માસિક ધર્મનો પ્રારંભ એ તો યુવતી માટે સેલિબ્રેશનનો અવસર છે !

0
1359

બે દિવસ પછી હું ‘પેડમેન’ ફિલ્મ જોવા જવાનો છું અને એ માટે અત્યારથી જ ઉત્સુક છું. તે ફિલ્મનો રિવ્યુ મેં વાંચ્યો છે અને એના કન્ટેન્ટ અને થીમ વિશે ખૂબ સરસ વાત સાંભળી છે, એ જાણીને હું રાજી થયો છું. આપણા સમાજમાં સ્રીના માસિક ધર્મ વિશે એજ્યુકેટેડ લોકો પણ વાત કરતાં સંકોચ અને શરમ અનુભવે છે. એ વિષયને આ ફિલ્મમાં સરસ રીતે રજૂ કરાયો છે એ એક ક્રાંતિકારી પગલું છે.

જડ અને બંધિયાર પરંપરાનાં વર્ષોથી બંધ કમાડ ખૂલે ત્યારે એમાંથી ચિચિયારીનો ધ્વનિ સંભળાવો સ્વાભાવિક છે. સ્ત્રીના માસિક ધર્મ (એમસી પિરિયડ) વિશે આપણે અનેક ખોટી પરંપરાઓ અને વાહિયાત ભ્રાંતિઓને સદીઓથી વળગીને બેસી રહ્યા છીએ.

એક તરફ જેને આપણે ‘માસિક ધર્મ’ કહીએ છીએ, એ જ બાબતને આપણે આભડછેટના ખાનામાં મૂકીએ છીએ. માસિક ધર્મવાળી સ્ત્રીને, આપણે બનાવેલા અને માની લીધેલા ધર્મની કોઈ પણ ક્રિયા વખતે દૂર રાખવામાં આવે છે ! માસિકધર્મ દરમિયાન તે મંદિરમાં પ્રવેશી ન શકે, કોઈ પૂજાવિધિ ન કરી શકે! અરે! ધર્મની વાત જવા દઈએ… આપણે રોજિંદા જીવનની સામાન્ય બાબતોમાં અને ઘટનાઓમાં પણ માસિક ધર્મવાળી સ્ત્રીને ઇન્વોલ્વ કરવાનું ટાળીએ છીએ. માસિક ધર્મમાં આવેલી સ્ત્રી વિશે આભડછેટની એક અભેદ્ય દીવાલ આપણે ઊભી કરી રાખી છે.

મને યાદ છે હું જ્યારે ખૂબ નાનો હતો ત્યારે ફેમિલીની કોઈ યુવતી માસિક ધર્મમાં હોય અને એની આભડછેટ પાળવાની હોય ત્યારે અનેક સવાલો મારા મનમાં પેદા થતા કે એને રસોડામાં કેમ કોઈ આવવા દેતું નથી? એ સ્ત્રીને આપણે અડી જઈએ તો શી તકલીફ પડે? એણે એવું તે શું કર્યું છે કે એને અડી પણ ન શકાય? મારા આ સવાલો હું જ્યારે કાલીઘેલી ભાષામાં પૂછતો ત્યારે મને જે જવાબો મળતા તે અત્યંત રહસ્યમય, અસ્પષ્ટ અને હાસ્યાસ્પદ મળતા હતા. આભડછેટનો સંદર્ભ યુવતીની ઉંમર સાથેની એક કુદરતી ઘટના સાથે જોડાયેલો છે એ વાત મને બહુ મોડેથી સમજાઈ. અમને ત્યારે અભ્યાસક્રમમાં આવી વાતો શીખવાડવામાં આવતી નહોતી અને સામાજિક પરિવેશ એવો હતો કે આવી વાત ખુલ્લેખુલ્લી કોઈ કરતું નહિ. તમે કદાચ નહિ માનો, પણ હું કોલેજમાં આવ્યો ત્યાં સુધી મને ખબર નહોતી પડતી કે અમુક ચોક્કસ સમયે યુવતીને યોનિમાંથી બ્લડ આવે એને માસિકધર્મ કહેવાય છે અને એ સમય દરમિયાન આભડછેટ રાખવામાં આવે છે. ક્યારેક એમ કહેવામાં આવતું કે એ યુવતી ભૂલથી કોઈ અસ્પૃશ્ય વ્યક્તિને અડી ગઈ છે, તો ક્યારેક એમ પણ કહેવામાં આવતું કે એ યુવતી આજે કંઈક ખોટું બોલી છે અથવા એણે ફલાણું પાપ કર્યું છે કે ઢીંકણું પાપ કર્યું છે એ કારણે એને અડવાનું નથી. બે-ત્રણ દિવસ પછી તે યુવતી જ્યારે માથું ધોઈને એટલે કે વાળ સાફ કરીને સ્નાન કરે ત્યાર પછી એને અડી શકાતું. આ રહસ્ય પણ મારા માટે સમજવું બહુ અઘરું હતું. યુવતીના માથાના વાળ સાફ કર્યા પછી એને ફરીથી અડી કેમ શકાય? શું એનાં બધાં પાપ ધોવાઈ જાય? કિશોરવયે હું એમ પણ વિચારતો હતો કે એમ તો હું પણ ક્યારેક કોઈ અસ્પૃશ્ય મિત્રને અડી જાઉં છું અને ક્યારેક ખોટું પણ બોલું છું, ક્યારેક એમ પણ વિચારતો કે આ યુવતીએ કર્યું છે એવું કોઈ પાપ અજાણતાં હું પણ કરતો હોઈશ… પરંતુ ત્યારે આ યુવતી સાથે કરવામાં આવે છે એવી આભડછેટ મારી સાથે કરવામાં કેમ નથી આવતી? પુરુષો માટે આવી આભડછેટ ક્યારેય જોવા મળતી નહિ. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આવા અસમાન વ્યવહારની વાત મને અકળાવ્યા કરતી હતી. આવી આભડછેટ માત્ર સ્ત્રીઓ માટે જ કેમ? પુરુષોને એવી આભડછેટથી કેમ મુક્ત રાખવામાં આવ્યા હતા એ હું સમજતો નહોતો. કોઈ યુવતીને ક્યારે અડવું ક્યારે ન અડવું આ નક્કી કોણ કરતું હશે અને શેના આધારે આવું નક્કી થતું હશે તે મારા માટે હંમેશાં પઝલરૂપ જ રહ્યું હતું.

આપણે ત્યાં કોઈ પણ સામાન્ય અને કુદરતી બાબતને એક વખત ધર્મ સાથે જોડી દઈએ એટલે એમાં હજારો ભ્રાંતિઓ આપોઆપ ઉમેરાઈ જાય છે! કોઈને એનું સત્ય કે એનું રહસ્ય સમજવાની પરવા હોતી જ નથી. બસ, પરંપરાથી એને વળગી રહેવા માટે ઉત્સુક થઈને સૌ ઉધામા કરવા થનગને છે !

મારી એક વાચક યુવતીએ મને એક સવાલ પૂછ્યો હતો કે એની દીકરી હવે યુવાન થઈ છે અને તેને માસિક પિરિયડ્સ આવવાના શરૂ થયા છે. પોતાની દીકરીને માસિક ધર્મ વિશે કેવી રીતે સમજાવવું તે વિશે માર્ગદર્શન પૂછતી હતી.
એની દીકરી ખુદ એને પૂછતી હતી કે પિરિયડ્સ દરમિયાન મંદિરમાં કેમ ન જવાય? નવાં તૈયાર થઈ રહેલાં અથાણાં-પાપડ વગેરેને કેમ ન અડાય? રસોડામાં કેમ ન જવાય? માસિક ધર્મ દરમિયાન કોઈ પૂજાવિધિ કરવાથી પાપ કેમ લાગે? પાપ શું છે અને પુણ્ય શું છે ?

યુવતી પોતાની દીકરીને કઈ રીતે સમજાવવી તેની દ્વિધા અનુભવતી હતી અને એણે મારી પાસે એ બાબતનું માર્ગદર્શન માગ્યું હતું કે પોતાની દીકરીને કઈ રીતે સમજાવવી.

મેં એ યુવતીને પત્ર લખીને જણાવ્યું કે તમારે દીકરીને સમજાવવાનું કે કોઈ પણ યુવતીના પિરિયડ્સ શરૂ થાય એનો અર્થ એ થયો કે તે હવે પુખ્ત અને યુવાન બની ચૂકી છે. એટલું જ નહિ, સંતાનપ્રાપ્તિ માટે પણ તે યોગ્યતા ધારણ કરી ચૂકી છે. એક રીતે આ સેલિબ્રેટ કરવા જેવી સારી બાબત છે. આ વખતે સમજુ પેરેન્ટ્સ દીકરીને ગિફ્ટ આપે છે. યૌવનના ઉંબરે એને વેલકમ કરે છે. એમાં પાપ-પુણ્ય જેવું કંઈ ન હોય, પણ દરેક બાબતમાં વ્યવસ્થા માટે કેટલાક નિયમ હોય છે, જેમકે સ્કૂલે જઈએ ત્યારે યુનિફોર્મ પહેરવો પડે, બગીચામાં જઈએ ત્યારે ફૂલો નહિ તોડવાનાં, થિયેટરમાં સિગારેટ નહિ પીવાની વગેરે. એ રીતે મંદિરમાં જવા માટે પણ ડિસિપ્લિનના કેટલાક નિયમો હોય… એમાંનો આ એક નિયમ છે. બાકી વૈજ્ઞાનિક રીતે તો પિરિયડ દરમિયાન સ્ત્રીને આરામ મળે એ જરૂરી હોવાથી આભડછેટ વિષયક કેટલાક નિયમો ધાર્મિક સ્વરૂપે મૂકેલા છે. કેટલીક યુવતીઓને પિરિયડ દરમિયાન ભયંકર પીડા થતી હોય છે અને તે ભારે યાતના વેઠતી હોય છે, પરંતુ તેઓ આ બાબતે તીવ્ર સંકોચ અનુભવતી હોય છે. પિરિયડ દરમિયાન વૈજ્ઞાનિક રીતે અને મેડિકલી બાબતે પણ સ્ત્રીને આરામ મળે તે આવશ્યક છે. ઘરની રોજિંદી જવાબદારીઓ અને કામકાજથી એને મુક્તિ મળે તો એની યાતનામાં એ થોડીક રાહત અનુભવી શકે. પ્રાચીન જમાનામાં લોકો કોઈ પણ ધાર્મિક બાબત કશી દલીલ કર્યા વગર સ્વીકારી લેતા હતા એ કારણે વૈજ્ઞાનિક વાતને પણ ધાર્મિક મેકઅપ કરીને રજૂ કરવી પડતી હતી. જ્યારે કોઈ કામ ન કરવા જેવું હોય ત્યારે એને પાપના લિબાસ પહેરાવી દેવામાં આવતા હતા. ન કરવા જેવા કામ માટે પાપનાં ભયસ્થાનો બતાવવામાં આવતાં હતાં અને કરવા જેવાં શુભ સત્કાર્યો માટે પુણ્યની લાલચો આપવામાં આવતી હતી.

‘પેડમેન’ ફિલ્મના હીરો અક્ષય કુમારે એક ઇન્ટરવ્યુમાં એના એક મિત્ર ગૂગી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એક વખત રાત્રે તે સૂતો હતો અને લગભગ દોઢ વાગ્યે બાજુના રૂમમાં તેની પત્ની અને દીકરી કંઈક વાત કરતાં સંભળાયાં. એણે ધ્યાનથી સાંભળ્યું તો દીકરીને પહેલી જ વખત પિરિયડ શરૂ થઈ રહ્યા હતા અને એની માતા એ બાબતે ચિંતા વ્યક્ત કરતી હતી. એ પોતાની દીકરીને કહેતી હતી કે અત્યારે રાતનો દોઢ વાગ્યો છે અને કોઈ મેડિકલ સ્ટોરમાંથી સેનિટરી નેપ્કિન (પેડ) નહિ મળી શકે. તેં મને થોડું વહેલું જણાવ્યું હોત તો પેડની વ્યવસ્થા હું કરી શકી હોત. ગૂગીએ આ વાત સાંભળી અને એ બહાર આવ્યો. એણે કહ્યું, એમાં શી મોટી વાત છે ? ચાલ, હું તારી સાથે આવું છું આપણે બજારમાં જઈએ. રાત્રે દોઢ વાગ્યે એ બજારમાં ગયો અને મેડિકલ સ્ટોરમાંથી દીકરી માટે સેનેટરી નેપ્કિન (પેડ)ની ખરીદી કરી. આ ઘટના પછી ગૂગી અને એની દીકરી વચ્ચેનો સંબંધ મૈત્રીપૂર્ણ બની રહ્યો. દીકરી પોતાની કોઈ પણ ખાનગી વાત એના પપ્પાને સંકોચ વગર કહેવા લાગી. આપણા સમાજના કેટલા પુરુષો – કેટલા પપ્પા પોતાની દીકરી સાથે આવી સમજણ ભરેલી અને સંવેદનશીલ વાતની રજૂઆત કરી શકતા હશે?

સીધી-સરળ અને સ્પષ્ટ વાતને જલેબીની જેમ ગૂંચવી મારીને આપણે આપણી જાતને પવિત્ર અને મહાન સમજતા હોઈએ તો એ બહુ મોટી ભૂલ છે અને તે તરત સુધારી લેવી જોઈએ. મર્યાદાના નામે અને પાપના બહાને જીવનભર દુઃખી થવું એ કોઈ પુણ્ય નથી, એ આપણું કર્તવ્ય નથી. મારી દષ્ટિએ સૌથી મોટું પુણ્ય કે જ છે કે આપણું જીવન સરળ અને સહજ બને. પાપ-પુણ્યના કાલ્પનિક ખ્યાલો આપણે છોડી શકીએ તો આપણું જીવન સહજ અને પુણ્યમય બની રહેશે જ.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here