ભારતમાં ૪૫ અબજ ડોલરના સોનાની આયાત કરવામાં આવી 

 

નવિ દીલ્હીઃ સોનાના ભાવ સતત વધી રહ્યા હોવા છતાં ભારતમાં સોનાનું આકર્ષણ જારી છે અને વધુને વધુ આયાત થઈ રહી છે. સોનાની આયાત વધે તેમ દેશની ચાલુ ખાતાની ખાધમાં વધારો થતો હોય છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં ૪૫ અબજ ડોલરના સોનાની આયાત કરવામાં આવી હતી. એટલે આ ૧૧ મહિના દરમિયાન ભારતમાં સોનાની આયાતમાં ૭૩ ટકાનો વધારો થયો હતો. સત્તાવાર ડેટા પ્રમાણે ગોલ્ડની આયાત સતત વધી રહી છે. એપ્રિલ-ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન ભારતમાં ૨૬.૧૧ અબજ ડોલરના ગોલ્ડની આયાત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૨૨માં ગોલ્ડની આયાત ૧૧.૪૫ ટકા ઘટીને ૪.૭ અબજ ડોલર થઈ હતી તેમ વાણિજ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે. 

૧૧ મહિનાના સમયગાળા દરમિયાન સોનાની આયાતમાં વધારો થયો તેના કારણે વ્યાપાર ખાધ વધીને ૧૭૬ અબજ ડોલર થઈ હતી જે એપ્રિલથી ફેબ્રુઆરી ૨૦૧૧ના ગાળામાં ૮૯ અબજ ડોલર હતી. ચીન પછી ભારતમાં સૌથી વધારે સોનાનો વપરાશ થાય છે. ભારત દર વર્ષે લગભગ ૮૦૦થી ૮૫૦ ટન સોનાને ઇમ્પોર્ટ કરે છે. 

ભારતમાં જે ગોલ્ડની આયાત થાય છે તેમાંથી મોટા ભાગનું સોનું જવેલરી ઉદ્યોગમાં વપરાય છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં જેમ્સ અને જવેલરીની નિકાસ પ૭.૨ ટકા વધીને ૩૫.૨૫ અબજ ડોલર થઈ હતી. ભારતમાં હવે ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૧૩ ટકા જેટલી છે. વજનની રીતે જોવામાં આવે તો એપ્રિલથી ફેબ્રુઆરી ૨૦૨૨ના ગાળા દરમિયાન ભારતમાં ૮૪૨.૨૮ ટન સોનાની આયાત કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ ગાળામાં ૬૯૦થી ૮૫૦ ટન સોનાની આયાત કરવામાં આવતી હોય છે. ગોલ્ડની આયાત વિશે ટિપ્પણી કરતા જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે જણાવ્યું કે એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન સોનાની સરેરાશ આયાત ૭૬.૫૭ ટન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here