મારી મહીસાગરને આરે ઢોલ વાગે છે મારું ગામઃ કનકાપુરા

‘મારી મહીસાગરે આરે ઢોલ વાગે છે’ લોકગીત ગાતાંની સાથે ગરબા અને રાસની રમઝટ સૌ કોઈ માણે છે. મહી એટલે ગુજરાતના અરવલ્લી આરાસુર ડુંગરમાંથી નીકળતી સરિતા ખંભાતના અખાતમાં આવતાં અરબી સાગરને મળે છે ત્યારે તેનો તટ વિશાળ બને છે, સાગર જેવો બને છે માટે તેને ‘મહીસાગર’ કહેવાય છે.
1954થી 1964ના દાયકાની વાત છે. કનકાપુરા મહી કાંઠે આવેલું ગામ અને મારું જન્મસ્થળ. કનકાપુરા દહેવાણના નાના રજવાડાના તાબાનું ગામ. ગામમાં નાની-મોટી કોમ, પણ મૂળીના પરમાર દરબારોની વસતિ વધારે. સાત ધોરણથી શાળામાં હું એકથી પાંચ ધોરણ સુધી ભણ્યો. મારા શિક્ષક ઇસ્માઇલભાઈ વોરા રાસથી આવતા અને હેડમાસ્તર શંકરભાઈ સૈજપુરથી આવતા. હું ભણવામાં પ્રથમ આવતાં ક્લાસમાં હાજરીપત્રક, પ્રગતિપત્રકના માર્ક સફાઈ વગેરે ધ્યાન રાખતો એટલે શિક્ષકો મને હંમેશાં વહાલથી જોતા. એ સમયના શિક્ષક-વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ જોતાં આજે પણ ભાવવિભોર થઈ જાઉં છું.
શાળાને અડીને આવેલું ‘દંડેશ્વર’ મહાદેવનું મંદિર અતિ પુરાણું છે. તેના શિખરની કોતરણી – કલાકૃતિ ખૂબ ભવ્ય છે. તેના મુખ્ય શિખર ઉપર આજે પણ ધર્મની ધજા લહેરાતી દેખાય છે. તેના પેટાળમાં આવેલું ભોંયરુ ખૂબ જૂનું છે, કહેવાય છે કે તે ખંભાતમાં નીકળે છે. તેના જીર્ણોદ્ધારની જરૂર છે.
‘દંડેશ્વર તળાવ’ એટલે કનકાપુરાની આન બાન અને શાન સાથે પશુપંખી અને માણસોની જીવાદોરી. 1965ના અરસામાં સરકારની રોજગાર યોજના દ્વારા ખોદકામ કરી આ તળાવ ઊંડું કરવામાં આવેલું. તેમાં બારેમાસ પાણી રહેતું હતું. તેની 10 બાય 10 ફૂટની ચોકડી ખોદવા હું પણ ગયેલો. ગામના તમામ લોકો ભેદભાવ સિવાય આ તળાવનો ઉપયોગ કરતા.
દર વર્ષના ભાદરવા સુદ એકાદશીના દિવસે દંડેશ્વર તળાવના કિનારે દંડેશ્વર મહાદેવનો ‘ભવ્ય મેળો’ ભરાય છે. આ મેળામાં આજુબાજુનાં 15 જેટલાં ગામોના લોકો આવે છે. ત્યારે અહીં રાસ, ગરબા અને ભજનની રમઝટ જામે છે. હેમુ ગઢવીના કંઠે ગવાયેલું ગીત ‘હાલો માનવિયોના મેળે, મેળામાં મારો મનનો માનેલ છે’ સાંભળવાની મોજ પડતી. આ બધા કાર્યક્રમો માણવા બરાબર ચાર વાગ્યે બધા તળાવના કિનારે ગોઠવાઈ જતા. ત્યારે મેદાન મોટા સ્ટેડિયમમાં ફેરવાઈ જતું. થોડી ક્ષણોમાં ઢોલ, મૃદંગ, શરણાઈ અને ભૂંગળોના સૂર સાથે પાલખી આવતી. તેઓ સવામણ પથ્થરની કુંડી અને ફૂલથી ભરીને ઠાકોરજી પધરાવવામાં આવતા. પૂજારી કુંડીને ઉપાડી ગળાડૂબ પાણીમાં તળાવની મધ્ય ભાગે જતા, સવામણ પથ્થર ફૂલોથી ભરેલી ઠાકોરજી સાથેની કુંડી તરતી મુકાય. ‘રામને નામે પથ્થર તરે છે’ એ ઉક્તિને કળિયુગમાં સાર્થક કરે છે. સૌ જયનાદ સાથે ઠાકોરજીને વધાવે છે. થોડી ક્ષણો બાદ કુંડીને લઈ પાછા મંદિરમાં જાય છે.
સાંજના પાંચ વાગ્યાના સુમારે બધા મહીસાગરની નદીના વિશાળ રેતાળ તટમાં ગોઠવાઈ જાય છે. ત્યાં આજુબાજુનાં ગામના ઘોડેસવારો અને ઊંટસવારો પોતાના ઘોડા તથા ઊંટને શણગારી આવે છે. ત્યાં દોડ-હરીફાઈ યોજાતી અને દહેવાણના ઠાકોર વિજેતાને ઇનામથી નવાજતા. ત્યાર પછી સૌ છૂટા પડતા. તો મિત્રો આ હતું મારું ગામ કનકાપુરા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here