મહારાષ્ટ્ર-કેરળ સહિત ઘણા રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ!

 

નવી દિલ્હીઃ આપણી ભાષામાં અત્યાર સુધી ‘સામાજિક અંતર’ શબ્દ બહુ વપરાતો ન હતો, પણ કોરોના વાઇરસ મહામારી ફેલાયા બાદ હવે તે સૌથી વધુ સંભળાતો શબ્દ બની ગયો છે. જીવન બચાવવા માટેની સાવચેતી રાખવામાં લોકો નવા નવા આઇડિયા સામે આવી રહ્યા છે. ઝડપથી ફેલાતા કોરોના વાઇરસ સામે લડવા ઘરમાં રહેવું અને સામાજિક અંતર બનાવી રાખવું એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું ત્યાર બાદ વિવિધ રાજ્યોમાં ગોળ સર્કલમાં ઊભા રહીને કરિયાણું, શાકભાજી જેવી જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરતા લોકોની તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા.

ચીનના એક મોલમાં ત્યાંના સંચાલનકર્તાએ જમીન પર ગોળ સર્કલ બનાવી સામાજિક અંતર જાળવી રાખવાના પ્રયાસ કરાયા હતા તેનાથી પ્રેરિત થઈને મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ સહિતના કેટલાક ભાગોમાં લોકો આ પદ્ધતિનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની કચેરીના અધિકારીએ કહ્યું હતું કે સરકાર આ પદ્ધતિને પ્રોત્સાહન આપવા આ પ્રકારના સામાજિક અંતરની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. કેરળમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા સૌથી વધુ છે ત્યારે અહીંના એક કરિયાણાવાળાએ આ પ્રકારની પદ્ધતિ શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં એક તસવીર વાયરલ થઈ હતી જેમાં એક દુકાનદાર એક મહિલાને પોતાના ટેબલ પર મૂકેલા પાઇપ મારફતે સામાન આપી રહ્યો હતો. (ગુજરાત ટાઇમ્સ સંકલન)