માઉન્ટ એવરેસ્ટ સર કરતો પ્રથમ ગુજરાતી – મેહુલ જોશી

 

હિમાલય પર્વતમાળાના ઉત્તુંગ શિખર માઉન્ટ એવરેસ્ટ પર જ્યારે દાળ-ભાતિયા, શુદ્ધ શાકાહારી ગુજરાતી યુવાન મેહુલ જોશીએ 16મી મેના રોજ સવારના 4-30 વાગ્યાના બ્રાહ્મ મુહૂર્તમાં પગ મૂક્યો ત્યારે એવરેસ્ટ શિખર બ્રાહ્મણ યુવાનના ચરણકમળથી બ્રહ્મમય થઈ ગયું હશે. તેને ગિરનારના સાવજની ગર્જના અને સોમનાથ મંદિરના ઘંટારવ સંભળાવા લાગ્યા હશે. હિંમતનગરના હિંમતવાન ગુજરાતી યુવાનના પગરવથી એવરેસ્ટને ગરબા ગાવાનું મન થઈ ગયું હશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, આદ્ય કવિ નરસિંહ મહેતા કેવા હશે? તેનો સાક્ષાત્કાર સૌપ્રથમ ગુજરાતી પર્વતારોહક તરીકે મેહુલને મળવાથી કર્યો હશે.
હજારો વર્ષોથી અડીખમ ઊભેલા માઉન્ટ એવરેસ્ટ પર જ્યારે ગુજરાતી કક્કો-બારાખડી ભણેલા શુદ્ધ ગુજરાતી યુવાન મેહુલ જોશીએ પગ મૂક્યો ત્યારે તે સૌપ્રથમ વાર ગુજરાતમય થઈ ઊઠ્યું હશે. હાથમતી, સાબરમતી અને નર્મદાનું પાણી પીનાર યુવાનનું જોમ માણી એવરેસ્ટ ખુશખુશાલ થઈ ઊઠ્યું હશે. બ્રાહ્મમુહૂર્તમાં ઊગેલા સૂર્યનાં સોનેરી કિરણો કસુંબલ થઈ ઊઠ્યાં હશે!


મેહુલ જોશીએ 16મી મે, 2018, બુધવારના રોજ વહેલી સવારના 4-30 વાગ્યે માઉન્ટ એવરેસ્ટ સર કરીને સૌપ્રથમ શુદ્ધ ગુજરાતી યુવાન તરીકેની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. ગુજરાતનું ગૌરવ માઉન્ટ એવરેસ્ટ જેટલું વધાર્યું છે, મેહુલે ગુજરાતને માઉન્ટ એવરેસ્ટ પર ઝળહળતું કરવાની રોમાંચક સિદ્ધિ મેળવી છે.
હિંમતનગરના આ 36 વર્ષીય યુવાનની હિંમત તો જુઓ? એક સાવ સામાન્ય પરિવારનો બ્રાહ્મણ યુવાન, જે તન-મન અને ધનથી સાવ નિર્બળ! અનેક સંકડામણ અને મુશ્કેલીઓના પહાડને બાથ ભરનાર આ યુવાને માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું! અને વિશ્વ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
તર-મન અને ધનથી નિર્બળ એટલે – ત્રીસ વર્ષની ભરયુવાનીમાં તેને ડાયાબિટીસ-200, હાઈ બી.પી. અને કોલેસ્ટ્રોલ પણ ભયજનક સપાટીથી પણ હાઈ! શરીરથી નિર્બળ, મનથી એટલે તે – ડિપ્રેશનનો પણ રોગી અને આર્થિક સ્થિતિ ખૂબ જ નળળી એટલે ધનથી પણ ગરીબ. માતા-પિતા, પત્ની અને બન્ને બાળકોની બધી જવાબદારી એકલાના માથે! આવી સ્થિતિમાં માઉન્ટ એવરેસ્ટ તો શું પણ ગિરનાર ચઢવાનું પણ ના પોસાય! માંડ-માંડ જીવનનિર્વાહ પૂરતો મેડિકલ સ્ટોર્સ ચાલે અને ઘરનું ગાડું ચાલે!
2012ના વર્ષમાં 30 વર્ષની વયે વિવિધ રોગનું નિદાન થતાં અગાઉ ક્યારેય ચાલવા ન જતાં મેહુલે દવા કરતાં ચાલવાનું, દોડવાનું શરૂ કર્યું. નાનપણમાં સાઇકલિંગનો ખૂબ શોખ હતો એટલે સાઇકલિંગ પણ શરૂ કર્યું. આમ ડાયાબિટીસ, હાઈ બી.પી. કોલસ્ટ્રોલ સામે આ યુવાન જંગે ચડ્યો!
હિંમતે મર્દા તો મદદે ખુદા આ કહેવત મેહુલના જીવનમાં અક્ષરશઃ સાચી પડી. હિંમતનગરના જ ડો. દીપક લેઉઆએ મેહુલને આ બધા સાથે ટ્રેકિંગનો શોખ કેળવવાની સલાહ આપી. બસ આ ક્ષણે જ મેહુલના નસીબનું પાંદડુ ફર્યું! મેહુલને નાનપણમાં સ્કૂલના ટીચરે એક વાર પૂછ્યું હતું કે ભારતની કઈ મહિલાએ સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો? આ પ્રશ્નનો જવાબ એ વખતે આવડ્યો નહોતો, પરંતુ પર્વતારોહણનો વિચાર મગજના કોમ્પ્યુટરમાં કોઈક ખૂણામાં પડ્યો હતો, જે ડો. દીપક લેઉઆના કહેવાથી ઓનલાઇન થયો! મેહુલને પર્વતારોહણનો વિચાર ગમ્યો અને વોકિંગ, રનિંગ, સાઇકલિંગની સાથે સાથે ટ્રેકિંગ પણ શરૂ કર્યું.
દાળ-ઢોકળી અને ગુલાબજાંબુ ખાવાના શોખીન મેહુલે સાઇકલિંગ મેરેથોન દોડ અને ટ્રેકિંગમાં બરાબર ધ્યાન પરોવ્યું. 2012માં રોજ સાત કિલોમીટર સાઇકલિંગથી શરૂઆત કરનાર આ યુવાને ફેબ્રુઆરી, 2013માં અમદાવાદ-માઉન્ટ આબુ-અમદાવાદનું 419 કિલોમીટરનું અંતર 26 કલાક અને 38 મિનિટમાં કાપી વિશેષ સિદ્ધિ મેળવી હતી. આ પછી દ્વારકા-પોરબંદર-દ્વારકાનું 240 કિલોમીટરનુ અંતર 13 કલાક 26 મિનિટમાં, વડોદરા-ચારોટી (મહારાષ્ટ્ર બોર્ડર)-વડોદરાનું 616 કિલોમીટરનું અંતર 39 કલાક એક મિનિટમાં અને દિલ્હીના ઇન્ડિયા ગેટથી એલઓસી વાઘા બોર્ડરથી પરત 1400 કિલોમીટરની સાઇકલિંગમાં તો 68 કલાક અને 40 મિનિટથી નવો રેકોર્ડ સર્જ્યો હતો. મેહુલ એક શ્રેષ્ઠ સાઇકલવીર બની ગયો!
હરિવંશરાય બચ્ચનની કવિતાઓ અને રાહત ફતેહ અલી ખાન તેમ જ જગજિત સિંહની ગાયિકીનો શોખીન મેહુલ મેરેથોનનો પણ સફળ દોડવીર રહ્યો છે. મેહુલે 100 કિલોમીટર દોડવાની બે અલ્ટ્રા-મેરેથોન દોડ પૂરી કરી છે તો કેટલીયે હાફ મેરેથોન દોડમાં પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. સાબરમતી હાફ મેરેથોન દોડ બે કલાક 10 મિનિટમાં પૂરી કરી હતી. આઠ જેટલી હાફ મેરેથોન દોડ પૂરી કરનાર મેહુલ કહે છે, મેરેથોનથી દોડવાની સ્પીડ વધે છે.
ઉત્તરાયણમાં પતંગને સૌથી વધુ ઊંચે ને ઊંચે આભને અડે ત્યાં સુધી ચડાવવાના શોખીન મેહુલને નાનપણથી સૌથી ઊંચા પર્વતો, બિલ્ડિંગો ખૂબ આકર્ષતાં હતાં. ડો. દીપક લેઉઆએ ટ્રેકિંગનું કહેતાં આ નાનપણનો શોખ લાવા બની ભભૂકી ઊઠ્યો. 2013માં જ સૌર કુંડી ટ્રેકનું આયોજન કર્યું. મનાલીથી શરૂ થતો આ ટ્રેક હિમાલયના અદ્ભુત સૌંદર્યનું દર્શન કરાવે છે. આ ટ્રેક દરમિયાન હિમાલયની ધૌલાધર અને પીર પંજાલ રેન્જ, હનુમાનટિબ્બા, દેવટિબ્બા જેવાં શિખરો અને રોહતંગ પાસ એ મેહુલનું મન મોહી લીધું! એટલું જ નહિ, પણ ઊંચાઈ પણ આવેલું સુંદર મજાનું સરોવર તેમ જ પ્રકૃતિ સૌંદર્યે મેહુલને માઉન્ટ બ્યુટીથી ભરી દીધો! એ વખતે જ માઉન્ટ એવરેસ્ટનો વિચાર સળવળી ઊઠ્યો! એને એ વખતે ક્યાં ખબર હતી કે આ એક વિચાર જ આજથી પાંચ વર્ષ પછી માઉન્ટ એવરેસ્ટ પર મને ઊભો રાખી દેશે!
અનનાસનો જ્યુસ અને વણેલા ગાંઠિયા ખાવાના શોખીન મેહુલ મનાલીથી પરત ફર્યા પછી માઉન્ટ એવરેસ્ટનો ગાંઠિયો ગળી ગયો! તેણે તો આ એક્સપિડિશન માટેની માહિતી ભેગી કરવાનું શરૂ કરી દીધું. એવરેસ્ટ જવા મનને મજબૂત કરી લીધું. તેણે આ વાત ડો. દીપક લેઉઆને કરી તો તેમણે આ અંગે જાણકારી ધરાવતા અને તેના જેવી જ ઇચ્છા ધરાવતા યુવક મિતુલ ત્રિવેદી સાથે મુલાકાત કરાવી. મિતુલ ત્રિવેદીએ બધી માહિતી આપવા સાથે ખર્ચ પણ કહ્યો. મેહુલ એમ માનતો હતો કે બે-ત્રણ લાખ કે વધુમાં વધુ પાંચ લાખ ખર્ચ થતો હશે, પણ મિત્તુલે કહ્યું ત્યારે ખબર પડી કે બે-પાંચ નહિ સાઠ લાખ! સાંભળતાં જ મેહુલના પગ નીચે જમીન સરકતી હોય તેવું લાગ્યું! પણ મન મજૂબત રાખવા સાથે પગ પણ મજબૂત રાખ્યા. ‘થઈ રહેશે, જોયું જશે, પણ જવું તો છે જ આ દઢ વિચાર જણાવ્યો પછી તેણે મને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ આઇપીએસ અતુલ કરવાલની થિક એવરેસ્ટ બુક વાંચી જવા સલાહ આપી. એ સમયગાળામાં જ લેહ-લદ્દાખ જવાનું હતું. ઘરેથી નીકળ્યો ત્યારથી પુસ્તક હાથમાં લઈ વાંચવાનું શરૂ કર્યું, જે લેહ-લદ્દાખ પહોંચ્યો ત્યાં સુધીમાં આખું પુસ્તક વાંચી કાઢ્યું! વાંચવામાં એટલો બધો ખોવાઈ ગયો હતો કે એરપોર્ટ પર ફ્લાઇટના ફાઇનલ કોલમાં મેહુલ જોશી નામ એનાઉન્સ થતું રહ્યું હતું.
એક જ રાતમાં આખી બુક વાંચી કાઢી, એટલું જ નહિ, પણ વાંચતા વાંચતા જ તેણે તેની જાતને એવરેસ્ટ પર ઊભેલી કલ્પી નાખી હતી! આખરે પુસ્તક પૂરું થતાં તેણે મનોમન નક્કી કરી નાખ્યું કે આઇ એમ ગોઇંગ ટુ એવરેસ્ટ એટ એની કોસ્ટ આ પછી તો રૂબરૂ કરવાલ-સાહેબને મળ્યો અને સવિશેષ માહિતી, અનુભવ, વસ્તુઓનું લિસ્ટ વગેરે મેળવ્યું. આ સાથે શારીરિક અને માનસિક મક્કમતા, મજબૂતાઈનું મહત્ત્વ પણ મેળવ્યું.
પોઝિટિવ બુક્સ અને જ્યોગ્રાફી વાંચવાના શોખીન મેહુલે મિશન ટુ માઉન્ટ એવરેસ્ટ માટે ઉત્તર કાશીની નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગનો બેઝિક કોર્સ એ ગ્રેડ સાથે પાસ કર્યો. સાથે સાથે શારીરિક મજબૂતાઈ, મનની મક્કમતા અને ડિસિપ્લિનનું મહત્ત્વ પણ શીખ્યો. વેધર સાયન્સ શીખ્યો.
આંખમાં એવરેસ્ટનાં સપનાંઓ સાથે થનગનતા પગે સૌપ્રથમ યુરોપનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એલબ્રસ સર કર્યું હતું, જે રશિયામાં 5642 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ પ્રથમ સફળતાએ વિશ્વાસ વધાર્યો. આ પછી લેહ-લદ્દાખ પાસેનું 6153 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ સ્ટોક કાંગરી સર કર્યું. ત્યાર પછી ઉત્તરાખંડમાં ગંગોત્રી, ગૌમુખ અને નંદનવન થઈને જવાતું માઉન્ટ ભાગીરથી 6512 મીટરની ઊંચાઈવાળું સર કર્યું. આ સફળતાએ મેહુલને એવરેસ્ટ માટે વધુ મક્કમ બનાવ્યો. શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બન્યો. આ મજબૂત મનોબળવાળા મેહુલે આ પછી તો એક જ મહિનામાં માઉન્ટ થેલુ અને માઉન્ટ સતોપંત શિખર સર કરીને એક ઇતિહાસ રચી દીધો! મનાલી જેનું પ્રિય ફરવાનું સ્થળ છે એવા મેહુલે ઉત્તરાખંડમાં આવેલા ગંગોત્રીની ખીણમાં 19,700 ફૂટ એટલે કે 6010 મીટરની ઊંચાઈએ આવેલા માઉન્ટ થથલુ અને દસ દિવસ પછી તરત જ 23,100 ફૂટ એટલે કે 7073 મીટરની ઊંચાઈએ આવેલા માઉન્ટ સતોપંત શિખર પર ઐતિહાસિક સફળતા અને મક્કમ મનોબળનો ધ્વજ લહેરાવ્યો હતો.
કંઈ ન હોય તો પણ ક્યારેય હાર માનવી નહિ. કોઈ પણ સ્થિતિમાં ગમે ત્યારે વિશ્વાસ અને પુરુષાર્થથી ભવ્ય સફળતા મેળવી શકાય છે. સફળતા માટેનું લક્ષ્ય આંખમાં અને પગમાં રાખવાનું માનતો મેહુલ અંગ્રેજી મુખ્ય વિષય સાથે માસ્ટરની ડિગ્રી ધરાવે છે. 1982ની ઉત્તરાયણના આગલા દિવસે જ જન્મેલા મેહુલના શિક્ષકપિતા પ્રવીણચંદ્ર જોઈતારામ જોશી તેના પ્રેરણાત્મક પિતા રહ્યા છે. આ એક્સપિડિશન માટે તેમણે ખૂબ જ પ્રોત્સાહન અને જીવનની મૂડી ખર્ચી છે. સમાજસેવી તેની માતા ભાનુમતીબહેન મેહુલ માટે આદર્શ વ્યક્તિ છે. માતા-પિતાના આશીર્વાદ અને પર્વતારોહણના પ્રથમ પાઠ શીખવનાર વીરેન્દ્ર કાલા તેમ જ બે વખત એવરેસ્ટ ચઢનાર કિશોર ધાનકુડેની મજબૂત તાલીમથી આ બાળપણનું સ્વપ્ન સિદ્ધ થઈ શક્યું છે. બાળપણમાં એવરેસ્ટનો જવાબ આવડ્યો નહોતો, પરંતુ એવરેસ્ટનું બીજ રોપાઈ ગયું હતું, જે આજે સર કરીને વિશ્વને બતાવી દીધું હતું. હા, તેની સફળતામાં તેની અર્ધાંગિની બ્રિજલ અને બાળકો ક્રિશા તેમ જ જિષ્ણુનો પણ મહત્ત્વનો ફાળો રહ્યો છે. 26મી મેના રોજ વરમાળા પહેરાવ્યા પછી બ્રિજલે 13 વર્ષ પછી બરાબર 26મી મે, 2018ના રોજ અમદાવાદ એરપોર્ટ પર પુનઃ સફળતાની વરમાળા પહેરાવી હતી. મેહુલે પણ સોનાની વીંટી 13 વર્ષ પહેલાં પહેરાવી હતી, જે આજે પુનઃ બ્રિજલને આઇ લવ યુ કહીને પહેરાવી હતી!
13મી તારીખે જન્મેલા, લગ્નના 13મા વર્ષે મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ અને 13ના આંકડે એટલે કે 31મા વર્ષે શરૂ કરેલી ટ્રેકિંગ યાત્રાએ મેહુલને લક્કી થર્ટીનું બિરુદ આપી દીધું!
મેં પલ દો પલકા શાયર હૂં ગીત જેને બહુ પ્રિય છે એવા મેહુલે એપ્રિલ મહિનામાં એવરેસ્ટ સર કરવાની મહાયાત્રાનો વિજયી ચોઘડિયામાં પ્રારંભ કર્યો હતો.
નોર્થ ફેસ તરફથી એટલે કે તિબેટ તરફથી એવરેસ્ટ આરોહણનો પ્રારંભ કર્યો હતો. સૌપ્રથમ 5200 મીટરની ઊંચાઈએ આવેલા બેઝ કેમ્પમાં બે દિવસ રોકાઈને વાતાવરણ સાથે મેચ થાય છે. બે દિવસ પછી 5650 મીટરની ઊંચાઈએ આવેલા ઇન્ટરિમ કેમ્પમાં શેરપા સાથે રોકાયો હતો. આ પછીના દિવસે 11 કિલોમીટર ચાલી 6230 મીટરની ઊંચાઈએ આવેલા એડવાન્સ બેઝ કેમ્પમાં પહોંચવાનું હતું, પણ એ સમયે જ પગના સ્નાયુ ખેંચાઈ ગયા! ચાલવાની હિંમત નહોતી, પણ જાત સાથે સંવાદ સાધ્યો. એવરેસ્ટ સર કરવા આવ્યો છું અને એડવાન્સ બેઝ કેમ્પ પણ પહોંચી શકતો નથી? હિંમત ભેગી કરી, આંખ બંધ કરીને એવરેસ્ટ દર્શન કર્યાં અને ધીમે ધીમે પહોંચી ગયો. ડિહાઇડ્રેશન થઈ ગયું હતું. જ્યુસ-બિસ્કિટ ખાતાં થોડી શક્તિ આવી હતી. આ પછી 6400 મીટરની ઊંચાઈ પર આવેલા ક્રેમ્પોન પોઇન્ટ પર પહોંચ્યો અને પાછા એડવાન્સ બેઝ કેમ્પ નીચે આવ્યા. પર્વતારોહણમાં એકસાથે ઉપર ચઢી શકાતું નથી. થોડા ઉપર ચડી પાછા નીચે ઊતરો, પાછા થોડા વધુ ઉપર ચડો અને ઊતરો એમ ધીરે ધીરે શિખર સર કરી શકાય છે. આ પછી નોર્થ કોલ કેમ્પ-1 પર જવાનું હતું, જે ખૂબ જ અઘરું છે. 80થી 90 ડિગ્રીવાળુ સીધું ચઢાણ છે. એક બાજુ ખતરનાક ઊંડી ખીણ અને બીજી બાજુ સીધું ઊંચું ચઢાણ હતું.
નવમી મેના રોજ હવામાનના વરતારા પ્રમાણે 16મી તારીખે સમિટ સર કરવાની જાહેરાત થઈ. બધા પાછા એડવાન્સ બેઝ કેમ્પ પર નીચે આવ્યા. હવે 14મી મેના રોજ  કેમ્પ-2ની દિશામાં ઓક્સિજન સિલિન્ડર પીઠ પર રાખીને ચઢાણ કર્યું. કેમ્પ-2, જે 7900 મીટર પર હતો, હવે આ ઊંચાઈ પર ભોજન કરતાં પ્રવાહી વધુ લેવું પડે છે. તેથી ખાવાનું બંધ કરીને પ્રવાહી શરૂ કર્યું.
પંદરમી મેના રોજ 8300 મીટરની ઊંચાઈએ આવેલા કેમ્પ-3 પર પહોંચી ગયા, પણ ત્યાં જોરદાર ખાંસી શરૂ થઈ. ઘણા બધા પર્વતારોહકો અહીંથી પાછા ગયેલા છે. મેહુલે પરિવાર અને મિત્રોને યાદ કર્યા, તેમની અપેક્ષા, અને તેના બાળપણનું સપનું સામે આવતાં આખરે મહામુસીબતથી બચ્યો.
પંદરમી મે, 2018, મંગળવારે રાત્રે 8-30 વાગ્યે સમિટ તરફ જવા આરોહણ શરૂ કર્યું. સખત ઠંડી, પવન, સર્વત્ર સફેદ ચાદર બિછાવેલા બર્ફીલા પર્વતો, ધીરે ધીરે ગજબની હિંમત અને પગમાં ઈશ્વરીય શક્તિથી આરોહણ કરતો રહ્યો અને આખરે 16મી મેની વહેલી સવારે એટલે કે 4-30 વાગ્યે અદ્ભુત ઐતિહાસિક સફળતા મેળવી. નીલ આમસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પગ મૂક્યો હતો અને જે ખુશી થઈ હશે એથી વિશેષ આનંદ મેહુલે અનુભવ્યો. અડધો કલાક એવરેસ્ટના શિખર પર અદ્ભુત – દિવ્યાનંદ અને પરમતત્ત્વનો સાક્ષાત્કાર અને અલૌકિક અનુભૂતિ માણી. માતા-પિતા-કોચ-મિત્રો, પત્ની-બાળકોને યાદ કરીને હર્ષોલ્લાસથી બૂમ પાડી જય જય ગરવી ગુજરાત. થેન્ક્સ ગોડ. ડ્રીમ કમ્સ ટ્રુ અને અદ્ભુત સાહસની રોમાંચક ક્ષણ માણતો માણતો શિખરથી ધરતી પર આવ્યો.

લેખક રમતગમત ક્ષેત્રના સમીક્ષક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here