ભારતના 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મેડિસન એવન્યુમાં ભવ્ય પરેડ

પદ્મશ્રી ડો. સુધીર પરીખ સાથે મિનિસ્ટર (ડાબે), પૂજા કુમાર, કમલ હસન અને કૈલાસ ખેર.

ડો. સુધીર પરીખ અને ડો. સુધા પરીખનું સન્માન કરતા કમલ હસન (જમણે) કૈલાસ ખેરનું સન્માન કરતા
શ્રુજલ પરીખ, રમેશ પટેલ, વિદ્યાધર ગણપતિ

રુચિ વૈષ્ણવ
ન્યુ યોર્કઃ ફેડરેશન ઓફ ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટ દ્વારા 19મી ઓગસ્ટ, રવિવારે આયોજિત ભારતની બહાર યોજાતી વિશ્વની સૌથી વિશાળ ઇન્ડિયા ડે પરેડમાં મેડિસન એવન્યુમાં દોઢ લાખથી વધારે ભારતીય અમેરિકનો ઊમટી પડ્યા હતા. વરસાદી દિવસ હોવા છતાં પણ મોટી સંખ્યામાં નાગરિકો ઊમટ્યા હતા જે આ પરેડની લોકપ્રિયતા દર્શાવે છે.
દર વર્ષે એફઆઇએ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટની નજીકના રવિવારે ઇન્ડિયા ડે પરેડનું આયોજન કરવામાં આવે છે જેની આતુરતાથી ભારતીય-અમેરિકન સમુદાય રાહ જોતો હોય છે.
વસુધૈવ કુટુંબકમ્ નામની થીમ સાથે યોજાયેલી આ પરેડ એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખના નેતૃત્વમાં યોજાઈ હતી, જે મેડિસન એવન્યુથી શરૂ થઈ હતી. પરેડમાં શ્રુજલ પરીખ, એફઆઇએ ફલોટ સાથે તેમનાં પત્ની ક્રીના પરીખ, ગ્રાન્ડ માર્શલ કમલ હસન, ગેસ્ટ ઓફ ઓનર અભિનેત્રી શ્રુતિ હસન, કોમ્યુનિટી ગ્રાન્ડ માર્શલ ચિન્ટુ પટેલ અને તેમનાં પત્ની, પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ અને તેમનાં પત્ની ડો. સુધા પરીખ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટમાં 15મી ઓગસ્ટે યોજાયેલી પત્રકાર પરિષદમાં શ્રુતિ હસને જણાવ્યું હતું કે મને ખ્યાલ નહોતો કે જે પરેડ માટે હું ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહી હતી તે પરેડના ગ્રાન્ડ માર્શલ મારા પિતા છે. આ વર્ષે પરેડના ટાઇટલ સ્પોન્સર પ્યારડોટકોમ હતા.
પ્યારડોટકોમના ચિન્ટુ પટેલે ન્યુ જર્સીમાં રોયલ આલ્બર્ટ્સ પેલેસમાં આયોજિત ગાલા ડિનરમાં જણાવ્યું હતું કે એફઆઇએ ઇન્ડિયા ડે પરેડનો આ વર્ષે હિસ્સો બનતાં ગૌરવની લાગણી અનુભવાય છે. આ વર્ષે એફઆઇએ દ્વારા કોમ્યુનિટી ગ્રાન્ડ માર્શલની પહેલ શરૂ કરાઈ છે. હું ભાવિ પેઢીને આ પરેડમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરું છું.
અન્ય માનવંતા મહેમાનો અને મુખ્ય મહેમાનોમાં પૂર્વ ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ, બોલીવુડના અભિનેતા અનુપમ ખેર, ગાયકો શિબાની કશ્યપ, મીકી સિંહ અને કૈલાસ ખેર તેમ જ દ્વારકેશલાલજી મહારાજનો સમાવેશ થતો હતો.
કૈલાસ ખેરે જણાવ્યું હતું કે ભારતની બહાર વિશાળ પરેડમાં ભાગ લેવાનો અને આપણી માતૃભૂમિ ભારતનો સ્વાતંત્ર્ય દિન અમેરિકામાં ઊજવાઈ રહ્યો છે તેનો આનંદ છે.


આઇટીવી ગોલ્ડ અને પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફલોટ્સ, (જમણે) પરેડમાં બ્રહ્માકુમારી વર્લ્ડ આધ્યાત્મિક સંગઠને પણ ભાગ લીધો હતો.
ગાલા ડિનરમાં શ્રુતિ હસને ભારતીય-અમેરિકન સમુદાયની ભારતની બહાર સુંદર સમુદાય રચવા માટે પ્રશંસા કરી હતી.
પરેડમાં કુલ 37 ફલોટ, 40 માર્ચિંગ ગ્રુપ અને પાંચ માર્ચિંગ બેન્ડ જોડાયા હતા. આ પરેડ દરમિયાન બોલીવુડનાં દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યાં હતા. પરેડ દરમિયાન ભારતીય તિરંગો લહેરાતો હતો. પરેડની શરૂઆત મેડિસન એન્વુયમાં 38મી સ્ટ્રીટથી થઈ હતી, જે 26મી સ્ટ્રીટ સુધી યોજાઈ હતી.
આ પછી યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ટેલેન્ટ દ્વારા પરફોર્મન્સ, સેલિબ્રિટી દ્વારા પરફોર્મન્સ, વિવિધ સ્પોન્સરોનું સન્માન કરવામાં આવ્યું હતું. 26મી સ્ટ્રીટમાં ફૂડ સ્ટોલ અને સ્પોન્સર બૂથ ઊભાં કરવામાં આવ્યાં હતાં.
પરીખ વર્લ્ડવાઇડ મિડિયા ફલોટને કંપનીનાં વિવિધ પ્રકાશનો રજૂ કરતાં બેનરોથી શણગારવામાં આવ્યો હતો, જેમાં ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ, દેશી ટોક, ગુજરાત ટાઇમ્સ, યુએસ-ઇન્ડિયા ગ્લોબલ રિવ્યુ, ધ ઇન્ડિયન-અમેરિકનનો સમાવેશ થતો હતો. પરીખ વર્લ્ડવાઇડ મિડિયાનો હિસ્સો ગણાતા આઇટીવી ગોલ્ડનો ફલોટ પણ જાણીતા એન્કરોની તસવીરો દર્શાવતો હતો અને શણગારવામાં આવ્યો હતો.
આ પરેડમાં ભાગ લેનારા અન્ય વિવિધ ફલોટ્સમાં એર ઇન્ડિયા, રોયલ આલ્બર્ટ્સ પેલેસ- ટીવી નાઇન, ડેઇલી ન્યુઝ, ડન્કિન ડોનટ્સ, ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ, રિપ્લેસ ન્યુ યોર્ક, બીસીબી ઇન્ડસ અમેરિકન બેન્ક, સોની ટીવી, પ્યારડોટકોમ, સલીન્ગ ટીવી, અમેરિકન એસોસિયેશન્સ ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી), સ્ટાર ટીવી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બિહાર ઝારખંડ એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા, આપકા કલર્સ, ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ વગેરેનો સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here