મંકીપોક્સ વાયરસ વૈશ્વિક સ્તરે ફેલાઈ શકે છે!: WHO

 

બ્રિટન: કોરોના બાદ વિશ્વ એક નવી પ્રકારની બીમારીના સકંજામાં છે. આ બીમારીનું નામ છે મંકીપોક્સ વાયરસ જેનું હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઇ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ૧૨ દેશોમાં ઓછામાં ઓછા ૯૨ મંકીપોક્સ વાયરસના કેસોની પુષ્ટિ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે આ સંક્રમણ વધારે દેશોમાં ફેલાવાની સંભાવના છે. જે ૧૨ દેશોમાં મંકીપોક્સના કેસો સામે આવ્યા છે તેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સ્પેન, પોર્ટુગલ, જર્મની, બેલ્ઝિયમ, ફ્રાન્સ, નેધરલેન્ડ, ઇટાલી અને સ્વીડન સામેલ છે. અત્યાર સુધી આ વાયરસથી કોઇનું મોત થયું નથી. બીજી તરફ આ દેશોમાં લગભગ ૨૮ સંભાવિત કેસો છે. ડબલ્યુએચઓએ કહ્યું છે કે તેની પુષ્ટિ કરવા માટે તપાસ ચાલી રહી છે.

બીજી તરફ બ્રિટનમાં પણ આ વાયરસનો કહેર વધી રહ્યો છે. બ્રિટનમાં હેલ્થ એજન્સી અનુસાર દેશમાં મંકીપોક્સ વાયરસ ફેલાવાનો શરૂ થઇ ગયો છે. યુકેએચએસએના મુખ્ય તબીબી સલાહકાર સુસાન હોપકિંસે કહ્યું કે અમે એવા કેસો અંગે જાણકારી પ્રાપ્ત કરી રહ્યાં છીએ જેમનો પશ્ચિમ આફ્રિકાના કોઇ વ્યક્તિ સાથે કોઇ સંપર્ક રહ્યો નથી તેમ છતાંય તેઓ આ બીમારીની ચપેટમાં આવી રહ્યાં છે. 

તેમણે કહ્યું કે આ બીમારી સામે ઝઝૂમી રહેલા લોકોના રોજના આંકડા એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. સુસાન હોપકિંસ અનુસાર ગ્રામ્ય વિસ્તારોની અપેક્ષા શહેરી વિસ્તારોમાં આ બીમારી ઝડપથી ફેલાઇ રહી છે. આ બીમારી પ્રતિ લોકોને સતર્ક રહેવાની જરૂર છે. મોટાભાગના વયસ્કોમાં આ બીમારીના લક્ષણો હળવા હોઇ શકે છે તેથી મંકીપોક્સના લક્ષણોની અવગણના ના કરો અને તુર્ત જ તેની જાણ નિકટતમ આરોગ્ય કેન્દ્રને આપો અને ડોક્ટરનો સંપર્ક કરો. 

જે રીતે મંકીપોક્સ વાયરસે વિશ્વ સ્તરે ફેલાવાનું શરૂ કરી દીધું છે તેને જોતા ભારતમાં પણ કેન્દ્ર સરકાર મંકીપોક્સ વાયરસને લઇને એલર્ટ છે. સમાચાર એજન્સી એનઆઇએએ સૂત્રોને ટાંકતા જણાવ્યું કે કેન્દ્રએ એનસીડીસી અને આઇસીએમઆરને વિદેશમાં મંકીપોક્સની સ્થિતિ પર બાજ નજર રાખવા અને અસરગ્રસ્ત દેશોથી આવતા શંકાસ્પદ બીમાર મુસાફરોના નમૂનાઓને આગળની તપાસ માટે પૂણે સ્થિત એનઆઇવીને મોકલવાનો નિર્દેશ આપ્યો છે.

મંકીપોક્સ વાયરસ કોઇ સંક્રમિત વ્યક્તિની પથારી કે તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ ટુવાલનો ફરીથી ઉપયોગ કરવામાં આવતા ફેલાય છે. તેના લક્ષણોમાં તાવ, સ્નાયુઓમાં દુઃખાવો, ઠંડી લાગવી, થાક અને હાથ અને ચહેરા પર અછબડા જેવા ફોલ્લીઓનો સમાવેશ થાય છે. આ રોગ માટે કોઇ અલગ સારવાર નથી, પરંતુ શીતળા સામે રસીકરણ મંકીપોક્સને રોકવામાં લગભગ ૮૫ ટકા અસરકારક હોવાનું જણાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here