ભારતની વિશાળ પ્રતિમાઓ

 


ગુજરાત અને ભારતની ગૌરવસમાન વિશ્વની સૌથી ઊંચી મહાકાય સરદાર વલ્લભાઈ પટેલની પ્રતિમાનું ગુજરાતના કેવડિયા (જિ. નર્મદા) નજીક નર્મદા ડેમ પાસે સાધુ ટેકરી પર સ્થાપન થવાનું છે, જેનું નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે. જ્યારે આવી વિશાળ પ્રતિમા ભારતમાં સ્થપાવા જઈ રહી છે ત્યારે સહેજે આપણને એ જાણવાની જિજ્ઞાસા થાય કે ભારતમાં આવી અસામાન્ય ઊંચાઈની બીજી કઈ પ્રતિમાઓ છે? અને જો છે તો તે ક્યાં, કોની, કેવી, કેટલી ઊંચાઈની પ્રતિમાઓ છે? તો ચાલો જાણીએ આજે ભારતની આકાશને સ્પર્શવા જતી એવી થોડી પ્રતિમાઓ વિશે. અલબત્ત, વિશાળ ભારતમાં ઘણી પ્રતિમાઓ આકાશને આંબતી હશે, પણ આપણે તો જીવ્યા કરતાં જાણ્યું ભલું. ભારત સદીઓથી હિન્દુ ધર્મનાં દેવી-દેવતાઓનું પૂજન-અર્ચન કરતું આવ્યું છે. આ ધાર્મિક ભાવનામાં પ્રેમ, વાત્સલ્ય, દાનવૃત્તિ અને પોતાના દેવના વિશાળ રૂપને જોવાની મનોવૃત્તિ પણ ભળતી આવી છે, જેથી ભવ્યતમ્ મંદિરો, કલાત્મક દેવ-દેવી સ્વરૂપો તથા મહારૂપ સ્વરૂપો પણ જોવા મળે છે.

વીર અભય અંજનીય હનુમાનસ્વામીની પ્રતિમા
હૈદરાબાદ નજીક ક્રિષ્ના જિલ્લાના એક નાના ગામમાં હનુમાનજીની આ પ્રતિમા આવેલી છે, જે વીર અભય અંજનીય હનુમાન નામે પ્રસિદ્ધ છે. ભારતની હાલની સર્વોચ્ચ આ પ્રતિમાની ઊંચાઈ 135 ફૂટ અર્થાત્ 41 મીટર છે. 2003માં બનેલી આ પ્રતિમા દેશ-વિદેશના પર્યટકો માટે આકર્ષણનું અને ભક્તિનું કેન્દ્ર બની છે. એક હાથમાં ગદા, બીજો હાથ આશીર્વાદ આપતો, લટકતી ખેસ ધરાવતી આ સુંદર પ્રતિમા છે.

પદ્મસંભાવ બુદ્ધપ્રતિમા
પદ્મસંભાવ સ્વામી તરીકે ઓળખાતી આ પ્રતિમા ગુરુ રિપોંદ બુદ્ધનું જ એક સ્વરૂપ મનાય છે. હિમાચલ પ્રદેશમાં રેવલસર નામના સરોવર નજીક બેઠેલી આ પ્રતિમા સમુદ્રની સપાટીથી 4000 ફૂટની ઊંચાઈએ છે. ભારતની બીજા નંબરની આ પ્રતિમા 123 ફૂટ અર્થાત્ 37.5 મીટર ઊંચી છે. તિબેટ ભૂતાનમાં બૌદ્ધ ધર્મ ફેલાતાં આ પ્રતિમા બનાવાઈ છે. આજુબાજુમાં હિન્દુ મંદિરો પણ આવેલાં છે.

મુરુડેશ્વર શિવપ્રતિમા
કર્ણાટકમાં અરબ સમુદ્રકિનારે મુરુડેશ્વર નામના સ્થળ પર ભગવાન શિવ-શંકરની આ પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમા 122 ફૂટ યાને 37 મીટર ઊંચી છે. ભારતની આ સૌથી ઊંચી અને દુનિયામાં દ્વિતીય મોટી આ શિવપ્રતિમા છે (વિશ્વની સૌથી ઊંચી શિવપ્રતિમા નેપાળમાં આવેલી છે).

પદ્મસંભાવ (બુદ્ધ)ની પ્રતિમા
ગુરુ રિપોંડ બુદ્ધ સ્વરૂપની બીજી આ પ્રતિમા સિક્કિમના નામથી નામના સ્થળે સમાધિસ્થ અવસ્થામાં બેઠેલા છે. આ પ્રતિમા 118 ફૂટ એટલે કે 36 મીટર ઊંચી છે. આ યાત્રાસ્થળ બૌદ્ધ અનુયાયીઓમાં ખુબ પ્રખ્યાત સિક્કીમનું સૌથી મોટું ધાર્મિક સ્થાન છે. સન 2004માં આ પ્રતિમા મેદાન પર બનાવેલ પીઠીકા પર સ્થપાયેલી છે.

શ્રી હનુમાન પ્રતિમા
રામભક્ત હનુમાનજી ભક્તોના ખૂબ વ્હાલા દેવ છે. તેમની આ બીજી પ્રતિમા સિમલામાં સ્થપાયેલી છે. તે 108 ફુટ યાને કે 33 મીટર ઊંચી છે. સન 2010માં બનેલ આ વિશાળ પ્રતિમા સિમલામાં અલગ-અલગ સ્થળોએથી જોઇ શકાય છે. કહેવાય છે કે આ સ્થળે હનુમાનજી લક્ષ્મણ માટે સંજીવની બુટ્ટી વિશે પૂછવા ઊભા રહ્યાં હતા.

ભગવાન બુદ્ધ પ્રતિમા
ભારતમાં સૌથી ઉંચી એવી ભગવાન બુદ્ધની આ પ્રતિમા ઉતરાખંડની રાજધાની દહેરાદૂન કલેમેટમાં વેલી છે. આ ભવ્ય પ્રતિમા છે તે 107 ફુટ અર્થાત 32.6મીટર ઊંચી છે. અને વિશાળ પીઠિકા પર ઉભા સ્વરૂપે આશિષ આપે છે. પ્રતિમા પાછળનું ભવ્ય લંબગોળ વર્તુળથી પ્રતિમાની ભવ્યતા વધી જાય છે.

વિરાટકાય હનુમાનજી પ્રતિમા
મહારાષ્ટ્ર રાજ્યના જાણીતા શહેર નંદુરબારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રેલવે લાઇનની તદ્દન નજીક વિરાટકાય બજરંગબલી હનુમાનજીની પ્રતિમા આવેલી છે. બે પિલર પર પગ રાખી ઊભેલા ગદાધારી હનુમાનજી આશીર્વાદ આપે છે, અલબત્ત, ગદા પણ છે. આ પ્રતિમા 105 ફૂટ એટલે કે 32 મીટર ઉંચી છે.

હરકી પૈરીની શિવપ્રતિમા
ઉત્તરાખંડના પ્રસિદ્ધ હિન્દુ યાત્રાધામ હરિદ્વારમાં ગંગાકિનારે આવેલા ઘાટ પર ભગવાન શંકરની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. એક હાથમાં ત્રિશૂળ અને આશીર્વાદ મુદ્રામાં તે ભવ્ય લાગે છે. હરકી પૈરી પરથી દેખાતી આ પ્રતિમા 100 ફૂટ અર્થાત્ 30.5 મીટર ઊંચી છે, જે છેલ્લાં 15 વર્ષમાં જ બની છે.

સંત થિરુવલ્લુવરની પ્રતિમા
ભારતના દક્ષિણ છેડે તામિલનાડુના કન્યાકુમારીમાં ભારતીય અને એરેબિયન સમુદ્રના સંગમસ્થાને દરિયા વચ્ચે એક નાના ટાપુ પર સંત થિરુવલ્લુવરની મહાકાય પ્રતિમા ઊભી છે. આ પ્રતિમા 95 ફૂટ યાને 30 મીટર ઊંચી છે. તેની ગોઠવણી ન્યુ યોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ કરાઈ છે. સંત, કવિ, તત્ત્વજ્ઞાની ભક્તરાજ થિરુવલ્લુવરની આ પ્રતિમા પર રાત્રે જ્યારે મોટી ફોકસ લાઇટોનો પ્રકાશ પડે છે, ત્યારે તે અતિભવ્ય લાગે છે.
ચિન્મય ગણેશ પ્રતિમા

ગણપતિ બાપ્પા મોરિયાની આ પ્રતિમા ચિન્મય ગણાધીશની પ્રતિમા કહેવાય છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં ગણેશજીની આ પ્રતિમા આવેલી છે. તેમની પ્રતિમા 85 ફૂટ યાને કે 26 મીટર ઊંચી છે. બેઠેલા આ ગણપતિના પાશ, ગદા, લાડુ અને વરદયુક્ત ચાર હાથ અને પાછળ પંચમુખી નાગરાજ ફેણ છાત્ર છે.
ગોમટેશ્વર બાહુબલીની પ્રતિમા
ભારતવર્ષની 1000 વર્ષ જૂની પ્રાચીન પ્રતિમા એટલે જૈન ધર્મના અરિહંત દિગંબરાવસ્થામાં ભગવાન ગોમટેશ્વર બાહુબલી! કર્ણાટકના હરસન જિલ્લામાં શ્રવણબેલગોડા સ્થળે પર્વતની ટેકરી પર તે આવેલી છે, જે 57 ફૂટ યાને કે 18 મીટર ઊંચી છે. તેઓ પ્રથમ તીર્થંકર ઋષભદેવના બીજા ક્રમના સિદ્ધમુક્ત પુત્ર હતા.

અંજનીય હનુમાનજી પ્રતિમા
લગભગ 1500 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમા અંજનીય હનુમાનજી તરીકે ઓળખાય છે. આ પ્રતિમા તામિલનાડુના નમક્કાલ શહેરમાં આવેલી છે. તે 18 ફૂટ એટલે કે 5.5 મીટર ઊંચી છે. દેશની સૌથી પ્રાચીન આ પ્રતિમા મંદિરને અંજનીય મંદિર કહેવાય છે. આ પ્રતિમા એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે. આ જગ્યાએ કદી કુદરતી આફત કે માનવયુદ્ધો થયાં નથી.
અલબત્ત, આ સિવાય ઊંચી કહી શકાય તેવી ઘણી પ્રતિમાઓ ભારતમાં છે. ગાંધીનગરમાં નીલકંઠવર્ણી પ્રતિમા, 30 ફૂટ ઉંચી સરદાર પટેલની એક પ્રતિમા, ગાંધીબાપુની સમાધિસ્થ પ્રતિમાઓ કેમ ભુલાય? આટલી બધી ઊંચી પ્રતિમાઓ વિશે જાણ્યા પછી આપણી નજર સ્ટેચ્યુ ઓફ યુનિટી અર્થાત્ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવી હશે એ તરફ જાય છે. ચાલો, એ પ્રતિમા વિશે સંક્ષિપ્તમાં જાણીએ.
સ્થળઃ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ગામ પાસે નર્મદા ડેમ નજીક સાધુબેટમાં ઊંચી પીઠિકા પર આ પ્રતિમા સ્થપાશે.
ઊંચાઈઃ દુનિયાની સૌથી ઊંચી આ પ્રતિમા 182 મીટર ઊંચી હશે, જેનો બનાવટ ખર્ચ રૂ. 2500 કરોડ થશે. જમીન લેવલથી 240 મીટર સ્ટેચ્યુની કુલ ઊંચાઈ થશે. પ્રતિમાનો પાયો 58 મીટર ઊંચો હશે.
સામાનઃ પ્રતિમાની બનાવટમાં બે લાખ મેટ્રિક ટન સિમેન્ટ, 7500 મેટ્રિક ટન સ્ટીલ, 300 ઘનમીટર કોન્ક્રીટ, લોખંડ, સળિયા, બ્રોન્ઝ સ્ટીલ ક્લેડિંગ વપરાશે. સાથે 300 મીટર લંબાઈનો પુલ, 152 મીટર ઊંચી ગેલરી, લિફ્ટ વગેરે સુવિધા હશે.
મસ્તકઃ સ્ટેચ્યુનું 70 ટકા કામ પૂરું થઈ ગયું હોવાનું કહેવાય છે. પ્રતિમાના સરદાર પટેલનો માસ્કોટ (મસ્તક) કેવડિયા આવી ગયો છે. આ મસ્તકની પ્રતિકૃતિ 18 મીટર ઊંચી છે. 2018ના અંત સુધીમાં આ પ્રતિમા તૈયાર થઈ જશે, જે આવતા વર્ષે જોવા મળશે.

લેખક કેળવણીકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here