ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી

નવી દિલ્હીઃ ૨૦૨૦ના નવા વર્ષની ઉજવણી દુનિયાભરમાં થઈ રહી છે. અલગ અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન સજાવટ, આતિશબાજીએ લોકોને તસવીરો લેવા માટે મજબૂર કરી દીધા છે. જેવા ઘડિયાળના કાંટા ૧૨ પર પહોંચ્યા કે આકાશ ઝાકમઝોળ થઈ ગયું. ભારતનાં અલગ અલગ રાજ્યોમાંથી પણ ખૂબસૂરત તસવીરો સામે આવી. અલગ અલગ દેશોમાંથી આવેલા વિડિયોએ તો લોકોને મજા પાડી દીધી.
ભારતના અલગ અલગ ભાગોમાં નવા વર્ષની શાનદાર ઉજવણી થઈ. મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન, ઓડિશામાં જગન્નાથપુરીનું મંદિર, હિમાચલ મોલ રોડ સહિત સમગ્ર ભારત રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. લોકોએ નાચ-ગાન સાથે નવા વર્ષની શરૂઆત કરી હતી.
ફ્રાન્સમાં નવા વર્ષના અવસરે પેરિસસ્થિત આર્ક ડી ટ્રાયંફમાં જોરદાર આતિશબાજી થઈ હતી. આકાશ ઝળહળી ઊઠ્યું હતું. લોકો પોતાનો મોબાઇલ કાઢીને વિડિયો બનાવવામાં લાગી ગયા હતા.
તુર્કીમાં નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરાઈ હતી. સમુદ્ર વચ્ચે આકાશ તરફ જતી રંગબેરંગી રોશનીને જોઈને લોકો રોમાંચિત થઈ ગયા હતા. ઇસ્તંબુલના બોસ્ફોરસ સ્ટ્રેટમાં થયેલી આ આતિશબાજીને પણ લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.
ગ્રીસમાં આવેલા એક્રોપોલિસ ઓફ એથેન્સમાં પણ જોરદાર આતિશબાજીનો નજારો જોવા મળ્યો હતો. ૧૨ વાગતાં જ આકાશ અલગ અલગ રંગોથી ભરાઈ ગયું હતું.
સંયુક્ત આરબ અમીરાતમાં નવા વર્ષના જશ્ન માટે દુબઈના બુર્જ ખલીફાને ખાસ રીતે સજાવવામાં આવ્યું હતું. ૧૨ વાગતાં જ બુર્જ ખલીફા રોશનીની ચાદરથી લપેટાઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here