ભાષણ શ્રવણ અને ઊંઘ

કળિયુગનું શાસન બરાબર જામ્યું ત્યારે એક વાર ચિત્રગુપ્તે ભગવાન સમક્ષ નિવેદન કર્યું, પ્રભુ! પ્રભુ! મનુષ્યજાતિને આપણે એનાં કર્મો પ્રમાણે દંડ કરીએ છીએ. કયા કર્મનો કયો દંડ કરવો તે આપણા કોમ્પ્યુટરમાં ફીડ કરેલું છે; પણ, પ્રભુ! આ કળિયુગમાં ભારત-વાસીઓનું એક કર્મ એવું છે, જેનો શો દંડ કરવો તે અંગે આપણા કોમ્પ્યુટરમાંથી કશું માર્ગદર્શન મળતું નથી. દરેક કર્મનું ફળ તો આપવું જ પડે, પણ આ કર્મના ફળમાંથી ભારતવાસીઓ છટકી જાય છે.
ભારતવાસીઓનું એવું કયું કર્મ છે, ચિત્રગુપ્ત? પ્રભુને – ત્રિકાલજ્ઞાની અંતર્યામી પ્રભુને પણ આ નવા ઉદિત થયેલા કર્મનો ખ્યાલ ન આવ્યો.
પ્રભુ! કળિયુગમાં મુસાફરીનાં, સંદેશાવ્યવહારનાં સાધનો વધ્યાં છે, આ કારણે લોકોનું હળવા-મળવાનું વધ્યું છે, અન્ય પાશ્ચાત્ય દેશોમાં તો લોકોને સમયની ખેંચ હોય છે એટલે કામ સિવાય એકબીજાને મળતા નથી; પરંતુ, ભારતવાસીઓ પાસે સમય સિવાય બીજી બધી બાબતની ખેંચ હોય છે. સમય બધા પાસે પુષ્કળ હોય છે એટલે વખત – બે વખત બીજાને ઘેર જઈ ચડે અને ઊઠવાનું નામ લેતા નથી, લાંબા-લાંબા પત્રો લખે, ટેલિફોન પર લાંબી-લાંબી વાતો કરે છે. આ જીવોને શો દંડ દેવો તેની સૂઝ પડતી નથી, પ્રભો. ભારતના બોરિંગ લોકોને દંડ કરવાના પ્રશ્ને સ્વર્ગના કોમ્પ્યુટર-અધિપતિ ચિત્રગુપ્તને મૂંઝાતા જોઈ પ્રભુએ કહ્યું, ભારતમાં કંટાળાજનક ભાષણો કરનારા પાર વગરના જીવો છે. બીજાને કંટાળો આપતા લોકોને આવાં ત્રાસજનક ભાષણો સાંભળવાનો દંડ આપો; પણ, જો જો, આ દંડ ઘણો ભારે છે એટલે ભાષણોની સંખ્યા નક્કી કરવામાં થોડી દયા રાખજો.
ચિત્રગુપ્તનો માર્ગ સરળ થઈ ગયો. એમણે બોરિંગ લોકોમાંથી કોઈને 100 બોરિંગ લેક્ચર, કોઈને 200 બોરિંગ લેક્ચર, કોઈને 500 બોરિંગ લેક્ચર એમ દંડ ફટકારવા માંડ્યા. લોકો ત્રાહિમામ પોકારી ગયા. નરકની વૈતરણી નદીમાં સો ડૂબકાં ખાવા કરતાં પચાસ બોરિંગ લેક્ચર સાંભળવામાં અનેકગણો વધારે ત્રાસ થતો હતો. એક કલાક સુધી બોરિંગ લેક્ચર સાંભળ્યા પછી દસ કલાક સુધી મગજમાં શૂન્યાવકાશ વ્યાપી જતો, ભાષણ સાંભળીને ઘેર આવ્યા પછી ગમે તેવો શાંત અને સ્વસ્થ માણસ પણ કૂતરું કરડ્યું હોય એવો હિંસક બની જતો. પ્રિય પત્ની અને વહાલાં બાળકો એમના પ્રકોપનો ભોગ બનવા માંડ્યાં. એટલે પતિનો ભાષણ સાંભળીને ઘેર આવવાનો વખત થાય ત્યારે એની પત્નીઓ બાળકોને આઘાંપાછાં કરી દેવા માંડી. બાળકો તોફાન કરે તો તમારા પપ્પા ભાષણ સાંભળવા ગયા છે. આવશે ત્યારે તમારાં તોફાનોની વાત કરી દઈશ. એવી ધમકીઓ મમ્મીઓએ આપવા માંડી. સામાન્ય દિવસોમાં નોર્મલ રહેતા પિતાથી ન ડરતાં બાળકો પપ્પા ભાષણ સાંભળીને આવવાના છે એ જાણી એવા ડરી જતાં કે બે-ત્રણ દિવસ સુધી તોફાન નોતાં કરી શકતાં.
ચિત્રગુપ્તને લાગ્યું કે બોરિંગ લોકોને એમના ગુનાના પ્રમાણમાં વધુ પડતી સજા થઈ રહી છે. વળી, બોરિંગ લોકોને થતી સજાનાં પરિણામો એમના નિર્દોષ કુટુંબીજનોને પણ ભોગવવાં પડે છે. આ ઉપરાંત, સંબંધ કે સગપણની રૂએ કેટલાક નિર્દોષ લોકોને બોરિંગ લેક્ચર સાંભળવા જવું પડે છે. આવા લોકોને આવી ભયંકર સજામાંથી ઉગારવા કશુંક કરવું જોઈએ એવું ચિત્રગુપ્તને લાગ્યું. વધારે ગંભીર બાબત તો એ હતી કે ધોધમાર બોરિંગ લેક્ચરો સાંભળી કેટલાક નબળા મનના શ્રોતાઓને બ્રેઇન હેમરેજ થવા માંડ્યાં. ચિત્રગુપ્તે ફરી પ્રભુ સમક્ષ નિવેદન કર્યું, પ્રભુ! બોરિંગ ભાષણો સાંભળતી વખતે શ્રોતાઓને કંઈક રાહત મળે તેવું કરો. નહિતર બ્રેઇન હેમરેજના કેસ બહુ વધી જશે. કરુણાનિધિનું હૃદય દ્રવ્યું. બોરિંગ ભાષણ સાંભળતી વખતે શ્રોતાઓનાં ઊંઘનાં કેન્દ્રો સક્રિય થઈ જાય તેવો પ્રબંધ પ્રભુએ કરી આપ્યો. શ્રોતાઓને રાહત થઈ ગઈ. હવે ભાષણોને કારણે બ્રેઇન હેમરેજ થતાં નથી.
ભાષણ સાંભળતી વખતે ઊંઘનાં કેન્દ્રો સક્રિય કરી દેવાની કૃપા પ્રભુએ તો કરી, પરંતુ આનાથી બધા શ્રોતાઓની સમસ્યા હલ થતી નહોતી. બધા શ્રોતાઓમાં આવી હિંમત હોતી નથી. આગલી હરોળમાં બેઠેલા શ્રોતાઓનું શું? મંચ પર બેેઠેલા મહાનુભાવોનું શું? પ્રમુખનું શું? આ બધા પ્રશ્નો તો રહ્યા જ. કર્તુમ્ – અકર્તુમ્ – અન્યથાકર્તુમ્ સમર્થઃ – એવા પ્રભુને પણ આવા શ્રોતાઓને કઈ રીતે રાહત આપવી તેની સૂઝ ન પડી!
બોરિંગ વક્તાને અટકાવવા એલાર્મ ઘડિયાળ રાખવાનું સૂચન હમણાં કોઈએ કર્યું છે. આ સૂચન સારું છે, પરંતુ મારો બે કારણસર વિરોધ છેઃ (1) ઘણા ખરા વક્તાઓ એલાર્મપ્રૂફ હોવાના. એલાર્મ ઘડિયાળની એમના પર કોઈ અસર નહિ થવાની. બહેરા વક્તાઓ માટે તો આ સૂચનનો કશો અર્થ જ નથી. (2) ભાષણ દરમિયાન નિરાંતે ઊંઘી રહેલા બહુમતી શ્રોતાઓ એલાર્મ ઘડિયાળને કારણે જાગી જાય એનું શું? ભાષણ સાંભળતી વખતે ઊંઘી જવું એ શ્રોતાઓનો કર્ણસિદ્ધ અધિકાર છે, પ્રભુનું અણમોલું વરદાન છે. દુનિયાભરના માનવઅધિકાર પંચોએ આ અધિકારની રક્ષા માટે ઝુંબેશ ચલાવવી જોઈએ.
બોરિંગ લેક્ચર ચાલતું હોય એ વખતે માનસિક રાહત મેળવવા માટેના કેટલાક મૌલિક ઉપાયો મને સૂઝ્યા છે (અલબત્ત, મારા લેક્ચર વખતે કોઈ આ ઉપાય ન અજમાવે એવી વિનંતી છે)ઃ (1) ભાષણ સાંભળતી વખતે વક્તા કેટલી વાર ચશ્માં ઊંચાનીચાં કરે છે તે ગણવું. (2) વક્તાને મૂછ ન હોય તો એનો મૂછવાળો ચહેરો કેવો લાગે એની કલ્પના કરવી. (3) વક્તાના પેન્ટનાં બન્ને પાયચાં સરખાં છે કે લાંબાં-ટૂંકાં એનું નિરીક્ષણ કરવું. (4) ભાષણ કરતી વખતે વક્તા નાકમાં આંગળી કેટલી વાર નાખે છે, કાનમાં આંગળી કેટલી વાર નાખે છે તેની ગણતરી કરવી. આના પરથી વક્તા ડાબોડી છે કે જમોડી તેનું અનુમાન કરવાનો પ્રયત્ન કરવો.
આ અને આવા બીજા ઉપાયો કરવાથી ભાષણને કારણે થતાં બ્રેઇન હેમરેજથી બચી જવાશે. બેસ્ટ લક!

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક મોજમાં રેવું રે!માંથી સાભાર.
———–

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here