ભારતમાં મુસ્લિમો અને લઘુમતીઓની સ્થિતિ પાકિસ્તાન કરતાં ઘણી સારી છેઃ નાણામંત્રી

વોશિંગ્ટનઃ ભારતના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વિશ્વ બેંક જૂથની વાર્ષિક બેઠકમાં હાજરી આપવા માટે યુએસ પ્રવાસ પર છે. અહીં નિર્મલા સીતારમણે ભારત-પાકિસ્તાનમાં મુસ્લિમો અને લઘુમતીઓની સ્થિતિ પર મોટું નિવેદન આપ્યું છે. સીતારમણે કહ્યું છે કે ભારતમાં મુસ્લિમો અને લઘુમતીઓની સ્થિતિ પાકિસ્તાન કરતાં ઘણી સારી છે. તેમણે પશ્ચિમી દેશોમાં ભારત માટે ઉભી થયેલી છાપને પણ ફટકાર લગાવી હતી. વોશિંગ્ટનમાં પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ ખાતે ભારતીય અર્થતંત્ર અને વિકાસ અંગે ચર્ચા કરતી વખતે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ભારત વિશે પશ્ચિમી ધારણાનો યોગ્ય જવાબ આપ્યો હતો. ભારતમાં મૂડીરોકાણ અથવા મૂડીને અસર કરતી ધારણાઓ અંગે PIIE પ્રમુખ એડમ એસ પોસેનને જવાબ આપતાં, તેમણે કહ્યું હતું, મને લાગે છે કે ભારતમાં આવનારા રોકાણકારો આનો જવાબ છે. હું એટલું જ કહીશ કે ભારતમાં શું થઈ રહ્યું છે તેના પર એક નજર કરો, જેઓને વાસ્તવિક્તાની જાણ જ નથી અને છતાં તેઓ ભારત વિશે બેફામ નિવેદનો ઠપકારે છે, એવા લોકોની વાતો સાંભળશો નહીં. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવે છે અને આ વસ્તી સતત વધી રહી છે. પાકિસ્તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. પાકિસ્તાનમાં દરેક લઘુમતીની સંખ્યા ઘટી રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું પાકિસ્તાનમાં મુસ્લિમ વસ્તી 1947ની સરખામણીમાં વધી રહી છે? નિર્મલા સીતારમણે કહ્યું કે પાકિસ્તાનના કેટલાક મુસ્લિમ સંપ્રદાયોને પણ ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે. જ્યારે, ભારતમાં દરેક મુસ્લિમ પોતાનો વ્યવસાય કરે છે, તેના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, ફેલોશિપ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here