મારે પણ એક ઘર હોય!

0
1014

તમે આવ્યા એ ખૂબ જ ગમ્યું. આજનો પ્રસંગ બધાની સાથે મળીને આનંદ કરવા માટે જ રાખ્યો છે.
અમે આમંત્રિત કરનાર યજમાન અસ્ખલિતપણે બોલી રહ્યા હતા. ચોતરફ ઉત્સાહનો માહોલ હતો. તેમની વાતોમાં આવનાર પ્રત્યેનો અહોભાવ પ્રગટતો હતો. આંખોમાં તમામ માટેની લાગણી ડોકાતી હતી. તેમણે સુંદર મજાનું ઘર બનાવ્યું હતું, જેને તૈયાર કરવા માટે તેમના સહિત સમગ્ર પરિવારે અથાગ મહેનત કરી હતી. આજે એ ઘરનું વાસ્તુપૂજન ખૂબ જ ધામધૂમથી રાખ્યું હતું. આબાલવૃદ્ધ સૌ કોઈ આ પ્રસંગમાં સહભાગી થઈ રહ્યા હતા.
ખરેખર જગ્યાનો સુંદર ઉપયોગ કર્યો છે. તમારો તુલસીક્યારો ખરેખર અલગ પડે છે.
આવી પ્રશંસા સ્વાભાવિકપણે થઈ રહી હતી. વાસ્તવમાં ઘર ખૂબ જ સુંદર બન્યું હતું. બહારથી નયનરમ્ય સજાવટ સાથે અંદરથી તમામ સુખ-સગવડોથી મઢેલું એ જાણે નવોઢાની માફક સજ્જ થયું હતું. વાતચીતમાં અભિનંદનના ઉદ્ગારો પડઘાતા હતા. સૌ કોઈના ચહેરા પ્રસન્નતાસભર દેખાતા હતા. ઘર એ મનુષ્ય માત્રને માટેનું એક સ્વપ્ન હોય છે. માણસની જિંદગીનું લક્ષ્યબિંદુ, આજીવિકાની સાથે સાથે એક સુંદર ઘરના માલિક બનવાનું હોય છે. મનુષ્ય માત્રની એ એષણા હોય છે જે એક કવિની પંક્તિમાં આ રીતે પ્રગટ થઈ છેઃ
ક્યાંક તો એવું મજાનું ઘર મળે,
એકલું ઉજ્જડ ભલે પડતર મળે.
વર્ષો અગાઉ એક સુંદર ફિલ્મ જોઈ હતી, જેમાં દરિયાકિનારે નાનકડું ઘર બનાવતું ફિલ્મી યુગલ અને દરિયાનાં મોજાંઓની થપાટથી ઘડીભરમાં વીખરાઈ જતું નાનકડું ઘર અને એની આસપાસ સુમધુર સંગીતવાળું ગીત વાતાવરણ જમાવતું હતું. દરિયાનાં મોજાં ઘડીમાં શાંત પડી ફરી પાછાં કાર્યરત થઈ એ નાનકડા ઘર ઉપર અફળાતાં હતાં. થોડી વારમાં સુંદર દેખાતું ઘર જમીનદોસ્ત થઈ જાય તો તેના કેટલાક અંશો અડીખમપણે દરિયાને પડકારતા હોય તેમ જોવા મળે! ઘર સમેત દરિયાની આ અલ્લડ મસ્તી જાણે જિવાતા જીવનનું પ્રતિબિંબ હોય તેમ લાગ્યા કરે. જીવનની તડકી-છાંયડી અને ઘર બનાવવા માટેની માનવીની મથામણ સુપેરે પ્રગટ થતી હતી. આ નાનકડા ફિલ્મી ગીતમાં સમગ્ર જીવનની ફિલસૂફી, માણસમાત્રની અભીપ્સા, જીવનનાં ચઢાવ-ઉતારની ઘટમાળ અને અનેકરંગી આયામો સ્વાભાવિક રીતે આવી જાય. સુમધુર સંગીત અને ભાવસભર શબ્દોની ગૂંથણી થકી આખું ગીત તમને ઝંકૃત કરી જતું હોય તેવું લાગે. સમગ્ર પ્રસંગ ઘર માટેની મનુષ્યની તરસને સરસ રીતે ઉપસાવતાં લાગે, આવાં દશ્યો માત્ર ફિલ્મી જ નથી હોતાં, આપણી આસપાસ વાસ્તવિક જીવનમાં પણ જોવા મળતાં હોય છે. માણસના આયોજનમાં ઘરનો વિચાર કેન્દ્રસ્થાને હોય છે એ આપણે જોયું. નોકરી, ધંધો કે અભ્યાસ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં માણસને માટે આશ્રયનું સ્થાન ઘર હોય છે. ઘર એ મનુષ્યના જીવનસંગ્રામમાં તેને નવું જોમ આપે છે, પ્રેરણા આપે છે એ તેની નોળવેલ છે. તેનું રિચાર્જિંગ સેન્ટર છે, તેનું ‘ચાર્જર’ છે. માણસ માત્રની એ ખ્વાહિશ હોય છે એક એવું ઘર હોય જેમાં એ મન મૂકીને રહી શકે, મન મૂકીને રડી પણ શકે! આનંદ-પ્રમોદ કે સુખના સમયમાં તમને અનેક મિત્રો અને સહભાગીઓ મળશે. તમારા સુખમાં ભાગીદાર થવા કે તમારું સંવનન ઇચ્છતા ઘણા લોકો મળી રહેશે, પરંતુ જીવનમાં ઉદાસીન કે નિષ્ફળતાની પળોમાં ઘર એ માણસનો સહારો બનતું હોય છે. સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે તે મુજબ મુશ્કેલીમાં માણસનો સાચો સગો કોણ? જવાબ છે – ઘરનો ખૂણો!
ભૌતિક રીતે તમામ પ્રકારની સુવિધાઓ ધરાવતું કે બાહ્ય દેખાવથી અત્યંત આકર્ષક લાગતું ઘર પણ શુષ્ક બની જતું હોય છે, જો એમાં સ્પંદનો ધબકતાં ન હોય, જો એમાં લાગણી નામની ભીનાશ ન હોય, જો તેમાં હૂંફ નામની છત ના હોય, જો એમાં આવકારના દરવાજા ના હોય અર્થાત્ ઘર એ મનુષ્યની સંવેદનામાંનું મિલનસ્થળ છે, સિમેન્ટ-કોંક્રીટનું રચનાસ્થળ નથી! દુનિયાભરનો પ્રવાસ કરીને થાકેલું મન કેવળ ઝંખે છે. આપ્તજનોનો પ્રેમ અને ઘરની હૂંફ – એટલે જ કદાચ કહેવાયું હશે કે ધરતીનો છેડો એટલે ઘર! ઘરની અશાંતિ, ઘરમાંથી મળતો જાકારો કે ઘરથી મળેલી નિષ્ફળતા માણસને ક્યાંય ઠરીઠામ થવા દેતી નથી. ઘરનો બળેલો માણસ જંગલમાં જાય તો ત્યાં પણ દવ લાગતો હોય છે, ટૂંકમાં ઘરથી ડિસ્ટર્બ થયેલો મનુષ્ય ગમે ત્યાં ભટકે તેને શાતા મળતી નથી, એક અજંપો કે એક તલસાટ તેને કોરી ખાય છે અને એ જ્યારે કોઈ સુંદર ઘરની વાત સાંભળે છે ત્યારે તેનું અસ્તિત્વ એવા સુખની તલાશમાં બેચેન બની જાય છે.
માણસને માટે દુનિયા જીતવી આસાન હોય છે, દરિયો ઓળંગવો કે અવકાશી ઉડ્ડયનો કરવા સરળ હોય છે, પરંતુ ઘરને ધબકતું રાખવાની કલા બધાને હસ્તગત નથી હોતી.
ઘર સજાવવા માટે તેનું શાસ્ત્ર તમને મદદરૂપ થઈ શકે, પરંતુ તેમાં ધબકારાની જમાવટ ઊંડી જીવન સમજણ અને સ્વાર્પણ થકી જ થઈ શકે. એટલે જ પારકી લપછપમાં પડતા માણસને ડાહ્યા લોકો કહે છેઃ તું તારું ઘર સંભાળને ભાઈ. અર્થાત્ ઘર જો સ્થિર હશે તો બાકીનું આખું જગત તમને સ્થિર લાગશે. ઘરમાં અનુભવેલી ધ્રુજારી માણસને જીવનપર્યંત ઠરીઠામ થવા દેતી નથી!
ઘર માટેની માણસની વિકાસયાત્રા અવિરતપણે ચાલતી રહી છે. પર્ણકુટિરમાં વસતા આપણા પૂર્વજોએ જ્યારે ગારમાટીનું ઘર બનાવ્યું હશે ત્યારે કેવો રોમાંચ થયો હશે! અને એ પછી તો માટી અને લાકડામાંથી બનતાં ઘર, સિમેન્ટ-કોંક્રીટનાં ઘર – બંગલા, હવેલીથી આજના ગગનચુંબી ફ્લેટો સુધીની સફર અત્યંત રોમાંચકારી રહી છે. ઘરનો લિબાશ બદલાયો છે. તેમાં વપરાશનાં ઉપકરણો બદલાયાં છે. મટીરિયલ્સમાં વૈવિધ્ય આવ્યું છે. અવનવી ડિઝાઇનો, વાસ્તુશાસ્ત્ર, આર્કિટેક્ટ કે સિવિલ એન્જિનિયરિંગની વિવિધ તરકીબો તેમાં ભળી છે, પરંતુ ઘર માટે અનિવાર્ય બાબત એ તેમાં ધબકતું માનવજીવન છે. આ હકીકત યુગોના પરિવર્તન પછી પણ બદલાઈ નથી!

લેખક વરિષ્ઠ સરકારી અધિકારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here