ભારત સામે એફ-૧૬ના ઉપયોગ બદલ પાકિસ્તાનને અમેરિકાએ ખખડાવ્યું

વોશિંગ્ટનઃ આતંકવાદીઓ પર કરેલી બાલાકોટ એરસ્ટ્રાઇકનો જવાબ આપવા માટે પાકિસ્તાને ભારત પર વળતો હવાઈહુમલો કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાને એફ-૧૬ વિમાનોનો ઉપયોગ પણ કર્યો હતો. હવે એવો ઘટસ્ફોટ થયો છે કે અમેરિકાએ આપેલાં એફ-૧૬ વિમાનોનો ભારત સામે ઉપયોગ કરવા બદલ અમેરિકાએ પાકિસ્તાનની વાયુસેનાના પ્રમુખની ઝાટકણી કાઢી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, હથિયાર નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મામલાને સંભાળનાર તત્કાલીન નાયબ વિદેશમંત્રી એન્ડ્રિયા થોમસને ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાની વાયુસેનાના એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાનને પત્ર લખીને કહ્યું હતું કે તમે અમને જણાવ્યું હતું કે અમે વિમાન રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશથી ઉડાવ્યાં હતાં. અમેરિકાની સરકાર આ વિમાનોને બિનસત્તાવાર એરબેઝ સુધી લાવવાની હરકતને ચિંતાજનક ગણે છે.
બીજી તરફ, પાકિસ્તાન સરકારે આ પત્ર અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૭ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનની વાયુસેના આમનેસામને આવી ગઈ હતી, જેમાં ભારતના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ-૨૧ વિમાનનો ઉપયોગ કરીને પાકિસ્તાનના એક એફ-૧૬ને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેમનું વિમાન પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં તૂટી પડતાં પાકિસ્તાને તેમને બંદી બનાવી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here