મારૂ ગામઃ વડોદરા વડોદરા, તુઝે સલામ…

વડદોરા ગાયકવાડી રાજાઓની રાજધાની. વડોદરાનું પૌરાણક નામ વટપ્રદ, વડનાં વૃક્ષોનો સમૂહ ધરાવતું સંકુલ. તેમાંય અલકાપુરી નગરીના નામ સાથે રાજર્ષિ ઋષિ વિશ્વામિત્ર આંખ સામે આવે. વિશ્વામિત્રી નદીને કાંઠે તેમનો તપોશ્રમ. તપસ્થાન – અત્યારેય પવિત્રતા અને તેમાંથી આવતી તપની સુગંધ વાતાવરણમાં ગુંજતી લાગે જ છે.
વડોદરાની અર્વાચીન ઉન્નતિ-શાખ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડને આભારી છે. વિદ્યા-સંસ્કાર અને આર્ટ મ્યુઝિકના સમન્વયના પ્રણેતા મહારાજા સયાજીરાવ. મહારાજા સયાજીરાવે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય સ્થાપી વડોદરાને વિદ્યાનગરી બનાવી.
સ્ટેશનથી પ્રવેશ કરતાં જ કોલેજોના ઘુમ્મટો તમને આહ્વાન આપે. કેટકેટલી કોલેજોનો સમૂહ – એમ. એસ. યુનિવર્સિટીમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, આગળ વધો ત્યાં ફાઇન આર્ટ્સ, જેમાં શિલ્પ, પેઇન્ટિંગ, સ્કલ્પચર શિખવાડાય. તેને અડીને આવેલી બહેનો માટેની હોમ સાયન્સ કોલેજ કેમ ભુલાય. અરે! સોશિયલ વર્ક ફેકલ્ટી તો ડોકિયું કરીને કહે, મારુંય અસ્તિત્વ ન ભુલશો. ડાબા હાથે વળો તો યુનિવર્સિટીનું વિશાળ સંકુલ. ઉત્તુંગ ઇમારતની ભવ્યતા, તેમાં વાઇસ ચાન્સેલરની ઓફિસથી માંડીને દરેક ફેકલ્ટીનાં જુદાં જુદાં સંકુલો. શું સુંદર બાંધકામ. નાગરજીભાઈ જેવા વિશિષ્ટ ઓર્ગેનાઇઝરની ઝીણી આકર્ષક દષ્ટિ. બાગથી માંડીને ડિપાર્ટમેન્ટલ યુનિટ સુધીની કોઈ પણ ખામીરહિત એરેન્જમેન્ટ પ્રેક્ષકને વાહ વાહ પોકારવાની હકદાર બને તેવી છે. સામે જ પોલીટેક્નિક કોલેજ અને કોલોની.
અરે! આ બધાં સાથે મારો નિવાસ અધ્યાપક કુટિર કેમ ભુલાય? જ્યાં જીવનની યુવાની ખર્ચી. યુનિવર્સિટીમાં કામ કરતા પ્રોફેસરો – ક્લાર્ક માટેનો આવાસ, પટાવાળાઓનાં માટે સર્વન્ટ્સ ક્વાર્ટર્સ પણ સાથે હતાં. શિક્ષકો માટે અધ્યાપક કુટિર. અધ્યાપક નિવાસ અને વિક્રમબાગના આવાસો નાના, પણ સંપૂર્ણ સગવડભર્યા. અદ્યતન ગેસસુવિધાથી માંડીને સુંદર સંડાસ-બાથરૂમ, લિવિંગરૂમ, બેડરૂમ, સ્ટડીરૂમ, લોકર, વરંડો – નીચે મેંદીની વાડ કરેલા બાગો, મોટુંમસ પ્લેગ્રાઉન્ડ ને સ્વિમિંગ પુલ પણ ખરો. કર્મચારીની સુવિધા માટે હેલ્થ સેન્ટર, જ્યાં મફત દવાથી માંડીને બધી જ સારવાર થાય. ઇંગ્લિશ ને ગુજરાતી માધ્યમવાળી સ્કુલ તો ઘરઆંગણે. શું મજા હતી અમને બધાને.

હંસા મહેતા લાઇબ્રેરી આખી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરે. બધી જ ફેકલ્ટીનાં પુસ્તકો ત્યાં જ બેસીને મોડી રાત સુધી વાંચવાની સુવિધા. બાજુમાં યુનિવર્સિટી ઓડિટોરિયમ નાનું, પણ સંપૂર્ણ, જ્યાં કળાની પહેચાન આપવાની યુનિવર્સિટીનાં બાળકો માટેની સુવિધા. બાળકો માટેની એક્સપરિમેન્ટલ સ્કૂલ. સાચે જ સયાજીરાવ ખૂબ જ સૂક્ષ્મ બુદ્ધિ ધરાવતા લાગે ને એમનો બુદ્ધિફલક તો વાહ! શું તેજસ્વિતા ને સૂક્ષ્મદષ્ટિ. નંદલાલ બોઝનાં અમૂલ્ય પેઇન્ટિંગ્સ ધરાવતું કીર્તિમંદિર. મ્યુઝિક કોલેજ, જેમાં ડ્રામેટિક્સ, ડાન્સિગ અને મ્યુઝિકમાં ડિગ્રી અપાય છે. અરે! કલાભુવન નામે પ્રખ્યાત, જ્યાં એન્જિનિયરિંગના ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ને કેમિકલ ડિગ્રી કોર્સ ઉપરાંત અદ્યતન કોમ્પ્યુટર હાર્ડવેર-સોફ્ટવેર, ડેટા પ્રોસેસિંગ. આ બધામાં ડોક્ટરેટ – પીએચ.ડી. સુધીની વ્યવસ્થા. ટીચર્સ પણ ને ગાઇડ્સ પણ મળે. ટીચર્સ પણ વર્લ્ડમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નામ રોશન કરે તેવા. પૂરા લર્ન્ડ, નિષ્ણાત ને સમર્પિત.

કમાટીબાગ એ આર્ષદ્રષ્ટા રાજાના ફળદ્રુપ ભેજાનું સંતાન. પ્રાણીઓ, પંખીઓથી માંડીને જળચર જીવોનું સંગ્રહસ્થાન, મ્યુઝિયમ ને બાળકો માટેની મજાની નાની છુક છુક ટ્રેન, કયા કલરનાં રોઝ બાગમાં નથી તે તો શોધવું પડે ને ફ્લોરલ ક્લોક. કમાટીબાગ એટલે કમાટીબાગ… અધધધ.

આવો, હવે મારા શહેરની આછીશી ઝાંખી કરાવું. સૂરસાગર શહેરની મધ્યમાં. એને કાંઠે ફરો તો સોયથી માંડીને કપડાં ને દોરાથી માંડીને ખાણી-પીણી ને મુખવાસ બધું જ મળે. આપણી પોતાની આવડત પ્રદર્શિત કરવા સુંદર ગાંધીનગર ગૃહનું ઓડિટોરિયમ, જ્યાં દરરોજ જાત-ભાતના પ્રોગ્રામો થતા. સિનેમાગૃહો પણ ત્યાં જ મળે, તો ફૂલડાંની સુવાસ-માળી બજાર પણ.
રાજા એટલે ન્યાયાલય કેમ ભુલે? ત્રણે બ્રાન્ચની ન્યાયની કચેરીઓ, ઇમારત તો જોતાં જ એની ભવ્યતાનાં દર્શન થાય. કારીગીરી કોને કહેવાય – રાજાએ શહેરનું આયોજન સુંદર કર્યું છે. ન્યાયાલય છોડો એટલે દરવાજો આવે. તેમાં પ્રવેશતાં બજાર-ડાઉનટાઉન શરૂ થાય. દરવાજાની ઉપર ઘડિયાળ અને કમાન પણ કોતરણીવાળી. અંદર દાખલ થતાં કાપડથી માંડીને સોના-ચાંદીનાં ઘરેણાં મળે. અંબાજીના મંદિર પાસે આવો એટલે ભક્તિને પૂરક સાધનો અને બહેનોની બંગડી-બુટ્ટીથી માંડીને સાડીઓ-બ્લાઉઝ પીસ, અરે! તેને સીવનનાર સ્પેશિયલિસ્ટ દરજી તો દાગીના ઘડી આપનાર સોની બધું જ તમને મળી જાય.
આવું સુંદર આયોજનપૂર્વકનું શહેર જોતાં થાકો તો તમને આ રાજાના ભવ્ય આવાસ લક્ષ્મીવિલાસ પેલેસ અને મ્યુઝિયમ, જ્યાં ગાયકવાડી રાજાઓના પોશાક-હથિયાર, જૂના વખતનાં યુદ્ધનાં સાધનો બતાવું. બાગમાં તો જાતજાતનાં ફળોનાં વૃક્ષો ને કેરી તો પેલેસની જ. અમે બહેનો અથાણા માટે ખાસ ઊતરાવીને લેવા જઈએ, એવી મજા અમે વડોદરે માણી છે. મારાં બાળકોએ જીવનનો આકાર ને સંસ્કાર ત્યાં પામી જીવન ઘડ્યું છે. કુટિરના કોસ્મોપોલિટન ભાષામાં બાળકો સાંજે સાથે રમીને ભાષાના પ્રોબ્લમ વિના હળતાંમળતાં. એ કુટિરનાં બાળકો આજે વિશ્વના ખૂણેખૂણે ક્યાં નથી પહોંચ્યાં. દેશ-વિદેશમાં આર્મીથી માંડીને આઇ.ટી. ને ઇન્ટરનેટથી માંડીને વૈજ્ઞાનિક શોધખોળોમાં કુટિરને સયાજીરાવ યુનિવર્સિટીનું નામ રોશન કરે છે. તાજો દાખલો અમિત મિસ્ત્રી આર્મીના ને રામકૃષ્ણન વિજ્ઞાનના નોબેલમાં ને ટેલિકોમ્યુનિકેશનમાં ભારતમાં ફોન ઘરઘર કરનાર સામ પિત્રોડા કેમ ભુલાય. ધન્ય રાજા સયાજીરાવ – ધન્ય એમ. એસ. યુનિવર્સિટી ને ધન્ય મારી કુટિર.
અર્વાચીન વડોદરા તો ખૂબ વિસ્તર્યું છે. કારેલીબાગથી માંડીને વાઘોડિયા ને બીજી બાજુ સમા-સાવલી. કાશીવિશ્વેરથી માંજલપુર ને અલકાપુરીથી અકોટા. તેમાંય હવે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાનો પ્રોજેક્ટ છે. યાંત્રિક યુગમાં શહેરીકરણ – વડોદરાનો વિકાસ થતો જ રહે છે. ધન્ય વડોદરા.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here