ભારત-જર્મની વચ્ચે ૧૦.૫ અબજ ડોલરની ગ્રીન એનર્જી સમજૂતિ

 

જર્મનીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુરોપિયન દેશના પ્રવાસમાં જર્મની પહોંચ્યા હતાં. જ્યાં તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલઝને મળ્યા હતાં. ત્યારબાદ બન્ને નેતાઓ ડેલિગેશન સ્તરની બેઠકમાં સામેલ થયા હતાં. જેમાં ભારત-જર્મની વચ્ચે ગ્રીન એનર્જી પર મહત્વની સમજૂતિ કરાર થયા હતા. જર્મનીની મુલાકાત દરમિયાન લોકોને તે વાતની ઉત્કંઠા હતી કે યુક્રેન-રશિયા યુદ્ઘને લઇને વડાપ્રધાન મોદી શું બોલશે?  પીએમ મોદીએ ડેલિગેશન સ્તરની બેઠક ખતમ થયા બાદ પોતાના સંબોધનમાં યુક્રેન-રશિયા જંગનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, યુક્રેનના સંકટની શરૂઆત થઇ ત્યારે જ અમે તાત્કાલિક યુદ્ઘવિરામનું આહ્વાન કર્યું હતું અને તે વાત પર જોર આપ્યું કે વિવાદના ઉકેલ માટે વાતચીત જ એકમાત્ર ઉપાય છે. અમારૂ માનવું છે કે આ યુદ્ઘમાં કોઇ વિજયી પાર્ટી નહિ હોય. તમામને નુકસાન થશે તેથી અમે શાંતિના પક્ષમાં છીએ. યુક્રેન સંઘર્ષના કારણે થયેલી ઉથલ-પાથલમાં ઓઇલની કિંમત આકાશને આંબી રહી છે, વિશ્વમાં ખાદ્ય સામગ્રી અને ફર્ટિલાઇઝરની ઉણપ જોવા મળી રહી છે. તેનાથી વિશ્વના દરેક પરિવાર પર ભારણ વધી રહ્યું છે. પરંતુ વિકાસશીલ અને ગરીબ દેશોમાં તેની અસર વધુ ગંભીર બની રહી છે. 

વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે કોવિડ કાળમાં ભારતમાં અન્ય મોટી અર્થવ્યવસ્થાની તુલનાએ સૌથી ઝડપથી ગ્રોથ જોવા મળી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે ભારત વૈશ્વિક રિકવરીનો મહત્વપૂર્ણ સ્તંભ બનશે. હાલમાં જ અમે ઘણાં ઓછા સમયમાં યુએઇ તથા ઓસ્ટ્રેલિયાની સાથે વેપાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. આ તરફ પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલરે ભારત-જર્મની વચ્ચે ગ્રીન એનર્જી અને સતત ઉર્જાને લઇને મહત્વના એગ્રીમેન્ટ સાઇન કર્યા હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત અને જર્મની મળીને ગ્રીન હાઇડ્રોજન ટાસ્ક ફોર્સનું ગઠન કરશે. ભારત યુરોપિયન યુનિયન (ઇયુ) સાથે મુક્ત વેપાર સમજૂતી કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ઘ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બન્ને દેશો વચ્ચે સતત વિકાસને લઇને એગ્રીમેન્ટ થયા છે જે અંતર્ગત ભારતને વર્ષ ૨૦૩૦ સુધી ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ૧૦.૫ અબજ ડોલરની આર્થિક સહાયતા મળશે. મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી મોદીએ આત્મનિર્ભર ભારત અભિયાનમાં રોકાણથી જર્મનીને ભાગીદારી કરવાનું આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન જર્મન ચાન્સલરે પણ ભારતને એશિયામાં પોતાનું સુપર પાર્ટનર ગણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીને જર્મનીમાં જૂનમાં મળનારી જી-૭ બેઠકમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. જર્મન ચાન્સેલર સ્કોલ્ઝે કહ્યું હતું કે ઇન્ડો-પેસેફિક ઘણું જ ડાયનેમિક રીઝન છે, પરંતુ તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ ક્ષેત્રમાં ભારત અમારૂં એક મહત્વનું ભાગીદાર છે. સ્કોલ્ઝે કહ્યું કે, દુનિયા ત્યારે જ વિકસિત થઇ શકે છે જ્યારે અમે તે સ્પષ્ટ કરી દઇએ કે દુનિયા કેટલાક શક્તિશાળી દેશના ઇશારે નહિ, પરંતુ ભવિષ્યના સંબંધો પર જ ચાલશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here