બ્રેકફાસ્ટ બેઠકઃ એકજૂટ થવાની રાહુલ ગાંધીની હાકલ

REUTERS

 

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે બોલાવેલી બ્રેકફાસ્ટ બેઠકમાં કહ્યું હતું કે તમને આમંત્રવાનો એક જ આશય છે અને તે છે એકજૂટ થવાનો. આપણે એકજૂટ થઈશું તો આપણો અવાજ વધુ બુલંદ અને શક્તિશાળી બનશે એમ જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ અને આરએસએસ માટે આપણો અવાજ દબાવી દેવાનું વધુ મુશ્કેલ બનશે. 

વિપક્ષના નેતાઓને તેમણે કહ્યું હતું કે એકતાનું મહત્ત્વ આપણને ખબર હોવું જોઈએ અને આ પાયાના સિદ્ધાંતથી જ આપણે આરંભ કરવાનો છે. 

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી દ્વારા કોનિ્સ્ટટ્યૂશન ક્લબ ખાતે યોજવામાં આવેલી આ બેઠકમાં વિપક્ષના અનેક નેતાઓએ હાજરી આપી હતી. 

કોંગ્રેસના અંદાજે ૧૦૦ સાંસદ ઉપરાંત ટીએમસી, એનસીપી, શિવસેના, ડીએમકે, માર્ક્સવાદી પક્ષ, સામ્યવાદી પક્ષ, રાજદ અને સમાજવાદી પક્ષના સાંસદો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેએમએમ, જેકેએનસી, આઈયુએમએલ, આરએસપી, કેસીએમ, એલજેડીના નેતાઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. 

આ બેઠકમાં ૧૭ વિપક્ષને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બેઠક બાદ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ અનેક સાંસદોએ ઈંધણના ભાવવધારાના વિરોધમાં સંસદભવન સુધીને સાઈકલ રેલી કાઢી હતી.  

ઈંધણના ભાવને મામલે દેશવાસીઓ ઝઝૂમી રહ્યા છે. આપણે સાઈકલ ચલાવીને સંસદભવન સુધી જઈશું તો તેની અસર જોવા મળશે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું. બેઠકમાં રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીરરંજન ચૌધરી, કે. સી. વેણુગોપાલ, આનંદ શર્મા અને પી. ચિદમ્બરમે પણ હાજરી આપી હતી. 

બેઠકમાં ઉપસ્થિત રહેનારા અન્ય નેતાઓમાં સૌગાતા રોય, કલ્યાણ બેનરજી, મોહુઆ મોઈત્રા (ટીએમસી), સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના), મનોજ ઝા (રાજદ), કનિમોઝી (ડીએમકે) અને રામગોપાલ યાદવ (એસપી)નો સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here