મિસ્ત્રના રણ પ્રદેશમાંથી મળી આવ્યું ૪,૫૦૦ વર્ષ જૂનું સૂર્ય મંદિર

 

નવી દિલ્હીઃ કેટલાક પુરાતત્વવિદો મિસ્ત્રની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ પ્રદેશમાં ખનન કરી રહ્યા હતા તે સમયે અચાનક જ પ્રાચીન મંદિર મળી આવતા તેઓ સૌ ચોંકી ઉઠ્યા હતા. આ મંદિર સૂર્ય દેવનું છે અને તે છેલ્લા ૪,૫૦૦ વર્ષોથી રણ પ્રદેશમાં દટાયેલું હતું. મિસ્ત્રના આર્કિયોલોજિસ્ટના કહેવા પ્રમાણે આ છેલ્લા દશકાનું સૌથી મોટું સંશોધન છે. મિસ્ત્રના ફૈરોહ દ્વારા આ મંદિર બનાવડાવવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં મિસ્ત્રમાંથી બે પ્રાચીન મંદિરોનું ખનન કરવામાં આવેલું છે. જોકે, વોરસો સ્થિત એકેડમી ઓફ સાયન્સીઝમાં ઈજિપ્તોલોજીના આસિસ્ટેન્ટ પ્રોફેસર ડો. માસિમિલાનો નુજોલોના કહેવા પ્રમાણે તેમણે આવી પ્રાચીન વસ્તુઓના સંશોધન માટે ઘણો સમય આપ્યો છે. પરંતુ જ્યારે આવું કશું મળે છે જે સંપૂર્ણ સભ્યતા, સંસ્કૃતિ અને તે સમયના નિર્માણકળા વિજ્ઞાનને દર્શાવે છે તો આશ્ચર્ય થાય છે. ઘણું બધું શીખવા મળે છે. 

પુરાતત્વવિદોના કહેવા પ્રમાણે આ મંદિર પાંચમા સામ્રાજ્યના ફૈરોહે બનાવડાવ્યું હતું. તે સમયે તેઓ જીવીત હતા. તેનો ઉદ્દેશ્ય હતો કે, લોકો તેમને ભગવાનનો દરજ્જો આપે. બીજી બાજુ પિરામિડ્સ બનાવડાવાયા હતા જ્યાં ફૈરોહના મૃત્યુ બાદ તેમની કબર બનાવવામાં આવતી હતી જેથી અવસાન બાદ તેઓ ભગવાનનું સ્વરૂપ હાંસલ કરી શકે. 

પુરાતત્વવિદોને મિસ્ત્રના ઉત્તરમાંથી મળી આવેલા સૂર્ય મંદિર પરથી એવું જાણવા મળે છે કે, દેશમાં અન્ય સૂર્ય મંદિર પણ છે. ત્યાર બાદ દેશભરમાં સૂર્ય મંદિરો માટે સંશોધન કરવામાં આવ્યું. તેમાં જાણવા મળ્યું કે, મિસ્ત્રમાં આવા ૬ સૂર્ય મદિર છે જે ૪,૫૦૦ વર્ષ પહેલા બનાવડાવવામાં આવ્યા હતા. તેમાંથી એક હાલ અબુ ગોરાબ રણ પ્રદેશમાંથી મળી આવ્યું છે.  

મિસ્ત્રના પાંચમા સામ્રાજ્યના ફૈરોહ ન્યૂસિરી ઈનીએ આ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. હાલ જે મંદિર મળી આવ્યું તે પણ તેમણે જ બનાવડાવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મંદિરનું નિર્માણ માટીમાંથી બનેલી ઈંટો દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો ૨ ફૂટ ઉંડો પાયો ચૂનાના પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યો હતો. 

નિષ્ણાતોના મતે અસલી મંદિર ખૂબ જ વિહંગમ રહ્યું હશે કારણ કે, અબુ ગોરાબમાંથી મળી આવેલા અવશેષોની મદદથી તેમણે કોમ્પ્યુટર દ્વારા મંદિરની ડિઝાઈન બનાવી હતી. તે જોવામાં ખૂબ જ સુંદર જણાય છે. તે સિવાય પુરાતત્વવિદોને પ્રાચીન સ્થળેથી બિયરના જાર મળી આવ્યા હતા જે માટીથી ભરેલા હતા. આ જારોમાં સૂર્ય દેવતાને કોઈ પૂજા-પાઠ સમયે ચઢાવો અપાતો રહેતો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here