હતું.

મને વિશ્વાસ છે કે ભારત કોરોના વિરુદ્ધની લડતમાં વિજય મેળવશે, એમ તેમણે કહ્યું હતું. છેલ્લાં લગભગ ૧૫ મહિનામાં કોરોના સામે લડવા દેશભરમાં નવું આરોગ્ય માળખું ઊભું કરવામાં આવ્યું છે.

ખાનગી હોસ્પિટલોને વેક્સિનનો પચીસ ટકા જથ્થો ફાળવવાનું ચાલુ રાખવામાં આવશે, પરંતુ તેઓ વેક્સિનની મુકરર કરવામાં આવેલી કિંમત પર વધુમાં વધુ રૂ. ૧૫૦ સર્વિસ ચાર્જ લઈ શકશે, એમ તેમણે કહ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here