ભરઉનાળે અષાઢી માહોલઃ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત-કચ્છમાં કમોસમી વરસાદ

મધ્ય પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ તેમ જ ગુજરાત પર છવાયેલા અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનના પગલે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં બુધવારે બપોર પછી પલટો આવ્યો હતો અને ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. (બન્ને ફોટોસૌજન્યઃ એબીપીઅસ્મિતા)

રાજકોટ/ભૂજ/કડીઃ મધ્ય પ્રદેશના દક્ષિણ-પશ્ચિમ તેમ જ ગુજરાત પર છવાયેલા અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનના પગલે સમગ્ર ગુજરાતના વાતાવરણમાં બુધવારે બપોર પછી પલટો આવ્યો હતો અને ભરઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. હળવદમાં મયૂરનગરમાં વીજળી પડતાં મહિલા સીમાબહેન કવાડિયા અને પાંચ વર્ષના બાળક મેહુલ તડવીરનું મોત થયું હતું. આ અગાઉ મંગળવારે પાટણ જિલ્લાના સમી તાલુકાના નાની ચુંદરમાં વીજળી પડવાથી એક યુવકનું મોત થયું હતું.

ઉત્તર ગુજરાતના રાધનપુર, કડી, હારીજ, થરાદ, કડી, ઊંઝામાં માવઠું થયું હતું. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગરમાં, કચ્છના ભૂજમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે ઉનાળાની ગરમીમાં લોકોને આંશિક રાહત મળી હતી. પાકને નુકસાન થવાની સાથે સાથે માર્કેટ યાર્ડમાં હરાજી માટે આવેલો પાક પલળી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.

મહેસાણા જિલ્લાના કડીમાં મોડી સાંજે ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કચ્છમાં ભૂજમાં સાંજે બરફના કરા અને તોફાની પવન સાથે અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી ઊંઝા માર્કેટ યાર્ડ સહિત અનેક એપીએમસી માર્કેટમાં ખુલ્લો પડેલો ઘઉંનો જથ્થો પલળી ગયો હતો. ઊંઝા અને રાધનપુર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો વરિયાળી, ઇસબગૂલ, જીરુ સહિતનો માલ ભીનો થઈ ગયો હતો. વરસાદને પગલે ઊંઝા યાર્ડમાં હરાજીની કામગીરી બંધ રખાઈ હતી.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી હવામાનમાં આવેલા પલટા પછી બુધવારે ધોરાજી-ઉપલેટા-ઢાંક પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડાથી વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાસાયી થયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here