ભારતની એકમાત્ર ફોર્મ્યુલા-4 વુમન રેસર વડોદરાની મીરા એરડા

0
1072

વડોદરાની એક બાળકી આઠ વર્ષની વયે ફક્ત મજા લેવા માટે કાર્ટ રેસિંગ ટ્રેક પર કાર્ટ ચલાવતી. નવ વર્ષની થઈ એટલે પપ્પાએ પૂછ્યું કે તારે મોટર સ્પોર્ટ્સમાં જવું છે. આ બાળકી પપ્પા સાથે પૂના રેસ જોવા ગઈ. રેસમાં બધા પુરુષો જ ભાગ લેતા હતા. આ બાળકીનેે નવાઈ લાગી કે આ રેસમાં તો ફક્ત પુરુષો જ ભાગ લે છે, કોઈ મહિલા કેમ નહિ. એટલે તેણે નક્કી કર્યું કે મારે કાર રેસિંગ કરવું જોઈએ અને આવી ચેમ્પિયનશિપમાં ભાગ લેવો છે. એક છોકરી કાર ચલાવી ટફ કોમ્પિટિશન કેમ ન કરી શકે તેવો વિચાર આ બાળકીના મનમાં ચાલતો હતો. અહીંથી આ બાળકીની યાત્રા શરૂ થઈ…
મીરા એરડા. ઉંમર ફક્ત 17 વર્ષ. ગયા વર્ષે 12મા ધોરણમાં પાસ થઈ. મીરા એરડા ભારતની સૌપ્રથમ અને એકમાત્ર બીએમડબ્લ્યુ ફોર્મ્યુલા-4 રેસિંગ કાર વુમન છે. ફાસ્ટ ડ્રાઇવિંગ ફક્ત પુરુષોનો ઇજારો નથી, તે મીરાએ સાબિત કર્યું છે. 230 કિલોમીટરની ઝડપે કાર ચલાવતી મીરાને નિહાળી ગુજરાતી હોવાનું ગૌરવ થાય.
વડોદરામાં 24મી ઓક્ટોબર, 2000ના રોજ મીરા એરડાનો જન્મ થયો. મીરાના પિતા કિરીટ એરડાને ગો કાર્ટિંગ અને કાર રેસિંગનો શોખ હતો, પરંતુ તેઓ તેમાં કેરિયર બનાવી શક્યા નહિ. મીરા આઠ વર્ષની હતી ત્યારે તેના પિતાએ ગો કાર્ટિંગનો ટ્રેક 2009માં શરૂ કર્યો. ત્યારથી મીરાના મનમાં કાર રેસિંગ ચેમ્પિયન બનવાનું સપનું હતું. મીરાને પહેલેથી જ સ્પીડ અને કાર ગમતાં હોવાથી તેના પિતાને થયું કે મારી અધૂરી ઇચ્છા મીરા પૂરી કરશે. મીરાની કોલ્હાપુરમાં છ દિવસની પ્રોફેશનલ ટ્રેનિંગ પછી પ્રોફેશનલ કેરિયરની શરૂઆત થઈ. છ વર્ષ ગો કાર્ટિંગ કર્યું, 2014થી ફોર્મ્યુલા કાર રેસિંગ કર્યું. મીરાએ ફોર્મ્યુલા-4 એલજીબી ક્લાસમાં 2016માં રૂકી ચેમ્પિયન થઈ. આ પછી 2017થી ફોર્મ્યુલા-4 બીએમડબ્લ્યુ ચલાવવાની શરૂઆત કરી. મીરા એરડાએ ગયા વર્ષે ફોર્મ્યુલા-4 બીએમડબ્લ્યુ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. ભારતની પ્રથમ ફોર્મ્યુલા બીએમડબ્લ્યુ 230 કિલોમીટર પ્રતિ કલાક કાર ચલાવી. જે. કે. ટાયર નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ ફોર્મ્યુલા-4 કાર રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. મીરાએ પહેલા બે વર્ષ ફોર્મ્યુલા એલજીબી કાર ચલાવી. ફોર્મ્યુલા નેશનલ ચેમ્પિયનશિપ 2016માં નેશનલ રૂકી ચેમ્પિયનમાં ભાગ લેનાર મીરા એરડા પ્રથમ યુવતી હતી જે સૌથી યુવાન વયે ચેમ્પિયન થઈ હતી.
સૌથી પહેલાં ગો કાર્ટની ટ્રેનિંગ લીધી. આ પછી 2015માં ફોર્મ્યુલા કારની ટ્રેનિંગ લીધી. નવ વર્ષની વયે પ્રથમ વાર રેસિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો. ફોર્મ્યુલા કાર નોર્મલ કાર કરતાં અલગ હોય છે, જેમાં સલામતીનાં પગલાંરૂપે રેસિંગ સૂટ, હેલ્મેટ, કાર પ્રોટેક્શન, સેફટી પ્રિકોશન રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગો કાર્ટિંગમાં 120 કિલોમીટર પ્રતિ કલાક અને ફોમ્યુર્લા ઇન્ડિયનમાં 180 કિલોમીટર પ્રતિ કલાક કાર ચલાવવામાં આવે છે.
મીરાએ ફાસ્ટ કાર ચલાવવાની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે. પછી એક વર્ષ દરમિયાન પ્રેક્ટિસ તરીકે રેસિંગ કરી છે.
જે. કે. ટાયર નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ દર વર્ષે થાય છે, જેમાં મીરા આઠ વર્ષથી ભાગ લે છે. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર મીરા એકમાત્ર યુવતી છે.
2017માં આઉટસ્ટેન્ડિંગ વુમન ઓફ ધ યર જે. કે. રેસિંગ બીએમડબ્લ્યુમાં ભાગ લીધો તે વખતે બધાએ વિચાર્યું કે હજી 17 વર્ષની કિશોરી રેસિંગ કેવી રીતે કરશે? પણ મીરાએ બધાને પોતાના કૌશલ્યથી આશ્ચર્યચકિત કરી દીધા.
ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ કલબ ઓફ ઇન્ડિયા નવ વર્ષથી મીરાને ગો-કાર્ટ ચલાવવાનું લાઇસન્સ, 15 વર્ષથી ફોર્મ્યુલા કાર રેસિંગનું લાઇસન્સ આપે છે જેનો ક્લોઝ સરકીટ ટ્રેક પર ઉપયોગ કરી શકાય છે. આ લાઇસન્સથી રોડ પર કાર ચલાવી ન શકાય.
ન્યુ ઊર્મિ કન્સેપ્ટ સ્કૂલની વિદ્યાર્થિની મીરાએ તાજેતરમાં જ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાયેલી 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી, જેમાં 77 ટકા સાથે પાસ થઈ છે અને હવે નવરચના યુનિવર્સિટીમાં જર્નલીઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનમાં અભ્યાસ કરે છે. મીરાએ ફોર્મ્યુલા-4 રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તૈયારી કરવા માટે બારમા ધોરણમાં આખા વર્ષમાં છેલ્લો દોઢ માસ અભ્યાસ કર્યો હતો. મીરા એરડાના પિતાનો સિંધરોટ નજીક પોતાનો રેસિંગ ટ્રેક છે, જેમાં મીરા નિયમિત પ્રેક્ટિસ કરે છે.
મીરા કહે છે, હવે બધી છોકરીઓ બાઇકરેસિંગ-કારરેસિંગમાં જોવા મળે છે. મારા પપ્પા અને મેં એકેડેમી શરૂ કરી છે ત્યાં મોટર સ્પોર્ટ્સને પ્રમોટ કરવામાં આવે છે. એરડાઝ રેસિંગ એકેડેમી ત્રણ વર્ષથી ઘણા કાર રેસના શોખીનોને ટ્રેનિંગ આપે છે.
મીરા એરડાને સ્વાભાવિક રીતે કાર ચલાવવાનો શોખ છે, પરંતુ તે કહે છે, મને બધી જ સ્પોર્ટ્સ ગમે છે. કારરેસિંગ ઉપરાંત બુકરીડિંગ, ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ રમું છું.
મીરા કહે છે, ‘કારરેસિંગ મારો મનગમતો શોખ છે. મને કારરેસિંગમાં ખૂબ મજા આવે છે. પુરુષો સાથે કારરેસિંગ કરું તે ઘણા લોકોને ગમતું નહોતું. મારી રેસ બગાડવાનો પ્રયાસ કરતા હતા. પુરુષોને હું ટફ કોમ્પિટિશન આપું છે, આથી હવે તે લોકો પણ મને રેસર તરીકે જ નિહાળે છે.
મીરાના મનગમતા સ્પોર્ટ્સ રેસિંગ કારરેસર તરીકે લુઇસ હેમિલ્ટન (ફોર્મ્યુલા વન રેસિંગ) મેક્સ વર્સટેપન (ફોર્મ્યુલા વન) છે. મીરા કહે છે, ‘તેમના કારરેસિંગના કારણે મને પણ તે લોકોની જેમ કાર ચલાવવાની પ્રેરણા મળી છે.
મીરા પાસે 55થી વધુ મેડલ-શિલ્ડ-ટ્રોફી છે. મલેશિયા, થાઇલેન્ડમાં આયોજિત ઇન્ટરનેશનલ લેવલની ગો કાર્ટ એશિયા મેક્સ ચેમ્પિયનશિપમાં મીરાએ ભાગ લીધો છે. ગયા વર્ષે ભારતમાં ફોર્મ્યુલા બીએમડબ્લ્યુ રેસિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં ભારતની એકમાત્ર વડોદરાસ્થિત યુવાન વુમન ડ્રાઇવર મીરા એરડાની પસંદગી થઈ હતી, બે વિદેશી સહિત કુલ 12 ડ્રાઇવરમાં મીરા જ એકમાત્ર યુવતી હતી. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બરમાં દિલ્હી અને કોઇમ્બતુરમાં બીએમડબ્લ્યુ ફોર્મ્યુલા રેસિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. મીરા એરડા ગયા વર્ષે ફોર્મ્યુલા-4માં ચેમ્પિયન થઈ હોવાથી તેની ફોર્મ્યુલા બીએમડબ્લ્યુ રેસિંગ ચેમ્પિયનશિપમાં પસંદગી થઈ હતી.


મીરા એરડા કહે છે, ‘મારી પસંદગીથી હું ખૂબ ખુશ થઈ હતી. આ કાર ભારતમાં ઉપલબ્ધ ન હોવાથી હું ખાસ ટ્રેનિંગ માટે મલેશિયા ગઈ હતી. બપોરે સ્કૂલેથી ઘરે આવ્યા પછી રોજ દોઢ કલાક સિમ્યુલેટર પર પ્રેક્ટિસ કરતી હતી, જે કોમ્પ્યુટરબેઝ સિમ્યુલેશન હોય છે. સવારે ઘરે જ જિમ અને યોગા કરું છું. પ્રેક્ટિસ સાથે અભ્યાસ પર પણ ધ્યાન આપતી હતી. સ્પર્ધા અગાઉ હું સિમ્યુલેટર પર પ્રેક્ટિસ કરું છું. અમારો પોતાનો ટ્રેક હોવાથી ત્યાં પણ રોજ પ્રેક્ટિસ કરવા જાઉં છું.
ગો કાર્ટિંગ રેસિંગની સીઝનમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ બદલ મીરાને મોસ્ટ પ્રોમિસિંગ ફીમેલ ડ્રાઇવર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ધ ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે. મીરાએ 2015માં ગો કાર્ટિંગની સાથે સાથે ફોર્મ્યુલા-4 રેસિંગ ચેમ્પિયનશિપમાં ઝંપલાવ્યું હતું અને બન્ને અલગ અલગ કેટેગરીમાં રેસ કરી હતી. બેન્ગલોરમાં યોજાયેલી 12મી જે. કે. નેશનલ રોટેક્સ મેક્સ કાર્ટિંગ ચેમ્પિયનશિપના સમાપન સમારંભમાં મીરાને મોસ્ટ પ્રોમિસિંગ ફીમેલ ડ્રાઇવરનો એવોર્ડ પ્રદાન થયો હતો. મીરાના રોલમોડેલ તેના પિતા કિરીટ એરડા છે અને બીજા રોલમોડેલ લુઇસ હેમિલ્ટન છે.
મીરા કહે છે, છોકરીઓને પ્રમોટ કરવા, ટ્રેનિંગ આપવા, અમને હેલ્પ મળતી નથી. અમે છોકરીઓ વધારે રેસિંગ કરે તે માટે વધુ પ્રયાસ કરીએ છીએ. ગુજરાતમાંથી ઘણાને મોટર સ્પોર્ટ્સની ખબર નથી. મોટર સ્પોર્ટસનું રેસિંગ નોર્થ અને સાઉથ ઇન્ડિયામાં હૈદરાબાદ, બેન્ગલોર, કોઇમ્બતુરમાં થાય છે. અમારા રેસિંગ ટ્રેકમાં ઘણા લોકોને તાલીમ આપી છે.’
મીરા કહે છે, ગો-કાર્ટ કારની કિંમત ત્રણથી ચાર લાખ છે, જ્યારે ફોર્મ્યુલા કારની કિંમત પાંચથી છ લાખ છે. અમે ગો-કાર્ટ ખરીદી છે, જ્યારે ફોર્મ્યુલા કાર ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝેશન પાસેથી રેન્ટ પર લઈએ છીએ.
ભવિષ્યના આયોજન વિશે મીરા કહે છે, મોટર સ્પોર્ટ્સ ખૂબ જ ખર્ચાળ છે. બજેટ પ્રમાણે ઇન્ડિયન ચેમ્પિયન આગામી વર્ષે ઇન્ટરનેશનલ લેવલે ફોર્મ્યુલા રેસિંગ શરૂ કરીશું. મેં નેશનલ લેવલે આઠ વર્ષમાં 80થી 90 ચેમ્પિયનશિપમાં ભાગ લીધો છે. હાલમાં મીરાને ત્રણ વર્ષ માટે રેડ બુલ સ્પોન્સર કરે છે, જ્યારે જે. કે. ટાયરે એક વર્ષ માટે સ્પોન્સર કરી છે. મીરા કહે છે કે, ભારતમાં હજી બહુ સ્પોન્સર મળતા નથી. ગુજરાત સરકાર કે ભારત સરકારની કોઈ સહાય હજી સુધી મળી નથી. મારે એક ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો અઢી લાખનો ખર્ચ થાય છે. દર વર્ષે 10થી 15 લાખ રૂપિયાથી વધુ ખર્ચ થતો હોય છે.
મીરાના પિતા કિરીટભાઈ અને માતા નીમાબહેન મૂળ સૌરાષ્ટ્રના જામજોધપુરનાં કાઠિયાવાડી રાજપૂત છે. કિરીટભાઈએ પુત્રીનો શોખ સંતોષવા માટે પોતાનો રેસિંગ ટ્રેક એરડાઝ રેસિંગ ટ્રેક સિંધરોટ નજીક તૈયાર કરાવ્યો છે. મીરા કહે છે, ફોર્મ્યુલા-1 ખૂબ જ ખર્ચાળ ગેમ છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. ફોર્મ્યુલા-1માં ભાગ લેવાનું બધા રેસિંગ ડ્રાઇવરોનું સપનું હોય છે, પરંતુ બજેટના કારણે તે સપનું સાકાર થતું નથી. આપણે આશા રાખીએ કે ભારતની એકમાત્ર ફોર્મ્યુલા રેસિંગ કાર ચેમ્પિયન મીરાનું ફોર્મ્યુલા-1 રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું સપનું સાકાર થાય.

લેખક ગુજરાત ટાઇમ્સના ન્યુઝ એડિટર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here