ભારતની ઉત્તર અને દક્ષિણની પ્રજાને જોડનારા અગસ્ત્યમુનિ

0
1157

ઋગ્વેદના જમાનામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું કામ કપરું હતું. ભારતના મોટા ભાગના પ્રદેશોમાં ગાઢાં જંગલો હતાં. બીજી બાજુએ દક્ષિણ ભારતની મધ્યમાં રહેલા વિંધ્યાચલ પર્વતની શૃંખલાને કારણે ઉત્તર ભારતના લોકો દક્ષિણ ભારતના લોકો સાથે સંપર્ક અને સંવાદ સાવ ઓછો કરી શકતા હતા.
આમ છતાં 300 જેટલા ઋષિઓએ ઉત્તર ભારતની જુદી જુદી ગુફાઓમાં બેસીને ધ્યાનપ્રક્રિયા દ્વારા ચિત્તને એકાગ્ર કરીને માનવજાતના હિત માટે સમગ્ર વિશ્વ સાથે એકરૂપ થઈને જે વ્યાપક દર્શન અને શ્રેષ્ઠ જીવનશૈલીનો ખ્યાલ મેળવ્યો તે ખ્યાલને વેદના મંત્રોના ગાન વડે વ્યક્ત કર્યો.
ઋગ્વેદના મંત્રોના ગાનમાં માનવતા, વિજ્ઞાન, સારું ગૃહસ્થજીવન, પર્યાવરણ, તત્ત્વજ્ઞાન, આધ્યાત્મિક, આંતરિક અને બાહ્ય સમૃદ્ધિ, આરોગ્ય અને સુખશાંતિ મેળવવાનું અદ્ભુત અને સાંકેતિક જ્ઞાન છે.
ઋગ્વેદે કહ્યું છે કે માનવજાત સંકુચિત જીવનશૈલીનો ત્યાગ કરીને સૌના હિતને ધ્યાનમાં લઈને પોતાનાં કાર્યો અને વિચારોનું આયોજન કરે તો ભૌતિક સમૃદ્ધિની સાથે માનસિક અને શારીરિક શાંતિ, તૃપ્તિ, આનંદ, હળવાશ અને આરોગ્ય મેળવી શકે. માનવસર્જિત બીમારીઓથી બચીને સુખી, તંદુરસ્ત અને તાજગીસભર જીવન મેળવી શકે.
ઋગ્વેદનાં જુદાં જુદાં સૂક્તોનું ગાન સેંકડો ઋષિઓએ કર્યું છે. ઋગ્વેદના કુલ 10,552 મંત્રોને 10 મંડલ અને સેંકડો સૂક્તોમાં વહેંચવામાં આવ્યા છે. ઋગ્વેદના પ્રથમ મંડલમાં અગસ્ત્ય ઋષિનાં ઘણાં સૂક્તો છે. ઉત્તર ભારતમાં જન્મેલા અગસ્ત્ય ઋષિ કદમાં બટકા હતા, પણ પ્રચંડ મનોબળવાળા, નવીન વિચારોવાળા અને હાથમાં લીધેલા કામને સરસ રીતે પાર પાડનારા હતા. એટલે કે તેઓ ધ્યેયનિષ્ઠ અને કર્તૃત્વવાળા હતા. તેમના વૈદિક સંસ્કૃતિના વિચારોને દક્ષિણ ભારતમાં પ્રસાર કરવાના ધ્યેયને સિદ્ધ કરવામાં તેમની પત્ની લોપામુદ્રાનો સહકાર ખૂબ કામ લાગ્યો. લોપામુદ્રા પોતાનું વ્યક્તિત્વ કે મુદ્રા અલગ ન રાખતાં પતિના આયોજન અને વ્યક્તિત્વમાં લોપ (ઓગાળીને) કરીને કાર્ય કરતી હતી.
આશરે 15,000 વર્ષ પૂર્વે ઉત્તર ભારતમાં વૈદિક વિચારધારાનો પ્રસાર થયો હતો, પણ દક્ષિણમાં રહેલા વિંધ્યાચલ પર્વત અને ગાઢાં જંગલોને કારણે વિંધ્યને પેલે પાર દક્ષિણ ભારતમાં સમરસતા વૈદિક વિચારધારાનો પ્રસાર થયો નહોતો. વૈદિક ધર્મનો દક્ષિણ ભારતમાં પ્રસાર કરવાનું કામ ઉત્સાહી એવા અગસ્ત્ય ઋષિને સોંપવામાં આવ્યું હતું. અગસ્ત્ય ઋષિએ વિચાર્યું કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય તો વૈદિક વિચારોનો પ્રસાર દક્ષિણ ભારતમાં ઝડપથી થાય. તે સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સાવ સાદાં સાધનો અને પરિશ્રમનો ઉપયોગ થતો હતો.
અગસ્ત્ય ઋષિ કોદાળી અને કુહાડી જેવાં બે સાધનો લઈને નીકળી પડ્યા. તેમણે કોદાળીની મદદથી વિંધ્યાચલ પર્વત ખોદવાની શરૂઆત કરી. તેમના આ કાર્યમાં સ્થાનિક લોકોની ખૂબ મદદ મળી. પરિણામે ઘણા પરિશ્રમ અને સમયખર્ચ પછી દક્ષિણમાં જવાનો રસ્તો તૈયાર થયો. આ રસ્તો તૈયાર કરવાની આડે ગાઢાં જંગલો આવતાં હતાં. અગસ્ત્ય અને તેમને મદદ કરનારા લોકોએ કુહાડીની મદદથી ગાઢાં જંગલો કાપીને સાફ રસ્તો તૈયાર કર્યો. તેમણે પહાડ તોડ્યો હોવાથી તેમનું નામ પહાડ તોડનાર કે અગ-સ્ત્ય પડ્યું.
દક્ષિણ ભારતમાં પ્રવેશ પછી અગસ્ત્ય સામે સાવ નવા પ્રકારની સમસ્યાઓ આવીઃ (1) દક્ષિણ ભારતમાં માનવવસતિ વિખરાયેલી અને સાવ જુદાં પ્રકારના સંસ્કારોવાળી હતી. (2) દક્ષિણ ભારતમાં જુદા જુદા વિસ્તારોની ભાષા ઉત્તર ભારતથી સાવ અલગ પ્રકારની હતી. આ સંજોગોમાં તેમણે તમિળ અને અન્ય ભાષાઓ શીખી. તમિળ અને અન્ય ભાષાઓમાં વૈદિક વિચારોનું જ્ઞાન અને લખાણ આપ્યું. દક્ષિણના લોકોને વૈદિક સંસ્કૃતિ, ખેતી, સૈન્ય શક્તિ અને તેની તૈયારી, વૈજ્ઞાનિક સંશોધનો, સારી જીવનશૈલી, ધ્યાન, યોગ, જ્ઞાનશક્તિ અને શ્રમશક્તિના સમન્વય અંગે સરળ ભાષામાં સમજ અને વિવેકનો બોધ કરાવ્યો.
ગંગાની જેમ પહાડોમાં બંધાયેલી કાવેરી નદીના જળને દક્ષિણ ભારતમાં વહેવડાવીને પ્રગટ કરવાનું કામ અગસ્ત્ય ઋષિએ કર્યું હતું. આ તેમનું શ્રેષ્ઠ ઇજનેરી કામ હતું.
અગસ્ત્ય ઋષિ અંગે એક કથા છે કે સમુદ્ર અગસ્ત્યથી ડરી ગયો અને અગસ્ત્યને રસ્તો કરી આપ્યો. આ કથાનો અર્થ છે કે અગસ્ત્ય ઋષિએ વહાણો જેવાં સાધનો તૈયાર કરીને દરિયો પાર કરીને મલેશિયામાં જઈને વૈદિક સંસ્કારોનો પ્રસાર કર્યો. બીજા શબ્દોમાં કહીએ અગસ્ત્યે દક્ષિણ ભારતમાં અને વિદેશમાં વૈદિક સંસ્કારોવાળી વસાહતો સ્થાપી.
દક્ષિણ ભારતમાં અને દક્ષિણ પૂર્વના દેશોમાં પાર વગરના ગરીબો, અભણો અને શાસ્ત્રોના જ્ઞાન વિનાના લોકો વસતા હતા. આ બધાને સારું જીવન કેમ જીવી શકાય તેની વાતો સરળ રીતે સમજાવીને અમલમાં મૂકવાનું શીખવ્યું. તે ગરીબોએ શાસ્ત્રો અને આધ્યાત્મિકતાની અઘરી બાબતો જાણ્યા વિના સરળતાથી અમલમાં મૂકી. પરિણામે ગરીબી હોવા છતાં ખૂબ આનંદ અને સમતુલા સાથે જીવન જીવતાં શીખી ગયા.
તેમણે દર્શાવ્યું કે જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ ભૌતિક વિકાસ અને તકો વધતાં જશે. માણસજાત શક્તિશાળી બનતી જશે. તેથી સંવેદનશીલતા ગુમાવવાની શક્યતા છે. પરિણામે માણસજાત તેની ચેતનાનો ખરાબ ઉપયોગ કરીને મન અને મનની માન્યતાઓને નકારાત્મક બનાવીને સંસારમાં પાર વગરની સમસ્યાઓ સર્જી શકે અને વિશ્વમાં પાર વગરના ઝઘડાઓ અને માનવ અને ભૌતિક સંપત્તિનો નાશ કરી શકે. જેમ જેમ માણસ ભૌતિક પ્રગતિ કરતો જાય તેમ તેમ તેની ચેતનામાં (મનમાં) એવું મૂડીરોકાણ કરવું જેથી કોઈ પણ સ્થિતિમાં આનંદ, મસ્તી અને માનસિક સમૃદ્ધિ વધારીને તેની (મનની) મર્યાદાઓને પેલે પાર જઈને જીવનને સર્વોત્તમ અને સમૃદ્ધ બનાવી શકે. માણસે અન્ય માણસ, જીવજંતુઓ, વનસ્પતિ અને વિશ્વ અંગે આડીઅવળી માહિતી ભેગી કરવાને બદલે શ્રેષ્ઠ માહિતી મેળવીને તેને અંદરથી સમજીને અમલમાં મૂકે તો પંચમહાભૂતોની સાચી વ્યવસ્થા જાણીને વૈશ્વિક અને સર્વોત્તમ સંવાદ અને જીવનશૈલીનો વિકાસ કરી શકે. સારી જીવનશૈલી કેવી રીતે વિકસાવવી તેની વાત ઋગ્વેદના મંત્રોમાં કોડવર્ડમાં સમજાવવામાં આવી છે. આજે પણ સરકાર, સમાજ અને લોકો તેમની ચેતનાના ઊર્ધ્વીકરણ માટે સાવ અલ્પ મૂડીરોકાણ કરે છે, જ્યારે ભૌતિક પ્રગતિ માટે જંગી મૂડીરોકાણ કરે છે. ભૌતિક પ્રગતિ સિદ્ધ કરવા માટે મનનો ખરાબ ઉપયોગ કરતોં અચકાતાં નથી. પરિણામે વ્યક્તિ અને પૃથ્વીની સમસ્યાઓ વધી રહી છે. વ્યક્તિ અને પૃથ્વીની તંદુરસ્તી બગડી રહી છે.
ઋગ્વેદમાં મંડલ 1, સૂક્ત 179 અને મંત્ર નંબર 6માં કહ્યું છે કે સમાજમાં બે વર્ણ કે પ્રકારના લોકો વસે છે. (1) શરીરથી મહેનત કરનારા પરિશ્રમી કે શ્રમપ્રધાન લોકો. શ્રમપ્રધાન લોકો શ્યામવર્ણના હોય છે, કારણ કે તેમણે સૂર્યના તડકામાં વધુ સમય માટે રહીને કામ કરવું પડે છે. શ્રમિકો તેમના શ્યામવર્ણને કારણે લઘુતા કે ઊતરતાપણાનો ભાવ અનુભવે છે. સામાન્ય રીતે શ્રમિકો ચિંતનનું કામ કે માનસિક શ્રમનું કામ કરતા નથી. તેથી ઘણો પરિશ્રમ કર્યા પછી શરીરની શક્તિ જાળવી રાખવા માટે યોગ્ય પોષણ લેતા નથી. યોગ્ય અને દિવ્ય જીવનશૈલી વિકસાવી શકતા નથી. પરિણામે તેઓ શારીરિક અને માનસિક રોગોનો ભોગ બને છે. સમાજમાં શ્રમપ્રધાન લોકોની બહુમતી જોવા મળે છે.
(2) મગજથી કામ કરનારા બુદ્ધિશાળી કે જ્ઞાનપ્રધાન કે વિચારપ્રધાન લોકો. એમ કહેવાય છે કે જ્ઞાન કે વિચારપ્રધાન લોકો પરિશ્રમ અને સૂર્યથી બને તેટલા આઘા રહે છે. તેથી તેઓ શ્વેતવર્ણા હોય છે. જ્ઞાનપ્રધાન લોકોની ચામડી ઊજળી હોવાથી પોતાને ચઢિયાતા સમજવાનો અહંકાર કરે છે. શ્રમને હલકો કે અછૂત ગણે છે. સામાન્ય રીતે જ્ઞાનપ્રધાન લોકો લઘુમતીમાં હોય છે.
આજે લોકો એવું માની રહ્યા છે કે જ્ઞાની માણસો એટલે શિક્ષિત માણસો. શિક્ષિત માણસો તો વાંચવાનું, લખવાનું, સ્માર્ટફોન પર ચોંટીને ભેળસેળવાળી કે અર્થહીન માહિતી ભેગી કર્યા કરવાની. ખુરશી ઉપર બેઠાં બેઠાં કોમ્પ્યુટર ચલાવવા અને હુકમ કરવા. આજે શીખવું એટલે જાણે કામ છોડવું! ભણેલાને કામ કરવામાં શરમ અનુભવાય છે. આજે ઘરકામમાં મદદ કરવાનું કે પોતાની વસ્તુઓ વ્યવસ્થિત રાખવાનું નવી પેઢીને ગમતું નથી. નવી પેઢી શ્રમકામ પાર પાડવા માટે સેવકો કે યંત્રોની મદદની ઇચ્છા રાખે છે. ગિબન નામના લેખકે જણાવ્યું છે કે ઉત્પાદક પરિશ્રમ પ્રત્યે ઘૃણા સેવવાથી રોમન સભ્યતાનો હ્રાસ થયો હતો.
અગસ્ત્ય ઋષિ કોદાળીની મદદથી પરિશ્રમ કરીને ખેતી કરતા હતા. સાથોસાથ આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ કરતા હતા. (ચિંતન કરતા હતા) તેમનામાં શ્રમિક અને જ્ઞાની એમ બન્ને પ્રકારના વર્ણના ગુણો હોવાથી તેઓ દ્વૈ-વર્ણિક તરીકે ઓળખાતા હતા. અગસ્ત્ય ઋષિ દર્શાવતા હતા કે સમાજમાં બે વર્ણ જુદા ન હોઈ શકે. દરેક વ્યક્તિએ અંદરથી જ્ઞાનનિષ્ઠ કે શ્રેષ્ઠ વિચારવાળા અને બહારથી શ્રમનિષ્ઠ કે પરસેવો પાડનાર બનવું જોઈએ. બન્ને શક્તિઓનો સંયોગ, સામરસ્થ અને સમન્વય દરેક વ્યક્તિમાં હોવા જોઈએ. આવો ઉત્તમ આદર્શ અગસ્ત્ય ઋષિએ રજૂ કર્યો. તેઓ ધ્યાનયોગી અને મંત્રદષ્ટા હોવાથી શુક્લવર્ણના હતા, પણ તેની સાથે કોદાળી ચલાવીને પોતાની જીવિકા કમાનારા શ્રમિક હતા. એટલે તેમના પર કૃષ્ણવર્ણ ચઢી ગયો હતો. ટૂંકમાં તેમની ચામડી (ઘઉંવર્ણી મિશ્ર રંગની હતી. તેઓ જ્ઞાની હોવાને લીધે ઋષિ કહેવાતા, પણ તેઓ ખૂબ મહેનતુ હોવાથી તેમને ઉગ્ર કહેવાતા. તેથી ેતેમનુ નામ ઉગ્રઋષિ પડ્યું.
અગસ્ત્યે દર્શાવ્યું કે શ્રમનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા વચ્ચે જો સંવાદ હોય તો તે બાબત માનવજાત, રાષ્ટ્ર, વિશ્વ, અર્થનીતિ, રાજનીતિ અને પર્યાવરણ માટે ઉપકારક બની શકે છે. આ બન્ને વચ્ચે કોઈ વિરોધ નથી. શ્રમનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠાના સમન્વય માટે સાધના અથવા અભ્યાસ કરતાં શીખવાની જરૂર છે. કેવળ આધ્યાત્મિક કે વૈચારિક શ્રમ કે ફક્ત શારીરિક શ્રમથી સંતોષ અને તૃપ્તિ ન મળી શકે.
હા, એવું બની શકે કે સમાજમાં કોઈ શારીરિક શ્રમ વધારે કરતું હશે તો કોઈ માનસિક શ્રમ વધારે કરતું હશે, પણ જેઓ પાસે બુદ્ધિશક્તિ વધારે હોય તેઓ થોડો શારીરિક શ્રમ કરે અને જેઓ પાસે શારીરિક શ્રમ વધારે હોય તેઓ થોડો બૌદ્ધિક શ્રમ કરે તો બન્નેને લાભ થશે. બન્નેની શારીરિક શક્તિ અને માનસિક શક્તિ અને તેજસ્વિતામાં વધારો થશે. બન્નેના આરોગ્યમાં સુધારો થશે. બન્નેના દુર્ગુણો ઘટશે. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં સુખ અને શાંતિનો પ્રસાર થશે.
ઈશ્વરે માણસને માથું એટલે ચિંતન આપ્યું છે. સાથોસાથ પેટ અને ભૂખ આપ્યાં છે. ભૂખ સંતોષવા પરિશ્રમ કરીને કમાણી કરવી જરૂરી છે. માટે દરેકે પરિશ્રમ અને ચિંતન બન્ને કરવાનાં છે. આ રીતે માણસને હાથ અને આંગળીઓ આપ્યાં છે. દરેક હાથની ત્રણ આંગળીઓ દર્શાવે છે કે તેની મદદથી લખાણ, શિક્ષણ અને ચિંતનની તાલીમ મેળવવાનાં છે. એટલે કે જ્ઞાનોપાસના કરવાની છે. આ ત્રણ આંગળીઓની સાથે બીજી બે આંગળીઓનું શિક્ષણ મળે ત્યારે શ્રમ કરવાનું શિક્ષણ મળે છે. આમ હાથ જ્ઞાન અને શ્રમ બન્નેનું શિક્ષણ મેળવવાનો સંદશો આપે છે. ઉપરની ચર્ચા દર્શાવે છે કે દરેક માણસે પરસેવો પાડીને પોતાની રોટી (બ્રેડ-લેબર) કમાવી જોઈએ. શરીર-નિર્વાહ માટે જે આજીવિકા મેળવાય તે જ્ઞાન અને શ્રમના મિશ્રણથી મેળવાય તો સમાજમાંથી શોષણ અને હિંસા દૂર થશે.
ઋગ્વેદમાં 4.33.11માં મંત્રમાં દર્શાવ્યું છે કે શ્રમ કરવાથી માણસ પરસેવો પાડી શ્રાંત (થાકી જાય) થાય છે ત્યારે ઈશ્વર ગાઢ ઊંઘ આપીને માણસને ખરાબ સ્વપ્નોથી બચાવે છે. માણસના અવયવોનું શુદ્ધીકરણ કરીને સ્વાસ્થ્ય આપે છે. માણસને દુઃખી થવા દેતો નથી.
આજે પરિશ્રમ કરવો ન પડે કે બુદ્ધિ ચલાવવી ન પડે અને કમાણી થાય, જીવન ચાલે અને આરામ મળે તેવી ઇચ્છાઓ રાખનારાઓ એટલે કે આળસુ લોકો ઘણાં બધાં દુઃખો પેદા કરે છે. શારીરિક અને માનસિક શ્રમના બદલામાં લક્ષ્મી મેળવનાર લોકોના શ્રમથી થનારા કષ્ટનું દિવ્યતામાં રૂપાંતર થાય છે. તેથી તેમને માટે રોજ નૂતન અને ઉત્તમ સૃષ્ટિ પેદા થાય છે. તમારા પરિશ્રમથી તમને આનંદ થાય તો માનજો કે રોજ તમને ભગવાનનો સ્પર્શ થશે. તમારી જિંદગી રમણીય બની જશે. અઅીં અગસ્ત્યે કષ્ટમય જીવન કે શ્રમયમ જીવનના ગૌરવની વાત કરી છે.
અગસ્ત્ય મોટા વૈજ્ઞાનિક હતા. તેમનું અગસ્ત્યસંહિતા નામનું પુસ્તક ઉજ્જનની રોયલ લાઇબ્રેરીમાંથી 1924માં મળ્યું. આ પુસ્તક 4000 વર્ષ જેટલું જૂનું છે. તેમાં ઘણી બધી એડવાન્સ ટેક્નોલોજીની, તેની ફોર્મ્યુલાની અને રહસ્યની વાતો લખેલી છે. આ પુસ્તકમાં પેરાશૂટ, હવામાં ઊડવાનાં સાધનો, વીજળી ઉત્પાદનની પદ્ધતિઓ, ડ્રાય ઇલેક્ટ્ર્કિ બેટરી બનાવટની ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તકની વૈજ્ઞાનિક ફોર્મ્યુલાને આધુનિક વિજ્ઞાન લેબમાં ચકાસતાં જણાયું છે કે આ બધી ફોર્મ્યુલા સાચી અને અમલમાં મૂકી શકાય તેમ છે. આ અંગે સત્યતા જાણવા મિશિગન અને કેલિફોર્નિયાની લેબમાં પ્રયોગ થયા છે. અગસ્ત્યની ડ્રાય બેટરી બનાવવાની ફોર્મ્યુલા સાચી સાબિત થઈ છે.
અગસ્ત્યે દર્શાવ્યું કે આપણે મોટા પાયા પર ભૌતિક વિકાસ કરવા પ્રયાસ કરીને આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકીએ, પણ આવી આર્થિક સમૃદ્ધિ ત્યારે ટકી શકે કે જ્યારે આપણું ચિંતન બીજાને પણ સમૃદ્ધ, સુખી અને સ્વચ્છ રાખવાનું હોય. જો પૃથ્વીનાં સાધનોને બેફામ રીતે વાપરીએ, બગાડ કરીએ અને શોષણ કરીએ તો પૃથ્વી અને પર્યાવરણ બદલો લીધા વગર રહેવાના નથી. પાણીની અછત, રોગ, વિવિધ પ્રકારના પ્રદૂષણો, વિનાશક ઋતુ પરિવર્તનો અને પાર વગરનાં કષ્ટો આવવાનાં છે. આપણે આધ્યાત્મિક સાધના દ્વારા પૃથ્વી, પર્યાવરણ અને અન્ય જીવસૃષ્ટિની પ્રેમથી સેવા કરતાં શીખવાનું છે.
એમ કહેવાય છે કે અગસ્ત્ય ઋષિનું આયુષ્ય 4000 વર્ષનું હતું. અગસ્ત્ય ઋષિએ પગપાળા ચાલીને, પહાડો તોડીને, જંગલો કાપીને દક્ષિણ ભારતની પ્રજાને વૈદિક વિચારો આપવા માટે લાંબો પ્રવાસ કર્ર્યો હતો. તે જોતાં જણાય છે કે તેમનું આયુષ્ય 100 વર્ષથી વધુ હશે, પણ તેમનું આયુષ્ય 4000 વર્ષ જેટલું લાંબું ન હોઈ શકે. તેમણે વૈદિક વિચારોની ક્રાંતિકારી વિચારધારા તેમના શિષ્યોને આપી. આ શિષ્યોએ અગસ્ત્યની વિચારધારાને 4000 વર્ષ સુધી ટકાવી માટે એમ કહી શકાય કે અગસ્ત્યની વિચારધારાનું આયુષ્ય 4000 વર્ષ જેટલું હતું.
અગસ્ત્ય મુનિએ તેમના વૈદિક વિચારો દક્ષિણનાં ગામોમાં ફેલાવ્યા. તેથી તેમની યાદમાં મોટા ભાગનાં ગામોમાં અગસ્ત્યનાં મંદિર બનાવવામાં આવ્યાં. અગસ્ત્ય મુનિએ ઉત્તર અને દક્ષિણ ભારતને અને પ્રજાને જોડવાનું કામ કરવા માટે દક્ષિણમાં વસી ગયા. તેથી પાછા ઉત્તરમાં જઈ શક્યા નહિ. અગસ્ત્ય ઋષિએ ભારતની ઉત્તર દક્ષિણની પ્રજાને જોડવા માટે ઉપર મુજબના વિચારો આપ્યા. આપણને અગસ્ત્યના વિચારો અને આદર્શની યાદ રહે તે માટે આકાશના એક મોટા તારાને અગસ્ત્યનું નામ આપવામાં આવ્યું આ આ તારો સવારે દક્ષિણ દિશામાં સતત ચમકે છે. આ તારો હંમેશાં દક્ષિણ રહે છે. આપણા મન અને જળને સ્વચ્છ કરવાની પ્રેરણા આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here